જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનના એક મિત્ર અત્યંત નાસ્તિક હતા. એકવાર એ
આઈનસ્ટાઈનને મળવા ગયા ત્યારે એક મોટું સોલાર મશીન એમના ઘરમાં પડ્યું હતું. મિત્રએ
આઈનસ્ટાઈનને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યું?’ આઈનસ્ટાઈને કહ્યું, ‘કોઈએ નહીં.’ મિત્રએ વારંવાર પૂછ્યું
પણ, આઈનસ્ટાઈને એક જ જવાબ આપ્યો… એકસરખું એ કહેતા રહ્યા કે, મશીન કોઈએ બનાવ્યું
જ નથી. અંતે, મિત્ર અકળાઈ ગયા ત્યારે આઈનસ્ટાઈને કહ્યું, ‘આ એક લોખંડના મશીન વિશે પણ
જો તમે એ વાત માની નથી શકતા કે કોઈએ ન બનાવ્યું હોય તો આવું મશીન બને નહીં… તો
માણસના શરીર જેવી અદભૂત રચના કરનાર ‘કોઈક’ હશે એવું માનવા તમે કેમ તૈયાર નથી?’
નાસ્તિક હોવાની એક ફેશન હમણાં વારંવાર સાંભળવા મળે છે. એક જાણીતા
અભિનેતા અને ખૂબ સારા લેખક પોતાના ઈન્સ્ટાગ્રામના હેન્ડલ પર પોતાની જાતને ‘નાસ્તિક’ તરીકે
ઓળખાવે છે. સવાલ એ છે કે, આસ્થા કે અનાસ્થા, આસ્તિક કે નાસ્તિકની વચ્ચે ફેર શું છે? આપણે
જેને નકારીએ છીએ, એનું અસ્તિત્વ નકારવા માટે પણ પહેલાં તો સ્વીકારવું પડે કે નહીં? વાત કદાચ
ન સમજાઈ હોય તો વધુ વિસ્તારથી એવી રીતે સમજી શકાય કે, ‘જે નથી’ એમ કહેવું છે, તે શું છે…
એવું તો ક્યાંક અને કોઈક રીતે સ્વીકારવું પડે કે નહીં? આજકાલની યુવા પેઢી ઈશ્વરના અસ્તિત્વ
વિશે પ્રશ્ન ઉઠાવે છે, ખાસ કરીને યજ્ઞ, પૂજા, મંદિર અને ધાર્મિક પ્રક્રિયાઓ વિશે એમને ઘણા સવાલો
છે. આપણે ધર્મની દ્રષ્ટિએ કેટલાંક ભોજનને ત્યાગી દઈએ છીએ ત્યારે પણ યુવા પેઢીને એ વિશે
કુતૂહલ અને ક્યારેક વિરોધ જન્મે છે.
જ્ઞાનવાપી મસ્જિદ પછી હવે મથુરાની કોઈ મસ્જિદ વિશે ચર્ચા ઊભી થઈ છે.
ગ્રોવસેએ નોંધ્યું છે કે, આ નગરમાં અથવા એની આસપાસના પ્રદેશમાં પ્રાચીન યુગનું કોઈ મકાન
સાચવવામાં આવ્યું નથી. 1669માં કેશવદેવના મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું. ઔરંગઝેબના
શાસનકાળમાં 11મા વર્ષે આ ઘટના બનેલી જેના પર મસ્જિદ ખડી કરવામાં આવેલી. 104 ફૂટ
લાંબુ અને 653 ફૂટ પહોળું ઈંડાકાર મકાન અને તેના પર ઈદગાહ ચણવામાં આવી છે. આ એ જ
મસ્જિદ છે કે બીજી આપણે એ નથી જાણતા, પરંતુ પ્રફુલ્લ ગોરડિયાના પુસ્તક ‘ધ સેફરોન બુક’નો
અનુવાદ મૌલિક જોશીએ ‘હિન્દુત્વનું પ્રભાત’ તરીકે કર્યો છે. જેમાં હિન્દુ ધર્મ વિશેની કેટલીક એવી
બાબતો આપણને જાણવા મળે છે જેના વિશે આપણે તદ્દન અજાણ્યા જ નહીં, બેવકૂફીની હદે
અજ્ઞાની પણ છીએ.
શાસ્ત્ર સંપૂર્ણપણે વિજ્ઞાન અને આયુર્વેદ પર આધારિત છે. આપણે પૂરેપૂરું સમજતા
નથી કારણ કે, વાંચતા નથી. જાણતા નથી. બીજા પાસેથી સાંભળેલી વાતોને આપણે આપણી ધાર્મિક
માન્યતા તરીકે પ્રસ્થાપિત કરી દીધી છે. પાપ અને પુણ્ય વિશે આપણી પાસે પોતાની વ્યાખ્યા અને
માન્યતાઓ છે. આપણે બીજાને પણ એ માન્યતા માનવા, સ્વીકારવા પહેલાં આગ્રહ અને પછી
દબાણ કરીએ છીએ. આપણી પાસે કોઈ લોજિક નથી, એમના પ્રશ્નોના જવાબો નથી માટે આપણે
એમને ધર્મથી ડરાવીએ છીએ.
સત્ય તો એ છે કે, ઈશ્વર આપણી કલ્પના છે. પરમતત્વ અથવા કશુંક એવું છે જે
આપણને સૌને ચૈતન્ય પ્રદાન કરે છે. આપણા શ્વાસ ચાલે છે, વરસાદ પડે છે, નાળિયેરમાં પાણી
ભરાય છે, સંતરામાં ફાંક એકસરખી ગોઠવાય છે, આંબો વાવવાથી કેરી જ ઊગે છે અને ખેતરમાં ઘઉં
વાવવાથી બાજરી નથી ઊગતી… આ વિજ્ઞાન તો છે જ, પરંતુ એની સાથે ક્યાંક અદભૂત પ્રકારના
અધ્યાત્મિક અનુસંધાન પણ છે. આ અધ્યાત્મિક અનુસંધાનો વિશે આપણી પાસે માહિતી નથી માટે
આપણે એને ‘ઈશ્વર’નું નામ આપી દીધું છે.
હવે ગુજરાતી કે બીજી માતૃભાષાઓનું મહત્વ ઘટતું જાય છે અને અંગ્રેજી ભાષાના
મીડિયા પરના કાબૂને કારણે જે પૂર્વગ્રહ ઊભો કરવામાં આવે છે એ પૂર્વગ્રહ આપણી પેઢીને ખાઈ
રહ્યો છે. માણસ જે ભાષામાં લખે-વાંચે એ જ ભાષામાં એના વિચાર ઘડાય. બ્રિટીશરોએ ભારતીયોને
એમની શ્રધ્ધા અને સંસ્કૃતિની વિરુધ્ધ કર્યા. લોડ મેકોલે અને સર ચાર્લ્સ ટ્રેવેલ્યના લખાણો વાંચીએ
તો સમજાય કે હિન્દુ ધર્મની શ્રધ્ધાના પાયા હચમચાવવાનું મુખ્ય કામ બ્રિટીશરોએ કર્યું. હવે પશ્ચિમ
વધુને વધુ હિન્દુ સંસ્કૃતિ તરફ આકર્ષાય છે જ્યારે આપણે ત્યાં નવી પેઢી પાશ્ચાત્ય, સંસ્કૃતિ તરફ
આકર્ષાઈને આપણા ધર્મથી દૂર થઈ રહી છે.
મુસ્લિમ અને હિન્દુ આવા બે જુદા ધર્મો ચોક્કસ છે, પરંતુ 1947 પહેલાં કોઈ દિવસ
આ બે ધર્મો એકબીજાની સામે આવ્યા નથી. 1947માં ભારતના ભાગલા થયા ત્યારે પોતાના ધર્મમાં
અખૂટ આસ્થા ધરાવનાર બે ધર્મોને એકમેકની સામે ઊભા કરી દેવામાં આવ્યા. ભારતના મુસ્લિમોના
મનને બદલી નાખનારા પરિબળો કયા હતા એ વિશે હવે ચર્ચા કરવાનો અર્થ નથી, પરંતુ નવાઈની
વાત એ છે કે, સરહદો નક્કી કરીને-દેશ પ્રત્યેની વફાદારી સાથે જ્યારે ધર્મને સેળભેળ કરી દેવામાં
આવ્યા ત્યારે જે-તે દેશમાં વસનારા લોકો એકમેકને ધાર્મિક રીતે પણ ધિક્કારવા લાગ્યા. આમ જોવા
જઈએ તો જુનવાણી અને રૂઢિચુસ્ત કેથલિકની સામે આત્મસંયમમાં માનનારા અને જુદી જ રીતે
ક્રિશ્નાનિટીને જોતાં પ્રોટેસ્ટન્ટ પણ સામસામે છે, શિયા-સુન્નીના યુધ્ધ પણ અજાણ્યા નથી… અર્થ
એ થયો કે, જ્યાં જ્યાં ધર્મ આસ્તિકતા અને અધ્યાત્મિકતામાંથી નીકળીને અંગત સ્વાર્થ, અહંકાર અને
રૂઢિચુસ્તતામાં ધસડાય છે ત્યાં બધે માણસ માણસની સામે ઊભો થઈ જાય છે.
રામને સમાધાન નહીં કરનારા, આદર્શ ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે જ્યારે
શ્રીકૃષ્ણને પ્રેક્ટીકલ-વાસ્તવવાદી અને સર્વસ્વીકૃત ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ક્યાંક એ
ગિરધરગોપાલ છે, ક્યાંક ગોપીના વસ્ત્ર ચોરે છે અને ક્યાંક દ્રૌપદીના વસ્ત્ર પૂરે છે… સમયને
ઓળખીને જે ઈશ્વર પરિસ્થિતિ અનુસાર વર્તે એ કદાચ આજની પેઢીને વધુ સ્પર્શી શકશે. સમજી
અને સમજાવી શકતા ઈશ્વર તરીકે સ્વીકારવા સહેલા પડશે.
સવાલ કોઈ એક ધર્મનો નથી. હિન્દુત્વનું મહત્વ એ છે કે, એ માત્ર કર્મકાંડ અને
પૂજાપાઠનો ધર્મ નથી. આખા વિશ્વને આવરી લેતી આધ્યાત્મિકતા સાથેની વૈશ્વિક જીવનશૈલી આ
ધર્મમાં વણી લેવામાં આવી છે. ખાનપાન, પ્રામાણિકતા અને પર્યાવરણને પણ ધર્મ સાથે જોડી લઈને
હિન્દુત્વએ આપણને આવનારા હજારો વર્ષો સુધી સ્વસ્થ અને શાંત જીવન માટેનો રસ્તો બતાવ્યો
હતો, પરંતુ એ રસ્તે નહીં ચાલીને આપણે સૌ આજે એક એવા મકામ પર પહોંચ્યા છીએ જ્યાં ન
આગળ જવાનો રસ્તો છે, ન પાછા ફરી શકવાની કોઈ ગુંજાઈશ બાકી બચી છે.