એક જાણીતા ઓટીટી ઉપર રજૂ થયેલી ભારતીય વિમાન હાઈજેકિંગની કથામાં
લેવાયેલાં નામોનો વિવાદ હજી માંડ શમ્યો છે, ત્યાં તરત જ ઓટીટી ઉપર રજૂ થયેલી નવી સીરિઝનો
વિવાદ શરૂ થઈ ગયો છે. આપણા દેશમાં હવે ઓટીટીમાં પણ સેન્સરશિપ લાગુ પડી છે, પરંતુ હજી
સુધી બે મોટાં ઓટીટી પ્લેટફોર્મ એ સેન્સરશિપને સ્વીકારતાં નથી. હિંસા, બળાત્કારની સાથે સાથે
સજાતિય સંબંધો વિશે પણ આવાં પ્લેટફોર્મ્સ પર ક્યારેક બિનજરૂરી રીતે બહેલાવીને, વાર્તાની
જરૂરિયાત ન હોય તો પણ એમાં ઉમેરીને કથાઓ કહેવાય છે. ભારતીય યુવાવર્ગ હજી એટલા મેચ્યોર
કે સમજદાર નથી કારણ કે, નાના ‘બી’ કે ‘સી’ શહેરોમાં શારીરિક સંબંધો, સેક્સ કે સજાતિય સંબંધો
વિશે વાત કરવી તો દૂર, એનો ઉલ્લેખ કરવો પણ શરમજનક અને ક્ષોભજનક પરિસ્થિતિ માનવામાં
આવે છે.
આવી ક્ષોભજનક, શરમજનક કે સમાજમાં ટેબૂ ધરાવતી વાર્તાઓને લઈને એક નાટક તૈયાર
કરવામાં આવ્યું છે, ‘બી લવ્ડ’. (પ્રેમના પાત્ર બનો-પ્રેમ મેળવો). મુંબઈના એક નાટ્ય ગ્રૂપ ‘તમાશા’એ
લગભગ 20 જેટલા જાણીતા લેખકોની જુદી જુદી વાર્તાઓ એકઠી કરીને આ નાટકની વાર્તા લખી
છે. જોશ મલિહાબાદીની ગઝલ, અમીર ખુશરો અને નિઝામુદ્દીન ઓલિયાના પ્લેટેનિક સંબંધોની
સાથે સાથે કચ્છના એક નાનકડા ગામની અસંભવ, પરંતુ રમૂજી વાર્તા પણ આ નાટકનો હિસ્સો છે.
સપન સરલ દ્વારા લિખિત દિગ્દર્શિત આ નાટકમાં લાઈવ મ્યુઝિક છે. છ કલાકારો દ્વારા ભજવાતાં
જુદાં જુદાં પાત્રોની સાથે નાટકની ટ્રીટમેન્ટ નવા જ પ્રકારની છે. એ નાટકમાં એક ગીત છે, ‘દિન કે
ઉજાલે મેં મિલેંગે હમ, એક દિન…’ જેનો ભાવ ‘વો સુબહ કભી તો આયેગી, હમ હોંગે કામયાબ’ જેવો
છે. ટ્રાન્સજેન્ડર અસ્તિત્વ વિશેની સમજણ આ ગીતમાંથી પ્રગટે છે. નાટક સજાતિય સંબંધોની
વકિલાત નથી કરતું બલ્કે, સમાજના રૂઢિચુસ્ત નીતિનિયમોને કારણે પોતાની વાત નહીં કહી શકતા
લોકો વિશે સંવેદના અને સ્વીકારની વાત કરે છે.
‘રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ’ દરમિયાન ‘રંગબહાર’ અને ‘આવિષ્કાર’ દ્વારા
આમંત્રિત બે નાટકો ગયા અઠવાડિયે ભજવાયાં. એક બોલ્ડ કહી શકાય તેવું, ટેબૂ ધરાવતા વિષયને
સ્પર્શતું નાટક-અને બીજું, ‘કર્ણ’ જે પણ એની રીતે એક અલગ પ્રકારનું, યુનિક કહી શકાય તેવી
ટ્રીટમેન્ટનું નાટક છે. ત્રણ સ્ત્રીઓ, વિનીતા જોશી, નોયરિકા અને સંજના આ નાટકમાં અભિનય કરે
છે, જેમાં કર્ણ, કૃષ્ણ, ભીષ્મ અને દ્રોણ જેવા પાત્રો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે. વ્યક્તિના
તેજને-અસ્તિત્વને એની જાતિ સાથે નિસ્બત નથી એ વાતને પ્રસ્થાપિત કરવા માટે દિગ્દર્શક
કુલવિન્દર બક્ષીશ આ નાટકને તમામ પુરુષ પાત્રોની જગ્યાએ સ્ત્રીઓનું કાસ્ટિંગ કર્યું છે. નાટકમાં
રામધારીસિંહ ‘દિનકર’ના ‘રશ્મિરથી’ની સાથે એ.આર. રહેમાનની કેટલીક તરજોનો પણ ઉપયોગ
કરવામાં આવ્યો છે. આશુતોષ રાણાને જેમણે ‘રશ્મિરથી’ કહેતાં સાંભળ્યા હશે એમને ‘દિનકર’ના
શબ્દોની તાકાત અને આ કવિતાની પૃષ્ઠભૂમિ વિશે જાણ હશે જ!
‘રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ’ નાટક, સિનેમા અને જર્નાલિઝમના
વિદ્યાર્થીઓ માટે સાવ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. ગુજરાતીઓ જે કામ કરે છે એ, કોમેડી કે
બોક્સ થિયેટરના પ્રોસિનિયમ નાટકોની બહાર નીકળીને નવી તરાહના નાટકો આ વિદ્યાર્થીઓ માટે
અમદાવાદના આંગણે આવ્યાં. રંગભૂમિની પરિસ્થિતિ આજથી વર્ષો પહેલાં જે હતી એ જ રહી છે!
માત્ર ‘મનોરંજન’ માટે નાટકો ન હોય, પરંતુ પ્રત્યેક નાટક સાથે એક સંદેશ-એક વિચાર અથવા એક
નવી દિશા ઉઘડે એવા વિચારશીલ, પ્રયોગશીલ નાટકો ગુજરાતના આંગણે થવા જોઈએ એવા
પ્રયાસનું આ એક ચરણ છે. થોડા વખત પહેલાં શ્રી શુકદેવ પંડ્યા રચિત ‘પત્થરે પૂર્યા પ્રાણ’ના કેટલાક
શો થયા, અભિનય બેન્કરનું ‘હાજી કાસમ તારી વીજળી’ કે આરજે દેવકીનું ‘અકૂપાર’, ‘સમુદ્રમંથન’
અને ‘અદભૂત’ સહિત અનેક નાટકો ગુજરાતી રંગભૂમિ ઉપર પણ ભજવાય છે, પરંતુ નિરાશા ત્યારે
થાય છે જ્યારે આપણે બધા-પ્રેક્ષકો, રંગકર્મીઓ સહિત નિર્માતાઓ પણ, ‘કોમેડી સિવાય કંઈ નથી
ચાલતું’ કહીને હાથ ખંખેરી નાખે છે.
રંગભૂમિનું કામ જ સમાજ સાથે જોડાયેલા રહીને સમાજને જગાડવાનું છે. આજથી
વર્ષો પહેલાં ભવભૂતિ, બાણ, શુદ્રક જેવા સંસ્કૃત નાટકના લેખકોએ પોતાના નાટકોમાં નવી નવી
વાતો મૂકી. તુલસી રામાયણમાં જે ભાગ નથી, એવું ‘ઉત્તર રામચરિત’ સંસ્કૃતમાં લખાયું. એવી જ રીતે
ગ્રીક ટ્રેજેડીસમાં ‘ઈડિપસ’ અને ‘ઈલેક્ટ્રા’ જેવાં પ્રયોગશીલ નાટકો થયાં. શેક્સપિયરે ‘હેમલેટ’ અને
‘ઓથેલો’ની કથા કહી… આ બધું જ જાણે-અજાણે સમાજને આઈનો બતાવવા માટે લખાયું હોય
એમ વિચારશીલ અને પ્રયોગશીલ નાટકોની ફળદ્રુપ ભૂમિ પૂરવાર થયું. હજી અત્યારે પણ વિદેશમાં
ચાલતા ઓપેરા જોઈએ ત્યારે સમજાય કે એક પ્રયોગ પાછળ કેટલી મહેનત, કેટલા લોકો, લાઈટ્સ,
સંગીત અને કેટલી ટેકનોલોજી સહિત કેટલી ઊર્જા વપરાય છે! લંડન અને ન્યૂયોર્કના બ્રોડવેમાં સો-
દોઢસો ડોલર કે સો-દોઢસો પાઉન્ડની ટિકિટ એડવાન્સ બુક થાય છે. આવા શો મહિનાઓ સુધી એક
જ જગ્યાએ રોજ ભજવાય છે અને એમને હાઉસફૂલ પ્રેક્ષકો પણ મળી રહે છે ત્યારે, એક નાનકડો
સવાલ એ થાય કે આપણે શેને માટે રંગભૂમિને વધુને વધુ ગરીબ બનાવી રહ્યા છીએ?
પ્રહસન સિવાય ગુજરાતીમાં કશું ચાલે નહીં, જાતજાતના મોઢા બનાવવા,
ગુજરાતીઓની જ મજાક ઉડાવવી અને એટલું ઓછું હોય એમ નિર્માતાઓ ભાવ ઘટાડવામાં
હૂંસાતુંસી કરીને પોતાના જ નાટકને વધુને વધુ ‘સસ્તું’ બનાવવામાં પડી જાય ત્યારે પ્રેક્ષક પાસેથી
રંગભૂમિ વિશે સન્માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ભારતીય કથાવસ્તુ ખૂબ વિસ્તૃત છે.
પુરાણોથી શરૂ કરીને નવોદિત લેખકો સુધી સાહિત્યમાં અનેક પ્રયોગો થાય છે, થઈ રહ્યા છે ત્યારે
રંગભૂમિ પણ હવે જીર્ણોદ્ધાર માગે છે. અમદાવાદમાં યોજાતા ‘અભિવ્યક્તિ’ ફેસ્ટિવલ દરમિયાન
અનેક નવા લોકોને અને જાણીતા લોકોને નવું કામ કરવાની તક મળે છે. આવા નાટ્ય મહોત્સવ કે
કલાના મેળા થવા જોઈએ અને સરકારે પણ ‘વિકાસ’ના નામે રસ્તા, બ્રિજ કે રોજગારીની તકો-
મોટામોટા એમઓયુ કરવાથી આગળ વધીને લેખન, રંગભૂમિ, સંગીત અને ચિત્રકલા જેવા વિષયમાં
ગુજરાતનો યુવાવર્ગ રસ લેતો થાય, એ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કરવા જોઈએ. ગુજરાતી પ્રેક્ષકને આવાં
પ્રયોગશીલ, વિચારશીલ નાટકો જોવાની ટેવ પડશે તો ગુજરાતના યુવાવર્ગને આવાં નાટકો લખવાની
અને ભજવવાની પ્રેરણા મળશે.