‘દાગ દામન પર નહીં, દિલ પર લિયા હૈ મૈંને… બડા હૌસલા ચાહીએ, બડી હિંમત ચાહીએ ઈસ
કે લિયે.’ અમિતાભ બચ્ચન (મિ.અમિત મલ્હોત્રા) એમની ભૂતપૂર્વ પ્રેમિકા રાખી (પૂજા)ના પતિ શશી
કપૂર (વિજય ખન્ના)ને કહે છે ! ભૂતપૂર્વ પ્રેમિકાના પતિને જાણ થઈ જાય છે કે, કોઈ એક જમાનામાં
એની પત્ની બીજા કોઈ માણસને પ્રેમ કરતી હતી, પરંતુ માતા-પિતાની આજ્ઞાને માન આપીને એણે
પોતાની સાથે લગ્ન કર્યાં છે… ત્યારે એ આખીએ પરિસ્થિતિને સહજતાથી લેવાનો પ્રયાસ કરે છે… એ
પાત્ર પાસે સંવાદ લેખક સાગર સરહદીએ જે કહેવડાવ્યું છે એ તો અદભૂત છે જ, પરંતુ અમિત
મલ્હોત્રાના પાત્રએ પોતાની જે કેફિયત આપી છે એ પણ સમજવા જેવી છે ! એ ફિલ્મ, ‘કભી કભી’
(1976) માટે સાગર સરહદીને બેસ્ટ ડાયલોગ્સનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.
પોતાની પીડા, ફરિયાદ કે જિંદગીએ પોતાને કરેલા અન્યાયને હૃદયમાં છેક ઊંડે દાટીને એક નોર્મલ
જિંદગી જીવવાનો પ્રયાસ કરતા અનેક લોકોને આપણે ઓળખીએ છીએ. દરેક વખતે પોતાની પીડા,
સમસ્યા કે મુદ્દો બૂમો પાડીને કહી દેવાથી, રડી નાખવાથી કે બીજા સાથે પોતાની સમસ્યાની ચર્ચા કરવાથી
પરિસ્થિતિ બદલાતી નથી. મોટાભાગના લોકોને લાગે છે કે, સમસ્યાની ચર્ચા કે ફરિયાદ કરવાથી એનો
ઉકેલ જડી જશે ! કદાચ, એવું થાય પણ ખરું, પરંતુ દરેક વખતે સમસ્યા વિશે ઉદ્વેગ કે ઉચાટ કરવાથી
એનો ઉકેલ મળતો નથી. કેટલાક લોકોને પોતાની વાત પોતાના મનમાં સંઘરી રાખવાથી એક કમ્ફર્ટ
મળતી હોય છે. ભરાયેલા ડૂમાને છાતીમાં સંઘરી રાખવાનો પણ એક આનંદ કે સંતોષ હોય છે. આમ
જોવા જઈએ તો આપણા રૂદન કે આપણી ફરિયાદમાં બહુ જ નિકટના સ્વજન કે પ્રિયજન સિવાય
કોઈને શું રસ હોઈ શકે ? દરેક જણ આપણા રૂદનથી કે પીડાથી સુખી થાય છે, એવું પણ નથી છતાં, એને
પણ પોતાની સમસ્યાઓ છે, સવાલો છે, ગૂંચવણો અને મૂંઝવણો છે એટલે આપણા સિવાયની કોઈ
વ્યક્તિ એકાદ બે વાર આપણી ફરિયાદ સાંભળે કે આપણા રૂદન વખતે સહાનુભૂતિ દેખાડે, પરંતુ નિદા
ફાઝલીની ગઝલના શે’રની જેમ, અચ્છા સા કોઈ મૌસમ, તન્હા સા કોઈ આલમ, હર વક્ત કા રોના તો
બેકાર કા રોના હૈ…
ચૂપ રહેવું બહુ સરળ નથી, એ એક કલા છે, હુનર છે. જેને આવડી જાય એના માટે જિંદગી બહુ
સરળ થઈ જાય છે કારણ કે, જે ચૂપ રહી શકે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળી શકે
છે. ‘ચૂપ રહેવું’નો અર્થ અન્યાય કે અપમાન સહન કરવું એવો નથી. ચૂપ રહેવાનો અર્થ એ છે કે, સમય,
સંજોગો અને સમસ્યા સમજીને પછી એ વિશે કંઈ પણ બોલવું. સાધુ સંતો અને ઘણા અધ્યાત્મ કે ભક્તિ
સાથે જોડાયેલા લોકો દિવસમાં અમુક કલાક અથવા અઠવાડિયાના કોઈ એક ખાસ દિવસે ‘મૌન’ પાળે છે,
પરંતુ આ ‘મૌન’ માત્ર શાબ્દિક મૌન છે. ગળામાંથી અવાજ ના નીકળે કે ભાષાના શબ્દોનો પ્રયોગ અભિવ્યક્તિ માટે
ન કરવો એ મૌન નથી ! મૌનનો અર્થ છે ભીતરથી શાંત થઈ જવું. કોઈ ગમે તેટલું ઉશ્કેરે કે પરિસ્થિતિ ગમે
તેટલી વણસી જાય તો પણ જો આપણે ન બોલવું હોય તો આપણને કોઈ બોલવા મજબૂર ન કરી શકે…
એનું નામ મૌન ! મોટાભાગના લોકો ઝઘડા માટે કે પોતાના ગુસ્સા અથવા વણસી ગયેલા સંબંધ માટે
અન્ય વ્યક્તિને જવાબદાર ઠેરવતા જોવા મળે છે. સચ્ચાઈ એ છે કે, ઝઘડા માટે, દલીલ માટે કે શાબ્દિક
યુધ્ધ માટે ઓછામાં ઓછા બે લોકોની જરૂર પડે છે ! એમાંથી, જો એક વ્યક્તિ યુધ્ધ વિરામ કે દલીલ
નહીં કરવાનું નક્કી કરી લે તો ઝઘડો કેવી રીતે થાય ?
ક્યારેક એવું પણ લાગે કે, આપણે કહી દીધું હોત તો સારું થાત… પ્રેમની કબૂલાત કે હૃદયમાં
કોઈકના શબ્દથી થયેલી પીડા અભિવ્યક્ત થઈ જાય તો ફાંસની જેમ ખૂંચતી નથી એ સાચું છે, પરંતુ
કહેવાનો કે બોલવાનો પણ એક સમય હોય છે. પ્રેમની કબૂલાત ત્યારે કરવી જોઈએ જ્યારે સામેની
વ્યક્તિની આંખોમાં આપણને આપણી વાતનો પડઘો વંચાય. કોઈએ કરેલા અપમાન કે આપેલી પીડાની
અભિવ્યક્તિ પણ સંયમથી અને શાંત રહીને કરી જ શકાય છે. બીજો એક મુદ્દો એ છે કે, જ્યાં આપણા
શબ્દોનું મૂલ્ય હોય ત્યાં જ શબ્દોનો ઉપયોગ કરવો. ઘણીવાર એવું બને કે, આપણે આપણી વાત એટલા
બધા લોકોને કહેતા ફરીએ કે, અંતે એ વાત ચવાઈને-ચૂંથાઈને તદ્દન નકામી બની જાય. લોકો એના પર
હસતા થઈ જાય !
ચૂપ રહેવાની કળાના ઘણા ફાયદા છે. એમાંનો એક મોટો ફાયદો એ છે કે, આપણી પીડા કે
સમસ્યા આપણી ભીતર થોડો સમય માટે રહે છે. તરત જ કહી દેવા કે બોલી નાખવાથી ક્યારેક આપણને
વિચારવાનો સમય નથી મળતો. થોડોક સમય સુધી આપણી પીડા કે સમસ્યાની સાથે રહેવાથી,
બીનજરૂરી ચર્ચા કે દલીલ નહીં કરવાથી અને ચૂપ રહેવાથી સ્વયં સાથે સંવાદ થઈ શકે છે. આપણને
કેટલીકવાર આપણી સમસ્યા જેટલી મોટી દેખાય છે એટલી છે નહીં, એવું પણ ચૂપ રહેવાથી સમજાય
છે. સૌથી છેલ્લી અને મહત્વની વાત, એ છે કે જેને ચૂપ રહેવાની કળા આવડી જાય એ બોલી તો શકે જ
છે… પરંતુ, જે ચર્ચા, દલીલ કર્યા કરે કે પોતાની વાત સૌને કહ્યા કરે એને ચૂપ રહેતાં નથી આવડતું !