દિલ ના-ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગ઼મ કી શામ, મગર શામ હી તો હૈ

આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અને
બીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ… આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલા અપમૃત્યુ…
સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણ
આપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને મનમાં એક ભયની લહેર દોડી જાય છે, ‘આના
પછીનો વારો આપણો હશે ?’ કે પછી, ‘આપણા સ્વજનને આવું કઈ થશે તો હોસ્પિટલ, ઓક્સિજન, 108ની આ
માયાજાળમાંથી કેમ બહાર નીકળીશું ?’ આવા સવાલો સૌને થઈ રહ્યા છે, ત્યારે એકબીજાને આ જ વિષય પર વાત
કરવાને બદલે કોઈ બીજી વાત કરવાથી કદાચ મન બીજી દિશામાં વળે. કોઈ કહેશે કે, ‘મન બીજી દિશામાં વળવાથી
પરિસ્થિતિ થોડી બદલાશે ? સમસ્યા તો ત્યાં જ ઊભી રહેવાની છે.’ વાત સાચી છે, પરંતુ સતત એ વિચાર્યા કર્યાથી,
એ જ સાંભળ્યા કરવાથી કે એના વિશે જ વાતો કર્યા કરવાથી એ વાત મનમાંથી જતી નથી. ભય એક એવી લાગણી છે
જે મનમાં લાંબા સમય સુધી રહે છે. ધરતીકંપ પછી ઘણાં વખત સુધી લોકોને એ આંચકાનો અને સમાચારોનો એવો
ભય લાગતો હતો કે, એમને માનસિક સારવાર લેવી પડી હતી… કોરોનાની મહામારીમાં પણ આવી જ સ્થિતિ છે.
આપણે રોગ કરતાં વધુ ભય અને નિરાશાથી ઘેરાઈ ગયા છીએ.

મદ્રાસ હાઈકોર્ટે ટકોર કરી કે, ચૂંટણી પંચના અધિકારીઓ પર કતલનો મુકદ્દમો ચલાવવો જોઈએ, વેલ !
ચૂંટણી પંચ જ શા માટે ? જાહેરસભા ભરતા નેતાઓ, કાર્યકરો અને ટોળે વળતા લોકો બધાં ઉપર અનેક લોકોના
ખૂનનો મુકદ્દમો ચલાવી શકાય. જે લોકો જાહેરસભામાં નથી ગયા એ તદ્દન બેગુનાહ છે ? ના, એ કુંભમાં ગયા છે,
મંદિરોમાં ટોળે વળ્યા છે, એટલું ઓછું હોય એમ શાકભાજીની લારી પર જાણે કે પોતે રહી જવાના હોય એમ
ધક્કામુક્કી કરીને શાક ખરીદતા લોકો પણ એટલા જ મોટા ગુનેગાર છે. આરટીપીસીઆર કરાવવા માટે લાઈનમાં
ઊભેલા લોકો તો જાણે છે કે આમાંના કેટલાક પોઝિટિવ હોઈ શકે છે, તેમ છતાં એકબીજાને અડીને-ધક્કા મારીને ઊભા
રહેતા લોકો ગુનેગાર નથી ? એની સામે કેટલાક લોકો તદ્દન બેજવાબદાર અને બેદરકાર છે. પાણીપૂરી, ખમણ કે
ચોળાફળીની લારી પર ટોળે વળીને માસ્ક વગર, કદાચ હાથ ધોયા વગર ખાઈ રહ્યા છે. સત્ય તો એ છે કે સ્વચ્છ ન
રહેવા માટે ગરીબી એ બહાનુ ન હોઈ શકે. ઝુંપડપટ્ટીમાં વસતાં લોકોના ઘરો ભલે નજીક હોય, પરંતુ એથી એમણે
ગંદા કે બેદરકાર રહેવાની કોઈ જરૂર નથી. આપણને નડે છે આપણું અજ્ઞાન અને આપણી બેદરકારી. અત્યારે આ
બંનેથી છૂટવા માટે સૌથી પહેલાં તો જાગી જવું પડશે. ખાતા પહેલાં હાથ ધોવા, બહારથી આવીને હાથ-પગ ધોઈને
જ ઘરમાં કોઈપણ ચીજને અડવું, માસ્ક પહેરી રાખવું કે કારણ વગર ઈધર-ઉધર ન ભટકવું જેવા સાદા નિયમો આપણે
કોઈ પણ પાળી શકીએ એમ છીએ, પરંતુ પાળતા નથી, કારણ ? આપણે તદ્દન મૂર્ખ અને બેજવાબદાર પ્રજા છીએ.
આપણે ત્યાં કુંભના નામે હજારો લોકો સ્નાન કરે છે કે આરતીના નામે સેંકડો ટોળે વળે છે ત્યારે બધાં ભગવાન ભરોસે
પોતાની જાતને છોડી દે છે.

આપણી બેવકૂફીનો મોટો નમૂનો એ છે કે આપણે બધાં આરટીપીસીઆર નામનો ટેસ્ટ કરાવતા ડરીએ છીએ.
‘કોરોના નીકળશે તો !’ આવું વિચારીને આપણે ટેસ્ટ નથી કરાવતા, પણ આપણે ભૂલી જઈએ છીએ કે ટેસ્ટ કરાવવા કે
ન કરાવવાથી કોરોના હોવા-નહીં હોવાને કોઈ ફેર પડતો નથી. જ્યારે ચાર-પાંચ દિવસ તાવ આવે, અશક્તિ અને
શ્વાસમાં ઓક્સિજન ખૂટવા લાગે ત્યારે આપણે ટેસ્ટ કરાવીએ છીએ અને પછી હોસ્પિટલમાં પહોંચવાની દોડાદોડી
કરીએ છીએ. ત્યાં સુધીમાં તો મોટેભાગે મોડું થઈ ગયું હોય છે. કેસીસ વધારે છે એની ના નથી, વધી રહ્યા છે એ પણ
સત્ય છે, પરંતુ એ બધાંની વચ્ચે સ્વસ્થ લોકો પણ છે જ, જે પોતાની નિયમિત જિંદગી જીવી રહ્યા છે. એમની પાસે
બે શસ્ત્ર છે, પહેલું સ્વચ્છતા અને જાગૃતિ, બીજું, આશા-ઉમ્મીદ-હોપ! આપણા પ્રયત્નો પોતાને જ નુકસાન કરવાના
છે, આપણી બેદરકારી અને ફાંકા ફોજદારી જાતને જ ખતમ કરવા કટિબદ્ધ છે અને પછી આપણે આશા કે હોપની
વાત કરીએ તો એ બેકાર છે. આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવો પડશે જે આપણામાંના ઘણાં કરતા નથી… એ પછી
ઈશ્વર પરની શ્રદ્ધા કે દીવા-દિવેટ, બાધા આખડી કઈ કામમાં આવતા નથી, ત્યારે આપણે નિરાશાથી ઘેરાઈ જઈએ
છીએ. ઉમ્મીદ કે આશા, પ્રયત્ન સાથે સંયોજાય તો જ પરિણામ આપી શકે છે. સૌએ સાથે મળીને એક પ્રયાસ કરવાનો
છે આ અંધારી ટનલમાંથી બહાર નીકળવાનો. આ અંધારી ટનલ કેટલી લાંબી છે, આગળ કેટલું અંધારું હશે એ બંને
બાબતનો આપણી પાસે કોઈ અંદાજ નથી, પરંતુ આપણી પાસે સ્વચ્છતા અને જાગૃતિ, માસ્ક અને સેનિટાઈઝેશનના
બહુ નાના છતાં ટમટમતા દીવા છે જે આ અંધારી ટનલને પસાર કરવામાં આપણી મદદ કરી શકે એમ છે. આપણે એ
દીવા બુઝાવી દીધા છે એટલું જ નહીં, અંધારી ટનલ વધુ અંધારી થાય એવી રીતે ટોળે વળીને એકમેકને અથડાઈ રહ્યા
છીએ… એ પછી પોઝિટિવિટીની વાતો અને હોપ-ઉમ્મીદના લેક્ચર્સ આપણી નિરાશામાં વધારો કરે છે.

આજકાલ ઘણાં લોકોને આ પોઝિટિવિટીનો રોગ લાગ્યો છે. કોરોના પોઝિટિવ હોવું એ તો જાણે કે રોગ છે
જ, પરંતુ પોઝિટિવિટીના નામે બેદરકાર થઈ જવું એ કોરોનાને નિમંત્રણ આપે છે. બીજી તરફ કેટલાક તદ્દન નેગેટિવ
અને નિરાશ છે, હવે કશું નહીં થાય – દુનિયાનો અંત નિશ્ચિત છે જેવા નોનસેન્સ વિચારોથી એ લોકો ઘેરાઈ ચૂક્યા
છે. આ બંને ખોટા છે. બંને એમ માને છે કે આ બધું કોઈ પરમતત્વ કરી રહ્યું છે, પરંતુ કદાચ પરમતત્વએ આપણને
નોટિસ આપવા માટે નાની મોટી તકલીફ ઊભી કરી હોય તો પણ એને વધારવાનું કામ તો આપણી બેવકૂફી અને
બેદરકારીએ જ કર્યું છે.

‘માંઝી’ નામની એક સત્યકથા પરથી બનેલી ફિલ્મમાં પહાડ ખોદીને રસ્તો કાઢનારો એક માણસ અંતમાં કહે
છે, ‘આપણે ક્યાં સુધી ભગવાનના ભરોસે બેસી રહીએ ? શું ખબર કદાચ એ આપણા ભરોસે બેઠો હોય !’ આ વાત
સાવ સાચી છે. ઘણી વખત આપણે ઈશ્વર કે ભગવાનના નામે પોતાની બેદરકારી કે નિષ્ફળતાનું બિલ ફાડીએ છીએ.
સત્ય એ છે કે, એણે આપણને શ્રદ્ધા નામનું એક સરસ સોફ્ટવેર ઈનબિલ્ટ આપ્યું છે, પરંતુ સાથે સાથે એ શ્રદ્ધાને
લોજિકથી વાપરવાની જરૂર છે. જો આપણી શ્રદ્ધા સાચી હોય તો કણકણમાં ઈશ્વર છે, મંદિરમાં ભીડ કરવાની જરૂર
નથી. જો આપણો ભરોસો સાચો હોય તો એકવાર એના ભરોસે પણ, આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
જેને આપણે ઈશ્વર, અલ્લાહ, જિસસ કે બીજા કોઈ પણ સ્વરૂપે જોઈએ છીએ એણે આપણને જિંદગી આપી છે,
આપણી જવાબદારી એણે નથી લીધી એ વાત આપણે બધાંએ યાદ રાખવી જરૂરી છે.

જો સૌ સૌની જવાબદારી લઈ લે, જો સૌ સ્વચ્છતા રાખવાનું, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝ કરવાનું અને
જાગૃતિપૂર્વક અડવું, ભેટવું, ધક્કા મારવા કે નજીક ઊભા રહેવા જેવી ભૂલો ટાળે તો કદાચ આપણે બધાં એક સ્વસ્થ
ભારતની ઉમ્મીદ અથવા હોપ ઊભી કરી શકીશું. યાદ રાખીએ, ટોળું કોરોનાની પ્રિય જગ્યા છે… માસ્ક વગરના
માણસો એને બહુ જ ગમે છે અને અસ્વચ્છતા એનું નિવાસસ્થાન છે. બેદરકારી એને પ્રોત્સાહન આપે છે અને
આપણી બેવકૂફી ઉપર એ અટ્ટહાસ્ય કરે છે.

One thought on “દિલ ના-ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગ઼મ કી શામ, મગર શામ હી તો હૈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *