દુર્યોધનથી દારાઃ અહંકારનો અંધકાર, વેરનું વજન

સપ્ટેમ્બર, 1659… શાહજહાંનો દીકરો દારા શિકોહ કેદખાનામાં પોતાના દીકરા સાથે
પોતાને માટે ભોજન બનાવી રહ્યો હતો. ઔરંગઝેબે મોકલેલો એક ગુલામ-નઝીર, એનું માથું કાપીને
લઈ જાય છે… ઔરંગઝેબ એ માથું ધોવડાવી, સાફ કરાવી અને થાળીમાં મૂકાવડાવે છે અને જ્યારે
ખાતરી થઈ જાય છે કે એ માથું એના સૌથી મોટા ભાઈ દારા શિકોહનું છે ત્યારે એ માથું પછાડી
પછાડીને રડે છે, ‘ઐ બદબખ્ત!’ ઔરંગઝેબના શબ્દો છે! એક અસલામત વ્યક્તિ કેવી હોઈ શકે?
જેણે પોતાના ભાઈને પોતાના જ આદેશથી અપમાનિત કરીને, ફાટેલાં કપડાં પહેરાવીને મરિયલ
હાથી પર બેસાડીને શહેરમાં ફેરવ્યો એ ઔરંગઝેબ પોતાના જ આદેશનું પાલન કરનાર જીવનખાં અને
ભાઈનું માથું કાપનાર ગુલામ નઝીરને પહેલાં ઈનામ આપે છે અને પછી એમની પણ હત્યા કરાવે છે!
20 માર્ચ, દારા શિકોહનો જન્મદિવસ છે. 1615માં જન્મેલા દારાની 44 વર્ષની ઉંમરે ’59માં હત્યા
થાય છે.

દારા શિકોહ, શાહશુજા, ઔરંગઝેબ અને મુરાદબક્ષ-શાહજહાંના ચાર પુત્રો હતા. બે બહેનો
જહાનઆરા અને ગૌહર! શાહજહાંની મિલકત અને રાજગાદી માટે ચાલતી ખટપટોએ એમને થકવી
નાખ્યા હતા. ચારેય દીકરાઓ અત્યંત લંપટ અને ક્રૂર હતા.

દારા શિકોહ બેગમ મુમતાઝ મહલ અને બાદશાહ શાહજહાંનો સૌથી મોટો દીકરો હતો.
એકતરફ સૂફીવાદ અને તૌહિદ એમના રસના વિષયો હતા. મુગલ સમયના એવા ઘણા ચિત્રો મળે છે
જેમાં દારા હિન્દુ સંન્યાસીઓ અને મુસલમાન સંતોના સંપર્કમાં હોય એવું દેખાડવામાં આવ્યું છે.
એમણે અનેક પુસ્તકો પણ લખ્યાં હતા. ‘અક્સિર-એ-આઝમ’ નામની કવિતાઓના સંગ્રહમાં એ
સર્વેશ્વરવાદી હોય એવું લાગે છે. 52 ઉપનિષદોનો અનુવાદ એમણે ‘સીર-એ-અકબર’માં કર્યો છે. એ
પણ ક્રૂર અને લંપટ હતા એમ ઈતિહાસ કહે છે. એમના હરમમાં અનેક બેગમો હતી. બર્નિયર નામના
ઈતિહાસકારે લખ્યું છે કે, શારજહાંના સૌથી વિશ્વાસુ અને રાજનીતિજ્ઞ સઆદઉલ્લાખાંનો વધ
કરાવનાર પણ દારા હતો. એને એવો ભય હતો કે, સઆદઉલ્લાખાં શાહશુજાના પક્ષમાં છે. દક્ષિણમાં
જ્યારે શાહજહાંએ પોતાના એક કુશળ સેનાપતિ મીર જુમલાને ઔરંગઝેબની સામે લડવા મોકલ્યા
ત્યારે દારાએ એના પરિવારજનોને કેદ કરી રાખ્યા હતા જેથી મીર જુમલા ઔરંગઝેબ સાથે ભળી ન
જાય.

1663માં એમને યુવરાજ બનાવવામાં આવ્યા. 1645માં ઈલાહાબાદ, 1647માં લાહોર
અને 1649માં એ ગુજરાતના શાસક બન્યા. 2 સપ્ટેમ્બરે, દારા અને એના નાના દીકરા સુલ્તાન
શિકોહને ઔરંગઝેબે કેદ કરી લીધા. દારા એટલો બધો ઘમંડી હતો કે, એને કોઈ સલાહ કે શિખામણ
આપે તો એ અપમાન કરી નાખતો અથવા એને કેદ કરાવતો કે મૃત્યુદંડ આપતો. એના આ ઘમંડી
સ્વભાવને લીધે જ કોઈ એને ઔરંગઝેબ વિરુધ્ધ સાવધાન કરવાની હિંમત કરી શક્યું નહીં!

ઈતિહાસ સાક્ષી છે. છેક ‘મહાભારત’થી શરૂ કરીને પ્રેમની અમર ઈમારત બંધાવનાર
શાહજહાંના પુત્રો સુધી સૌ સત્તા અને સંપત્તિ માટે લડ્યા છે. સાથે જ ઈતિહાસ એ પણ શીખવે છે
કે, ઘમંડ-અભિમાન કે અહંકાર વ્યક્તિના પતનનું કારણ છે. દુર્યોધન હોય કે દારા, અસ્તિત્વના નિયમ
સૌ માટે સરખા છે! પિતા પોતાનો વારસો આપવાનું નક્કી કરે છે ત્યારે માત્ર સંપત્તિ અને સત્તા નહીં,
સાથે સાથે સમજણ અને સારઅસારનો વિવેક પણ આપવો જોઈએ. યુવરાજ તરીકે જાહેર થયેલા
દુર્યોધન કે દારા પોતાને મળેલી આ અદભુત ભેટ સાચવી શક્યા નહીં કારણ કે, એમના અહંકારે એમને
સમજણ અને સજ્જનતા સુધી પહોંચવા દીધા નહીં!

આપણે સૌ અહંકારના ગુલામ છીએ. જાણીએ છીએ કે, અભિમાન, અહંકાર, ઈગો આપણો
શત્રુ છે તેમ છતાં, એને પંપાળીને પાસે અથવા ખોળામાં બેસાડીએ છીએ. આપણા શાસ્ત્રોમાં કે
વેદમાં કહેલી વાતો ખરેખર મેટાફર (પ્રતીકાત્મક) છે. અગ્નિ ઉપરની તરફ જાય છે, ગુરુત્વાકર્ષણના
નિયમની વિરુધ્ધ. એ બધું જ સ્વીકારે છે, સમિધ પણ અને શબ પણ! શરીરમાં પાંચ વાયુ છે. પ્રાણ,
અપાન, સમાન,ઉદાન અને વ્યાન. આ પાંચેય વાયુ આપણા શરીર અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે
છે. આ વાયુ અગ્નિ દ્વારા ગરમ થઈને ઉપરની તરફ જાય છે-આપણે જે હવ્ય અથવા સમિધ હોમ્યું
છે એની ચેતના પૃથ્વીમાંથી પ્રગટી છે. જવ,તલ,અનાજ,ઘી,મધ બધું જ અંતે પૃથ્વી કે શરીરમાંથી
પ્રગટે છે. આપણે આ પૃથ્વીતત્વની ઉપજ કે શરીરમાંથી પ્રગટેલી ચેતનાને અગ્નિમાં હોમીને જે-તે
દેવ સુધી વાયુ દ્વારા પહોંચાડીએ છીએ. સાદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સેલફોનમાં જેનો
નંબર લગાડીએ એના સુધી પહોંચી શકાય, એવી જ રીતે આ ચેતનામાં આપણે રૂચા, શ્લોક અથવા
મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ. એનો ધ્વનિ અથવા એના વિદ્યુત તરંગો ઉત્પન્ન થઈને જે-તે દેવ
(અસ્તિત્વ)ની ચેતના સુધી પહોંચે છે. આ સાવ સાદું વિજ્ઞાન છે. આપણે એને કર્મકાંડમાં પરિવર્તિત
કરીને અહંકાર સાથે ‘હું કરું છું’નો ભાવ જોડી દઈએ છીએ. આપણા વેદોની પરંપરા મુજબ સમગ્ર
કાર્ય સંપન્ન થયા પછી, ‘ઈદમ ન મમ’ (આ હું નથી) કહીને અહંકારને તિલાંજલિ આપી, અસ્તિત્વનું
કાર્ય અસ્તિત્વ દ્વારા જ પૂર્ણ થયું છે એવું સ્વીકારીને પછી પૂણ્ય ફળની પ્રાપ્તિ માટે વિનંતી કરીએ
છીએ.

અગ્નિમાં તપીને વાયુઓ ઉષ્ણ,ગરમ થાય છે-હળવા થાય છે, ઉપરની તરફ જાય છે. આપણી
ભીતર જો સમજણનો અગ્નિ (જ્યોતિ) પ્રગટે તો શરીરમાં રહેલા વાયુઓ ઉષ્ણ થાય-આપણે પણ
હળવા થઈને ઉપરની તરફ જઈએ. એલેવેટ થઈએ. ઉપરની તરફ જવું એટલે, ઉર્ધ્વગમન. અંતે તો
સહુ ઉર્ધ્વ એટલે ઉપર જવાનો પ્રયાસ કરે છે. ભૌતિક રીતે કે અધ્યાત્મિક રીતે, અંતે તો ઉપર જવું એ
જ સહુની આકાંક્ષા છે ને?

પુરાણો પણ સુંદર રીતે પ્રતીક દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે. પાંચ પતિ (ઈન્દ્રિય)ની
પત્ની જ્યારે જુગારમાં હારીને દાસી બનીને દુર્યોધનની સામે ઊભી છે, (આપણે ઈન્દ્રિયોને વશમાં
કરી છે એમ માનીએ છીએ) ત્યારે દુર્યોધન માને છે કે, એ (પંચેન્દ્રિય) એની દાસી છે. એને જાંઘ પર
બેસવા આમંત્રિત કરે છે. આપણને લાગે છે કે, અહંકાર આપણો દાસ છે. સત્વનો પણ અહંકાર હોય
છે. બળ કે સત્તાના અહંકારથી સત્વનો અહંકાર મોટો છે કારણ કે, એ દેખાતો નથી. એ સત્વના વસ્ત્રો
પહેરીને આવે છે, માટે દુઃશાસન એના વસ્ત્ર ખેંચે છે… પરંતુ, સત્વના વસ્ત્ર ક્યારેય ખેંચી શકાતા
નથી કારણ કે, એને ઈશ્વર (અસ્તિત્વ) સતત વસ્ત્ર પૂરાં પાડવાનું કામ કરે છે. આપણને ક્યારેક લાગે
છે કે, આપણે વીતરાગને વશમાં કર્યો છે! જો એ સાચે જ વીતરાગ હોય તો એને વશમાં ક્યા કરવાનો
છે? એ તો સહજ છે, સ્વાભાવિક અને શાંત છે. અહીં એકબીજા પર ચડી બેસવાની વાત જ નથી.
વીતરાગ કે સત્વ જીવનશૈલી છે… એમાં કોઈ નિયમ,વ્રત,ત્યાગ કે બલિદાનની વાત જ નથી. એ તો
ત્યારે કરવું પડે જ્યારે આપણે ઈચ્છા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરીએ. જ્યારે વીતરાગ કે સત્વ
પ્રવેશે ત્યારે તો ઈચ્છાનું અસ્તિત્વ જ નથી રહેતું જેમ પ્રકાશ પ્રવેશે અને અંધકારનું અસ્તિત્વ ભૂંસાઈ
જાય એમ! ધર્મ,બળ,શૌર્ય,સૌંદર્ય અને ભવિષ્ય… (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ)
આપણી સામે હારી ગયા છે અને આપણો અહંકાર ફુત્કારે છે. આ બધું હારીને આપણી સામે બેઠું
હોય ત્યારે સાચા અર્થમાં મુક્ત થવાનું છે. ધર્મ,બળ,શૌર્ય,સૌંદર્ય કે ભવિષ્ય કોઈનાય દાસ બની શકતા
નથી. એમને મુક્ત કરીને સ્વયં માટે મુક્તિનો રસ્તો શોધવાનો છે. આ સત્ય દુર્યોધનને ત્યારે સમજાય
છે જ્યારે એની એ જ જાંઘ-જેના ઉપર એણે સત્વના અહંકારને બેસવા આમંત્રિત કર્યો હતો. પૃથ્વી કે
તમામ ગ્રહો, વર્તુળ છે. જીવન પણ એક સાઈકલ-વર્તુળ છે. જન્મ પછી મૃત્યુ નિશ્ચિત છે એ વાત
આપણે સહુ જાણીએ છીએ.

દારા શિકોહને યાદ કરવાનું કારણ એ કે, રાવણ, દુર્યોધન-ઓછા જ્ઞાની નહોતા. જ્ઞાન એ જ છે
જે મુક્તિ અપાવે છે. જ્ઞાનની સાથે જો અહંકાર ભળે તો એનું વજન એટલું વધી જાય છે કે એ
વ્યક્તિને વધુને વધુ નીચેની તરફ ઢસડે છે. વાંચીએ-વિચારીએ, શાસ્ત્રો અને પુરાણોને સમજીએ તો
ચોક્કસ સમજાય કે, આપણને જીવતાં શીખવવાનું કામ આપણા ઋષિ-મુનિઓ અને પૂર્વજોએ ક્યારનું
કરી નાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *