દિવ્યા ભારતીઃ ઉતાવળ અને અફસોસનો એક હૃદયદ્રાવક દાખલો

‘સાજિદને હું પહેલી વાર મળી ત્યારે સાડા સત્તર વર્ષની હતી. એ ગોવિંદાને
મળવા માટે ‘શોલા ઔર શબનમ’ના સેટ પર આવેલો. ત્યારે મારી ફિલ્મ ‘દીવાના’
રિલીઝ થવાની તૈયારીમાં હતી. રશીસ અને ટ્રાયલનાં ગીતો અમુક નિર્માતાઓએ
જોયા હતા. સૌને ખબર હતી કે હું આવનારાં વર્ષોમાં હિન્દી સિનેમા પર રાજ કરીશ.
મારી બેબીડૉલ ઈમેજ સૌને ખૂબ અપીલ કરી ગઈ હતી. આમ તો તેલુગુ ફિલ્મોમાં હું
સ્ટારડમ મેળવી ચૂકી હતી. વિજયાશાંતિ પછી હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હતી હું, મારું
મંદિર બન્યું હતું! ને આ બધું સત્તર વર્ષની ઉંમરે જોયું હતું મેં. મારાં માતા-પિતા
માની નહોતાં શકતાં એવા અને એટલા પૈસા હું સત્તર વર્ષમાં કમાઈ ચૂકી હતી.
એમને તો તેલુગુ સિનેમા છોડવાની જ ઈચ્છા નહોતી, પણ બોલિવુડનું મારું આકર્ષણ
એટલું હતું કે હું દર પંદર દિવસે એક હિન્દી નિર્માતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી
હતી. મને કોઈ પણ હિસાબે હિન્દી ફિલ્મમાં મારો સિક્કો જમાવવો હતો. નવાઈની
વાત એ છે કે, જ્યારે ખરેખર મારે હિન્દી સિનેમામાં સફળતા જોવાનો ચાન્સ આવ્યો
ત્યારે મેં આ દુનિયા છોડી દીધી. આપણે નસીબમાં માનીએ કે નહીં, મારી માને એક
જ્યોતિષે કહ્યું હતું કે, ‘આને મુંબઈથી દૂર રાખો.’ મારી મમ્મીએ કે મેં એમની વાત
પર ધ્યાન ન આપ્યું.’

દિવ્યા ભારતીના એક ઈન્ટરવ્યૂમાં એમણે આ વાત કહી હતી. નવાઈની વાત
છે કે, મુંબઈ શહેરમાં એમણે પોતાનો જીવ ગૂમાવ્યો. 19 વર્ષની છોકરીએ આત્મહત્યા
કરી… કે પછી એ અકસ્માત હતો એ વાતનો જવાબ હજી સુધી મળ્યો નથી. સાજિદ
નડિયાદવાલાનો એના મૃત્યુમાં કોઈ હાથ હતો કે નહીં, અબુ સાલેમ જેવી વ્યક્તિઓ
આ કિસ્સામાં જવાબદાર હતી કે નહીં… આ બધા સવાલોનો જવાબ મળે તે પહેલાં જ
દિવ્યા ભારતીના મૃત્યુનો કેસ લપેટાઈ ગયો!

સાડા સત્તર વર્ષની ઉંમરે પ્રેમમાં પડેલી છોકરીને કલ્પના જ નહોતી કે આવી,
ન માની શકાય એવી સફળતા એની પ્રતીક્ષા કરી રહી છે. સાજિદ નડિયાદવાલા
સાથે લગ્ન કરવા માટે એણે ધર્મ બદલ્યો, માતા-પિતાની ઈચ્છા વિરુધ્ધ કરેલા આ
લગ્ન થોડાક જ મહિનાઓમાં એક સમસ્યા પૂરવાર થયા. દિવ્યા ભારતીએ જ પોતાના
એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘170 મિલિયનનો બિઝનેસ, ચાર અવોર્ડ્સ અને ધડાધડ
ફિલ્મો સાઈન કરવાના મારા એક નવા ફેઝમાં સાજિદ પાગલ થઈ ગયો. એણે મારા
પર રોકટોક લગાવવાની શરૂ કરી. એના માણસો મારા પર વોચ રાખતા. હું કોને મળું
છું, ક્યાં જાઉ છું એ સતત મારે એને જણાવવું પડતું…’ આવું સામાન્ય રીતે થાય છે!
કાચી ઉંમરે પ્રેમના નામે કરી લીધેલા લગ્નો પછી મોટાભાગની છોકરીઓને સમજાતું
હોય છે કે, એ જીવનમાં ઘણું કરી શકે એમ હતી. એ પછી એમના પતિમાં એક પુરુષ
જાગતો હોય છે. પત્નીની સફળતા આજે પણ કેટલાક ભારતીય પુરુષ માટે પ્રશ્ન છે જ.
પત્નીની સફળતાથી ઈનસિક્યોર થયેલા પુરુષો એની કારકિર્દીને આગળ વધતી
અટકાવવાનો પ્રયાસ કરે છે જ્યારે સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી પત્ની હવે
અટકવા તૈયાર નથી હોતી. અહીંથી સંઘર્ષ શરૂ થાય છે અને સંઘર્ષમાંથી સંબંધ એવા
તનાવ પર પહોંચી જાય છે જ્યાં છૂટા પડવા સિવાય કોઈ શક્યતા બાકી રહેતી નથી.
પ્રશ્ન એ છે કે સરળતાથી છૂટાછેડા આપી શકે એવા પુરુષો પણ ભારતીય સમાજમાં
ઓછા છે, એટલે સફળતાના રસ્તે આગળ વધતી પત્ની જ્યારે છૂટાછેડા માગે ત્યારે
આવા પુરુષોનો ઈગો ઘવાય છે. એ છૂટાછેડા નથી આપતા એટલું જ નહીં, પત્નીની
કારકિર્દી અટકાવવાનો પ્રયાસ કરે છે.

યુવાન દીકરીઓએ આ વાતને બહુ સમજી લેવાની જરૂર છે કારણ કે, એમને જે
નથી દેખાતું એ કદાચ, એમના માતા-પિતાને દેખાય છે. એમના માતા-પિતા સમજે
છે કે, એમની દીકરી ટેલેન્ટેડ છે અને જીવનમાં આગળ વધી શકે તેમ છે એટલે
આવા માતા-પિતા જ્યારે દીકરીને ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરતા અટકાવતા હોય
ત્યારે વિરોધ કરવાને બદલે કે સામા થવાને બદલે યુવાન દીકરીઓએ માતા-પિતાની
વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માતા-પિતાએ પણ દબાણ કરવાને બદલે
દીકરીને સમજવાનો, એની સાથે વાત કરવાનો, એને પ્રેમથી કન્વિન્સ કરવાનો
પ્રયત્ન કરવો જોઈએ. આપણા પરિવારોમાં આવું થતું નથી. દીકરી વિરોધ કરે, ભાગી
જાય અને પછી પસ્તાય. પસ્તાઈને છૂટી પડી શકે તો હજીયે કદાચ એની જિંદગીમાં
કોઈ બહેતર પરિસ્થિતિની શક્યતા બાકી રહે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં
માતા-પિતાએ ઈગો પ્રોબ્લેમમાં એવું કહી દીધું હોય છે કે, ‘મારે ઘેર પાછી નહીં
આવતી’ અથવા ‘તું મરી ગઈ છે.’ દીકરી પાસે પાછા જવાની કોઈ શક્યતા હોતી
નથી અને ઘરનું દબાણ, સંબંધોની કડવાશ એટલાં વધી ગયા હોય છે કે હવે શું કરવું
એ એને સમજાતું નથી. આવા સમયમાં એની પાસે જ્યારે કોઈ રસ્તો નથી બચતો
ત્યારે એ આત્મહત્યા કરે છે… જોકે, આ સાચો રસ્તો નથી જ, પરંતુ આવું ન થાય તે
માટે આપણે સૌએ સજાગ રહેવું પડશે. દીકરી કોને મળે છે, ક્યાં જાય છે, એના મિત્રો
કોણ છે, એની જાસૂસી નહીં, પણ ધ્યાન રાખવું જોઈએ. એના મિત્રોને ઘરે આવવાની
છૂટ આપીએ તો કદાચ, આપણે એને ઓળખી શકીએ, જાણી શકીએ. બીજી તરફ,
દીકરી જ્યારે આવી કોઈપણ વાત લઈને આવે ત્યારે છોકરાને મળવાનો,
ઓળખવાનો, એના પરિવારોની વિગતો જાણવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ,
જેનાથી દીકરીને એટલો સંતોષ થાય કે આપણે એની વાત સાંભળી છે. ના પાડવી
હોય તો પણ બહુ જ જરૂરી છે કે, આપણે આપણા સંતાનને સાચા અને લોજિકલ
કારણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. એની સાથે સંવાદ કરીએ… માત્ર
દલીલબાજી અને વિવાદ કે દબાણ કરવાને બદલે એને એવું સમજાવીએ કે જેને
આપણે ભૂલ માનીએ છીએ એવી પરિસ્થિતિમાં આપણે એની શું મદદ કરી શકીએ.
દિવ્યા ભારતી એક ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર હતી. સાજિદ નડિયાદવાલા એના મૃત્યુ
માટે જવાબદાર છે કે નહીં એની ચર્ચા બાજુએ મૂકીએ તો પણ, લગ્ન માટેની એની
ઉતાવળ અને વિચાર વગરના નિર્ણયોને કારણે એણે જીવ ખોયો એ વાત તો નકારી
ન જ શકાય.

દિવ્યા ભારતીને આજે 51 વર્ષ પૂરાં થયા હોત. તમામ માતા-પિતાએ દિવ્યા
ભારતી જેવા કિસ્સા પરથી એટલું શીખવાનું છે કે, એમનું સંતાન ભૂલ કરતું હોય
ત્યારે એને ડરાવવા-ધમકાવવા, પૂરી રાખવા, ફોન લઈ લેવા જેવા ઉપાયો કરવાને
બદલે એની સાથે વાત કરવી, સમજાવવા અને કદાચ, એની ભૂલ થઈ જાય તો માફ
કરીને પાછા સ્વીકારવા, ખરાબ પરિસ્થિતિમાં એની સાથે ઊભા રહેવાનો પ્રયત્ન કરવો
એ એક સારા માતા-પિતાની ફરજ નહીં, જવાબદારી છે. જેને આપણે જન્મ આપ્યો છે
એને એક ભૂલ માટે છોડી દઈને આપણે એના જીવનને જોખમમાં મૂકીએ છીએ એ
વાત આપણને દિવ્યા ભારતી શીખવી ગઈ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *