અંબાણીના લગન છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, અખબારો અને
ટેલિવિઝનનો કેટલો સમય અને પ્રિન્ટેડ સ્પેસ ખાઈ રહ્યા છે એની ગણતરી કરવા જઈએ તો આંખો
પહોળી થઈ જાય! કોણે શું પહેર્યું હતું ત્યાંથી શરૂ કરીને રજનીકાન્ત, રણવીરસિંહ અને અનિલ કપૂર
જેવા લોકો જાનમાં નાચી રહ્યા હતા… તે? એમાં શું નવાઈ? કોઈને જાનમાં આમંત્રણ આપ્યું હોય
અને એ વ્યક્તિ લગ્નમાં આવે તો વરઘોડામાં નાચે… એ અનિલ કપૂર છે કે રણવીરસિંહ, માધુરી
દીક્ષિત છે કે પ્રિયંકા ચોપરા, એનાથી ખરેખર કોઈ ફરક પડે છે ખરો?
આપણો દેશ અહોભાવથી અંજાયેલો દેશ છે કદાચ, નીતા અંબાણી કરતાં વધુ આ
વાતની કોઈને સમજ નથી. આ દેશની પ્રજાને કેવી રીતે આંજી નાખવી એની પાકી આવડત નીતા
અંબાણીની પીઆર ટીમ પાસે છે. આ પહેલાં પણ એમના ઘેર થયેલા લગ્નોમાં ફિલ્મસ્ટાર્સ પાસે
મહેમાનોને પીરસાવીને એમણે આ દેશના લોકોને અભિભૂત કરી નાખ્યા હતા… મજાની વાત એ છે,
કે આપણે બધા આવા પ્રદર્શન અને દેખાડાથી એવા તો અંજાઈ જઈએ છીએ કે, પછી આપણા ઘરના
લગ્નોમાં પણ આવું જ કંઈ કરવાની આપણને ઝંખના જાગે છે!
અત્યાર સુધી ભારતીય લગ્નો સાદા, સરળ અને પારિવારિક પ્રસંગો હતા. એકતા કપૂરે
જ્યારથી પોતાના એપિસોડ લંબાવવા માટે 10-12 દિવસના લગ્નો દેખાડવા માંડ્યા ત્યારથી
આપણા પરિવારોમાં પણ પાંચ-પાંચ દિવસના પ્રસંગ ઉજવાવા લાગ્યા. મહેંદી, સંગીત, બોક્સ ક્રિકેટ,
ડીજે નાઈટથી શરૂ કરીને પૂલપાર્ટી અને બેચલર્સ પાર્ટી જેવા પ્રસંગો આપણે ત્યાં વળી ક્યારે હતા?
ભારતીય, ખાસ કરીને ગુજરાતી લગ્નોમાં શરાબ પીરસવાનો રિવાજ કોઈ દિવસ હતો જ નહીં, પરંતુ
ડેસ્ટિનેશન વેડિંગ એટલા માટે વધુ પસંદ થવા લાગ્યા કારણ કે, લગ્નમાં કોકટેલ પાર્ટી અનિવાર્ય
બનવા લાગી! આ નવી પેઢીની પસંદગી છે કે માતા-પિતાની દેખાદેખી, હજી સમજાયું નથી!
ડોનાલ્ડ ટ્રમ્પના કાન પાસેથી બુલેટ પસાર થઈ જાય અને એ સમાચાર વિશ્વભરની
હેડલાઈન્સ બને એ પછી ટ્રમ્પ ઊભા થઈને બૂમો પાડે, ‘ફાઈટ-ફાઈટ.’ બસ! એટલા એક જ પ્રસંગ
સાથે એના પાછલા બધા કર્મનો હિસાબ પૂરો થઈ જાય. પ્રજાની સહાનુભૂતિ એની સાથે થઈ જાય.
મમતાદીદીનો પગ ભાંગે અને એ વ્હીલચેરમાં ચૂંટણી પ્રચાર કરે એથી બંગાળની પ્રજા ગદગદીત થઈ
જાય. લાલુ યાદવના ભેંસ દોહતા અને મમતાદીદીના સ્લીપર પહેરેલા ‘ગરીબ’ ધોતી પહેરેલા ફોટા
છપાય એનાથી આપણે એમને ‘કોમન વ્યક્તિ જેવું જીવે છે’ કહીને વંદન કરતા થઈ જઈએ…
સામે વોટ આપવા આવેલી દીપિકાને સાચવીને ભીડમાંથી બહાર કાઢતા એના પતિને
‘વેવલો’ કહીએ, દીપિકાનો બેબી બમ્પ સાચો નથી એવું કહીને એને ટ્રોલ કરીએ કારણ કે, આપણે
એમના લગ્નજીવન કે સફળતાથી અંજાયા તો છીએ જ, પરંતુ ઈર્ષાળુ પણ થઈ ગયા છીએ.
ભારતીય પ્રજાનું દુઃખ એ છે કે, એક તરફથી આ પ્રજા તરત જ દેખાદેખીમાં પડી જાય
છે. અન્યએ કર્યું એ આપણે કરવું જ પડે, આપણી લીટી એનાથી મોટી દોરવી પડે ને ન દોરાય તો
એની લીટી ભૂંસીને નાની કરવી પડે એ આપણું મિથ્યાભિમાન અને અહંકાર છે. આ ખોટું છે, એ
જાણવા છતાં પણ આપણી સલાહો અને સમજણ બીજા માટે છે-આપણે તો ‘એ જ’ રહેવા માગીએ
છીએ. દીપિકા પ્રેગ્નેન્ટ છે, ત્રણ વર્ષના ડેટિંગ અને સાત વર્ષના લગ્નજીવન પછી એમણે માતા-પિતા
બનવાનું નક્કી કર્યું એ સમાચાર એમણે એમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા-એટલા માટે, કારણ કે
એ લોકો પોતાના પ્રશંસકો સાથે આ ખુશી, આ ઉજવણી વહેંચવા માગતા હતા, પરંતુ આ દેશમાં જે
પ્રંશસક છે એ પઝેસિવ પણ છે. પોતાના સ્ટારને ચાહવાની સાથે સાથે જો એ સ્ટાર પોતાના મનમાં
જે કંઈ ધારણા છે તે પ્રમાણે ન વર્તે તો જેને ઈશ્વરની જેમ પૂજે એને જ ‘શેતાન’ કહીને પત્થર
મારતાં આ પ્રજા અચકાતી નથી!
કોઈ ગમે, કોઈના પ્રત્યે આકર્ષણ, આદર કે અહોભાવ હોય એમાં કશું ખોટું નથી, એ
ફિલ્મસ્ટાર હોય, રાજનેતા હોય, ક્રિકેટનો સ્ટાર હોય કે કોઈ સગાં-પડોશી… એમણે કરેલા કામ અને
મેળવેલી સફળતા વિશે આપણે આદર અનુભવીએ ત્યાં સુધી બરાબર છે, પરંતુ એમાંથી પ્રેરણાનો
જન્મ થવો જોઈએ, પઝેશનનો નહીં.
આપણને કોઈ ગમે છે, માટે આપણે એના માલિક છીએ એ ભારતીય પ્રજાની
માનસિકતામાં રહેલી સૌથી મોટી નબળાઈ છે. આપણને ન્યાય કરવાનો અધિકાર છે, એવું માનતા
ભારતના કેટલાય લોકોએ નેતાઓ પર ચપ્પલ ફેંક્યા છે, કંગના રણોતને થપ્પડ મારી છે, ટ્રમ્પ પર
ગોળી ચલાવી છે અને દીપિકાને કે અન્ય સ્ત્રીઓને ટ્રોલ કરી છે. આ કંઈ આજકાલની વાત નથી,
ગાંધીજી પર ગોળી ચલાવનારો ગોડસેએ પણ ફક્ત પોતાની માનસિકતાને કારણે આ હત્યા કરી હતી.
જ્હોન લેનન નામના ‘બિટલ્સ’ના એક કલાકારને એના પ્રશંસકે એટલા માટે મારી નાખ્યો કારણ કે,
એ સ્ટાર પરત્વેની આકર્ષણની ઘેલછામાં જ પોતાને જ્હોન લેનન સમજવા લાગ્યો હતો. જિયાની
વરસાચે નામના ડિઝાઈનરની હત્યા પણ એના પ્રશંસકે કરી…
ટૂંકમાં, સમજવાની જરૂરિયાત એટલી છે કે, સફળ હોય, લોકપ્રિય હોય, સ્ટાર હોય તેમ
છતાં બધા જ માણસ છે, કોઈ ઈશ્વર નથી. એમને પણ ગમા-અણગમા અને ગુણ-દોષ છે. એમને
એમની જિંદગી એમની રીતે જીવવાનો અધિકાર છે. એ આપણને ગમે છે, તેથી આપણે જે માનીએ કે
વિચારીએ તે રીતે વર્તવુ એમની ફરજ નથી જ. સહાનુભૂતિ કે તીરસ્કાર પણ સપ્રમાણ હોવા જોઈએ.
આકર્ષણ, અહોભાવ કે ઈર્ષા પણ પ્રમાણ ચૂકી જાય ત્યારે એમાંથી નરી નેગેટિવિટીનો જન્મ થાય છે-
જે સ્ટાર સુધી તો પહોંચતી જ નથી, આપણી ભીતર રહીને આપણને જ વધુ કડવા અને વધુ નકામા
બનાવે છે.