એક દાસીમાંથી બેગમ બનવા સુધીનો પ્રવાસ

બેગમોની ટુકડીઓ બનાવી દેવામાં આવી હતી અને તેમને ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને સંગીતની
તાલીમ આપવામાં આવી હતી. રાધા મંઝિલવાલિયાં, ઝુમર-વાલિયાં, લરકનવાલિયાં, શારદા મંઝિલવાલિયાં,
નથવાલિયાં, ઘૂંઘટવાલિયાં, રાસવાલિયાં, નકલવાલિયા અને એવી બીજી કેટલીયે ટુકડીઓ હતી જેને નાચ-ગાનની
ઊંચી તાલીમ આપવામાં આવી હતી અને એમના નાચગાનથી બાદશાહ પોતાનું દિલ બહેલાવતો. તેમાંની ઘણીખરી
તો બાદશાહની સાથે ખાસ સુલ્તાનખાનામાં રહેતી

નામ : બેગમ હઝરત મહાલ ઉર્ફે મોહંમદી ખાનમ
સ્થળ : કાઠમંડુ (નેપાળ)
સમય : 1879
ઉંમર : 58 વર્ષ

લખનઉ પોતાની તહેઝિબ અને વૈભવ, વિલાસ, કલા, ભોજન અને સંસ્કૃતિ માટે જાણીતું શહેર છે. ‘શામ-
એ-અવધ’ અગર નહીં દેખી, તો ક્યા દેખા ? લખનઉ પાસે પોતાની એક આગવી શખ્સિયત છે.

જેમાં બેગમ હઝરત મહાલનું, એટલે કે મારું, એક આગવું સ્થાન છે. લખનઉના ઈતિહાસને લખવા માટે મને
યાદ કરવી જ પડે. સાચું પૂછો તો હું કોઈ દિવસ લખનઉની હકૂમત કરીશ એવું મેં વિચાર્યું પણ નહોતું. અમે તો સાવ
સામાન્ય ગરીબ પરિવારના ફૈઝાબાદમાં રહેતી તવાયફોની દીકરી હતી. હું અને મારી બંને બહેનો વહેલી-મોડી વેચાઈ
જઈશું એની અમને ખબર જ હતી… અમને રાજદરબારમાં કોઈ ખરીદી લેશે એવી કલ્પના નહોતી.

લખનઉનો ઈતિહાસ અજબ છે… બ્રાહ્મણો અને મુસલમાનો એક સાથે વસે છે આ શહેરમાં. પોતપોતાનો
ધર્મ પાળે છે. પોતપોતાની દુનિયાને અકબંધ રાખીને એકબીજા સાથે સંબંધ નીભાવે છે. અહીં ઈદ પણ ઊજવાય છે
અને દિવાળી પણ. આ શહેર કલા, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને તહેઝિબનો વારસો ધરાવે છે, પણ આવું પહેલેથી
નહોતું. લખનઉને ભારતના ઉત્તર વિસ્તારનું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનું શ્રેય વાજિદઅલી શાહને મળવું જોઈએ, મારા
શૌહરને. એ તો બહુ મોડા ગાદીએ બેઠા, એમની પહેલાં એક પછી એક પેઢીઓ લખનઉમાં આવતી રહી. એક પછી
એક બાદશાહ લખનઉના રાજદરબારમાં સિંહાસન પર બેસતા રહ્યા.

આમ તો આ કથાની શરૂઆત બાદશાહ અકબરના સમયથી કરવી પડે. 1590માં બાદશાહ અકબરે
હિન્દુસ્તાનને બાર પ્રાંતોમાં વહેંચી દીધું ત્યારે અવધ પ્રાંતના સુબેદાર અથવા વહીવટકર્તાની રાજધાની શરૂ શરૂમાં
લખનઉમાં નક્કી થઈ હતી. બિજનૌર જિલ્લાનો શેખ અબ્દુર્રહીમ વજિર બન્યો. એક લોકવાયકા એવી છે કે,
અબ્દુર્રહીમ પાસે મત્સ્ય વિજ્ઞાનનું જ્ઞાન ખૂબ હતું. એણે બંધાવેલા કિલ્લા ઉપર 26 મહેરાબ હતી. આ 26 મહેરાબ
પર શિલ્પીએ બબ્બે માછલીઓ કોતરીને 52 માછલીઓ બનાવી દીધી. કિલ્લાનું મચ્છી ભવન પડી ગયું. હવે આ 52
હતું કે ભવન એ કોઈને ખબર નથી… કહેવાય છે કે, આ કિલ્લો ચડનાર શિલ્પી લખના નામનો આહીર હતો. એના
નામ પરથી લક્ષ્મણપુર બદલાઈને લખનઉ થઈ ગયું એવી પણ એક લોકવાયકા છે. એ વખતે સૌથી પહેલાં રામનગરના
પઠાણો આવ્યા અને અકબરના અમલ પછીના થોડા વર્ષો બાદ શહેનશાહ ઔરંગઝેબે અયોધ્યાના પ્રવાસ દરમિયાન
લખનઉમાં થોડો આરામ કર્યો. એ સમયે એમણે લક્ષ્મણ ટીલા પર મસ્જિદ બંધાવી અને એમ લખનઉમાં ધીમે ધીમે
સુંદર ઈમારતોની શરૂઆત થઈ.

નાદિર શાહ દિલ્હીને લૂંટી ચૂક્યો હતો. એણે સફદર જંગને અવધનો ખિલ્લત આપ્યો. સફદર જંગનું પૂરું
નામ મિર્ઝા શકીમ અબુલ મનસુર ખાન સફદર જંગ હતું. એ સાહસિક, દયાળુ અને પ્રજા વત્સલ હતો, પરંતુ એ પાંચ
જ વર્ષ સુધી સુબો રહી શક્યો. એક પછી એક બદલાતા સુબા જેમાં શુજાઉદૌલાથી શરૂ થયેલી સલ્તનત આસફઉદૌલા
પાસે આવી. ત્યાર પછી ધીમે ધીમે અંગ્રેજો લખનઉમાં દાખલ થયા. આસફઉદૌલાની દરિયાદિલીની ખ્યાતિ દૂરદૂર
સુધી ફેલાયેલી હતી. એ વિલાસી શાસક નહીં, પણ એક નિઃસ્વાર્થ અને સાધુ વૃત્તિ વાળો હીર હતો. એ જમાનામાં
લખનઉમાં રોકાયેલા ક્લોર્ડ માર્ટિન નામના એક ધનવાન ફ્રેંચ વ્યાપારીએ આસફઉદૌલા પાસે દસ લાખ સોના મહોરો
લઈને એક આલીશાન મકાન બાંધવાનું વચન આપ્યું. મકાન પૂરું થાય એ પહેલાં માર્ટિનનું અવસાન થયું. એનો કોઈ
વારસદાર નહોતો એટલે એણે પોતાનું મકાન અવધના કોઈ શાસકને ન મળે એવી વસિયત કરી હતી. આસફઉદૌલા
1798માં મૃત્યુ પામ્યો. એની જગ્યાએ વઝિરઅલી ખાન ગાદીએ આવ્યો, પરંતુ વઝિરઅલી ખાનને પદભ્રષ્ટ કરવામાં
આવ્યો અને નવા સઆદતઅલી ખાન ગાદીએ બેઠા.

1814માં નવા સઆદતઅલી ખાનનું મૃત્યુ થયું ને એનો પુત્ર ગાઝીઉદ્દીન હૈદર ગાદીએ બેઠો. એનામાં બાપ
જેવી સૂઝબુઝ કે દોલતની કદર નહોતી. એણે કરોડો રૂપિયાનો ખજાનો વેડફી કાઢ્યો. એક યુરોપિયન સ્ત્રી સાથે લગ્ન
કર્યા અને બેગમ માટે વિલાયતી મહેલ બંધાવ્યો. ગાઝીઉદ્દીનનો દીકરો નસીરુદ્દીન, ગાદીએ આવ્યો ત્યારે એણે
જ્યોતિષનું જ્ઞાન ફેલાવ્યું અને ઉચ્ચકોટીની વેધશાળા બંધાવી. એ અચ્છો ખગોળશાસ્ત્રી હતો, પરંતુ વાજિદઅલી શાહે
ગાદીએ આવતાં જ એ જમાનામાં ઈંગ્લેન્ડથી મંગાવેલું સૌથી મોટું દૂરબીન રમકડું ગણીને કોઈ વેશ્યાને આપી દીધું.
નસીરુદ્દીન નિઃસંતાન મર્યો, એને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો. એ પછી અંગ્રેજોએ પોતાની જાળ
ફેલાવી. રેસિડેન્ટ સાહેબે લખનઉને પોતાના હાથમાં લીધું અને મોહંમદઅલી શાહને અવધનો બાદશાહ બનાવવામાં
આવ્યો. મોહંમદઅલી શાહ ગાદીમાં બેઠા ત્યારે એમની ઉંમર 63 વર્ષની હતી… લડવાની, ઝઘડવાની, યુધ્ધ કરવાની કે
અધિકાર માટે બળવો કરવાની એમની તાકાત નહોતી. ઉપરાંત એ દરમિયાન લખનઉની આબાદી અને રોનક એટલી
બધી વધી ગઈ હતી કે એમનાથી ઝાઝું સંભાળી શકાય એમ નહોતું. મોહંમદઅલી શાહે લખનઉને સુંદર બનાવવાનું
કામ કર્યું. નદીના કિનારે સડક બંધાવી. બંને તરફ આલીશાન મકાનો, સુંદર દરવાજા અને એક સુંદર બુરજ બાંધવામાં
આવ્યો.

એમના પછી અમજદઅલી શાહ ગાદીએ બેઠો… 1848માં એની ઉંમર 48 વર્ષની હતી ત્યારે કેન્સરથી
એમનું મૃત્યુ થયું અને વાજિદઅલી શાહ ગાદીએ બેઠા. એમનો જમાનો લખનઉના દરબારના ઈતિહાસનું છેલ્લું પન્નું
છે. બાદશાહને ઈમારતો ચણાવવાનો, બગીચા કરાવવાનો, સંગીત અને કલાનો ખૂબ શોખ હતો. એમણે અનેક
સ્ત્રીઓને પોતાના હરમમાં રાખી હતી.

બાદશાહ શિયા હતો અને શિયા ધર્મમાં ‘મુત્આ’ કોઈપણ રોકટોક વિના યોગ્ય મનાય છે. એ મઝહબી
આઝાદીનો ફાયદો ઉઠાવીને બાદશાહ પોતાનો શોખ ધરાઈને પૂરો કરી લેતો. ખુદ મુત્આ પામેલ બેગમોની ટુકડીઓ
બનાવી દેવામાં આવી હતી અને તેમને ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને સંગીતની તાલીમ આપવામાં આવી હતી.
રાધા મંઝિલવાલિયાં, ઝુમર-વાલિયાં, લરકનવાલિયાં, શારદા મંઝિલવાલિયાં, નથવાલિયાં, ઘૂંઘટવાલિયાં, રાસવાલિયાં,
નકલવાલિયા અને એવી બીજી કેટલીયે ટુકડીઓ હતી જેને નાચ-ગાનની ઊંચી તાલીમ આપવામાં આવી હતી અને
એમના નાચગાનથી બાદશાહ પોતાનું દિલ બહેલાવતો. તેમાંની ઘણીખરી તો બાદશાહની સાથે ખાસ
સુલ્તાનખાનામાં રહેતી અને અમુકને બીજી કોઠીઓમાં અલગ અલગ મહેલોમાં સરાઈઓ મળેલી હતી. આ મુત્આ
પામેલી સ્ત્રીઓમાં જેમને સંતાન થયાં હોય એમને ‘મહલ’ નો ખિતાબ આપવામાં આવતો અને રહેવાને માટે
ઝનાનખાનું મળતું અને એને વધારે પગાર અને ઈજ્જત મળતાં.

ખવાસણ તરીકે પ્રવેશેલી એક છોકરી બાદશાહને એટલી બધી ગમી ગઈ કે અંતે એને ‘મહાલ’નો ખિતાબ
આપીને બાદશાહની સાથે રહેવાની, એમની ખિદમત કરવાની તક મળી… મુહંમદી ખાનમનું નામ, હઝરત ‘મહાલ’
પાડવામાં આવ્યું…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *