પ્રેમ એટલે નશો જગતનો, પ્રેમ એટલે પૂજા,
પ્રેમ એટલે આગનો દરિયો, પ્રેમ એટલે ઊર્જા.
પ્રેમ એટલે શક્તિ સૌની, પ્રેમ એટલે બંધન,
પ્રેમ એટલે નાજુક દોરો, પ્રેમ આંખનું અંજન.
પ્રેમ એટલે ઉગતો સૂરજ, પ્રેમ બને સુવાસ,
પ્રેમ એટલે સત્ય જગતનું, પ્રેમીજનનો શ્વાસ.
પ્રેમ એટલે રેખા હાથની, પ્રેમ એટલે ભાવિ,
પ્રેમ એટલે ગ્રહનક્ષત્રો, પ્રેમ સુખની ચાવી…
દેશી નાટક સમાજના એક જાણીતા નાટકનું આ ગીત, પ્રેમ વિશેની વાત કરે છે. આપણે ત્યાં
પ્રેમ વિશે કેટલીયે વ્યાખ્યાઓ અને વિચારો પ્રવર્તે છે. વલેન્ટાઈન ડે ઉજવવા ઘેલા થતા લોકોથી શરૂ
કરીને વલેન્ટાઈન ડેના દિવસે તોડફોડ કરીને ઉજવણીને બંધ કરાવનાર લોકો સુધી, ગલી કે ગાર્ડનનું
એકાંત શોધીને પ્રિયજન સાથે સ્પર્શનું સુખ માણનારા પ્રેમીજનથી શરૂ કરીને એમને શોધીને એમની
પાસેથી પૈસા પડાવનાર-એમની સાથે ગેરવર્તન કરનાર લોકો સુધી… પણ આ બધા તો સ્ત્રી-પુરુષના
પ્રેમ વિશેની વાત છે. પ્રેમ કંઈ ફક્ત વિજાતિય પાત્રો વચ્ચેના આકર્ષણનું નામ નથી. ઉગેલા ફૂલને
જોઈને કે પંખીનો અવાજ સાંભળીને, સંધ્યાનું આકાશ જોઈને કે વરસાદના ટીપાને હથેળીમાં
ઝીલીને જે થાય તે બધું જ ‘પ્રેમ’ છે. પ્રેમ સૌની જરૂરિયાત છે, જીવમાત્ર પ્રેમથી જ પાંગરે છે. ગાયને
હાથ ફેરવવાથી કે છોડના પાંદડાને પંપાળવાથી જે પરિણામ મળે છે એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર થઈ
ચૂક્યું છે ત્યારે રાજેશ વ્યાસ (મિસ્કીન)ની કવિતા, એક એવી મુશ્કેલીની વાત કરે છે જે આપણા બધા
માટે ક્યાંકને ક્યાંક સાચી છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે એ વાત ઈચ્છનીય છે, સુંદર છે,
પરંતુ જ્યારે પ્રેમના બદલામાં શરત મૂકીને, સોદાબાજી કરીને એ પ્રેમને બ્લેકમેલિંગ બનાવવામાં આવે
ત્યારે એ પ્રેમ રહેતો જ નથી. આજે મોટાભાગના સંબંધોમાં ‘પ્રેમ’ના બદલામાં સગવડ, સંપત્તિ, સત્તા
જેવી બાબતોનું બાર્ટર થવા લાગ્યું છે. મિસ્કીન કહે છે,
શરત વગર તો કોણ કરે છે, સતત કોઈને પ્રેમ જગતમાં…
તો જ કરું હું પ્રેમ તને, જો આમ કરે તું નહીં,
આવી આવી સોદાબાજી, ડગલે પગલે રહી,
વાતવાતમાં વાંકું પડતું, છુટ્ટા પડતાં રમત રમતમાં…
લગ્નજીવનથી શરૂ કરીને મૈત્રી સુધી, લોહીના સંબંધથી શરૂ કરીને પડોશી કે પાર્ટનર સુધી
બધાની સાથે હવે આપણે સૌ શરત મૂકતા થઈ ગયા છીએ. આપણું કહ્યું ન કરે કે ધાર્યું ન થાય તો
આપણો પ્રેમ તરત જ સમુદ્રની લહેરોની જેમ પાછો વળી જાય છે. પાંચ વર્ષના પ્રણય સંબંધ પછી
લગ્ન પાંચ મહિના પણ ન ટકે એવા કિસ્સા આપણે જોયા જ છે. માતા-પિતાની સાથે ગેરવર્તન
કરનાર સંતાન કે સંતાનની લાગણી નહીં સમજીને એને ‘પ્રેમ’ના નામે દુઃખી કરતાં માતા-પિતાના
કિસ્સા અજાણ્યા નથી. આવું બને ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે છે કે, ‘પ્રેમ’ એટલે શું? આપણે
શેને પ્રેમ કહી શકીએ? કોઈ આપણને સાચે જ પ્રેમ કરે છે એ વાત કઈ રીતે સમજાય? એનો જવાબ
‘મિસ્કીન’ બીજા અંતરામાં આપે છે.
તું જેવો છે તેવો તુજને, કોઈ સ્વીકારે તે સાચું,
રોકે-ટોકે, બંધન મૂકે, એ સગપણ દંભી-કાચું,
ખુલ્લા આ આકાશને, તિજોરીમાં પૂરવા મથે, મમતમાં…
જે સંબંધમાં સંપૂર્ણ સ્વીકાર છે એ જ સાચો સંબંધ. વ્યક્તિને બદલવી, એને આપણે જે
ઈચ્છીએ કે માગીએ તે કરવા મજબૂર કરવી, આપણી ઈચ્છા મુજબ વર્તવા માટે આગ્રહ કે દુરાગ્રહ
કરવો એ તો ‘માલિકી’ થઈ, મહોબ્બત નહીં. પ્રેમ તો મુક્તિનું નામ છે. પંખીને પીંજરામાં પૂરી શકાય,
એ ગાય તો એની મરજીથી જ… એ વાત પ્રેમમાં પણ એટલી જ સાચી છે. “આપણે જ્યારે ‘આઈ
લવ યૂ’ કહીએ છીએ ત્યારે ‘આઈ’ સૌથી પહેલાં અને કેપિટલ હોય છે, યૂ તો છેલ્લે આવે છે” એવું
તુષાર શુક્લ કહે છે ત્યારે સમજાય છે કે, પ્રેમ તો પહેલાં પોતાની પ્રિય વ્યક્તિનો વિચાર કરે, પછી
પોતાનો વિચાર કરે. સ્વાર્થ હોય ત્યાં સ્નેહ ટકે જ નહીં અને સ્નેહ હોય ત્યાં સ્વાર્થ માટે જગ્યા જ
નથી.
ઉર્દૂ સાહિત્યમાં, પ્રેમના સાત તબક્કાની વાત કરવામાં આવી છે, દિલકશી (આકર્ષણ), ઉન્સ
(મોહ), ઈશ્ક (પ્રેમ), અકિદત (વિશ્વાસ), ઈબાદત (પૂજા), જુનૂન (ઘેલછા), મૌત (મૃત્યુ) એવી જ
રીતે આપણે ત્યાં નવધા ભક્તિમાં ઈશ્વર સાથેના સંબંધમાં નવ પગથિયાંની વાત કરવામાં આવી છે.
શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવના, અર્ચના, વંદના, દાસ્ય, સાખ્ય, આત્મ નિવેદન… માં અંતે તો
સ્વયંને સમર્પિત કરવાની જ વાત છે. સંત રાબિયાની એક કથામાં કહ્યું છે કે, દરવાજો ખખડાવનારને
પૂછ્યું, ‘કોણ?’ એણે કહ્યું, ‘હું’, દરવાજો ન ખોલ્યો, ફરી ખખડાવ્યો, ફરી પૂછ્યું, ‘કોણ?’ એણે કહ્યું,
‘તું’ અને દરવાજો ખૂલી ગયો…
જ્યાં સુધી ‘હું’ રહે છે ત્યાં સુધી ‘તું’ સુધી પહોંચી શકાતું નથી. જ્યારે હું અને તું એક થઈ જાય
છે ત્યારે જ ‘સ્નેહ’નું સર્જન થાય છે. આ વાત સાંભળવામાં કદાચ બહુ વેવલી અને ઈમ્પ્રેક્ટિકલ
લાગે, પરંતુ સત્ય એ છે કે જિંદગીના દરેક તબક્કે આપણે પોતાનો સ્વાર્થ અને પ્રિય વ્યક્તિની
લાગણી, એના ગમા-અણગમામાંથી પસંદ કરવાનું આવે જ છે. આપણને જે ગમતું હોય એ આપણી
પ્રિય વ્યક્તિને, (માતા-પિતા, ભાઈ-બહેન, પ્રેમિકા, પતિ, પ્રેમી કે પત્ની, મિત્ર) ને ન ગમતું હોય તો
એ છોડવાની આપણી તૈયારી છે? કે પછી આપણને જે ગમે એ માટે એણે પોતાની ગમતી વસ્તુ
છોડવી એવો આપણો આગ્રહ છે. આપણને આપણી પ્રિય વ્યક્તિ પર વિશ્વાસ છે કે સતત શંકા રહે
છે?
મિસ્કીનની આ કવિતા બે જ અંતરામાં આપણને આપણા તમામ સંબંધો ફરી એકવાર ચકાસી
લેવા તરફ જાગૃત કરે છે. ચાલો, ફરી એકવાર જોઈ લઈએ, વિચારી લઈએ સમજી લઈએ કે આપણે
જેને ‘પ્રેમ’ માનીએ છીએ એ આપણો દુરાગ્રહ, સામેની વ્યક્તિ માટે બંધન કે આપણો સ્વાર્થ તો નથી
ને?