ફિલ ફ્રી, ફ્લાય ફ્રી… ઉંમર? એટલે શું?

’60 વર્ષની થવા આવી, તો ય નાની છોકરીની જેમ ઉછળકૂદ કરે છે. વેખલાની જેમ હસે છે…
કેવા કલર પહેરે છે! આવા ટૂંકા કપડાં શોભતા હશે?’ આવું આપણે સૌ સ્ત્રીઓએ ઘણીવાર સાંભળ્યું છે,
કહ્યું પણ હશે! એની સામે ’60ના થવા આવ્યા પણ લાગતા નથી, હી ઈઝ ઓલવેઈઝ યંગ એન્ડ
એનર્જેટિક, કેટલા ફિટ છે! કોઈ પણ રંગ શોભે છે…’ આવું પુરુષો માટે કહેવાય છે-એમને કોમ્પ્લિમેન્ટ
અપાય છે, યુવાન દેખાવા માટે યુવાની જેમ વર્તવા માટે…

સમાજમાં બે જુદા સ્ટાન્ડર્ડઝ કેટલીયે સદીઓથી ચાલ્યા આવે છે. યુવાન રાજકન્યાના સ્વયંવર
માટે વૃદ્ધ રાજાઓ પણ હાજર થતા, એટલું જ નહીં, કન્યાના પિતા દ્વારા પણ એમને આમંત્રણ
મોકલવામાં આવતું! ત્યારથી શરૂ કરી, આજ સુધી મોટાભાગના લોકો એવું માને છે કે, લગ્નમાં પુરુષની
ઉંમર મોટી અને સ્ત્રીની નાની હોવી જોઈએ! અમુક ઉંમરે પહોંચેલી સ્ત્રીઓના વર્તાવ, વસ્ત્રો, વિચાર
અને વ્યવહાર ઠરી જવા જોઈએ. એમને એક યુવતિની જેમ મજા કરવાનો કે મનગમતું જીવવાનો
અધિકાર હવે નથી રહ્યો એવું આ સમાજ આજે પણ માને છે એ કેટલી નવાઈની વાત છે! માત્ર સમાજ
જ નહીં, એક સ્ત્રી પોતે પણ એવું માનવા લાગે છે કે, હવે એને અમુક રંગો નહીં શોભે, એણે યુવાનો
સાથે નાચવાનું કે મજા કરવાનું છોડી દેવું જોઈએ…

આશ્ચર્ય એ વાતનું છે કે, ઉંમરને અને આનંદને એકબીજા સાથે કોઈ સંબંધ છે એવું નક્કી કોણે
કર્યું? ઉંમર અને ઊર્જા, ઉંમર અને આકર્ષણ, ઉંમર અને અલ્લડપણું એકબીજા સાથે વિરોધાભાષમાં છે
એવું માનવા જેટલી બેવકૂફી બીજી કોઈ નથી. લગભગ દરેક સ્ત્રી ભીતરથી બાળકી જ હોય છે, કારણ કે
એ ટીનએજમાં પ્રવેશી એ પહેલાં જ એનું બાળપણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. ‘કરાય’
અને ‘ન કરાય’ જેવા નિયમો ધીમે ધીમે એની આજુબાજુ એવી જાળની જેમ એવા વીંટળાયા કે, હવે
એમાંથી નીકળવું એને અશક્ય લાગવા માંડ્યું છે. જાહેર સમારંભોમાં-લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં સામાન્યરીતે
સ્ત્રીઓ એક બાજુએ બેસીને વાતો કરતી જોવા મળે છે. વરઘોડામાં કે મહેંદીમાં નાચવું, ડિસ્કોમાં જવું કે
પોતાના જૂના સ્ત્રી કે પુરુષ મિત્રોને મળવું-એમની સાથે ફરી એકવાર એ જ દિવસોમાં જઈને ધમાલ
મસ્તી કરવા જેવી પ્રવૃત્તિ મોટાભાગની પ્રૌઢ સ્ત્રીઓને આછકલું કે ઉછાછળું લાગે છે, કારણ કે એમનો
ઉછેર એમને ઉંમરની એક એવી મર્યાદા રેખા દોરી આપે છે જેની પેલી તરફ પગ મૂકતા એમને ટીકા અને
ટોણાંનો ભય લાગે છે. જોકે, આજની યુવતિઓ તદ્દન જુદી છે. ઉંમર, વજન કે અન્યના અભિપ્રાયની
ચિંતા કર્યા વગર એ પોતે તો જીવે જ છે, સાથે સાથે એમની મમ્મી કે સાસુને પણ-આસપાસની અન્ય
પ્રૌઢ સ્ત્રીઓને પણ એ જીવવાની, ‘જીવી લેવાની’ સલાહ અને પ્રેરણા આપતી રહે છે.

કેટલીક સ્ત્રીઓ જે પોતે જ પોતાની માનસિકતામાં કેદ છે એમને આ મુક્ત અને સ્વતંત્ર,
આકાશમાં પાંખો ફફડાવતી ‘મોડર્ન’ યુવતિઓની ઈર્ષા આવે છે. આવી સ્ત્રીઓ સ્વીકારે કે નહીં, પણ
એમની ભીતર કુંઠિત થઈ ગયેલી એમની ઈચ્છાઓ અને નહીં મળેલી સ્વતંત્રતાનો અભાવ એમને એટલા
બધા કડવા અને તીખા કરી નાખે છે કે એ પોતાની દીકરી અને પુત્રવધૂને પણ પોતાની જેમ જ જીવવા
મજબૂર કરીને એક ક્રૂર આનંદનો અનુભવ કરે છે…

બીજી તરફ, જે મમ્મીઓની દીકરીઓ યુવાન થઈ ગઈ છે કે ઘરમાં યુવાન પુત્રવધૂ છે એ બધી
સ્ત્રીઓ પોતાની જાતને આપોઆપ પ્રૌઢ કે વૃદ્ધ માનવા લાગી છે. એમની દીકરીઓ અને પુત્રવધૂ એમને
વારંવાર કહે છે, ‘તું શું કામ ચિંતા કરે છે? તું મજા કર…’ પરંતુ, પિંજરામાં પૂરાયેલું પંખી દરવાજો ખુલ્લો
જોઈને પણ બહાર નીકળતા પહેલાં ડરે છે, એવી જ રીતે નિયંત્રણમાં રહેલી દીકરી, બહેન, પત્ની અને
પુત્રવધૂ હવે મુક્તિની હવાનો શ્વાસ લેતાં ગભરાય છે. જોકે, મુક્તિ અથવા સ્વતંત્રતા એક એવી અદભૂત
અનુભૂતિ છે કે જો એકવાર હિંમત કરીને મર્યાદા રેખાને પેલે પાર પગ મૂકીશું તો ત્યાંનું સુખ આપણને
ફરીવાર પિંજરામાં પ્રવેશવા નહીં દે, બલ્કે આપણે બીજા માટે પણ પિંજરાના દરવાજા ખોલવા સક્ષમ
બની જઈશું. માન્યું કે, હવે આપણા વાળ ધોળા થયા છે, ચહેરો પહેલા જેટલો તાજો તરમરતો કે
તેજસ્વી નથી રહ્યો, શરીર થાકે છે-કદાચ, વજન વધી ગયું છે, વાળ પણ ખરે છે તેમ છતાં જીવન પૂરું
નથી થયું એ વાત આપણને સૌને કોણ સમજાવશે? આપણે જાતે જ નક્કી કરવાનું છે કે, આપણી જિંદગી
આપણે કેવી રીતે જીવવી છે. બેફામ, સ્વચ્છંદ કે સંસ્કૃતિ અને સભ્યતાનું ઉલ્લંઘન કરવું એ મજા કે આનંદ
નથી જ, પરંતુ કારણ વગર આપણું મન મારવું-ઈચ્છાઓને દબાવવી કે અભિવ્યક્તિને અવરોધીને
‘મેચ્યોર’ અથવા ‘ઠાવકા’ થઈ જવાની પણ કોઈ જરૂર નથી જ…

જે સ્ત્રીઓ પોતે માનસિક રીતે વૃદ્ધ થઈ ગઈ છે અને મજા નથી કરી શકતી એમને એમની જ
ઉંમરની બીજી સ્ત્રીઓ પણ પોતાની જેમ જ વૃદ્ધ થઈ જાય અને ધર્મધ્યાન, દેવદર્શન કરવા લાગે એવી
એક છૂપી ઈચ્છા હશે જ… પરંતુ, બીજાનું સાંભળી સાંભળીને પોતાના જીવન વિશે નિર્ણય કરનારા બધા
જ મનોમન ધૂંધવાય છે, ગૂંચવાય છે અને મૂંઝાય છે. આપણા ભારતીય શાસ્ત્રો અને ધર્મ પુસ્તકો કહે છે
કે, જિંદગી એક જ વાર મળે છે… બીજો જન્મ મનુષ્યનો જ મળે એવું કોઈ વચન આપણી પાસે ન હોય
તો જે જન્મ મળ્યો છે એની છેલ્લી ક્ષણ સુધી જીવી લેવામાં વાંધો શું છે?

મુક્તિ કે સ્વતંત્રતા ફિઝિકલ શબ્દ નથી… ઘરના દરવાજાની ચાવી આપણી પાસે હોય-અંદર ક્યારે
પ્રવેશવું અને બહાર ક્યારે નીકળવું એની આપણને છૂટ હોય તેમ છતાં જો આપણે જ આપણા પગમાં
અભિપ્રાય, ટીકા કે માનસિકતાની સાંકળ બાંધી રાખી હોય તો આપણે નહીં માણેલા આનંદ કે નહીં
ભોગવેલી મુક્તિ કે સ્વતંત્રતા માટે અન્યને જવાબદાર ઠેરવવાનો આપણને અધિકાર નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *