એક ડોસી-ડોસાને હજુ વહાલ કરે છે, કમાલ કરે છે !

50મા ફિલ્મફેર એવોર્ડમાં શાહરૂખ ખાન અને રેખા ‘પરદેસિયા યે સચ હે પિયા…’ પર નૃત્ય
કરે છે. ગીત પૂરું થતાં રેખાજી સ્ટેજ પર શાહરૂખ ખાનને કહે છે, ‘પચ્ચીસ સાલ પહેલે ઈસી ગાને
પર નાચને કા જો મજા થા, વો આજ નહીં હૈ… ક્યોંકી ‘જો’ થા ‘વો’ નહીં હૈ !’ લગભગ દરેક
ચેનલના કેમેરા એ વખતે અમિતાભ બચ્ચન તરફ ફરે છે…

ફિલ્મફેર એવોર્ડના કાર્યક્રમમાં રેખાજી ‘પાકિઝા’ અને ‘ઉમરાવજાન’ના ગીતો પર નૃત્ય કરે છે.
નૃત્ય પૂરું થવા આવે ત્યાં સુધીમાં લગભગ બધા જ યુવા હીરો સ્ટેજ પર પહોંચી જાય છે. અર્જુન
કપૂર, રણબીર કપૂર, રણબીર સિંહ, વરુણ ધવન, રિતેશ દેશમુખ અને ક્રિતી સેનન, શ્રદ્ધા કપૂર સહિત
સહુ એમને પગે લાગે છે…

બોલિવુડના એક એવોર્ડ કાર્યક્રમમાં અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી રેખાને આમંત્રિત કરે
છે… બંને જણાં ‘મેરે રશ્કે કમર’ ગીત ઉપર નૃત્ય કરે છે. શાહરૂખ ખાન સાથે પૂરેપૂરી રોમેન્ટિક નૃત્યની
સિકવન્સ પૂરી થતાં જ રેખાજી એને ‘જીતે રહો’ કહીને આશીર્વાદ આપે છે…

આ બધું જ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. હજી આજે પણ રેખાજીનાં પરફોર્મન્સ કે એમના કોઈ
પણ વિધાન કે સન્માન વખતે બચ્ચન સાહેબની પ્રતિક્રિયા બતાવવાની લાલચ ટી.વી. ચેનલના
કેમેરામેન છોડી શકતા નથી. દુનિયા જાણે છે કે, બચ્ચન સાહેબ અને રેખાજી વચ્ચેનો સંબંધ શું છે.
રેખાજી જાહેર કાર્યક્રમોમાં સિંદુર પૂરીને આવે છે તેમ છતાં, બંને જણાંએ એમના સંબંધને પૂરી ગરિમા
અને ગૌરવથી જાળવી રાખ્યો છે. સંબંધનું જાહેર પ્રદર્શન કે દેખાડાને બદલે એકબીજા પરત્વેની
સમજદારી અને સ્વીકારને એમણે ક્યાંય ઘટવા દીધો નથી.

એક ત્રીજી વ્યક્તિ જ્યારે બે જણાંના લગ્નજીવનમાં પ્રવેશે છે ત્યારે, ખાસ કરીને પતિ-પત્ની
વચ્ચે એક ત્રીજી સ્ત્રીનું આગમન થાય છે ત્યારે દરેક વખતે એ ત્રીજી વ્યક્તિને દોષ દેવાની આપણા
સમાજને ટેવ પડી છે. સત્ય એ છે કે, ત્રીજી વ્યક્તિ આવે છે માટે બે જણાં દૂર નથી થતા. બે જણાં
દૂર હોય છે એ કારણે ત્રીજી વ્યક્તિ માટે જગ્યા ઊભી થાય છે ! આ લેખ એક્સ્ટ્રા મેરિટલનો પક્ષ લેવા
માટેનો કે એની વકીલાત કરવા માટેની વાત નથી, પરંતુ ક્યારેક એવું બને છે કે, આપણને સૌને યોગ્ય
વ્યક્તિ કે યોગ્ય સંબંધ થોડો મોડો મળે છે. લગ્નજીવનમાં આવું બને ત્યારે ‘એક્સ્ટ્રા મેરિટલ’નું લેબલ
ચોંટાડીને એને સામાજિક નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાડીને એની ગોસિપ અથવા નિંદા
કરવામાં આવે છે. રેખા અને અમિતાભના સંબંધોને પણ ચગાવવામાં કે એના વિશે ચર્ચા કરવામાં
મીડિયાએ કશું બાકી રાખ્યું નથી. સમય સાથે એ ચર્ચા ઠંડી પડી ગઈ અથવા પાડવામાં આવી… હવે,
સૌ જાણે છે છતાં કોઈ એના વિશે વાત કરતું નથી, એનું કારણ એ નથી કે સૌ ડરે છે… એનું કારણ એ
છે કે, સૌએ એ સંબંધને સ્વીકારી લીધો છે અથવા કદાચ હવે એ સંબંધની મજબૂતી અને કમિટમેન્ટ
જોયા પછી મીડિયા કે પરિવાર, કોઈ એનો વિરોધ કે નિંદા કરી શકવાની સ્થિતિમાં નથી.

‘રેન્ડેવૂ વિથ સિમિ ગરેવાલ’ જેવા કાર્યક્રમમાં પણ સિમિજીએ રેખાજીને પૂછ્યું હતું, ‘ડુ યુ લવ હીમ ?’
અને ત્યારે રેખાજીએ પૂરા ગ્રેસ અને ગરિમા સાથે કહ્યું હતું, ‘હુ ડઝન્ટ? હી ઈઝ અ સુપરસ્ટાર… ધ
વર્લ્ડ લવ્ઝ હીમ.’

આજે આપણે જે રેખાજીને જોઈએ છીએ એ ‘ખૂબસુરત’ અને અદ્ભૂત વ્યક્તિત્વ ધરાવતી
સ્ત્રીનું અસ્તિત્વ ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ખૂબસુરત’થી બહાર આવ્યું એમ કહીએ તો ખોટું નથી. એ
પહેલાંના રેખાજી જાડા, કાળા અને સુંદર નહોતા. એમનું બાળપણ બહુ અભાવોમાં વીત્યું છે. એમનાં
મા પુષ્પાવલ્લી સાઉથ ઈન્ડિયન ફિલ્મોના સ્ટાર હતાં. ફિલ્મના સેટ ઉપર મળેલો એક છોકરો
રામાસ્વામી ગણેશન જેણે પોતાનું નામ જેમિની ગણેશન કરી નાખ્યું. પુષ્પાવલ્લી અને જેમિની
ગણેશન વચ્ચે આવો જ, લગ્ન વગરનો પ્રેમ સંબંધ હતો. આગલા લગ્નથી બે બાળકો હોવા છતાં
જ્યારે પુષ્પાવલ્લી ગર્ભવતી થયાં ત્યારે એમને લગ્ન વગર આ ત્રીજા બાળકને જન્મ આપવાનું નક્કી
કર્યું. 1954ની 10મી ઓક્ટોબરે, એમને એક દીકરી જન્મી જેનું નામ, ‘ભાનુરેખા’ પાડવામાં આવ્યું.
આજે આપણે જેને રેખાજી તરીકે ઓળખીએ છીએ એ ચાર ભાઈ-બહેનોમાંની એક ‘ભાનુરેખા
ગણેશન’ છે…

ચૌદમા વર્ષે આપઘાતનો પ્રયત્ન કરનાર છોકરી કુલજીતપાલ નામના એક પંજાબી પ્રોડ્યુસર
સાથે 7 ઓગસ્ટ, 1969ના દિવસે હીરોઈન બની. ‘અનજાના સફર’ નામની એ ફિલ્મમાં વિશ્વજીત
હીરો હતા અને ભાનુરેખા ગણેશન પંદર વર્ષની ઉંમરે હીરોઈન બની ગઈ હતી…

એ પછીના વર્ષો રેખાજી માટે સંઘર્ષ અને ઈમોશનલ રોલરકોસ્ટરના વર્ષો હતાં. નવિન
નિશ્ચલ, કિરણકુમાર, વિનોદ મહેરા અને છેલ્લે મુકેશ અગ્રવાલ સુધી રેખાજીની લાગણીનો પ્રવાસ
લંબાતો રહ્યો. 1976માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દો અન્જાને’ વખતે રેખાજી અને બચ્ચન સાહેબનો
અફેર શરૂ થયો એમ માનવામાં આવે છે. રેખાજી ત્યારે 22 વર્ષનાં હતા અને બચ્ચન સાહેબ 32
વર્ષના હતા… ત્યારથી શરૂ કરીને આજ સુધી, રેખાજી 66નાને બચ્ચન સાહેબ 78ના થયા ત્યાં સુધી,
આ સંબંધ ટકી રહ્યો છે એટલું જ નહીં, સમય સાથે વધુ મેચ્યોર અને વધુ ગરિમાપૂર્ણ બન્યો છે એટલું
તો આપણે સ્વીકારવું રહ્યું.

અભિષેક-ઐશ્વર્યાના લગ્નમાં રેખાજીએ હાજરી ન આપી, કે રેખાજી નૃત્ય કરવાના હોય ત્યારે
બચ્ચન સાહેબની ગેરહાજરી એમના એકબીજા પરત્વેના આદર અને સમજણનું ઉદાહરણ છે. કેટલાક
લોકો જીવનમાં મોડા મળે, અને એમની સાથે લાગણી કે માનસિક સંબંધ એટલો ગાઢ થઈ જાય કે
છૂટા ન પડી શકાય ત્યારે કૌટુંબિક જવાબદારી કે જે-તે વ્યક્તિના મળવા પહેલાં સ્વીકારેલા સંબંધોને
છોડી કે તોડી ન જ શકાય. મહત્વનું એ છે કે, ‘લગ્નેતર’ અથવા ‘એક્સ્ટ્રા મેરિટલ’ સંબંધ પછી પણ
એક વ્યક્તિ પોતાનું ઉત્તરદાયિત્વ કે ગરિમા છોડ્યા વગર પણ સામાજિક અને પ્રોફેશનલ ક્ષેત્રમાં સફળ
અને આદરપાત્ર બની શકે.

Leave a Reply

Your email address will not be published.