નૂપુર શર્માના એક વિવાદિત સ્ટેટમેન્ટને કારણે એમને ભાજપના પ્રવક્તા પદેથી હટાવવામાં આવ્યા છે.
કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ ન થવા જોઈએ, એવો પક્ષનો નિર્ણય નૂપુર શર્માની કારકિર્દીમાં
અત્યારે તો અલ્પવિરામ બની ગયું છે. ધર્મ વિશેના નિવેદનો હવે રાજનીતિનું એવું હથિયાર બની ચૂક્યા છે કે,
એના વગર જાણે કે એ ચૂંટણી જીતવી અશક્ય લાગે છે.
સત્ય તો એ છે કે, ધર્મને રાજકારણ સાથે કોઈ નિસ્બત ન જ હોવી જોઈએ, પરંતુ ભારતીય રાજકારણ
છેક મહાભારતના કાળથી ધર્મ સાથે અભિન્ન રીતે જોડાયેલું રહ્યું છે. કુરુક્ષેત્રના યુદ્ધને ધર્મયુદ્ધ કહીને પાંડવો
અને કૌરવો જ્યારે સામસામે ઊભા રહ્યા ત્યારે પ્રશ્ન તો હસ્તિનાપુરની ગાદીનો જ હતો ને? કોંગ્રેસી
નેતાઓના એક પછી એક બહાર આવતા કૌભાંડોને જોતા સત્તાધારી પક્ષ જાણે ચૂંટણીની તૈયારી કરવા
લાગ્યો હોય એવા ભણકારા વાગે છે.
ભારતીય રાજકારણ શરૂઆતથી-છેક 1947 અથવા એની પણ પહેલાં, 1857થી ધર્મને જ
હથિયાર બનાવતું રહ્યું છે. ચરબી લાગેલી કારતુસ મોઢેથી ન ખોલવાના મંગલ પાંડેના વિરોધમાં પણ
એનું વેજિટેરિયનિઝમ અથવા બ્રાહ્મણત્વ જ કારણ બન્યું. એ પછી 1947માં ધર્મને આધારે ભાગલા
પાડવામાં આવ્યા. કેટલુંય સમજાવ્યા પછી પણ, મૃત્યુને આરે પહોંચેલા મોહંમદ અલી જિન્હા
પોતાના અલગ રાષ્ટ્રની માંગને છોડવા તૈયાર નહોતા. એ ભાગલાએ ભારતને એક એટલો ઊંડો ઘા
આપ્યો જેમાંથી ભારત આજે પણ પૂરેપૂરો રુઝાયો નથી.
હિન્દુ-મુસ્લિમ રમખાણો હોય કે ભારતના જુદા જુદા રાજ્યોમાં થતા નાના મોટા છમકલાં,
એ બધાનો આધાર તો અંતે ધાર્મિક વિવાદ જ રહ્યો છે. આપણે ભારતને સર્વ ધર્મ સમભાવ કે ધાર્મિક
સહિષ્ણુતાનો દેશ માનીએ છીએ, પરંતુ ધીમે ધીમે જાણે કે આ સહિષ્ણુતા અથવા અન્ય ધર્મોને
આદર આપવાની આપણી ઉદારતાને આપણી નબળાઈ તરીકે જોવાતી હોય એવો ભાસ થવા લાગ્યો
છે. કોઈ એક વોટ બેન્ક જો વિફરી બેસે તો ચૂંટણી જીતી ન શકાય એની લગભગ દરેક રાજ્ય અને
દરેક મતવિસ્તારમાંથી ઊભા રહેતા ઉમેદવારને ખબર છે. સૌને ખુશ રાખવાનો મરણિયો પ્રયાસ અંતે
કોઈને ખુશ નહીં રાખી શકે એવો ભય ધીમે ધીમે આખા દેશમાં વ્યાપી ગયો છે.
એક મતદાર તરીકે આપણે જાણીએ કે નહીં, પરંતુ જ્યારે જ્યારે મતવિસ્તારોમાં રહેલા વોટર્સ
કે મતદારની ગણતરી થાય છે ત્યારે ઉંમર, આર્થિક ધોરણ, શિક્ષણ કરતાં વધુ ધર્મ અને જાતિના આધારે
થાય છે. મત માગવાની પ્રક્રિયા પણ ધર્મ અને જાતિ આધારિત રહી છે. આજે નૂપુર શર્માનું વિધાન
સાચું છે કે ખોટું, એને પક્ષમાં ફરી લેવા જોઈએ કે નહીં એ વિશે કેટલાક ફિલ્મસ્ટાર્સ પણ
દલીલબાજીમાં ઉતરી પડ્યા છે. સામાન્ય લોકોના વિધાન નૂપુર શર્માના પક્ષમાં છે, પરંતુ સવાલ એ
છે કે કોઈ એક વ્યક્તિને ખોટા સાબિત કરવા માટે બીજી વ્યક્તિએ એના ધર્મ ઉપર જ પ્રહાર કરવો પડે
એવી માનસિકતામાં આપણે કેમ ઘસડાઈ રહ્યા છીએ?
આ દલીલ કરવા માટે સેક્યુલર હોવું જરૂરી નથી. હું સનાતન ધર્મને ખૂબ સન્માન આપું છું
અને જે ધર્મમાં મેં જન્મ લીધો છે અથવા જે ધર્મના સંસ્કારથી મારો ઉછેર થયો છે એ માટે મને ગૌરવ
છે. ભગવદ્ ગીતા કહે છે, ‘સ્વ ધર્મે નિધનમ્ શ્રેયમ્, પરધર્મો ભયાવહ’ આપણે પુષ્ટિમાર્ગમાં
અન્યાશ્રયનો નિષેધ કરીએ છીએ. તો ક્રિશ્ચાનિટી જીસસ સિવાયના કોઈ દેવને માનવાની મનાઈ કરે
છે. કુરાન અન્ય ધર્મના લોકોને ‘કાફિર’ કહે છે ત્યારે આપણે એક જ ઈશ્વર અને પરમતત્વની વાત
ભૂલી ગયા છીએ? માણસે બનાવેલી સૌથી કનિષ્ઠ વસ્તુ ધર્મ, પૈસા અને ભાષા છે… આ ધર્મ અને
પૈસાનું રાજકારણ માત્ર ભારતને જ નહીં, દુનિયાભરના દેશના નાગરિકોને એકમેકની સામે લડાવી
રહ્યા છે. પાકિસ્તાનમાં શિયા-સુન્ની, આફ્રિકામાં મુસ્લિમ અને ક્રિશ્ચન, અમેરિકામાં ઓરિજિનલ રેડ
ઈન્ડિયન, એફ્રો અમેરિકન અને બહારથી આવીને વસેલા, મોટા મંદિરો બાંધતા અન્ય ધર્મીઓ-અન્ય
ભાષીઓ… સહુ સામસામે ઊભા છે. સહુને પ્રશ્ન છે કે એમનો ધર્મ આખા વિશ્વ પર ક્યારે રાજ
કરશે? આખું વિશ્વ એના ધર્મને સ્વીકારે કે માને એવા કોઈ અહંકારી આગ્રહ સાથે બધા જ રાજકારણ
અને ધર્મને એકબીજાની સાથે ભેળસેળ કરી રહ્યા છે.
આમાં સામાન્ય નાગરિકને સૌથી વધુ નુકસાન થાય છે. ભારતમાં વસતા મુસ્લિમ પોતાની
અલગ વસતિ બનાવીને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ આ દેશમાં લહેરાવીને એવું પ્રસ્થાપિત કરવા મથે છે
કે, એમની એ નાનકડી વસતિ એમના પાકિસ્તાનને સમર્થન આપે છે, પરંતુ પાકિસ્તાનનો સામાન્ય
નાગરિક આજે પણ ‘મુહાઝીર’ શબ્દથી અપમાનિત થાય છે. 75 વર્ષ પછી પણ જે લોકો અહીંથી
ગયા છે એમને શરણાર્થી કે રાજનીતિક રેફ્યૂજી તરીકે ટ્રીટ કરવામાં આવે છે. જે લોકોને આ સમજાય
છે એને સમજાવું જોઈએ કે દેશના ભાગલા કાં તો કાગળ પર પડે છે અને કાં તો જમીન પર… આ
ભાગલા પાડવાથી જેનો ફાયદો થાય છે એ દેશમાં રહીને પણ ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે.
રાજનીતિક પીઠબળ સાથે એક સ્ત્રી પ્રવક્તા તરીકે પોતાની વાત મૂકવાનો પ્રયાસ કરવામાં
ક્યાંક ઉશ્કેરાઈ ગઈ, અથવા એને એટલી ઉશ્કેરવામાં આવી કે એણે વિવાદિત નિવેદન કરી નાખ્યું.
સાચું પૂછો તો અન્ય ધર્મના લોકો રોજેરોજ આવા કેટલાય વિવાદિત નિવેદનો કરે છે, ફતવા બહાર
પાડે છે. આવા નિવેદન કરવા બદલ સૌરાષ્ટ્રના એક છોકરાને મારી નાખ્યાનો દાખલો પણ આપણી
પાસે છે. તેમ છતાં, આપણે હજી સર્વ ધર્મ સમભાવ, ધર્મ નિરપેક્ષતા, સહિષ્ણુતા અને લોકશાહીથી
મળતા અધિકારો જેવા શબ્દોને પકડીને આ બેફામ ચાલતી પ્રવૃત્તિને અટકાવવાનો કોઈ મજબૂત
પ્રયાસ કેમ કરતા નથી?
જો એક વ્યક્તિનું નિવેદન વિવાદિત હોય, આવા નિવેદન બદલ એને સજા ફટકારવામાં આવે
તો અનેક ધાર્મિક સ્થળોની બહાર કરવામાં આવતા ઉશ્કેરણીજનક ભાષણો, યુવાનોને ગેરમાર્ગે દોરતી
ધર્મની પરિભાષાઓ, એમને જીવ આપી દેવા માટે આપવામાં આવતી સ્વર્ગની લાલચ વિશે આપણે
કેમ મુંગા-બહેરા અને આંધળા છીએ? ગાંધીજીના ત્રણ વાંદરા હવે પોતાના મોં પરથી, આંખ પરથી
અને કાન પરથી હાથ હટાવે તો એને સમજાય કે આપણી ઉદારતા કે મતદાર માટે પ્રોજેક્ટ કરવામાં
આવતી ધર્મ નિરપેક્ષતા ધીમે ધીમે આપણી મજબૂરી કે નબળાઈ બનવા લાગી છે. જે વિધર્મીઓ
પરણેલી કે કુંવારી યુવતિને લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવી શકે એને માટે એમને મળતાં ઈનામો વિશે
કોઈને કંઈ કહેવાનું નથી?