દિલ સે નિભાના હૈ જિમ્મેદારી કો, ના કિતાબોં મેં છૂપી, ના જાદુ કી છવિ મેં બસાતી હૈ

આજથી સાત વર્ષ પહેલાં લોઅર પરેલના એક પબમાં આગ લાગેલી. કમલા મિલ
કમ્પાઉન્ડમાં આવેલા આ પબમાં 20-22 લોકો ગુજરી ગયા. 14 લોકોનું મોત ધૂમાડામાં શ્વાસ
ઘૂંટાવાથી થયું. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષમાં આગથી 177 લોકોના મોત
થયા છે. 99 ઈમારતોમાં ઈમર્જન્સી સીડી નથી, જૂના વાયરિંગ બદલાતા નથી અને એથી આગળ
વધીને ફાયર સેફ્ટીના નિયમ 54 વર્ષમાં એક જ વાર બદલાયા છે. મોટાભાગના બિલ્ડિંગમાં, ગેમ
ઝોન, રેસ્ટોરન્ટ, મોલ અને થિયેટરમાં ફાયર સિસ્ટમ એક્સ્પાયર થઈ ગઈ હોવા છતાં એ વિશે કોઈ
કશું કરતું નથી.

મંદિરોમાં સ્ટેમ્પિડ આપણે માટે નવી વાત નથી. દર્શન કરવા ગયેલા લોકોની ભીડમાં કે
મેળામાં કચડાતા, નદીમાં ડૂબી ગયેલા લોકોની સંખ્યા બદલાતી રહે છે, પરંતુ કિસ્સા દર વર્ષે બને જ
છે, અખબારોમાં સમાચાર છપાય, આપણે અરેરાટી કરીને ભૂલી જઈએ અને બીજે વર્ષે ફરી નવા
કિસ્સાઓથી અખબારોના પાનાં ભરાતા રહે છે. રાજકોટના ટીઆરપી મોલના કિસ્સામાં પણ કંઈક
એવું જ છે! 11 જુલાઈ, 2023ના દિવસે મિલિંદ શાહે લખેલો પત્ર ઉપરથી એવું સ્પષ્ટ સમજાય છે
કે, ફાયર સર્વિસ કથળી રહી છે, તેમ છતાં તંત્રએ કશું ન કર્યું એવી ફરિયાદ આપણે સૌ કરીએ છીએ-
સરકાર સામે, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કે તંત્ર સામે ફરિયાદ કરવાનો અધિકાર સૌ પાસે છે જ,
પરંતુ એથી મોટી અને પહેલી ફરિયાદ તો આપણે આપણી બેદરકારી સામે કરવી જોઈએ, ખરું કે
નહીં?

આવા ગેમ ઝોન, થિયેટર કે પબ્લિક પ્લેસમાં પોતાના બાળકોને અને પરિવારને લઈ
જતા લોકોમાંથી કેટલા ફાયર સેફ્ટી વિશે સજાગ છે? એથી આગળ વધીને, જ્યારે આવી કોઈ
પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું કરવું એ વિશેની કોઈ મોકડ્રીલ કે આપણા સંતાનને આવી કોઈ વિસમ
પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની કોઈ ટ્રેનિંગ ભારતીય-ગુજરાતી માતા-પિતા આપે છે ખરાં? ઉલ્ટાના
આપણે તો આપણા બાળકોને એટલા પ્રોટેક્ટ કરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં એ ગૂંગળાઈ અને
ગભરાઈ જાય છે. શું કરવું એની સૂઝ નથી પડતી અને માટે કદાચ, જીવનનું જોખમ વધી જાય છે.

ભારતીય માનસિકતા એવી છે કે, બધી જ જવાબદારી તંત્રની અને સરકારની હોવી
જોઈએ. જાગૃતિ પણ સરકારના પક્ષે જ હોવી જોઈએ. હાસ્યાસ્પદ વાત એ છે કે, જ્યારે આવો કોઈ
ભયાનક બનાવ બને ત્યારે સરકારને અને તંત્રને ગાળો દઈને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત
થઈ જઈએ છીએ. હરણીમાં બાળકો ડૂબે કે સુરતના ટ્યુશન ક્લાસમાં આગ લાગે ત્યારે આજુબાજુ
ઊભેલા લોકોને એ સૌની જિંદગી બચાવવા કરતા વીડિયો કરવામાં કેમ વધારે રસ હોય છે એવો પ્રશ્ન
આપણે કેમ નથી પૂછતા? લગભગ દરેક સ્કૂલમાં, ક્લાસીસમાં અને મોલ કે થિયેટરમાં આવી કોઈ
અનહોનીથી બચવા માટે મોકડ્રીલ હોવી જોઈએ, પણ એવું કંઈ કરવા જાય તો લોકોને ‘ટાઈમ
બગાડ્યો’ની ફરિયાદ હોય છે!

‘અજાણ્યા માણસ પાસેથી કંઈ લેવાનું નહીં’ કે પછી ‘ગુડ ટચ-બેડ ટચ’નું જ્ઞાન તો
આપણે બહુ સજાગ માતા-પિતા તરીકે આપીએ છીએ, પરંતુ ખોવાઈ જાય, આવી કોઈ ફાયરની ઘટના
બને કે લિફ્ટમાં ફસાય ત્યારે શાંતિથી એ પરિસ્થિતિ સાથે કેવી રીતે ડીલ કરવું એ વિશે આપણે
આપણા બાળકોને તૈયાર કરતા નથી… એનું કારણ કદાચ એ છે કે, આપણે જરા વધુ પડતા આળસુ
અને ઓવરકોન્ફિડન્ટ માતા-પિતા છીએ, ‘આપણી સાથે આવું કંઈ થવાનું જ નથી’ એવી આપણને
ખાતરી જ હોય છે! આવું કંઈપણ બને ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ, સરકાર અને જવાબદાર તંત્ર અચાનક
જાગે છે-નવા નિયમો બને છે અને અચાનક જ પબ્લિક પ્લેસિસ ઉપર તવાઈ આવે છે! સાચો રસ્તો
એ છે કે, ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ ઈમર્જન્સી ન હોય ત્યારે દરેક સ્કૂલ અને સોસાયટીમાં જઈને
ફાયરની મોકડ્રીલ કરાવે. આવા કોઈ પણ પ્રસંગ ઊભા થાય ત્યારે મગજ ગૂમાવ્યા વગર, ધીરજ ખોયા
વગર આવી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનું પ્રશિક્ષણ દરેક પાસે હોવું જોઈએ. વિદેશની સ્કૂલોમાં
પબ્લિક પ્લેસિસ ઉપર અને મોલમાં, થિયેટરમાં આવા પ્રકારની મોકડ્રીલ કરવામાં આવે છે. લોકો
જાણતા હોય કે આ મોકડ્રીલ છે તેમ છતાં ‘ઠીક છે મારા ભાઈ, આ તો નાટક છે’ એવું માનીને હસતાં
હસતાં એની મજાક ઉડાવવાને બદલે કે ‘આ બધું શું કામ કરવું જોઈએ?’ જેવા નકામા સવાલો
પૂછવાને બદલે, અકળાવવાને બદલે લોકો ગંભીરતાથી આવી મોકડ્રીલમાં ભાગ લે છે. એરપોર્ટ, લશ્કર
અને પોલીસમાં આવી મોકડ્રીલ વારંવાર કરવામાં આવે છે જેથી યુનિફોર્મ પહેરતા કર્મચારીઓ આળસુ
અને બેદરકાર ન થઈ જાય. આપણે પણ આવી જ રીતે ઓવરકોન્ફિડન્ટ આળસુ અને બેદરકાર ન થઈ
જઈએ.

ફાયર સેફ્ટી માત્ર મોલ કે થિયેટર, પબ્લિક પ્લેસમાં જ નહીં, દરેક બિલ્ડિંગમાં અને દરેક
ઘરમાં હોવી જોઈએ. આપણે બધા રસોઈ કરવા માટે ગેસ વાપરીએ છીએ. દીવો, અગરબત્તી કરીએ
છીએ. એથી આગળ વધીને ક્યાંક સિગરેટ પીવાય છે તો ક્યાંક કેન્ડલ લાઈટ પણ પ્રગટાવવામાં આવે
છે. અકસ્માત કદી નોટિસ નથી આપતો, એ વાત સૌ જાણે છે તેમ છતાં ઈન્ટિરિયર ડેકોરેશન અને
સીસીટીવી કેમેરામાં જેટલા પૈસા ખર્ચવામાં આવે છે એમાંથી દસમા ભાગના પૈસા પણ ફાયર
સેફ્ટીમાં કોઈ વાપરે છે ખરું? કેટલા લોકોને ખબર છે કે, એમના બિલ્ડિંગની ફાયર સેફ્ટી હજી કામ
કરે છે કે એક્સ્પાયર થઈ ગઈ છે? નવરાત્રિ ઉજવવામાં આપણે જેટલા ખર્ચા કરીએ છીએ એ સમયે
શોર્ટ સર્કિટ કે બીજા કોઈ કારણસર જો સમસ્યા ઊભી થાય તો એ વિશે કોઈ ઈન્શ્યોરન્સ લેવાની
દરકાર કરીએ છીએ ખરા?

ઘટનાઓ બનશે, બનતી રહેશે, પરંતુ આપણે જો સજાગ, સભાન અને સાવધ
રહીશું… વીડિયો બનાવવાને બદલે અન્યની મદદ કરવા તત્પર રહીશું તો કદાચ, આવી ઘટનાઓમાં
જાનહાનિ ઘટાડી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *