એકલી હોય તો આંગળી, ભેગા હોય તો હાથ!

સુરતના એક કાર્યક્રમમાં સંચાલન કરી રહેલા મનીષભાઈએ એક સરસ વાત કહી, ‘ચાર આંગળીઓ
અને અંગુઠા વચ્ચે એક દિવસ ઝઘડો થયો. સહુ પોતપોતાનું મહત્વ સાબિત કરવા લડવા લાગ્યા. અંગુઠાએ
કહ્યું હું સૌથી જાડો, હું સૌથી મોટો. હું કહું એટલે કોઈને ઓલ ધ બેસ્ટ… ગુડલક મળે અને હું ઊંધો થઈ જાઉં
તો એ ઝીરો થઈ જાય-હારી જાય. પહેલી આંગળીએ કહ્યું, મારું મહત્વ અનેરું છે. હું જેના તરફ નિર્દેશ કરું એ
વ્યક્તિનું મહત્વ વધી જાય અથવા ઘટી જાય. કૃષ્ણએ સુદર્શન મારા ઉપર પહેર્યું. બીજી આંગળીએ કહ્યું, સૌથી
ઊંચું કોણ છે? મારી હાઈટ સૌથી વધારે. હું જ છું પરિવારની મોભી, વડીલ. ત્રીજી આંગળીએ કહ્યું, હું તિલક
ન કરું ત્યાં સુધી ઈશ્વરની પૂજા ન થઈ શકે. ટચલી આંગળીએ કહ્યું હું ભલે રહી નાની પણ કૃષ્ણ એ ગોવર્ધન
મારા ઉપર ઉપાડ્યો. એટલું જ નહીં, હું ભલે તર્જની છું તેમ છતાં માણસની કુદરતી હાજત માટે મારો જ
ઉપયોગ કરાય છે…’ પાંચેય અંદર અંદર લડવા લાગ્યા. ઝઘડો ખાસ્સો ચાલ્યો પછી એક સમજદાર વ્યક્તિએ
કહ્યું, ‘તમારામાંથી એક પણ નહીં હોય તો પંજો અધૂરો થઈ જશે. પાંચે ભેગા થશો તો કોઈકની પીઠ થાબડવા માટે હાથ
બનશે, સલામ કરવા માટે હાથ ઊઠશે. દુઆ માગવા માટે હાથ ફેલાશે અને પ્રણામ કરવા માટે હાથ જોડી શકાશે.
પંચતત્વનો કોળિયો બનશે, પેઈન્ટિંગ કરવા માટે પીછી કે લખવા માટે પેન પકડી શકાશે. પાંચેય ભેગા થઈને જો વળી
જશો તો મુક્કો બનશે, જે કોઈને પણ હરાવી શકશે…’

મનીષભાઈની આ વાત જીવન માટે પણ એટલી જ ઉપયોગી છે. આપણે બધા અંદરોઅંદર પોતપોતાના મહત્વ
માટે લડતા રહીએ છીએ, પરંતુ એક વ્યક્તિથી ક્યારેય કશું થઈ શકતું નથી. એક વ્યક્તિથી પરિવાર કે સમાજ બનતો નથી.
કાર્યક્રમ હોય, સામાજિક મેળાવડો હોય, સમારંભ હોય કે ઉત્સવ. એક જણથી શું થાય? સહુ ભેગા થાય ત્યારે જ
ઉજવણી કે આનંદ શક્ય બને છે. સમય જતાં આપણે સૌ સ્વકેન્દ્રીય અને સ્વાર્થી થવા લાગ્યા છીએ.
આપણને આ સ્વાર્થે એટલા એકલાં કરી નાખ્યા છે, કે આપણે સૌ આ એકલતામાં વધુ ને વધુ ડિપ્રેસ થતા
જઈએ છીએ. પોતાના મહત્વની હોડ કે હરિફાઈમાં બીજાનું મહત્વ ઘટાડવા માટે એટલા બેચેન છીએ કે
આપણને આપણું મહત્વ વધારવાનું યાદ રહેતું નથી.

આ આંગળીઓની વાત પરથી એક વાત એવી પણ સમજાઈ કે દરેકનું આગવું મહત્વ અને આગવી
જરૂરિયાત છે. શ્રેષ્ઠી કે ઉદ્યોગપતિ પોતાની જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરે છે, ઉદ્યોગ સ્થાપે છે, પણ એની પાસે
જો કામ કરનારા કામદારો, ઈજનેરો કે માર્કેટિંગ કરનારા લોકો ન હોત તો એનો ઉદ્યોગ ચાલશે ખરો? કોઈ
એક કલાકાર ગાતો હોય તો એને એના સાજિંદાની જરૂર પડે છે, ફિલ્મ બનાવવા માટે માત્ર એક્ટરથી ચાલે
નહીં, કેમેરામેન, દિગ્દર્શક, લેખકની સાથે સાથે લાઈટ લગાડનારા-ઉપાડનારા અને ચા પીવડાવનારા સ્પોટ
બોયનું પણ પોતાનું મહત્વ છે. વિમાન માત્ર પાઈલટથી ઊડી શકે નહીં. એને એનો પોતાનો સ્ટાફ જોઈએ…
એકલો નેતા પાર્ટી બનાવી શકતો નથી, એને પણ કાર્યકર્તા અને વોટરની જરૂર પડે છે.

ભાજપના એક વરિષ્ઠ નેતા (સી.આર. પાટીલ)એ એકવાર કહ્યું હતું, ‘મારો પક્ષ નેતાઓથી નહીં, મારા
કાર્યકર્તાથી ચાલે છે. હજારો કાર્યકર્તાઓ દરેક ગલી, શહેર અને મકાનમાં જઈને વોટર આઈડેન્ટિફાય કરે છે. એમની સાથે
પરસ્પર સંબંધ બનાવે છે. એમને જરૂરી મદદ કરે છે, એટલું જ નહીં, કોઈ અપેક્ષા વગર પક્ષ સાથે જોડાયેલા રહીને
એમનો બિલિફ, એમની માન્યતા અને એમના વિશ્વાસથી પક્ષને મજબૂત બનાવે છે.’ એવી જ રીતે, એકવાર ઓશોએ
કહ્યું હતું, ‘હું બોલ્યા કરું ને કોઈ સાંભળે જ નહીં તો એક દિવસ મારે માનસિક રોગોના નિષ્ણાત પાસે જવું પડે. હું જે
કહી રહ્યો છું એ તમે સમજી રહ્યા છો એ સમજ તમારી આંખોમાં જોઈને મારી વાત કહેવાનો આત્મવિશ્વાસ જન્મે
છે.’

યુનિટી, ઈન્ટિગ્રિટી, ટીમવર્ક કે સમૂહજીવન જેવા શબ્દો આપણે નવી પેઢીને એમના ઉછેરમાં જ
આપવા પડશે. હવે એક જ બાળકના પરિવારો બનવા લાગ્યા છે, એને કારણે બાળકના ઉછેરમાં વહેંચવું કે
અન્યની સાથે સમજીને-થોડું સહન કરીને કે સમાધાન કરીને જીવવાનો ગુણ ધીમે ધીમે ઓછો થતો જાય છે.
માતા-પિતા, દાદા-દાદી બધાનું ધ્યાન ફક્ત બાળક ઉપર જ કેન્દ્રીત હોય એને કારણે બાળક પણ ધીમે ધીમે
સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની જાય છે. એ વ્યક્તિ જ્યારે પુખ્ત થાય અને એડલ્ટ બને ત્યારે એના વ્યવહારમાં એ
સ્વાર્થ અને અહંકાર એટલી હદે મોટો થઈ જાય છે કે, એના ગુણો આ અહંકારની પાછળ છુપાઈ જાય છે.
બીજાએ કરેલા કામની ક્રેડિટ પણ કેટલીકવાર ઉચ્ચ પદે બેઠેલા અધિકારીઓ કે માલિકો લઈ લે, ત્યારે જેણે એ
કામ કર્યું હોય એને ખૂબ નિરાશા થાય છે. બીજી વખત એને સારું કામ કરવાની ઈચ્છા થતી નથી, પરંતુ જો
એ વ્યક્તિને એના કામની ક્રેડિટ અને પ્રશંસા મળે તો એ વ્યક્તિ ફરીથી સારું અને વધુ સારું કામ કરવા પ્રેરાય
છે. દુઃખની વાત એ છે કે, માણસમાત્ર ફક્ત પોતાની પ્રશંસા કે ક્રેડિટ માટે જ મથે છે. એ ભૂલી જાય છે કે,
એકલી વ્યક્તિની-એકલા માણસની કોઈ કિંમત નથી.

સત્ય તો એ છે કે, આપણે કરેલા કામ કે આપણા અસ્તિત્વને પણ જો અન્ય વ્યક્તિ, સ્વજન,
પ્રિયજન, પરિવાર કે સમાજ નહીં જુએ કે જાણે તો આપણું અસ્તિત્વ શું રહેશે? આપણે બધા એકમેકના
અસ્તિત્વ પર આધારિત છીએ, અને આપણું સાચું અસ્તિત્વ સહઅસ્તિત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *