ચઢતી લહર જૈસે ચઢતી જવાની
ખિલતી કલી સા ખિલા રૂપ
જાને કબ કૈસે કહાઁ
હાથોં સે ફિસલ જાયે જૈસે
ઢલ જાએ ચઢી ધૂપ
हरि ॐ हरि…
રંબા હો…, ઉરી બાબા…, તુ મુજે જાન સે ભી પ્યારા હૈ…, વન ટુ ચા ચા ચા…થી શરૂ
કરીને હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘દ્રશ્યમ-2’ના ટાઈટલ સોન્ગમાં તમને બધાને યાદ હશે, આ
અવાજ. ‘પ્યારા દુશ્મન’ નામની ફિલ્મ, જેમાં કલ્પના ઐયરનો કેબ્રે ખૂબ જ લોકપ્રિય થયેલો. એ
1980નો સમય હતો. ત્યારે બપ્પી લહેરીની કારકિર્દી ટોપ પર હતી. આમ તો 1965-66થી જ
આર.ડી. બર્મને હિન્દી સિનેમાના સંગીતને એક નવો ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં, ‘હરે
રામ હરે કૃષ્ણ’ નામની ફિલ્મમાં જેને પહેલીવાર ગાવાનો ચાન્સ મળ્યો. આશા ભોંસલે જેવી મંજાયેલી
અને પ્રસિધ્ધ ગાયિકા સાથે ગાવાની તક એમને માટે બોલિવુડના દરવાજા ખોલશે એવું એમણે કદાચ
ધાર્યું નહોતું, પરંતુ એ ગીતના ખૂબ વખાણ થયા એટલું જ નહીં, યુવા પેઢીમાં એ ગીત ખૂબ લોકપ્રિય
થયું. કદાચ એટલા માટે કે, એ વખતે આઝાદીને 30 વર્ષ ઉપર થઈ ચૂક્યા હતા. એક એવી પેઢી યુવાન
થઈ હતી જે પશ્ચિમ તરફ આકર્ષાયેલી હતી. પશ્ચિમની વેશભૂષા, ત્યાંનું સંગીત અને સાથે સાથે
‘હિપ્પી કલ્ચર’નો વાયરો એ સમયમાં વહેતો થયેલો.
એક ઘેરો ઘૂંટાયેલો અવાજ એ વખતે બોલિવુડના સંગીતમાં જે રીતે દાખલ થયો એ
જરા નવાઈની અને પ્રમાણમાં અસ્વીકાર્ય બાબત હતી. એ લતા મંગેશકર અને આશા ભોંસલેનો
સમય હતો. બોલિવુડની સંગીત ઈન્ડસ્ટ્રી પર આ બે બહેનો રાજ કરતી એમ કહીએ તો ખોટું નહીં!
સુમન કલ્યાણપુર, વાણી જયરામ જેવી કોકિલકંઠી ગાયિકાઓની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ
લપેટાઈ ગયેલી. સૌ કોઈ જાણે છે કે, મંગેશકર પરિવારની કેવી બોલબાલા હતી! બીજી કોઈ ગાયિકા
પાસે ગવડાવે તો એ સંગીતકાર સાથે કામ નહીં કરવાની ધમકી આપતી મંગેશકર બહેનોને ઉષા
ઐયરના અવાજથી અસુરક્ષા નહીં લાગી હોય, કારણ કે એમની પાસે એમનો આગવો હસ્કી અને
પોપ મ્યુઝિક માટેનો ખાસ અવાજ હતો. ઉષા ઐયર જ્યારે પહેલીવાર બોલિવુડમાં દાખલ થયા ત્યારે
એમનો કોઈ ઈરાદો નહોતો કે, એ બોલિવુડમાં કારકિર્દી બનાવે. નવાઈની વાત તો એ છે કે, એમણે
સંગીતમાં કારકિર્દી બનાવવાનો પણ વિચાર નહોતો કર્યો!
આજે 76 વર્ષની ઉંમરે એમણે 16 ભાષાઓમાં ગીતો ગાયાં છે. જેમાં બંગાળી,
હિન્દી, પંજાબી, આસામી, ઉડિયા, ગુજરાતી, મરાઠી, કોકણી, મલયાલમ, કન્નડ, તમિલ, તુલુ અને
તેલુગુ જેવી ભારતીય ભાષાઓ સહિત અંગ્રેજી, ડચ, ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, સિંહવાલી, સ્વાહિલી,
રશિયન, નેપાળી, અરબી, ક્રિઓલ, ઝુલુ અને સ્પેનિશ જેવી ભાષાઓમાં પણ ગાયું છે. 150થી વધુ
લોકપ્રિય ગીતો સાથે આજે એમના 43થી વધારે આલ્બમ્સ બહાર પડી ચૂક્યા છે.
ઉષા ઐયર-આજે ઉષા ઉત્થુપનો જન્મ મુંબઈમાં એક તામિલ બ્રાહ્મણ પરિવારમાં થયો
હતો. એ ચાર બહેનો હતા અને બે ભાઈ. ઉમા, ઈન્દિરા, માયા અને ઉષા. ભાઈનું નામ શ્યામ અને
ત્યાગરાજ. એમના પિતા પોલીસમાં હતા. ભાયખલ્લામાં આવેલી લોવલેન પોલીસ ક્વાર્ટર્સમાં એ
લોકો રહેતા અને બધા જ ભાઈ-બહેન સેન્ટ એગ્નેસ હાઈસ્કૂલમાં ભણતાં. એમની બંને બહેનો સારું
ગાતી, પરંતુ એમને મ્યુઝિક ક્લાસમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. એમના સંગીત શિક્ષકને
લાગેલું કે, ઉષાનો અવાજ ઘણો ઘોઘરો અને સંગીત માટે અનફિટ છે.
એમની બંને બહેનોની કારકિર્દી સંગીતમાં એવી કંઈ ખાસ બની નથી જેની સામે ઉષા
ઉત્થુપ એક અનોખી પર્સનાલિટી, અને અનોખા અવાજ સામે હિન્દી પોપ સંગીતમાં અવિસ્મરણિય
નામ બની ગયાં. કાંજીવરમ સાડી, વાળમાં ગજરા, મોટો ચાંદલો અને ભારતીય દાગીનાથી સજ્જ
ઉષા ઉત્થુપ પોપ અને રોક ગીતો ગાય છે. એમની વેશભૂષા અને એમનું સંગીત એકબીજાથી તદ્દન
વિરુધ્ધ છે, પરંતુ એમનું જીવન આપણા સૌ માટે એક સંઘર્ષ અને પ્રેરણાની મિસાલ છે!
જેમ અમિતાભ બચ્ચનનો અવાજ ઓલ ઈન્ડિયા રેડિયોએ રિજેક્ટ કરેલો અને મૃણાલ
સેનની ફિલ્મ ‘ભૂવન શોમ’માં બેકગ્રાઉન્ડની કોમેન્ટ્રી માટે એમને ક્રેડિટ આપવામાં અમિતાભ બચ્ચન
જેટલું લાંબુ નામ લખવાને બદલે ફક્ત ‘અમિતાભ’ લખવામાં આવેલું! જેમ મેરેલિન મોનરોને બ્લ્યૂ
સ્ટાર નામની એડવર્ટાઈઝિંગ કંપનીએ રિજેક્ટ કરેલા અને કહેલું કે, તમે ક્યારેય મોડેલ-અભિનેત્રી નહીં
બની શકો, જેમ એલ્વિસ પ્રેસ્લીને સન રેકોર્ડ્ઝ નામની કંપનીએ રિજેક્ટ કરેલા અને કહેલું કે, ટ્રક
ચલાવવાનું કામ છોડતો નહીં કારણ કે, તું સંગીતકાર તો કદી બની જ નહીં શકે… એવી જ રીતે, ઉષા
ઐયરને પણ ઘણા રિજેક્શનનો સામનો કરવો પડેલો. આજે એમનો અવાજ એક ‘કલ્ટ’ છે. હસ્કી
અને થોડો પુરુષ જેવો મજબૂત છતાં, સૂરિલો અવાજ હિન્દી પોપ, જિંગલ્સ અને બોલિવુડમાં
લોકપ્રિય બની ગયો છે.
એમની આત્મકથા ‘ધ ક્વિન ઓફ ઈન્ડિયન પોપ’માં એમણે પોતાના જીવનની કથા
કહી છે. તમિલ બ્રાહ્મણ સાથે થયેલા લગ્ન તૂટી ગયા એ પછી જાનિ ઉત્થુપ સાથે લગ્ન કેવી રીતે થયા
અને માતા-પિતાએ એમનો બહિષ્કાર કર્યો ત્યારે પોતાના જીવનમાં હિંમત કેવી રીતે મેળવી એવી
અનેક વાતો એમની આ આત્મકથામાં છે. 1969માં પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારે પથારીવશ
થઈ જવાને બદલે ઊભા થવાની હિંમત કેળવીને એમણે સાડી નીચે ખાસ પ્રકારના ડિઝાઈનર શૂઝ
પહેરવાના શરૂ કર્યાં… ગજરો, સાડી, મોટો ચાંદલો અને હવે પગમાં સ્નિકર્સ!
જિંદગી તો આપણને અનેક સમસ્યાઓ આપે જ છે, પરંતુ એની સાથે સાથે એનું
સમાધાન પણ પેકેજ ડીલની જેમ આપતી જ હોય છે, બસ! સહાનુભૂતિ, દયા, નિરાશા, હતાશા કે
અભાવ, અસુખના ઢગલામાંથી એ સમસ્યાનું સમાધાન આપણે શોધી કાઢવાનું હોય છે! ઉષા ઐયર-
ઉત્થુપની જીવનકથા સાચે જ જીવનના જંગમાં જીતેલી એક ‘રાણી’ની કથા છે. આજે એમનો
જન્મદિવસ છે-હેપ્પી બર્થ ડે હિન્દી પોપ મ્યુઝિકની મહારાણીને!