દુનિયા કો બદલને કા તસલીમ તેરા દાવા; હમ ફિર ભી યે કેહતે હૈં દુનિયા વો હી દુનિયા હૈ

આપણે બધા જ્યારે પણ, કોઈના માટે કંઈ પણ કરીએ ત્યારે બદલામાં કશીક અપેક્ષા હોય છે.
અપેક્ષા વગર, માત્ર આપણા આનંદ ખાતર-અથવા, માનવતા ખાતર કે સંસ્કારો ખાતર છેલ્લીવાર શું કર્યું હતું
એવું યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ, આપણને સમજાય કે આપણે જેને જેને મદદ કરી એ સૌ ક્યાંકને
ક્યાંક આપણને ‘કામ લાગશે’ એવી અપેક્ષા સાથે જ કરી છે. આપણે માણસ તરીકે સારા હોઈએ અને
આપણા સ્ટાફને કે બીજા લોકોને સારી રીતે રાખતા હોઈએ, પરિવાર જેવી ટ્રીટમેન્ટ આપતા હોઈએ એમાં
પણ, એ ‘ટકી જાય’ એવી બેઝિક અપેક્ષા તો હોય જ છે.

મોટાભાગના લોકોને દાન કે મદદ કર્યા પછી એ વિશે જાહેરાત કરવાનો પણ શોખ હોય છે. આપણે
બધા જાણ્યે-અજાણ્યે ‘ફક્ત કરવું જોઈએ’ અથવા ‘માણસ તરીકેની ફરજ’ માનીને શું કરીએ છીએ?
આઝાદીના સંગ્રામમાં કૂદી પડેલા કેટલાય નવલોહિયા યુવાનો વગર એકલા ગાંધી કે નેહરુ આઝાદી મેળવી
શક્યા હોત ખરા? સત્ય તો એ છે કે, બેરિસ્ટર થઈને ઈંગ્લેન્ડથી પાછા ફરેલા ગાંધી પોતાની બેરિસ્ટર તરીકેની
પ્રેક્ટિસ ટકાવીને જિન્નાની જેમ એક મોટા વકીલ બની શક્યા હોત, પૈસા કમાઈ શક્યા હોત, લાઈફ સ્ટાઈલ
જીવી શક્યા હોત… એમણે આ બધી પળોજણ ઊભી કરવાની જરૂર જ નહોતી. મોતીલાલ નેહરુના દીકરા
કે જાનકીનાથ બોઝના દીકરા જવાહર કે સુભાષને પોતાની જમીનો, મહેલો છોડીને જેલોમાં દિવસો
કાઢવાની ક્યાં જરૂર હતી? એમણે જે કંઈ કર્યું એ દેશ માટે કર્યું. એમની ફરજ સમજીને કર્યું.

જોકે, એમના પછીની પેઢીઓ એમની આ ભાવના કે ફરજને નિભાવી શકી નહીં, એ વાત આ દેશ
માટે સૌથી મોટું દુર્ભાગ્ય પૂરવાર થઈ. આ બધું કર્યા પછી ગાંધીને ગોળી મળી, સુભાષબાબુને અનામ મોત
અને દેશના કેટલાય સ્વાતંત્ર્યસેનાનીઓ એમની ઓળખ કે પેન્શન વગર ગરીબી અને ગુમનામીમાં મૃત્યુ
પામ્યા. વીર સાવરકરને અંતે સમાધાન કરવાની ફરજ પડી, ત્યારે સવાલ એ છે કે દેશ માટે કશું કરનાર
બહાદુર અને પોતાની ફરજ સમજીને ઘર-પરિવારને પણ વિસારે પાડીને ખપી જનાર લોકોને એ દેશ કે એના
પછીની પેઢીઓ શું આપે છે?

આજે, ગાંધીના નામે અનેક વિવાદો થાય છે. નેહરુ અને એડવિનાની પ્રણય કથા ચગે છે.
રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ ક્ષેત્રે પ્રદાન વિશે કે કવિતાઓ અને સાહિત્યને યાદ કરવાને બદલે એમની ભાવિ
સાથેના એમના સંબંધો વિશે રસપ્રચૂર ચર્ચાઓ થાય છે. આપણે એમના સમયમાં જીવ્યા નથી, સત્ય જાણતા
નથી… આવા મહાનુભાવો પછીની પેઢી તરીકે બીજું કંઈ નહીં તો એમના સન્માનને હાનિ ન પહોંચે એ રીતે
જીવવાની અને વર્તવાની આપણી ફરજ નથી? માત્ર મહાનુભાવો જ શું કામ, આપણે તો આપણા માતા-
પિતા વિશે પણ ન્યાયાધિશ બનીને એ જે જીવ્યા એ અંગે ન્યાય તોળવા બેસી જઈએ છીએ, ત્યારે ભૂલી
જઈએ છીએ કે, આપણે એમના પછીની પેઢી છીએ અને એમણે વાવેલું જ આપણે કાપી રહ્યા છીએ. માતા-
પિતા જીવિત હોય તો એમને સન્માન, સ્નેહ અને સમય આપવો એ માત્ર સંતાન તરીકે નહીં, ‘વ્યક્તિ’ તરીકે
પણ આપણી ફરજ છે. આગલી પેઢી આપણી પાસેથી એથી વધુ કોઈ અપેક્ષા પણ રાખતી નથી.

ખલિલ જિબ્રાન કહે છે કે, આપણા બાળકો આપણા થકી આ દુનિયામાં આવ્યા છે, પરંતુ એમના
ઉપર આપણો કોઈ અધિકાર કે માલિકી નથી હોતા. આપણે એમને એક બહેતર જીવન આપવાનું છે, એમને
એક સારા વ્યક્તિ બનાવીને સમાજને એક સુદૃઢ પાયો ઉમેરી આપવાનો છે.

મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, એમનું સંતાન એ એમની ઘડપણની લાકડી છે, એમના
ભવિષ્યનો આધાર, સમાજમાં એમની પ્રતિષ્ઠા અને લોકોની સામે પ્રદર્શન કરવાની કોઈ ટેલેન્ટ અથવા કોઈ
એવી બાબત છે, જેમાં નિર્બંધ સ્નેહ સિવાય બાકીનું બધું જ છે! માતા-પિતા અને સંતાન વચ્ચેનો સૌથી
પહેલો સંબંધ ફક્ત ‘સ્નેહ’નો હોવો જોઈએ. વધુ માર્ક લાવતું, હોંશિયાર, ટેલેન્ટેડ કે ચતુર બાળક, થોડું ઓછું
હોંશિયાર કે પ્રમાણમાં ડફોળ બાળક… વચ્ચે માતા-પિતાને ફેર કેવી રીતે હોઈ શકે? મહત્વની વાત એ છે કે,
બાળકના માર્ક્સ, સફળતા કે કુશળતાના બદલામાં એને માતા-પિતાની પ્રશંસા મળે, પરંતુ નિષ્ફળતા, નિરાશા,
અણઆવડત કે ઓછી ચતુરાઈના બદલામાં પણ સ્નેહ તો મળવો જ જોઈએ.

આજકાલના માતા-પિતા એમના બાળકને જન્મતાંની સાથે જ કોઈ હરિફાઈમાં ધકેલી દે છે.
નાનકડા બાળકે પળેપળે માતા-પિતાની અપેક્ષા સામે ખરા પૂરવાર થવાની મોટી જવાબદારી ઉઠાવવી પડે છે.
અન્યના બાળક સાથે સરખામણી કરીને બાળકને સતત એવો અહેસાસ કરાવવામાં આવે છે કે, એણે હજી
ઘણી પરીક્ષાઓ પસાર કરવાની છે, ત્યારે જ એને માતા-પિતાનો સ્નેહ પ્રાપ્ત થશે! આ કયા પ્રકારનો સંબંધ
છે?

માતા-પિતાની ફરજ છે કે, એ પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે, પરંતુ એની ભૂલ હોય કે એણે
અણસમજમાં કશું ખોટું કર્યું હોય તો નાનપણથી જ એ ભૂલ વિશે એને સભાન કરીને, ફરીથી એ ભૂલ ન થાય
એ માટે પોતે પણ સજાગ રહે. પ્રેમનો અર્થ માત્ર ‘ઈચ્છાપૂર્તિ’ નથી. મોંઘા રમકડાં, મોંઘી શાળા કે મોઢામાંથી
નીકળે તે બધું આપનાર માતા-પિતા બાળકને વધુ પ્રેમ કરે છે અને મધ્યમવર્ગીય, ગરીબ માતા-પિતા જે
બાળકની બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા એનો પ્રેમ ઓછો છે, એવું કહી શકીએ? બિલકુલ નહીં. સત્ય
તો એ છે કે, માતા-પિતાએ એક જવાબદાર યુગલ બનીને ભવિષ્ય માટે એક સમજદાર, જવાબદાર અને
ઈમાનદાર વ્યક્તિને તૈયાર કરવાનો છે. ખૂબ હોંશિયાર અને ચતુર વ્યક્તિ પાસે જો સાર-અસારનો વિવેક નહીં
હોય તો એ રાક્ષસ બની જશે, પરંતુ થોડી ઓછી હોંશિયાર કે સરળ વ્યક્તિ પાસે જો જીવન અને સમાજ
પ્રત્યેની જવાબદારીની સમજણ હશે તો એ સમાજ માટે એક મૂલ્યવાન પ્રદાન બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *