આજે 11 એપ્રિલ, કસ્તૂર મોહનદાસ ગાંધીનો જન્મદિવસ. એમણે બાપુને નહીં લખેલો, એક
પત્ર… આજે, એમના જન્મદિવસે!
પ્રિય મોહન,
સંબોધન વાંચીને તમને નવાઈ લાગશે ને લખતા મનેય સંકોચ તો થાય છે… પણ હવે બધાય
એકબીજાને નામ લઈને બોલાવે છે. મીઠું ય લાગે છે. 62 વર્ષના લગ્નજીવનમાં મેં કોઈ દિવસ તમારું
નામ લીધું નથી. જોકે તમે એવો આગ્રહ રાખતા ને કહેતા કે જો હું તને કસ્તૂર કહીને બોલાવી શકું તો તું
મને મોહન કેમ ન કહી શકે?
તમે મારા દોસ્ત નહોતા, ત્યારે. ધણી હતા. ને ધણીને નામ લઈને બોલાવવામાં ન પ્રેમ છે ન
ઉમંગ. જોકે, એ સમયમાં વળી કોણ કોને નામ લઈને બોલાવતું? પણ તમે તો સાવ જ જુદા! યાદ છે ને,
દક્ષિણ આફ્રિકામાં 1913માં સરકારે કાયદો કર્યો કે રજિસ્ટર થયેલા લગ્ન ન હોય તો કાયદેસર પત્ની ન
ગણાય. ઘણી પરણેલી હિન્દી સ્ત્રીઓનો દરજ્જો એમના પતિની ધર્મપત્ની મટીને રખાતનો થઈ ગયો ને
વળી તમારી રમૂજ વૃત્તિ. સહજ હસતાં હસતાં તમે કહેલું, ‘હવે તું મારી પરણેતર નથી…
‘મેં ભવાં ચઢાવીને પૂછેલું, ‘આ રોજ નવા નુક્તા ક્યાંથી લાવો છો? આવું કોણે કહ્યું છે?’
તમે કહેલું, ‘પેલો જનરલ સ્મટ્સ કહે છે કે ખ્રિસ્તી લગ્નની જેમ જો લગ્ન કોરટમાં નોંધાયેલા ન
હોય તો કાયદેસર ન કહેવાય ને એટલે તું પણ મારી પરણેતર નહીં પણ રખાત કહેવાય…’
‘એનું માથું! એ નવરાને વળી આ શું સૂઝે છે.’ મેં કહેલું.
ને ત્યારે તમે મને પહેલી વાર જગાડેલી, ‘પરણેતર થવું હોય ને રખાત ન રહેવું હોય ને તમને
તમારી આબરૂ વહાલી હોય તો તમે લડો.’
‘પણ તમે તો જેલમાં જાવ છો…’ મેં કહેલું.
‘તો તમે પણ તમારી આબરૂ માટે જેલમાં જાવ. કેમ? રામની પાછળ સીતા જાય ને હરિશ્ચન્દ્ર પાછળ
તારામતિ, નળની પાછળ દમયંતિ જાય તો મોહન પાછળ કસ્તૂર કેમ નહીં?’
હું ડરી ગયેલી, ના નહીં કહું… ને મેં પૂછેલું, ‘મરી જઈશ તો?’
તમે કહેલું, ‘તું જેલમાં મરી જઈશ ને તો જગદંબાની જેમ તને હું પૂજીશ.’
દક્ષિણ આફ્રિકામાં તમે એક શિક્ષકની જેમ મને તૈયાર કરી. વગર શીશી સૂંઘાડ્યે શસ્ત્રક્રિયા કરાવી
ને શેરવો પીવાને બદલે મને ડૉક્ટરને ત્યાંથી બહાર કાઢી. આજે યાદ કરું છું તો મન વલોવાઈ જાય છે.
આ એ જ ધણી છે? એ દિવસો દરમિયાન તમે મારી જે સેવા કરી એની વાત કેમ કરું, તમે જાતે જ મને
દાતણ કરાવતા, ચ્હા-કોફીના વિરોધી પણ કોફી તૈયાર કરીને મને આપતા, એનીમા આપતા, પોટ જાતે
ધોતા, આખો દિવસ મને તડકામાં સૂવાડતા, તડકો ફરતો જાય એમ ખાટલો ફેરવવાનો, નાના બાળકને તેડે
એમ બે હાથમાં ઉંચકીને મને ઘરમાં અંદર ને બહાર આંગણામાં લઈ આવતા. તેલ નાખીને વાળની ગૂંચ
કાઢી નાખતા, સોજા ઉપર લીમડાના તેલથી માલિશ કરતા…
દક્ષિણ આફ્રિકા પછીનો આપણો સંબંધ પતિ-પત્નીનો નહીં બે સત્યાગ્રહીઓનો સંબંધ બન્યો.
2023માં આ પત્ર તમને લખું છું ત્યારે સમજાય છે કે લગ્ન નિભાવવાનું કામ બે વ્યક્તિ નથી કરી શકતી,
બે મન, બે નિષ્ઠા અને એકબીજા સાથે જોડાયેલી બે ઊંડી સમજણ લગ્ન નિભાવવાનું કામ કરે છે.
આપણા સંબંધને પ્રેમ કહેવાની સમજણ નહોતી ત્યારે, પણ આપણી વચ્ચે જે હતું એ પ્રેમથી સહેજેય
ઓછું નહોતું, એવું મને આજે લાગે છે.
હું તમારાથી છ મહિના મોટી. 1869માં આપણા બેઉનો જન્મ… હું એપ્રિલમાં ને તમે
ઓક્ટોબરમાં. સાત વર્ષની ઉંમરે આપણી સગાઈ થઈ. તમારા પિતા કરમચંદભાઈએ જ્ઞાતિના
અગ્રણીઓને મારા પિતા પાસે મોકલ્યા. તમારા પિતાને ત્રણ પત્ની ઉપરા ઉપર ગુજરી ગયેલી.
ચોથીવારના પત્ની પૂતળીબાઈનું ચોથું સંતાન, તમે. પિતાની ઈચ્છા એવી કે તમારા લગ્ન એમના
જીવતાજીવ જ થઈ જાય. 1883ના મે મહિનામાં હું પરણીને આવી… તમારા ભાઈ તમારા મોટાભાઈ
કરસનદાસ અને કાકા તુલસીદાસના પુત્ર મોતીલાલના લગ્ન પણ આપણી સાથે જ થયા. મારી સાથે
બીજી બે વહુઓ આવી…
આમ તો એક જ ફળિયું વિંધવાનું હતું, પણ મને લાગ્યું કે જાણે બાળપણનો એક આખો ઉમરો
ઓળંગીને હું તમારા ઘરમાં પ્રવેશી હતી. ગઈકાલ સુધી જેની સાથે ગીલી-દંડા ને પકડદાવ રમતી હતી એ
મોહન મારો વર બની ગયો, વર શું કામ ધણી જ કહો ને! ને તમેય, ધણીથી ઓછા ક્યાં હતા?
કોણ જાણે કેવા ચોપાનિયા વાંચીને તમારા મગજમાં ઘૂસી ગયું હતું કે પતિએ એક પત્નીવ્રત
રાખવાનું… સામે પત્નીએ પણ એક પતિવ્રત પાળવાનું. મારી પાસે આ એક પતિવ્રત પળાવવા તમે કેવા-
કેવા ત્રાગાં કર્યાં છે! તમારો ઓટલો મોટો ને અવર-જવર ખૂબ એટલે દિવસ તો એમાં જ વિતિ જાય…
રાત્રે જ્યારે ઓરડામાં આવીએ ત્યારે હું કેટલાય સપનાં લઈને આવું પણ તમે દોસ્ત ઓછા, પતિ કરતા
વધુ ધણી! હું પહેલેથી જ સ્વતંત્ર મિજાજની એટલે કોઈને ગાંઠવાની તો વાત જ નથી. મંદિર જવું હોય કે
પાડોશીને ત્યાં જવું હોય તો તમને પૂછવાનું, એવો તમારો આગ્રહ ને મને એમ થાય કે એમાં વળી
પૂછવાનું શું. ગુસ્સો, અકળામણ અને જોહુકમી… સામે મારી દાંડાઈ અને તમારી વાત માનવાની સ્પષ્ટ
ના… આમ આપણા લગ્ન શરૂ થયા!
મને હતું કે મારી જિંદગી આમ જ પૂરી થઈ જશે. તમે આમ જ ધણીપણું કરતા રહેશો ને હું
ક્યારેક ડરતી ને ક્યારેક ઝઘડતી, ક્યારે કચડાતી તો ક્યારેક વિદ્રોહ કરતી, આમ જ મારી જિંદગી પૂરી
કરીશ.
પણ હવે, આજે આ લખવા બેઠી છું ને પાછી ફરીને જોઉં છું તો સમજાય છે કે મારા કરતા વધુ
તો તમે બદલી તમારી જાતને. તમારા સ્વભાવને!
હું તદ્દન નિરક્ષર, રૂઢિગત સંસ્કારોમાં ઉછરેલી અને કાચી વયે સંસારમાં પડી ગયેલી. જીવનની
પાઠશાળામાં શીખી ને મારો પતિ ચારમાંથી ચાળીસ કરોડનો બાપ બન્યો તો હું પણ ચાળીસ કરોડની બા
બની શકી એ માટે તમને પ્રણામ કરું છું. તમે ખરા અર્થમાં મને તમારું અરધું અંગ માની, સ્વીકારી ને
ચાહી. મારી તમામ નબળાઈઓ સાથે તમે મારો સ્વીકાર કર્યો ને આદર પણ.
ઘણા કહે છે કે જેટલું માન તમારું થયું એટલું મારું ન થયું કે જેટલું તમારા વિશે લખાયું એટલું
મારા વિશે નથી લખાયું… પણ એ તો એમ જ હોય ને!
હું તો તમારી છાયા… તમારી કાયા નહીં. માયા તો તમે મૂકી જ દીધેલી… એટલે એ પણ નહીં
જ.
ઈશ્વરે પૂછ્યું ત્યારે ને તમે પૂછ્યું હોત તો પણ હું એક જ ઈચ્છા માગત, ‘મને જન્મોજન્મ તમે
જ પતિ તરીકે મળો એથી વધુ મારે કાંઈ માગવાનું નથી.
– ‘તમારી કસ્તૂર.