ગાંઠ અગર લગ જાયે તો ફિર રિશ્તે હો યા ડોરી; લાખ કરેં કોશિશ, ખૂલને મેં વક્ત તો લગતા હૈ

એક પતિ-પત્ની વચ્ચે હોલિડે ટ્રીપ પર ઝઘડો થયો. પત્નીએ પોતાની ભૂલ
કબૂલી લીધી, ‘સોરી’ કહી દીધું! એ પહેલાં જ્યારે દલીલબાજી ચાલતી હતી ત્યારે
પત્નીએ ગુસ્સામાં ન કહેવાની વાતો કહી દીધી હતી. પતિના વધી ગયેલા વજનથી
શરૂ કરીને સાસુ, નણંદ અને સાથે સાથે પોતે ‘આ માણસને પરણીને મેં મારી જિંદગી
બરબાદ કરી’ એ પણ કહેવાઈ ગયું… પત્નીએ ‘સોરી’ કહ્યા પછી પણ પતિ ખિન્ન હતો.
મનથી થોડો ઉદાસ, ખાસ કરીને પત્નીએ કહેલા શબ્દો પર એ જેટલીવાર વિચાર
કરતો એટલીવાર એને ખૂબ પીડા થતી હતી… ‘સોરી’ કહ્યાની દસ મિનિટમાં પતિ
નોર્મલ વર્તન ન કરી શક્યો, એટલે પત્નીએ વળી નવો ઝઘડો શરૂ કર્યો-‘સોરી કહ્યું
તો ખરું, હવે શું છે? તમારે એટલું જ યાદ રાખવું છે… જાણી જોઈને દુઃખી થવું છે તો
કોઈ શું કરે? અહીંયા ફરવા આવ્યા છીએ ત્યારે મૂડ સુધારો…’

આ કોઈ એક પતિ કે પત્નીની કથા નથી. માત્ર પતિની પીડાની પણ કથા
નથી, પરંતુ આ એક સર્વસામાન્ય માન્યતા છે કે માફી માગી લેવાથી કોઈપણ
પરિસ્થિતિમાં તરત જ બદલાવ આવવો જોઈએ. સામેની વ્યક્તિએ આપણને તરત જ
માફ કરીને, થોડી મિનિટો પહેલાં આપણે જે કંઈ કહ્યું એ બધું ભૂલીને તરત જ
સામાન્ય વર્તન કરવાનું શરૂ કરી દેવું જોઈએ! વિચારી જુઓ, આ શક્ય છે ખરું? એમ
કહેવાય છે કે, ‘જીવનમાં સૌથી ઊંડા ઘાવ શબ્દોના હોય છે.’ હવે, જ્યારે આપણે
ઝઘડો થાય-મનદુઃખ થાય, દલીલબાજી થાય ત્યારે આપણે બધા જ મુદ્દાને મહત્વ
આપવાને બદલે ફક્ત જીતવા માટે થઈને પણ કેટલીક એવી વાતો કહી નાખીએ
છીએ જેનાથી સામેની વ્યક્તિને દુઃખ થશે એવી આપણને ખાતરી હોય. એ વખતે
આપણે એવું નથી વિચારતા કે આ ખરેખર અત્યારે કહેવાવું જોઈએ કે નહીં… અથવા
આ કહ્યા પછી એની અસર કેટલી ઊંડી થશે-એનાથી સંબંધને કેટલું નુકસાન થશે! એ
વખતે તો ફક્ત ચાલી રહેલી દલીલમાં આપણે જીતવું છે, એ સિવાયનું કોઈ ધ્યેય
હોતું નથી. સામેની વ્યક્તિ જો એના માતા-પિતાને પ્રેમ કરતી હોય તો એના વિશે
ખરાબ બોલી નાખવું, એને જો મિત્રો માટે લાગણી હોય તો એમને માટે ગમે તેમ
બોલવું… મિત્રની પત્ની સાથે એની દોસ્તી પર આળ લગાવવું, એના વજન વિશે,
દેખાવ વિશે, ઓછું કમાવા વિશે કે અણઆવડત વિશે… જે સૂઝે, જેમ સૂઝે એમ-ફક્ત
સામેની વ્યક્તિને હરાવવાના, ચૂપ કરી દેવાના ધ્યેય સાથે જ્યારે આપણે શબ્દોના
બાણ ચલાવીએ છીએ ત્યારે પ્રમાણભાન ભૂલી જઈએ છીએ. વિતેલા પ્રસંગોના પોપડા
ઉખેડીને, ત્યારે ન કહ્યું હોય એ બધું પણ અત્યારે જ કહી નાખવાના ઉશ્કેરાટમાં
હિસાબ તો પૂરો થઈ જાય છે-પરંતુ, સાથે સંબંધ પણ ઘવાય છે.

કોઈપણ બે જણાં લડતાં હોય, ઝઘડતાં હોય કે દલીલ કરતાં હોય ત્યારે બંને
જણાં પાસે એકસરખું શબ્દભંડોળ-એકસરખી યાદશક્તિ (વિતેલા પ્રસંગોનો હિસાબ
રાખવા માટે) કે બોલી નાખવાની-સંભળાવી-ચોપડાવી દેવાની એકસરખી આવડત
નથી જ હોતી. બેમાંથી એક પક્ષ વધુ મજબૂત હોય, અને બીજો પક્ષ થોડો નબળો
હોય એ સ્વાભાવિક છે ત્યારે જે વ્યક્તિ સાંભળી લે છે એ ખોટી છે, ભૂલ એની છે માટે
સાંભળે છે એવું ધારી ન લેવું. ઘણીવાર એવું બને છે કે, કેટલાક લોકો સંબંધ ખાતર,
સ્નેહ ખાતર અને છેલ્લે પોતાના જીવનસાથી, સંતાન, માતા-પિતા કે મિત્રના સન્માન
ખાતર પણ સામો જવાબ આપવાને બદલે એ ક્ષણે ચૂપ રહેવાનું પસંદ કરે છે. આવી
વ્યક્તિને ઉશ્કેરાટમાં બોલાયેલા શબ્દોથી તકલીફ પહોંચાડવાને બદલે એણે ચૂપ
રહીને ઝઘડો ટાળવાનો પ્રયાસ કર્યો છે એ વાતની નોંધ લઈને જો આપણે પણ એ
ક્ષણે ચૂપ થઈ શકીએ તો બહુ મોટી હોનારત રોકી શકાય.

ચૂપ રહેવું એટલે નબળા હોવું નહીં જ… જવાબ ન આપવો એટલે, આપણી
પાસે જવાબ નથી એવું નહીં જ! આ વાત માત્ર શાબ્દિક યુધ્ધ પૂરતી મર્યાદિત નથી-
કેટલીકવાર સોશિયલ મીડિયા પર ચાલતા યુધ્ધ, દલીલબાજી કે ટપાટપીમાં ભાગ ન
લેવો એ પણ પોતાની શાંતિ માટેનો સાચો અને સરળ ઉપાય છે. ખાસ કરીને, જ્યારે
શાબ્દિક યુધ્ધ ચાલતું હોય ત્યારે જો પોતાના શબ્દો ઉપર સંયમ રાખી શકાય-એ જ
વખતે, જે મુદ્દા પર દલીલ ચાલતી હોય એટલા પૂરતા જ મર્યાદિત રહીને આપણી
વાત મજબૂત રીતે, પરંતુ સન્માનપૂર્વક મૂકી શકાય તો સંબંધને ઓછામાં ઓછું
નુકસાન થવાની સંભાવના છે.

મોટાભાગના લોકો આ સાદી વાત સમજતા નથી. અંગત સંબંધમાં ‘હાર-જીત’
જેવો કોઈ કોન્સેપ્ટ જ નથી. બે લોકો, જેમણે સાથે જીવવાનું પસંદ કર્યું છે અથવા
જેમને આપણે જન્મ આપ્યો છે કે જેમણે આપણને જન્મ આપ્યો છે (માતા-પિતા અને
સંતાન), જેની સાથે આપણે લોહીના સંબંધથી જોડાયેલા છીએ, (ભાઈ-બહેન,
નિકટના સગાં) આપણા અંગત અહંકાર કે ઈગો કરતાં, એમને હરાવવાના આપણા
ઝનૂન કરતાં, કે પછી આપણી વાત સાબિત કરી દેવાની આપણી જીદ-મમત કરતાં
એમની સાથેનો સંબંધ વધુ મહત્વનો છે. શબ્દોથી એ સંબંધને તોડીફોડી-ચીરીફાડી
નાખવા કરતાં બે ક્ષણ માટે મગજમાં ઉકળતા અને ઉભરાતા શબ્દો પર કાબૂ રાખી
શકાય તો એમનું સન્માન અને આપણી શાંતિ બંને અકબંધ રહે છે. જેમ ફાવે તેમ
બોલી નાખ્યા પછી, આગલી-પાછલી વાતો યાદ કરીને કડવા શબ્દો, મ્હેણાં-ટોણાં
મારી લીધા પછી, જ્યારે અફસોસ થાય કે કદાચ ન થાય છતાં વાત પતાવવાના
આશયથી આપણે ‘સોરી’ કહીએ, માફી માગીએ ત્યારે સામેની વ્યક્તિ તરત જ માફ
કરી દેશે-એનો મૂડ બદલાઈ જશે, એ નોર્મલ થઈ જશે એવી અપેક્ષા તદ્દન વાહિયાત
છે.

આપણા ઉશ્કેરાટમાંથી જન્મેલા શબ્દોથી જે ઘાવ પાડ્યા છે, એ ‘સોરી’ના
મલમથી ચમત્કારિક રીતે નહીં રુઝાય. એ ઘાવ રુઝાતાં સમય લાગશે, ને દરેકનો
પોતાનો અલગ પ્રોસેસ છે માટે કોને કેટલો સમય લાગશે એનો નિર્ણય કરવાનો
અધિકાર આપણી પાસે નથી. એથી વધુ કડવું સત્ય એ છે કે, કદાચ સામેની વ્યક્તિ
આપણને રાજી રાખવા ‘સોરી’ પછી તરત જ નોર્મલ હોવાનો અભિનય કરે તો પણ
એ શબ્દોએ એના મગજમાં એક ખાતું ખોલી નાખ્યું છે. એ ખાતામાં વધુ કડવાશ જમા
કર્યા કરવી કે ધીમે ધીમે એ ખાતામાંથી કડવાશ-તિરસ્કાર અને ખરાબ શબ્દોને
વિથડ્રો કરીને અંતે બેલેન્સ ઝીરો-ઝીરો પર લઈ આવવું એ તો આપણા જ હાથમાં છે,
અથવા આપણી જવાબદારી છે કારણ કે ખાતું ખોલવાનું કામ આપણે કર્યું હતું.

સંબંધ હોય કે દોરી, કાચનું વાસણ હોય કે ફાટી ગયેલું કપડું, મન હોય કે
મગજ… એકવાર ઉઝરડો, ઘસરકો કે તિરાડ પડે, એને સાંધી ચોક્કસ શકાય છે, પરંતુ
ફરી ફરીને જો આ ઉઝરડા, ઘસરકા કે તિરાડ પડ્યા જ કરે તો અંતે, એમાં રિપેરિંગની
શક્યતા રહેતી નથી.

ગુસ્સો આવે, અણગમો, તિરસ્કાર થાય, કેટલીક વાતો અસહ્ય બની જાય તો
પણ શબ્દો પર સંયમ રાખવો-કારણ કે, સૌથી વધુ નુકસાન સમજ્યા વગર, વિચાર્યા
વગર બોલાયેલા શબ્દોથી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *