દુનિયાની તમામ ભાષાઓમાં પ્રેમ-સ્ત્રી પુરૂષના પ્રેમ વિશે વિપુલ સાહિત્ય રચાયું છે. ‘પ્રેમ કોઈ
પણ ઉંમરે થઈ શકે-કોઈની પણ સાથે થઈ શકે-પ્રેમ કરવા માટે કોઈ કારણ નથી હોતા-લગ્ન પહેલાં, લગ્ન
પછી, ઉંમરના તફાવત’ કે બીજી અનેક બાબતોને અવગણીને જો પ્રેમ હોય તો કહી જ દેવું જોઈએ-સાચો
પ્રેમ મળે તો જીવી લેવો જોઈએ… આવું સાહિત્ય અને સિનેમા કહે છે. બીજી તરફ, સમાજને પ્રેમ સામે
મહાવિરોધ છે ! સમાજે પ્રેમની બાબતમાં કેટલાક નિયમો નક્કી કર્યા છે, શું કરાય અને શું ન કરાય…
એમણે નક્કી કરેલા નિયમોની બહાર નીકળીને જો કોઈ પ્રેમ કરે તો એને વિશે ટ્રોલિંગથી ચાલુ કરીને
ઘરની બહાર દેખાવો કરવા સુધી આ સમાજના ઠેકેદારો જઈ શકે છે.
આપણો આખો સમાજ દંભી અને વિરોધાભાસી છે. એક તરફથી વુમન એમ્પાવરમેન્ટના
પ્રયાસનો દેખાડો કરે છે, આપબળે આગળ વધેલી સ્ત્રીને સન્માનિત કરે છે, તો બીજી તરફ એ જ સમાજ
પોતાના ઘરની દીકરી કે વહુને, પત્ની કે પ્રેમિકાને તરત ટપારે છે, ‘એને પોષાય-આપણે આમાંથી કઈ
શીખવાનું નથી, આપણા ઘરમાં નહીં ચાલે…’ મુક્ત મને પોતાના વિચારો રજૂ કરતી કે સ્ત્રી ગૌરવ
અનુભવે એવી વાત કરતી સ્ત્રીઓને ‘બોલ્ડ’ કહેવામાં આવે છે. આ ‘બોલ્ડ’ સ્ત્રી આકર્ષક તો બહુ લાગે છે,
પરંતુ સાથે જ એને અવેલેબલ, ઈઝી, ઘર ભાંગનારી, સંસ્કૃતિનો નાશ કરનારી, ઉદ્દંડ, સ્વચ્છંદ… અને
બીજું બીજું શું શું કહીને ટ્રોલ કરવામાં કે ઉતારી પાડવામાં પણ આ સમાજના જ લોકો હોંશે હોંશે
જોડાઈ જાય છે !
પિતા, પતિ, ભાઈ કે પુત્ર બહારની દુનિયા સાથે સંપર્કમાં હોય છે ત્યારે એમને મળતા પુરૂષો,
એમના જ મિત્રો કે એમના સહકાર્યકરો સ્ત્રીઓ વિશે જે રીતે વિચારે છે, સ્ત્રીને જે રીતે જુએ છે એ
જોયા પછી આ બધા જ પુરૂષો પોતાના ઘરની સ્ત્રીઓ વિશે એકદમ પ્રોટેક્ટિવ થઈ જાય છે. જોકે,
એમાંના ઘણા પોતે સ્ત્રીઓ વિશે ગંદી મજાક કરે છે અથવા પોર્ન વીડિયો શેર કરતા હોય છે…
મોટાભાગના પરિવારોમાં આપણે જોઈએ છીએ કે, એક સ્ત્રી તરીકે પણ મા પોતાના દીકરા અને
દીકરીના ઉછેર વચ્ચે ભેદ કરે છે. સાંજે પાછા આવવાના સમયથી શરૂ કરીને મિત્રો, ઘરનું કામ કે ધક્કા
ખાવા સુધીના બધી જ બાબતોમાં દીકરાને વધુ છૂટછાટ મળતી હોય છે. (આમાં અપવાદ હોઈ શકે છે-
પરંતુ સામાન્ય રીતે પરિસ્થિતિ આ જ છે) કહેવાનું તાત્પર્ય એ નથી કે, દીકરીને સ્વચ્છંદ રીતે, ફાવે તેમ કે
બેફામ રીતે ઉછેરવામાં આવે, પરંતુ પિતા કે ભાઈ બહારની દુનિયાના ‘અંગત અનુભવ’ સાથે જ્યારે
પોતાની દીકરી કે બહેન વિશે નિયમો બનાવે છે ત્યારે એમણે સમજી લેવું જોઈએ કે, એમને થયેલા
અનુભવો અંતિમ સત્ય નથી.
સ્ત્રી માટેના નિયમો સામાન્ય રીતે ઘરની સ્ત્રીને બદલે ઘરના પુરૂષો બનાવે છે. દીકરો ગમે તેટલી
મોટી ભૂલો કરે, પૈસા ગુમાવે, લફરાં કરે, મારામારી કરે, એની ફરિયાદ ઘર સુધી આવે તો પણ માતા-
પિતા દીકરાનો બચાવ કરવામાં કંઈ બાકી રાખતા નથી જ્યારે, દીકરીની ખોટી ફરિયાદ પણ સાંભળવા
મળે તો એનું આવી બને છે ! પડોશી, સગાં કે પારિવારિક મિત્ર જ્યારે માતા-પિતાને વાતવાતમાં ‘તમારી
દીકરીને કોઈ છોકરા સાથે જોઈ હતી’ અથવા ‘હમણાંથી બહુ મોડી આવે છે’ કે પછી ‘જરાક કંટ્રોલમાં રાખતા
જાઓ’ જેવી ટકોર કરે કે તરત માતા-પિતાનું લોહી ઉકળી ઊઠે છે. એમને સમાજમાં ‘નાક કપાવ્યા’ની ની
લાગણી થઈ આવે છે. એટલું ઓછું હોય એમ આ ટકોર, સમાચાર, ફરિયાદની પૂરી તપાસ કર્યા વગર જ
દીકરીને ધમકાવી-ધબેડી નાખતા માતા-પિતાની આજે પણ ખોટ નથી !
એક તરફથી આપણે બધા ભણેલી પુત્રવધૂ શોધીએ છીએ. દીકરાને ‘મેચ કરે’ એટલી મોર્ડન અને
સમજદાર વહુ તો હોવી જ જોઈએ… ને બીજી તરફ, એ મોર્ડન વિચારો ધરાવતી, સમજદાર વહુને
ઘરમાં કોઈ અભિપ્રાય આપવાની કે દલીલ કરવાની છૂટ આપવાની આપણી તૈયારી નથી… એક સ્ત્રી
બીજી સ્ત્રીને જગાડે એ તો દીવાથી દીવો પેટાવવા જેવું કામ છે. પોતાની જાતને પીડિત, શોષિત કે
અબળા માનતી સ્ત્રીને એવી પ્રતીતિ કરાવવી, કે એ કંઈ પણ કરવા સક્ષમ છે. અબળા નથી, શક્તિ છે.
એણે આધારિત રહેવાની કે ડરવાની જરૂર નથી-એ તો લગભગ દરેક સ્ત્રીની ફરજ છે. એમાં ‘બોલ્ડ’ કે
‘સ્વચ્છંદ’ જેવું છે શું ? સમાજના કેટલાક પુરૂષોને ‘આવી’ સાચું બોલતી, હિંમતવાળી કે પરિસ્થિતિનો
સામનો કરતી સ્ત્રીઓની બીક લાગે છે-એમને લાગે છે કે, જો બાકીની સ્ત્રીઓ પણ જાગી જશે તો
એમણે નક્કી કરેલા પોકળ અને દંભી નિયમોનો તોડી-ફોડીને ભૂક્કો કરી નાખશે. જે સ્વયં શક્તિ છે. એ
જ્યાં સુધી સ્વેચ્છાએ સમર્પણ કરે છે ત્યાં સુધી એમની પ્રતિષ્ઠા અને ‘પરમેશ્વર’ હોવાનું પદ સલામત છે
એવું માનીને કેટલાક પુરૂષો સ્ત્રીને ‘કંટ્રોલ’માં રાખવા મરણિયો પ્રયાસ કરે છે.
સત્ય એ છે કે, સ્ત્રીને કોઈ કંટ્રોલમાં રાખી શકતું નથી, એ સ્વયં પોતાની ઈચ્છાથી સ્નેહમાં
સમર્પિત થાય છે, જેને કારણે સમાજ વ્યવસ્થા અખંડ ઊભી છે. વિફરેલી સ્ત્રીનો એક નાનકડો ધક્કો
કુટુંબ, સમાજ અને સમગ્ર વિશ્વને ઉદ્વસ્થ કરી નાખવા માટે પૂરતો છે એ વાત સ્ત્રી પોતે તો જાણે જ
છે, પુરૂષે પણ એ જાણી-માની લેવું જોઈએ.