ગર્ભપાતઃ કાયદો, ગેરકાયદો… ફાયદો, ગેરફાયદો

મહાભારતના 115મા અધ્યાય (આદિપર્વ)માં કુંતિએ પુત્રને જન્મ આપ્યો એ જાણીને દુઃખમાં મુઢ બનેલી ગાંધારીએ
પોતાના પતિ ધ્રૃતરાષ્ટ્ર જાણે નહીં તેમ બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં સેવેલી માંસપેશીને ક્રોધમાં પ્રહાર કરીને બહાર કાઢી… એ
જ્યારે માંસપેશીને ફેંકી દેવા નીકળી ત્યારે દ્વૈપાયન મુનિએ એને ઘી અને વનસ્પતિથી ભરેલા સો કુંડા તૈયાર કરાવવાનું કહ્યું.
માંસપેશીના 101 ટુકડા કરીને પ્રત્યેક ટુકડાને એ ઘી અને વનસ્પતિથી ભરેલા કુંભમાં ઢાંકીને ગોઠવવામાં આવ્યા… સમય જતાં
એમાંથી બાળકોનો જન્મ થયો ! છેક મહાભારતકાળમાં કહેવાયેલી આ કથામાં જે ઘી અને વનસ્પતિના કુંભનો ઉલ્લેખ છે એને
આપણે આજના ઈન્ક્યુબેટર કહી શકીએ ?

ગાંધારીએ દુઃખમાં કે ક્રોધમાં ગર્ભપાતનો નિર્ણય કર્યો… એ સમયથી શરૂ કરીને આજ સુધી ગર્ભપાત સ્ત્રીનો અધિકાર
છે કે નહીં એ વિશે અનેક ચર્ચાઓ થતી રહી છે. હજી થોડા જ વખત પહેલાં ખૂબ ચર્ચાયેલા એક કેસમાં બળાત્કાર થયો હતો
એવી સગીરાને ગર્ભપાત કરવાની મંજૂરી મળવી જોઈએ એ વિશે મીડિયાએ ખૂબ ઉહાપોહ કર્યો હતો. એ પહેલાં પણ
સાસરીવાળા દ્વારા ગર્ભજન પરિક્ષણ અને પરાણે કરાવવામાં આવતા ગર્ભપાત વિશે અથવા લિવઈન રિલેશનશિપ, બળાત્કાર કે
બીજા કારણે પોતાની મરજીથી સંતાન નહીં ઈચ્છતી મહિલાના ગર્ભપાત કરાવવા વિશેના અધિકાર બાબતે અનેક ચર્ચાઓ થતી
રહી છે. એક બિલ જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતું તે, સંસદે ગત સપ્તાહમાં અબોર્શનને કાયદામાં બદલીને મંજૂરી આપી
દીધી છે.

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (એમેન્ડમેન્ટ) બિલ 2020 મહિલાઓને વીસ સપ્તાહના ગર્ભને એક ડૉક્ટરની
સલાહ લઈને ન રાખવાની મંજૂરી આપે છે. વિશેષ કેટેગરીવાળી (જેની વિગતો સ્પષ્ટતાથી આપવામાં આવી નથી) મહિલાઓ
માટે બે ડૉક્ટરની સલાહ પર વીસ હપ્તા સુધી અનુમતિ હતી જેને વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી
હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ બિલ મહિલાની ગરીમા અને અધિકારની રક્ષા કરશે. આ વિશે અનેક ડૉક્ટરે પોતપોતાનો
અભિપ્રાય જાહેર કર્યો છે. જેમાં ડૉક્ટર સુદેશના રેએ કહ્યું છે કે, 18 વર્ષથી વધુની મહિલાઓ પોતાના માતા-પિતા ગાર્ડિયન,
પાર્ટનરને પણ જણાવ્યા વગર અબોર્શન કરાવી શકે છે. સગીરાના કેસમાં એના કાયદાકીય ગાર્ડિયનને સહી કરવી પડશે. આ
બિલમાં એક સૌથી મોટો સુધારો એ છે કે વિવાહિત મહિલા અથવા એના પતિને બદલે ‘મહિલા કે તેના પાર્ટનર’ લખાયું છે.

એમટીપી એક્ટ 71 પહેલીવાર ભારતમાં બન્યો ત્યારે એમાં અનેક સવાલો હતા. 1860માં ગર્ભપાત અપરાધ હતો.
જેને 1971માં બદલીને સ્ત્રીને નિર્ણયની સ્વતંત્રતા આપવામાં આવી. ગર્ભમાં રહેલું બાળક જો મેડિકલી સ્વસ્થ ન હોય તો
અથવા મહિલાના જીવનને જોખમ હોય, એને શારીરિક કે માનસિક નુકસાન થવાનો ભય હોય તો મહિલા ગર્ભપાત કરાવી શકે
છે. દુષ્કર્મને કારણે કે પાર્ટનરે ગર્ભાવસ્થાથી બચવા ઉપાય અજમાવ્યા છતાં જો ભૂલને કારણે ગર્ભ રહ્યો હોય તો મહિલા
સ્વેચ્છાએ ગર્ભપાત કરાવી શકે છે. 2016થી 2019 વચ્ચે 194 વર્ગિય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી જેમાં
મહિલાઓએ અલગ અલગ કારણથી ગર્ભપાતની મંજૂરી માગી હતી. આમાંની મોટાભાગની મંજૂરી નકારી દેવામાં આવી હતી.
હવે જ્યારે નવું બિલ અમલમાં આવ્યું છે ત્યારે એ કઈ રીતે ફાયદો કે નુકસાન કરશે એ તો સમય જ કહી શકશે.

જાણવા જેવી કેટલીક બાબતો એ છે કે રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 26,073 ગર્ભપાત થયા છે. જેમાંથી સો જેટલી
મહિલાના મૃત્યુ થયા છે. આ ઓફિશિયલ આંકડા છે. સાચું પૂછો તો ગર્ભપાતના આ આંકડા કેટલા સાચા હોઈ શકે એની
આપણને બધાને ખબર છે. એક એનાલિસિસ સાચે જ સમજવા જેવું છે. 2009-10માં 24180 ગર્ભપાતની સામે એમટીપી
(મેડિકલી કરાયેલા ગર્ભપાતની સંખ્યા) 12343 હતી. એવી જ રીતે 2010-11માં 25716ની સામે 9016. 2011-12માં
34572ની સામે 11459. 2012-13માં 31972ની સામે 11064. 2013-14માં 34362ની સામે 17868. 2014-
15માં 32044ની સામે 22712. 2015-16માં 29535ની સામે 20189. 2016-17માં 28204ની સામે 11194.
2017-18માં 28517ની સામે 13874. 2018-19માં 27423ની સામે 14460. 2019-20માં 26073ની સામે
12433 હતી… એક સમાચાર કહે છે કે, લોકડાઉનના સમયમાં, ભારત સહિત દુનિયાભરમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસા અને
બળાત્કારના કેસમાં વધારો થયો છે. એક જાણીતા સમાજશાસ્ત્રીએ રજૂ કરેલા પેપરમાં એમણે લખ્યું છે કે, આખો દિવસ ઘરમાં
રહેતા પુરૂષો માટે સેક્સ સિવાય બીજુ કોઈ મનોરંજન ઉપલબ્ધ ન હોવાને કારણે નીચલા મધ્યમવર્ગમાં લાખો મહિલાઓએ
અનિચ્છિત ગર્ભ ધારણ કરવો પડ્યો છે. જેમાંથી 18 લાખ કરતા વધુ મહિલાઓ ગર્ભપાત કરાવી શકી નથી, એવા આંકડા એમણે
દાવા સહિત રજૂ કર્યા છે.

આપણે પશ્ચિમને બહુ મોર્ડન માનીએ છીએ, પરંતુ ક્રિશ્ચનિટીમાં ગર્ભપાત એ માનવ હત્યા જેટલો મોટો અપરાધ
માનવામાં આવે છે. અત્યાર સુધી ચર્ચ ગર્ભપાતની અનુમતિ આપતા નહોતા. યુ.કે. અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં હવે
ગર્ભપાતને કાયદેસર મંજૂરી મળી છે, પરંતુ ડૉક્ટર અને મેડિકલ એડ્વાઈઝરના અનેક પરિક્ષણમાંથી પસાર થયા પછી જ ગર્ભપાત
થઈ શકે છે. આર્જેન્ટિના, પહેલો લેટિન અમેરિકન દેશ છે જ્યાં ગર્ભપાતને કાયદેસર મંજૂરી મળી છે.

ક્યારેક એવો સવાલ થાય કે ગર્ભપાત વિશે આટલી ચર્ચા શા માટે થવી જોઈએ. વિશ્વના દરેક જીવને જન્મ લેવાનો,
જીવવાનો અને બહેતર જીવનનો પ્રયાસ કરવાનો અધિકાર છે. આ અધિકાર કાયદો નહીં, કુદરત આપે છે. એક સ્ત્રી બાળકને
જન્મ આપે છે. એને મળેલા આ કુદરતી વરદાનને કારણે આખેઆખી માનવજાત ટકી શકી છે. વિશ્વનો સૌથી મોટો ચમત્કાર
એક માના ગર્ભમાંથી બહાર આવતું બાળકનું જીવતું જાગતું શરીર છે. આ ચમત્કારને સર્જાય તે પહેલાં જ ધ્વસ્ત કરી નાખવાનો
અધિકાર કાયદા પાસે માગવા એક સ્ત્રી કેમ મજબૂર થતી હશે ? એક મા પોતાના જ શરીરમાં આકાર લઈ રહેલા એક જીવને આ
ધરતી પર આવતા પહેલાં જ શા માટે નષ્ટ કરવાની પીડા સહેવા તૈયાર થતી હશે ?

કેટલાક રૂઢિવાદીઓ માને છે કે ગર્ભપાતને મંજૂરી આપીને સરકાર વ્યભિચાર અથવા મુક્ત શારીરિક સંબંધોનું સમર્થન
કરે છે. કેટલાક લોકોને લાગે છે કે, ગર્ભપાતની કાયદેસરની મંજૂરીથી યુવા પેઢી ખોટા રસ્તે જશે અથવા એમને છૂટછાટ મળવા
લાગશે. આ વાત સાવ ખોટી નથી, 18 વર્ષથી ઉપરની સ્ત્રી જો કોઈને પણ જણાવ્યા વિના, પાર્ટનર કે માતા-પિતાની મંજૂરી
વગર ગર્ભપાત કરાવવાની કાયદાકીય છૂટ મેળવશે તો સમાજમાં સમસ્યાઓ ઊભી થશે જ. જે યુવાનો શારીરિક સંબંધોના સૌંદર્ય
અને પવિત્રતાને સમજતા નથી એવાં યુવાનો માટે કદાચ આ કાયદો એક ભયાનક મોટી ચેલેન્જ લઈને આવશે. બીજો એક સવાલ
એ પણ છે કે, આજે જ જો ગેરકાયદેસર સેક્સટેસ્ટ અને ગર્ભપાતનું પ્રમાણ આટલું ઊંચું છે તો કાયદાકીય છૂટ મળ્યા પછી
પરિણિતાના સાસરિયાં એની સાથે કેટલી બળજબરી કે કેવો દુર્વવ્યવહાર કરશે? જેને આપણે સ્ત્રીમુક્તિનો કાયદો માનીએ છીએ
એ સ્ત્રીનો સૌથી મોટો દુશ્મન તો નહીં બની જાય ને? આજે પણ દીકરીના ગર્ભપાતની સંખ્યા આટલી મોટી છે અને દેશભરમાં
ડૉક્ટર ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી રહ્યા છે ત્યારે જો એને છૂટ મળશે તો શું થઈ શકે એ ભયાવહ સ્થિતિની તો કલ્પના પણ
થઈ શકે એમ નથી ! જોકે, આ મંજૂરી નહોતી ત્યારે પણ ભારતમાં ગેરકાયદે ગર્ભપાતનો ધંધો જોરશોરથી ચાલતો રહ્યો છે.
નવરાત્રિ પછીના દિવસોમાં થતા ગર્ભપાતની સંખ્યા ક્યારેય હોસ્પિટલના ચોપડે નોંધાઈ નથી, તો બીજી તરફ નવા જમાનાના
પોતાની જાતને મોર્ડન માનતા માતા-પિતાના ટીનએજ સંતાનો જ્યારે ભૂલ કરી બેસે છે ત્યારે કુલડીમાં ગોળ ભાંગીને મોર્ડન
કહેવાતા, ધૂમ પ્રેક્ટિસ ચાલતી હોય એવા ડૉક્ટર્સ પણ ઘરમેળે ગર્ભપાત કરી આપે છે.

જ્યારે આવું નથી થઈ શકતું ત્યારે અણઘડ દવાઓ અને બેવકૂફીથી ભરેલી ખોટી રીત દ્વારા સગીરા કે યુવતિના જીવ
ગયાના કિસ્સા પણ પોલીસ ચોપડે નોંધાતા નથી. ગામડાંઓમાં આવા કિસ્સા વધુ જોવા મળે છે, કારણ કે ત્યાં આરોગ્યની
સેવાઓ આમ પણ ઓછી અને અપૂરતી છે. વળી, કિસ્સો જાહેર થઈ જાય તો દીકરીનું ભવિષ્ય બરબાદ થાય એમ માનીને પણ
માતા-પિતા ઘરમેળે આવા કિસ્સા પતાવવાનો પ્રયાસ કરે છે. અહીં, આ કાયદો કદાચ મદદરૂપ થઈ શકે. નાનકડી ભૂલ કુતૂહલ કે
લાગણીમાં ઘસડાઈ ગયેલી એક યુવતિ જીવ ખોઈ બેશે કે જીવનભર મા ન બની શકે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય એના કરતાં
આવો કોઈ કાયદો કદાચ મદદરૂપ નીવડે ?

એની સામે સવાલ એ છે કે, બળાત્કારથી થયેલું સંતાન કે, એકાદ, બે બાળક હોવા છતાં રહી ગયેલો અનિચ્છનિય ગર્ભ
કે પછી લિવઈન રિલેશનશિપમાં પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા પછી જો પાર્ટનર પીછેહટ કરે, કોઈ યુવતિ કુતૂહલ કે લાગણીમાં ઘસડાઈને
શારીરિક સંબંધ બાંધી બેસે અને એના પરિણામે ગર્ભ રહી જાય તો એને આ કાયદો કેટલો ફાયદો કરશે ? દુનિયાના દરેક કાયદામાં
સુરક્ષા અને સમસ્યા બંને રહેલાં છે. 498, એનો કાયદો સ્ત્રીને ઘરેલુ હિંસા કે દહેજથી બચાવે છે, પરંતુ એની સામે એના
દુરુપયોગ વિશે પણ આપણે અજાણ નથી. કાયદો ઘડનારા સામાન્યતઃ એટલો પ્રયાસ ચોક્કસ કરે છે કે જનસામાન્યને આ
કાયદાનો ફાયદો થાય. એની સામે એવા કેટલાક લોકો તૈયાર જ હોય છે જે જનહિતમાં ઘડાયેલા કાયદામાંથી છિંડા શોધી કાઢીને
પોતાના ફાયદાની રોટલી શેકી લે… બળાત્કારી પતિ હોય કે અજાણી વ્યક્તિ, જ્યારે અનિચ્છનિય ગર્ભ રહે છે ત્યારે એ
બળાત્કારનું સંતાન હોય છે… સ્ત્રી માટે એને ચાહી શકવું ક્યારેક અસંભવ પણ બને. એક બાળક આ ધરતી પર અવતરે એ પછી
એનું જીવન બરબાદ થાય એના કરતાં એ ન અવતરે એવો વિચાર કદાચ થોડોક ક્રુર છે, પરંતુ એક વ્યક્તિના આખેઆખા જીવનને
બરબાદ કરવા કરતા થોડોક ઓછો ભયાનક છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *