માધુરી દીક્ષિતની પહેલી વેબસીરિઝનું નામ ‘ફેઈમ ગેઈમ’ રાખવામાં આવ્યું છે. એક અભિનેત્રીના
જીવનમાં બનતી ઘટનાઓ આ વેબસીરિઝમાં વણી લેવાઈ છે, પરંતુ આ ઘટનાઓ બહુ પ્લેઝેન્ટ કે
આનંદદાયક નથી. એક સફળ સ્ટારના જીવનમાં એને એનો પતિ અને બાળકો કઈ રીતે જુએ છે, એની
પાસેથી શી અપેક્ષા રાખે છે, એની સાથે કઈ રીતે વર્તે છે અને એ બધાની વચ્ચે એ પોતાની પરિસ્થિતિને
કઈ રીતે સંભાળે છે, એનું સ્ટાર્ડમ, એનું કામ અને એ જેને ચાહે છે એ વ્યક્તિ સાથેના એના સંબંધોની
આ કથા એકબીજા સાથે વણી લેવાઈ છે.
સવાલ ‘ફેઈમ ગેઈમ’ નો હોય તો આપણી પાસે એક લાંબું લિસ્ટ છે. મધુબાલા, મીનાકુમારી અને
સારિકાથી શરૂ કરીને શ્રીદેવી સુધીની એવી સ્ત્રીઓ કે જે પડદા પર તો સ્ટાર હતી, પણ એના અંગત
જીવનમાં એની પાસે એવી કોઈ જગ્યા નહોતી જ્યાં જઈને એ પોતાનું હૃદય ખોલી શકે, રડી શકે, નોર્મલ
વર્તી શકે! સફળતાની સાથે કેટલીક બાબતો જોડાઈ જાય છે… એ સફળ વ્યક્તિ અભિનેતા હોય,
રાજકારણી હોય કે લેખક, પેઈન્ટર, નૃત્યકાર… કોઈ પણ હોય! એનો પ્રેક્ષક, વોટર કે ટૂંકમાં ‘ફેન’ પોતાના
મનમાં એક ઈમેજ બનાવે છે. સામાન્યતઃ અપેક્ષા એવી હોય છે કે એ વ્યક્તિ બીજાએ બનાવેલી
ઈમેજમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન સુદ્ધાં ન કરે. આ વ્યક્તિની પોતાની અંગત કોઈ જિંદગી હોઈ શકે
કે એને પણ સુખ-દુઃખ, ગમા-અણગમા, અંગત સમસ્યાઓ કે ટેન્શન હોઈ શકે એવું સમજ્યા વગર એની
પાસેથી સતત ‘પરફોર્મન્સ’ની અપેક્ષા માત્ર એના ફેન નહીં, એનો પરિવાર પણ રાખે છે, ત્યારે વ્યક્તિ તરીકે
નિરાશા ઘેરી વળે છે.
સારિકા, નીતુ સિંઘ, મીનાકુમારી અને અરૂણા ઈરાની જેવી અભિનેત્રી સાવ બાળવયમાં પોતાના પરિવાર
માટે રોજી કમાતી હતી, પરંતુ સમય જતાં જ્યારે બેન્ક એકાઉન્ટ એમની નજર સામે આવ્યા ત્યારે સમજાયું કે, એમના
નામે ખાસ કોઈ મિલકત કે બચત નથી! મીનાકુમારીનું શબ હોસ્પિટલમાંથી લેવા માટે બિલ ચૂકવવા કોઈ
તૈયાર નહોતું. સારિકાએ જ્યારે પોતાનું ઘર છોડ્યું ત્યારે એની માએ એને એક પૈસો આપવાની ના પાડી.
ત્રણ રાત મિત્રોને ત્યાં અને ગાડીમાં સૂઈને વીતાવ્યા પછી એને ભાડાનું ઘર મળ્યું! એવી જ રીતે,
શ્રીદેવીનાં રહસ્યમય મૃત્યુનો ભેદ હજી સુધી ઉકેલી શકાયો નથી.
ઝિયા ખાન, પ્રત્યુશા બેનરજી અને દિવ્યા ભારતી જેવી અભિનેત્રીઓ કે દિશા શાન્યાન જેવી
ફિલ્મજગત સાથે સંકળાયેલી યુવતિઓની આત્મહત્યા હજી સુધી પ્રશ્નાર્થચિહ્ન જ રહી છે.
અભિનેત્રીઓના એક્સપ્લોઈટેશનની કથા હેશટેગ મીટુના નામે ફરતી થઈ, પરંતુ એમાં પણ કેટલાક
લોકોને દંભ અને બનાવટ દેખાય છે. બીજી તરફ અગત્યનું એ છે કે, સાચા અર્થમાં કોણ કેટલું અપમાનિત
થયું છે અથવા કોને કેટલી તકલીફ પહોંચી છે એ વાતનું કોઈ પ્રમાણ કે સત્ય આપણી પાસે નથી. કેટલીક
વખત સૂકા ભેગું લીલું બળે એવી રીતે કોઈ સાચી ફરિયાદ સાથે ખોટા લોકો પણ પોતાનો રોટલા શેકી
લેતા હોય એની નવાઈ નહીં!
સુશાંત સિંઘના કેસમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે જેમને મળવા બોલાવ્યા એ બધી અભિનેત્રીઓ કેમ
હતી? કોઈ અભિનેતાની પૂછપરછ કેમ ન કરવામાં આવી? આ બધા સવાલોના કોઈ જવાબ નથી તેમ
છતાં, સત્ય એ છે કે, આવી ઘટનાઓ અભિનેત્રીઓ સાથે વધુ પ્રમાણમાં થાય છે.
એક સ્ત્રી જ્યારે પોતાની સફળતાની સીડી ચડતી હોય ત્યારે એ સીડીમાં અનેક અવરોધ આવે છે.
સમાજથી શરૂ કરીને સંબંધ, સપોર્ટથી શરૂ કરીને સાથી કલાકારો સુધીના સૌ એક સ્ત્રીની સફળતાથી
ક્યાંકને ક્યાંક દુભાય છે, જલે છે, ખુશ નથી હોતા. સમાજને ભય છે કે એક સ્ત્રી જો સ્વતંત્ર થઈ જશે,
સફળ થઈ જશે તો બાકીની સ્ત્રીઓ એને અનુસરવા લાગશે. આ સમાજ હજી પણ સ્ત્રીને પાયામાં
દાટીને ઊભો છે. કાલીની મૂર્તિના પગ નીચે ભલે શિવ દબાયા હોય, પરંતુ આ સમાજનું માળખું સ્ત્રીની
સંવેદનશીલતા અને એની સમજદારી પર ટક્યું છે.
સફળતાની રમત બહુ આકરી અને વરવી છે. આ સાપસીડીની રમત છે. પાસા ખખડાવીને માંડ
માંડ 98-99 સુધી પહોંચીએ ત્યાં જ એક સાપના મોઢા પર પગ પડે જે આપણને સીધો નીચે, બે-ત્રણ-
ચાર પાસે લઈને મૂકી દે! આ સાપ એટલે? અહંકાર, ગુમાન, સ્ટારર્ડમનું વળગણ અથવા આ સફળતા,
પ્રસિદ્ધિ, લોકપ્રિયતા કાયમ રહેશે એવો ભ્રમ! લોકપ્રિયતા કે સફળતા તો કોઈની થઈ નથી, એના
જીવનમાં નવા નવા પાત્રો આવ્યા જ કરે છે. જેને એ પંપાળે છે, ખોળામાં બેસાડે છે, હવામાં ઉછાળે છે
અને પછી જમીન પર પછડાય એટલે આગળ વધી જાય છે. જે લોકોને એવું સમજાય છે કે આ સફળતા
કાયમી નથી એ લોકો પ્રમાણમાં સુખી છે કારણ કે, એ ઘડીભરની મજા માણે છે છતાં, ‘જ્યારે નહીં હોય’
ત્યારે એના અભાવમાં પોતે તરફડશે નહીં, એવી એમને ખાતરી છે. આ એવા લોકો છે જેમની પાસે
એમનું આગવું વ્યક્તિત્વ છે. એમના શોખ છે અને વ્યવસાય સિવાય પણ એમની સાથે જોડાયેલા એમના
મિત્રો સ્નેહી છે, જે એમની સફળતા પહેલાં પણ હતાં, અને સફળતા પછી પણ રહેશે એવી એમને ખબર
છે.
સફળતાની સાપસીડી એક એવી ‘ફેઈમ ગેઈમ’ છે જેને રમાય ત્યાં સુધી આનંદથી રમી લેવી,
મળતી તાળીઓ કે પ્રશંસા માણી લેવી. ફોટો પડાવવા માટે તૂટી પડતા પ્રેક્ષકો કે દર્શકો, ઓટોગ્રાફ માટે
કલાકો ઊભા રહેતા ફેન કે ટિકિટ બારી પર થતા ધસારાથી ઉત્તેજના અને આનંદ થાય જ છે, અહીં
અનાસક્તિની કે નિઃસ્પૃતાની વાતો કરવી દંભ છે, પરંતુ એની સાથે જ એક ડિટેચમેન્ટ, ડિસ્ટન્સ કે દૂરતા
કેળવવી જરૂરી છે જેનાથી આપણું વ્યક્તિત્વ અખંડ અને અકબંધ રહી શકે. લોકપ્રિયતા કે સફળતા એને
ઘડે કે તોડે નહીં.