એક માણસ રસ્તા પરથી પસાર થતો હતો. એણે જોયું કે, એક નબળો, પાતળો માણસ
જમીન પર પડ્યો પડ્યો બૂમો પાડે છે, ‘મને બચાવો’ જ્યારે એક મજબૂત તાકતવર માણસ એને
જમીન પર પાડીને એના પર ચડી બેઠો છે. પેલા રાહદારીએ મજબૂત માણસના માથામાં લાકડી મારી
એને પછાડી દીધો. જમીન પર પડેલો નબળો માણસ ઊભો થઈને ભાગી ગયો ત્યારે માથું દબાવતા
પેલા મજબૂત માણસે બૂમ પાડી, ‘એણે મારા પૈસા ભરેલી બેગ છીનવી લીધી. હું એની પાસેથી બેગ
પાછી લેવાનો પ્રયત્ન કરતો હતો, પણ તમે એને બચાવ્યો. મારી બેગ લઈને એ ભાગી ગયો…’
દરેક વખતે આપણને જે દેખાય છે, એનો આપણે જે અર્થ કાઢીએ છીએ એ જ સાચું છે એવું
માની લેવાની જરૂર નથી. જમીન પર પડેલો માણસ નબળો હોય અને એની છાતી પર બેસેલો
માણસ, ઊંચો-પહોળો-મજબૂત હોય તેથી પેલો જમીન પર પડેલો માણસ જ ‘બિચારો’ છે અને
મજબૂત માણસ એની સાથે અન્યાય કે અત્યાચાર કરે છે એવું માની લેવું કેટલું ભૂલભરેલું પૂરવાર થયું!
આપણે જેને શુભ માનીને કરીએ છીએ તે જો ‘અશુભ’ નીકળે તો આપણે અફસોસ કરીએ છીએ,
પસ્તાવો અથવા ક્યારેક તો એ માટે અન્ય વ્યક્તિને જવાબદાર ઠેરવીને છટકી જવાનો પ્રયત્ન કરીએ
છીએ કારણ કે, આપણે નિર્ણય કરવાની જવાબદારી નથી લેતા! જે કર્યું તે આપણે કર્યું, સારું કે
ખરાબ, શુભ કે અશુભ એ તો ફળ કહેશે, પરંતુ આપણે અત્યારે, આ ક્ષણે જે કર્યું એનો નિર્ણય તો
આપણે જ કર્યો ને? પરંતુ, ફળના ભયથી આપણે એ નિર્ણયની જવાબદારી લેતા જ નથી.
નિર્ણય કરવા માટે આપણી પાસે પોતાની બુધ્ધિ જોઈએ, જેનો ઉપયોગ આપણે ભાગ્યે જ
કરીએ છીએ. મોટાભાગના લોકો નિશ્ચિત રૂઢિ, વિચાર, માન્યતાઓ અને સંદર્ભોનો ઉપયોગ કરીને
પોતાના ડુઈંગ અથવા કર્મને નિભાવે છે. પેલા રાહદારીની જેમ, સદીઓની માન્યતા કે બળવાન જ
નબળા પર અત્યાચાર કરે… માટે બળવાનને અટકાવવો! એણે એ કર્યું, પરંતુ પરિણામ તો એના ધારવા
કરતાં ઊંધું આવ્યું! કારણ કે, એણે સમજવાને બદલે, પૂછવાને બદલે ધારણા અને માન્યતા ઉપર
આધારિત રહીને નિર્ણય કરી લીધો! નિર્ણય ઉપર આધારિત કર્મ કરી લીધું!
આપણે બધા આવી જ ભૂલભરેલી માન્યતાઓ સાથે જીવીએ છીએ. આમાંની મોટાભાગની
માન્યતાઓ આપણને તૈયાર મળી છે. વારસામાં કે પછી સમાજમાં જે લોકો માને છે એમાં આપણે
જોડાઈ ગયા છીએ. આ આખીય માન્યતા કે જીવનની શૈલી ‘ડુઈંગ’ની શૈલી છે. આપણે સહુ કર્મની વાતો
કરીએ છીએ અને કર્મના ફળની આશા ન રાખવી એવી પણ ફિલોસોફી એકમેકને સંભળાવીએ છીએ, પરંતુ સત્ય
તો એ છે કે ફળની આશા વગર આપણે કોઈ કર્મ કરતા નથી. બાળકને ઉછેરવાના માતા-પિતાના સામાન્ય કર્મને
પણ આપણે ભવિષ્ય સાથે જોડી દઈએ છીએ. એ સંબંધને આપણે લાગણી, સંવેદના, કાળજી જેવા ટાઈટલ
આપીએ છીએ, પરંતુ અંતે તો એમાંથી ફળની કે રિટર્નની અપેક્ષા છે જ. નવાઈ એ છે કે, ડુઈંગ-કર્મ આ પળની
વાત છે. હમણા આ ક્ષણે આપણે શું કરી રહ્યા છીએ એ વિશે આપણે જાગૃત નથી, પરંતુ ભવિષ્યમાં આપણને શું
જોઈએ છે એ વિશે આપણે એકદમ સ્પષ્ટ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને
કરીએ છીએ, વર્તમાન વિશે વિચારીને નથી કરતા. કદાચ, એટલે જ આપણે આ ક્ષણમાં નથી હોતા.
આ ક્ષણમાં હોઈએ તો સમજાય કે, ‘બીઈંગ’ એટલે શું! આપણું હોવું, આપણું અસ્તિત્વ,
આપણા વિચારો અને એ વિચારો સાથે જોડાયેલી આપણી જીવનશૈલી, વાણી-વર્તન, વ્યવહાર અને
વ્યક્તિત્વના સમગ્ર ગુલદસ્તાને ‘બીઈંગ’ અથવા આપણું હોવું કહી શકાય. જેમ દરેક વ્યક્તિની ફિંગર
પ્રિન્ટ અલગ હોય છે, પણ દરેક વ્યક્તિનું ‘હોવું’ પણ અલગ જ હોય. જે વ્યક્તિ પોતાની આ જુદી
ફિંગર પ્રિન્ટની જેમ આગવું અસ્તિત્વ ઓળખે, ઊભું કરે અને અભિવ્યક્ત કરે તે આ ક્ષણને જીવી શકે.
જે આ ક્ષણમાં જીવે તે કદી નિર્ણય કરવામાં ભૂલ ન કરે કારણ કે, એના ખભા પર પાછલા કોઈ
ઈતિહાસ, માન્યતા કે અનુભવોનો ભાર નથી. આવી વ્યક્તિ પૂછે, જાણે, સમજે અને પછી અત્યારે જે
યોગ્ય છે તે કરે. એને આવનારી ક્ષણનો ઉચાટ નથી, અને વિતેલી ક્ષણની પીડા નથી માટે એ આ
ક્ષણમાં સાચું અને સારું જીવી શકે છે.
આ બધું અઘરું લાગે તો સાદી વાત એવી રીતે સમજી શકાય કે આપણે જે કંઈ કરીએ છીએ
એને ભૂતકાળની વાતો સાથે જોડીને એના દુઃખ કે સુખના આધારે કરવાને બદલે… ભવિષ્યમાં શું થશે
અને શું નહીં થાય એની ધારણાઓ પર આધારિત રહીને કરવાને બદલે, અત્યારે આ ક્ષણે આપણને જે
સાચું અને યોગ્ય લાગે તે કરવું. આ યોગ્ય-અયોગ્યનો નિર્ણય ભૂતકાળ કે ભવિષ્યનો વિચાર કરીને ન
કરવો-બીજાએ શું કર્યું તેનો વિચાર કરીને પણ ન કરવો-બીજા શું વિચારશે કે આપણને શાબાશી મળશે
કે આપણી ટીકા થશે એનો વિચાર કરીને પણ ન કરવો, બલ્કે આ યોગ્ય-અયોગ્યનો નિર્ણય અત્યારની
ક્ષણમાં ઊભા રહીને, સત્ય-અસત્ય સમજીને આપણી આ ક્ષણની સમજણનો પૂરેપૂરો ઉપયોગ કરીને
પછી કરવો.
આપણે બધા જ જાણે-અજાણે એક એવા જગતમાં પ્રવેશી ગયા છીએ જ્યાં આપણને
‘હોવા’ને બદલે ‘મેળવવા’માં વધુ રસ પડવા માંડ્યો છે. જીવવાને બદલે પામવું એ જ આપણું ધ્યેય
બનવા લાગ્યું છે. આ રાહદારીની જેમ આપણે પણ સમજ્યા વગર દોડીને એવા લોકોની મદદ કરી
રહ્યા છીએ જે ખરેખર મદદને યોગ્ય નથી…
આપણું અસ્તિત્વ કોઈ ખાસ હેતુ સાથે પરમતત્વથી છૂટું પડીને આ પૃથ્વી પર પ્રગટ થયું છે.
એ અસ્તિત્વનો અર્થ શોધી શકીએ તો આપણા હોવાને જીવી શકીએ, તો આપણા કર્મને આ ક્ષણમાં
રોપીને આવતી ક્ષણ તરફ સહજ પ્રવાસ કરી શકીએ.