દીકરો વંશ છે તો દીકરી અંશ છે; દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે

દર અઠવાડિયે અખબારોમાં એકાદ ભારતીય દીકરી વિધર્મી યુવકની જાળમાં ફસાયાના
સમાચાર વાંચવા મળે છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં પણ આવા સમાચારો ખૂબ વાયરલ
થાય છે. આવા છોકરાઓને શોધીને એમના ઉપર દબાણ વધારવાનો પ્રયાસ સરકાર કરતી રહે છે. એ
માટેના કાયદા પણ ઘડવામાં આવ્યા છે તેમ છતાં, આવા કિસ્સા ઘટતા નથી એ આશ્ચર્યની વાત છે.
વક્તવ્ય માટે બોલાવતી સંસ્થાઓ પણ એમના વક્તાઓને વારંવાર વિનંતી કરે છે કે, દીકરીઓને એવી
સલાહ આપે કે, પ્રેમી સાથે ઘર છોડીને ભાગી જવાથી એમનું જ નુકસાન થશે !

એક તરફથી આપણે દીકરીઓને ભણાવીએ છીએ. એમને ‘પોતાના પગ પર’ ઊભી રહેતી
કરવાના ખ્યાલો સાથે એમને બહાદ્દુર, વિચારતી અને સ્માર્ટ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ,
બીજી તરફ એ જ દીકરીઓએ ‘જ્ઞાતિમાં પરણવું પડે’ એવો આગ્રહ રાખીએ છીએ. આપણા વર્ણાશ્રમો
ઉત્તમ છે અને સદીઓ પહેલાં આપણા ઋષિઓએ ઘણું વિચારીને ગોઠવ્યા છે એવું સ્વીકારી લઈએ
તો પણ, ફક્ત વર્ણાશ્રમને આધારે ગોઠવાયેલો સમાજ ક્યારેય ટકી શકતો નથી એ પણ આપણે
સ્વીકારવું જ પડે. એ સમયના ઋષિઓ શાસ્ત્રની સાથે શસ્ત્રો ધારણ કરતા… એવી જ રીતે આજના
સમયમાં પણ વર્ણાશ્રમની વ્યવસ્થાને પૂર્ણ સન્માન આપીએ તો પણ બીજી જ્ઞાતિમાં કે બીજા
સમાજમાં આપણી દીકરી દુઃખી જ થશે એવું માની લેવું જરા વધારે પડતું છે.

એક સમય હતો કે, જ્યારે દીકરીઓ ઘરની બહાર જતી જ નહોતી. માતા-પિતાની આજ્ઞા
અનુસાર યોગ્ય વર જોઈને એમના લગ્ન કરવામાં આવતાં, તેમ છતાં સ્વયંવરની વ્યવસ્થા આ દેશમાં
હતી જ. સ્વયંવરમાં મૂરતિયાની યોગ્યતા ચકાસવા માટે શર્તો પણ રાખવામાં આવતી, એની પરીક્ષા
કરવામાં આવતી એ સાચું… પરંતુ, જો કોઈ મૂરતિયો પરીક્ષામાં પાર ઊતરે તો એની યોગ્યતા એની
જ્ઞાતિ કે જાતિ કરતાં વધુ મહત્વની માનીને કન્યાને એ મૂરતિયા સાથે વરાવતા માતા-પિતા રાજીપો
અનુભવતા. ‘મહાભારત’માં અર્જુન જ્યારે મત્સ્યભેદ કરવા ઊઠે છે ત્યારે બ્રાહ્મણના વેશમાં છે, પરંતુ
એમને રોકવામાં આવતા નથી જ્યારે, કર્ણને (અંગ દેશનો રાજા હોવા છતાં) રોકવામાં આવે છે. આ
એક વાતે કર્ણને એટલું બધું અપમાન લાગે છે કે, એ સાચો નિર્ણય કરવાને બદલે દુર્યોધનની સાથે
જોડાઈને ધર્મયુધ્ધમાં અધર્મનો સાથ આપવાનો ખોટો નિર્ણય કરે છે.

મોટાભાગના માતા-પિતા દીકરીને ભણાવે છે, દુનિયા બતાવે છે, એને હોંશિયાર અને સાર-
અસારનો વિવેક હોય એવી બનાવે છે તેમ છતાં, દીકરીની પસંદ પર એમને વિશ્વાસ નથી, આ કેવો
પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ છે ! જે દીકરીને આપણે નિર્ણય કરવા યોગ્ય બનાવી છે, એ દીકરીના
નિર્ણયને એકવાર સમજવો, ચકાસવો કે ઓળખવો જરૂરી નથી ? મોટાભાગના માતા-પિતા જ્ઞાતિ કે
કુંડળીના આધારે દીકરીની પસંદને રિજેક્ટ કરી દે છે… ભણેલી, સમજદાર અને દુનિયા જોઈ ચૂકેલી
દીકરી અહીં ઉશ્કેરાય છે. યુવાનીનું જોશ, હોર્મોન્સ અને પ્રેમમાં પડી હોય એ યુવકનું આકર્ષણ એક
એવું કોમ્બિનેશન બનાવે છે કે, એ દીકરી માતા-પિતાની વિરુધ્ધ જવા મજબૂર થઈ જાય છે.

જો આપણે સાચે જ ઈચ્છતા હોઈએ કે, આપણી દીકરી ભાગીને નહીં પણ આપણી મરજીથી
લગ્ન કરે તો સૌથી પહેલાં એની સાથે સંવાદ રચવાનો પ્રયાસ કરવો પડશે. એ આપણાથી ડરે નહીં,
પરંતુ આપણી સાથે એના વિચારો, અનુભવો અને લાગણીઓ શેર કરે એવું વાતાવરણ ઊભું કરવું
પડશે. મોટાભાગના માતા-પિતા માને છે કે, દીકરીને દાબમાં રાખવી જોઈએ, એના પર નજર
રાખવી જોઈએ, એના પર કંટ્રોલ રાખવો જોઈએ… આ બધું સાચું હોય તો પણ એનું પ્રમાણ નક્કી
થવું જોઈએ. ખાસ કરીને, એક જ ઘરમાં જ્યારે ભાઈ-બહેન બંને ઉછરતાં હોય ત્યારે સરખામણી
થઈ જાય એ સ્વાભાવિક છે. દીકરા સાથે એક પ્રકારનું અને દીકરી સાથે બીજા પ્રકારનું વર્તન, બંને માટે
જુદા નિયમો હશે તો ઘર્ષણ થયા વગર રહેશે નહીં. સામે સત્ય એ પણ છે કે, આ જુદા નિયમ અને
જુદું વર્તન અનિવાર્ય છે કારણ કે, દીકરી માટે બહારની દુનિયા ભય અને અસલામતી સાથે જડબાં
ફાડીને ઊભી છે. આવાં જુદા વર્તન માટે કારણો અને તર્કશુધ્ધ દલીલો કરીને દીકરીને સહમત કરવી
જરૂરી છે. જે માતા-પિતા દીકરીને દલીલ કરવા નથી દેતા એ માતા-પિતા ભલે કદાચ એમ માનતા
હોય કે અહીં દલીલ કરશે તો સાસરે પણ દલીલ કરવાની ટેવ પડશે… અથવા, એ પોતાના સમયના
ઉછેર સાથે એમની દીકરીને સરખાવતા હોય તો, એમણે એટલું સમજી લેવું પડશે કે, એમનો અને
આજનો સમય જુદો છે.

ગઈકાલ સુધી દીકરી ઘરની ચાર દિવાલોમાં મોટી થતી હતી. હવે એને બહારની દુનિયા સાથે
સીધો સંપર્ક છે. એનો મોબાઈલ એને વિશ્વમાં ચાલતી પ્રવૃત્તિઓ અને વેચાતી વસ્તુઓ વિશે સતત
માહિતી આપે છે. અલ્ગોરિધમને કારણે એને જે ન ખરીદવું હોય કે ન જાણવું હોય એ માહિતીનો પણ
એના પર મારો થયા કરે છે. આવા સમયમાં ટીન્ડર કે બમ્બલ જેવા ડેટિંગ એપ્સ પણ એને લલચાવે
છે. આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ, પરંતુ પીયર ગ્રુપ (એની આસપાસના મિત્રો)ની એના ઉપર
અસર અને પ્રભાવ પડે જ છે. જે માતા-પિતા પોતાની દીકરી સાથે ખુલ્લા દિલે ડેટિંગ એપ્સથી શરૂ
કરીને મેટ્રિમોનીની વેબસાઈટ, માસિક ધર્મથી શરૂ કરીને સામાજિક સમસ્યાઓ સુધીની વાત કરી શકે
એમની દીકરીઓ મોટાભાગે ઘર છોડીને ભાગવાનું પસંદ કરતી નથી. જે દીકરીને માતા-પિતા પોતાના
ખોળાની હૂંફ અને પોતાના ખભાનો સહારો આપે છે એ દીકરી બહાર ક્યાંય સહારો કે હૂંફ શોધવા
નીકળતી નથી. નાનકડી દીકરી જ્યારે યુવાન થવા લાગે ત્યારે મા એને અટકાવે છે, ‘હવે પપ્પાના
ખોળામાં નહીં બેસવાનું’ કે ‘પપ્પાને નહીં ભેટવાનું…’ પિતા માટે તો દીકરી જીવનભર દીકરી જ
રહેવાની છે, પરંતુ જો એને પિતાના સ્પર્શનો અનુભવ લાંબો અને ઊંડો હશે તો એને પરપુરૂષના
સ્પર્શને ઓળખવામાં વધુ સરળતા પડશે એવું નથી લાગતું ?

માતા-પિતા તરીકે આપણે સમજી શકીએ છીએ કે, આપણી દીકરી નાની છે, એના નિર્ણય
ઉપર સાચી-ખોટી અસરો છે, એ જે કંઈ વિચારે છે તે સાચું અને દીર્ઘજીવી નથી તેમ છતાં, એના
વિચારને આઉટરાઈટ નકારી દેવાને બદલે એકાદવાર એણે પસંદ કરેલા છોકરાને મળી લેવામાં કશું
ખોટું નથી. હજી હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અંતિમ’માં એક પોલીસ ઓફિસરનો દીકરો એના
પિતાને કહે છે કે, ‘તમારા પગારમાંથી આ મોંઘો ફોન કે મારી ફી ભરી શક્યા હોત ? આ તો
પિટ્યાભાઈની દયા છે…’ સલમાન ખાન પિટ્યાભાઈને પોતાના પોલીસ સ્ટેશનમાં બોલાવીને
છોકરાના પિતા પાસે માફી મંગાવે છે એટલું જ નહીં, એ ‘ભાઈ’ કહેવાતો ગુંડો સામેથી પેલા છોકરાને
પોતાને લાત મારવાનું કહે છે… સલમાન ખાન પૂછે છે, ‘આ તારો હીરો છે ?’ આપણે બધાએ આવી
કોઈક ટેકનિક, આવડત, સમજણ કે સંવાદની કળા હસ્તગત કરવી પડશે. આપણા સંતાનને વઢીને,
મારીને, ધમકાવીને કે બ્લેકમેઈલ કરીને આપણું ધાર્યું કરાવવાનો પ્રયત્ન બહુ લાંબો નહીં ટકે, પરંતુ
સમજણથી ઊભો કરેલ સંવાદ કદાચ એને માટે જીવનભરની શીખ બની શકે.

સંસ્થામાં બોલાવવામાં આવતા મોટિવેશનલ વક્તા, કે ધર્મગુરૂનો ઉપદેશ આવા બાળકોને
ખોટો નિર્ણય કરતા અટકાવી નહીં શકે, પરંતુ જો માતા-પિતા પોતાના બાળકો માટે મોટિવેશનલ
વ્યક્તિ કે ઘરમાં જ એક સાચા ધર્મનું શિક્ષણ ઊભું કરી શકે તો દીકરીઓ ખોટે રસ્તે જતી અટકી
શકશે.

One thought on “દીકરો વંશ છે તો દીકરી અંશ છે; દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *