કૂચબિહારની અતિશય સુંદર રાજકુમારી અને વડોદરાના મહારાજા ગાયકવાડની પૌત્રી વિશે જ્યારે 10
નવેમ્બર, 1961ના ‘ટાઈમ’ મેગેઝિનના અંકમાં ‘ધ વ્હિસલ સ્ટોપિંગ મહારાણી’ના ટાઈટલ હેઠળ લેખ છપાયો ત્યારે
ભારતીય રાજઘરાનામાં નાની મોટી વાતો ફેલાઈ હતી. એ પછી તો એમણે ટાઈમ મેગેઝિન માટે ફોટોશુટ કર્યું અને
વોગ મેગેઝિનનાં વિશ્વની 10 સૌથી સુંદર સ્ત્રીઓના લિસ્ટમાં એમનો સમાવેશ થયો… એમણે જિંદગી પોતાની રીતે,
પોતાના ટર્મ્સ પર જીવવાની હિંમત કરી. મહારાજા સવાઈ માનસિંગની ત્રીજી પત્ની બનીને એ જયપુર ગયા… મુખ્ય
મહેલમાં નહીં રહેવાને બદલે, એમણે સ્વતંત્ર રીતે નાના બંગલા અથવા બંગલીમાં રહેવાનું પસંદ કર્યું. એટલું જ નહીં,
ઈન્દિરા ગાંધીની કટોકટીના સમયમાં એ જેલમાં ગયા અને જ્યારે જયપુરમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તમામ વિક્રમોને
તોડી નાખતી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યાં…
કોઈ આંગળી મૂકી શકાય એવી વાત નથી તેમ છતાં, એમના જીવન ઉપરથી બનેલી ફિલ્મ ‘ઝુબેદા’ મહારાણી
ગાયત્રી દેવીના ફિયરલેસ અને સ્વતંત્ર જીવનની કથા કહે છે. એમના માતુશ્રી ઈન્દિરા ગાયકવાડ, વડોદરાના
મહારાજાના પુત્રી હતા. એમના લગ્નને એક અઠવાડિયું બાકી હતું ત્યારે એમણે ગ્વાલિયરના મહારાજા માધવરાવ
સિંધિયાને કૂચબિહારના રાજકુમાર સાથે પોતાના પ્રણયની જાણ કરીને ભારતીય રાજવી પરિવારોમાં જોરદાર ચર્ચા
ઊભી કરી દીધી હતી. લગ્ન તો રદ થયા જ, પરંતુ રાજકુમારી ઈન્દિરાને નજરકેદ કરવામાં આવી. જોકે, દર વર્ષે એમને
એકવાર યુરોપની સફર કરવા મળતી… વાર્તા પહેલી નજરે ફિલ્મી લાગે, પરંતુ એમના પ્રેમી, કૂચબિહારના રાજા
યુવરાજ એમને મળવા માટે યુરોપ સુધી પહોંચી જતા. એકવાર એ બંને જણાં યુરોપમાં પકડાયા પછી મહારાજા
ગાયકવાડે ઈન્દિરાને એની મરજીના પુરૂષ સાથે, કૂચબિહારના મહારાજા જીતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કરવાની છૂટ
આપી. જોકે, મહારાજા પોતે આ લગ્નમાં ઉપસ્થિત ન રહ્યા !
એમની દીકરી આયેશાને ભણવામાં રસ નહોતો. એને શાંતિનિકેતન અને સ્વિટ્ઝર્લેન્ડ ભણવા મોકલવામાં
આવી, પરંતુ એણે શિક્ષણમાં ઝાઝો રસ લીધો નહીં. એને હાથી અને ઘોડામાં ઊંડો રસ હતો. ઘોડાની દરેક નસલ
રાજકુમારી ઓળખતી એટલું જ નહીં, એમની અશ્વશાળાના ઘોડાઓને આયેશા જાતે ટ્રેન કરતી. ફરી એકવાર ફિલ્મી
વાર્તાની જેમ એમના કલકત્તાના ઘરમાં એણે એક યુવરાજને જોયો, ત્યારે આયેશા ફક્ત બાર વર્ષની હતી અને યુવરાજ
જયપુરના રાજકુમાર સવાઈ માનસિંગ હતા. એમને જયપુરના ભૂતપૂર્વ મહારાજાએ દત્તક લીધા હતા. કારણ કે, એ
પોતે નિઃસંતાન હતા. એમની સામે ત્રણ રાજઘરાનાના છોકરાઓને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી સ્વતંત્ર
મિજાજ ધરાવતા અને મહારાજાની સામે હિંમતપૂર્વક વર્તી શકતા આ છોકરાને જયપુરના મહારાજાએ દત્તક પુત્ર તરીકે
પસંદ કર્યો હતો.
આયેશા બાર વર્ષની હતી, એને કલ્પના પણ નહોતી કે, એને જે આકર્ષણ થઈ રહ્યું છે એનું પરિણામ પ્રેમ
બની જશે. સવાઈ માનસિંગ પોલોના ખૂબ મંજાયેલા ખેલાડી હતા. પોલો મેચ એ દરેક રાજઘરાના માટે ઉત્સવ બની
રહેતી. જેની સાથે સારા સંબંધ હોય તે અને જેની સાથે સારા સંબંધ ન હોય એવા રાજાઓ અને રાજકુમારોને
આમંત્રણ આપવામાં આવતું. માન-અપમાનના સ્કોર શેટલ કરવામાં આવતા, કેટલીકવાર લગ્નો નક્કી થઈ જતા તો
કેટલીકવાર જીવનભરની કડવાશ પણ આવી પોલો મેચમાંથી ઊભી થઈ જતી… આવી જ એક પોલો મેચમાં સવાઈ
માનસિંગ જીત્યા ત્યારે મહારાણી ઈન્દિરાએ એમને મનગમતી ભેટ માગવાનું કહ્યું. યુવરાજે એમની નાની દીકરી
આયેશાને ડિનર પર લઈ જવાની પરવાનગી માગી.
પંદરેક વર્ષની આયેશા 22 વર્ષના રાજકુમાર સાથે બહાર ગઈ એ કદાચ એના જીવનની પહેલી ડેટ હતી. એ
પછી બંને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો અને રાજકુમાર સમય સમયાંતરે આયેશાને મળવા સ્વિટઝર્લેન્ડ આવવા લાગ્યા.
એમણે આયેશા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આયેશાના પિતા એ સમયે હયાત નહોતા અને મહારાણી ઈન્દિરાદેવી
કૂચબિહારનો રાજકારભાર સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે મહારાણી ઈન્દિરાને આ પ્રસ્તાવ વિશે જાણ
કરવામાં આવી ત્યારે એમણે ‘આયેશાની ઉંમર ઘણી નાની છે’ કહીને એ સમયે તો વાત ટાળી દીધી, પરંતુ ફરી એકવાર
જયપુરના રાજઘરાના તરફથી આયેશાના લગ્ન માટે પ્રસ્તાવ આવ્યો ત્યારે એમનાથી ના પાડી શકાઈ નહીં. 1940માં
28 વર્ષના સવાઈ માનસિંગના બે વાર લગ્ન થઈ ચૂક્યા હતા. એમની પહેલી પત્ની મરૂધર કંવર અને બીજી પત્ની
કિશોર કંવરથી એમને ચાર બાળકો હતા. એવી પરિસ્થિતિમાં પોતાની દીકરી અડજેસ્ટ થઈ શકશે કે નહીં એ ચિંતા અને
તણાવ સાથે સવાઈ માનસિંગ તરફથી આવેલો આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. જયપુરની ત્રીજી મહારાણી બનીને
આયેશા જ્યારે જયપુર પહોંચી ત્યારે એનું નામ ગાયત્રી દેવી કરી દેવામાં આવ્યું…
શરૂઆતના અડજેસ્ટમેન્ટની મુશ્કેલીઓ હતી જ. રાજઘરાનાનું રાજકારણ અને ગાયત્રી દેવીના સૌંદર્ય અને
શિક્ષણને કારણે એમની સાથે શરૂઆતના વર્ષોમાં કરવામાં આવેલું વર્તન એમણે પોતાની આત્મકથા, ‘ધ પ્રિન્સેસ
રિમેમ્બર્સ’માં લખ્યું છે, “રાજઘરાનામાં મારો સ્વીકાર એટલી ઝડપથી થઈ શકે એમ નહોતો, પરંતુ મારે માટે તો
માનસિંગ મારા જીવનનો આધાર હતા. બાર વર્ષની ઉંમરથી જેમને મેં પ્રેમ કર્યો હતો એ વ્યક્તિ સાથે જીવવું મારે માટે
કોઈ સ્વપ્નથી ઓછું નહોતું.”
એમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ જગત નારાયણ પાડવામાં આવ્યું. એમના પિતાનું મૃત્યુ પણ
1922માં, આયેશા દસ વર્ષની હતી ત્યારે થયું હતું. અઢાર વર્ષના લગ્નજીવન પછી મહારાજા સવાઈ માનસિંગ
ઈંગ્લેન્ડમાં પોલો મેચ રમતી વખતે ઘોડા ઉપરથી પડીને મૃત્યુ પામ્યા ત્યારે મહારાણી ગાયત્રી દેવી એ મેચ જોનારા
ઓડિયન્સમાં હાજર હતાં. એ પછીના વર્ષો એમણે પોતાના દીકરા માટે ગાળ્યા. એમની આત્મકથામાં એમણે પતિના
મૃત્યુ પછી જે લખ્યું છે તે પ્રકરણ સાચે જ આપણને હચમચાવી મૂકે એવું છે. એમને પતિ વગરના જીવનમાં
આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો એ વાત એમણે પૂરી ઈમાનદારીથી પોતાની આત્મકથામાં લખી છે…
આપણે વાત કરી રહ્યા છીએ, મહારાણી ગાયત્રી દેવીની… 23 મે, એમનો જન્મદિવસ છે. 1919માં જન્મેલાં ગાયત્રી
દેવીનું મૂળ નામ આયેશા હતું. 2009માં એમનો દેહાંત થયો ત્યારે એમની ઉંમર 90 વર્ષની હતી. ઈન્દિરા ગાંધીએ
જ્યારે કટોકટીના સમયમાં એમને જેલમાં રાખ્યા ત્યારે એમની તબિયત થોડી નાજુક હોવાને કારણે એમને પેટના
પ્રોબ્લેમ્સ ઊભા થયા. એ પછી એમને સારવાર માટે લંડન લઈ જવામાં આવ્યાં. મહારાણીને જ્યારે સમજાઈ ગયું કે,
એમના જીવનના બહુ દિવસો શેષ નથી ત્યારે એમણે જાતે જ નક્કી કર્યું કે, એ જયપુર પાછા ફરવા ઈચ્છે છે. એમને
એર એમ્બ્યુલન્સમાં જયપુર લાવવામાં આવ્યા અને ત્યાં 29મી જુલાઈ, 2009 એમનું મૃત્યુ થયું.
એક પરીકથા જેવું જીવન જીવેલી એક અતિશય સૌંદર્યવાન સ્ત્રી જેની સરાહના ભારતની બહારના ફેશન
મેગેઝિન્સ અને અખબારોએ પણ એની સુંદરતા, બુધ્ધિ અને સ્વતંત્ર વિચારો માટે સતત કરી… શિફોનની સાડી, કાન
સુધીના ટૂંકા પણ અત્યંત વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ અને ગળામાં મોતીની માળા એ ગાયત્રી દેવીની હંમેશની
ઓળખ રહી. સ્વાતંત્ર્ય સંગ્રામથી શરૂ કરીને છેક 2000 સુધી એમણે પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યને જાળવી રાખ્યું
એટલું જ નહીં, જયપુરની પ્રજા માટે એ હંમેશાં એક માતૃત્વ સભર મહારાણી રહ્યાં.
ઝુબેદા જોધપુરના મહારાજા હનુવંતસિંહની મુસ્લિમ પ્રેમિકા હતી. એના એકવાર લગ્ન થઈ ગયેલા હતા. ઝુબેદાએ આર્યસમાજ દ્વારા હિંદુ ધર્મ અપનાવી વિદ્યારાની નામ રાખી મહારાજા જોડે લગ્ન કરેલા. એના આગલા પતિથી થયેલા દિકરા ખાલીદ મહંમદે ઝુબેદાની સ્ક્રિપ્ટ લખેલી અને શ્યામ બેનેગલે ઝુબેદા મૂવી બનાવેલું. મહારાણી ગાયત્રીદેવી સાથે એ ફિલ્મને સ્નાનસૂતકનોય સંબંધ નથી. આ ભૂલ તમારે સ્વીકારવી જોઈએ એક લેખક તરીકે અને વાચકોની ક્ષમા માગવી જોઈએ.
હોઈ શકે મારી માહિતી અધૂરી હોય, ધ્યાન દોરવા બદલ આભાર, પ્રણામ.