મારી તબિયત હવે અવારનવાર કથળતી રહે છે. આંખે મોતિયો આવ્યો છે. ક્ષય જેવી
જીવલેણ બીમારીમાંથી મહાપરિશ્રમે, મારી પત્ની અને પરિવારની લાજવાબ સેવાને પ્રતાપે બેઠો થયો
છું. મરવા વાંકે જીવી રહ્યો છું. અત્યારે 72મું ચાલે છે.
જીવનમાં એક કરતાં પણ અધિક બહુમાન પામ્યો છું,
મને તો એમ કે હું મૃત્યુંજય વરદાન પામ્યો છું,
વિચારું છું – છતાં એકાન્તમાં તો એમ લાગે છે,
ઘણું જીવી ગયો છું. પણ, સતત અવસાન પામ્યો છું.
શારીરિક શક્તિ ક્ષીણ થતી જાય છે. વિચારને વ્યવસ્થિત રીતે ગ્રહણ કે વ્યક્ત કરવાની ચેતના
લગભગ ગુમાવી ચૂક્યો છું. સ્મૃતિ દિનપ્રતિદિન વિસ્મૃતિ ભણી ગતિ કરતી ભાસે છે. હંસચિહ્નની
સહાય કે છેકછાક વગર કશું લખી શકતો નથી. ડાબી આંખ બંધ કરી જમણી ઝાંખપભરી ઝીણી
આંખે લખું-વાંચું છું. ટૂંકમાં લખવા-વાંચવામાં બહુ શ્રમ પડે છે. શરીરમાં આખો દહાડો કળતર રહ્યા
કરે છે. વર્ષોથી લગભગ 1940-41થી અનિદ્રા ને અજંપો ખેધૈ પડ્યાં છે.
રમણલાલ જોશીને લખેલા એક પત્રના આ અંશ છે. અમૃત ‘ઘાયલ’ ગુજરાતી ભાષાના એક
એવા શાયર જેને ભાષા જ નહીં, બલ્કે ગુજરાતી ગઝલના તમામ કદરદાનો પૂરા આદરથી યાદ કરે છે.
તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ 19
ઓગસ્ટ, 1916ના દિવસે સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ
પરીવારમાં થયો હતો. ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’ મુખ્યત્વે ગઝલકાર તરીકે
જાણીતા છે. તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ. પછી રાજકોટની આલ્ફ્રેડ
હાઈસ્કૂલમાંથી 1949માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં
પ્રથમ વર્ષ બી.એ. (બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ 1939 થી 1949 સુધી પાજોદ
દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. 1949 થી 1973 સુધી જાહેર
બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં
સ્થાયી થયા હતા. ગુજરાતી ફિલ્મના જાણીતા કોમેડિયન રમેશ મહેતા એમના વેવાઈ હતા. જીવનના
અંતિમ દિવસોમાં બંને જણાં પડોશી તરીકે ઘણા વર્ષો સાથે રહ્યા.
કોટ, ટાઈ અને પેન્ટ એમનો પોષાક. શોભિત દેસાઈ એમને યાદ કરીને લખે છે, ટીપીકલ
શાઈરાંના લિબાસમાં દેખાવે સાવ ભિન્ન, કોટ, ટાઈ, ચુસ્ત, સળવાળા પેન્ટ અને બૂટમાં સજ્જ એક
શખ્સનું આગમન અજવાળાની વૃદ્ધિનું કારણ છે. નશાના વાવાઝોડાનો સામનો કરવાને લીધે એની
ચાલ સહેજ મતવાલી બની ગઈ છે. હાજી… એ જ આપણા પેલા ‘ફૂમતા’નું આગમન. ઓડિયન્સનું
પરિવર્તન-ગણગણાટમાંથી તાળીઓના ગડગડાટમાં. માઈક ઉપરથી પોતાનું કવન ઝીંકતો કવિ નમ્રતા
દાખવે ‘પધારો ઘાયલસાહેબ.’ ત્યારે જનાબ ફૂમતાજી એટલું જ બોલે, ‘પધારે ઠાકોરજી, હું તો ગુડાઉં!’
ગઈકાલે અમૃત ઘાયલનો જન્મદિવસ હતો. રાજકોટના અખબાર ‘ફૂલછાબ’ની આ પૂર્તિમાં
ઘાયલ સાહેબને યાદ કરીને કેટલાક શે’ર.
* આ શબ્દ આપના શતરંજના મહોરાં છે,
હું ઈચ્છું તોય કદી આમ ગોઠવી ન શકું.
* વેલ થઈ વીંટાય છે, એ કોણ છે?
ઓછાં ઓછાં થાય છે, એ કોણ છે?
* પોથી બગલમાં જોઈને ભરમાઈ ના જતા,
પાંખડીઓ ફરે છે પુરાણીના સ્વાંગમાં.
* સાચે જ નાહી નાખ્યું છે મેં એના નામનું,
મારું નથી જે સ્વર્ગ તે મારે શું કામનું?
* ‘ઘાયલ’ અમોને મૃત્યુ વિષે કૈં જ ના કહો,
અમને ખબર છે, એ છે નશો તૂટવાનું નામ.
* તું ખોલે કે ન ખોલે દ્વાર, ઊભો છું અદબ વાળી,
ભલે પાગલ મને તું ધાર, ઊભો છું અદબ વાળી.
* છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો,
ધારો તો ધર્મ છું હું, ફેંકો તો ધ્વંસ છું હું!
* નમણા હાથે લખેલા પત્રો જાણે નરદમ અત્તર,
મોતીના દાણા-શા અક્ષર, સીધા પહોંચે ભીતર!
* તફાવત એ જ છે તારા અને મારા વિષે, ઝાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું!
* કૂથલી કરતાં ય અચકાતાં નથી મરહૂમની,
મરસિયાં પણ મશ્કરીના લયમાં આલાપે છે કોણ?
* તને પીતાં નથી આવડતો મૂર્ખ મન મારા!
પદાર્થ એવો કયો છે જે શરાબ નથી?
* પ્રેમ માનો તો પ્રેમ કીધો છે,
ભૂલ સમજો તો ભૂલ કીધી છે.
*કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
હરીન્દ્ર દવે લખે છે, ‘ઘાયલ’ની ભાષાનું પોત આગવું છે. એ ઉર્દૂ ગઝલના પારંપરિક
પ્રતીકોનો ત્યાગ નથી કરતા. જરૂર પડે ત્યાં એનો વિવેક સાથે ઉપયોગ કરે છે, પરંતુ આપણી
પરંપરામાંથી એ નવાં પ્રતીકો શોધી લાવે છે! નવાં પ્રતિરૂપો માટે નવી ભાષા પણ નિપજાવી લે
છે. ઘાયલના ભાષાકર્મ વિશે ઘણું લખાયું છે. વિવેચકો પોતાની પરિભાષામાં આ વિશે પુસ્તકો
ભરીને વાત કરી શકે. ઘાયલે ભાષામાં સોરઠી બળકટતા આણી છે. લયના પ્રવાહને ભાષાથી
વેગ મળ્યો છે. ઉર્દૂની રવાનીને ટાળવાની કોશિશ ઘાયલે નથી કરી, પરંતુ સાથે લોકબોલીને
દૂધમાં સાકર ભળે એમ ભેળવી દીધી છે.
મકરન્દ દવે લખે છે, અમૃત ઘાયલ બે જીવલેણ હુમલા (1) હોજરીની શસ્ત્રક્રિયા અને
(2) હિપેટાઈટિસ બી-કમળાની આડઅસર નીચે પથારીવશ અવસ્થામાં જીવન નિર્ગમન કરી
રહ્યા છે. અવસ્થા, બીમારીની આડઅસર, આંખે મોતિયા ડાબલા, જડબામાં દાંતના
ચોગઠાની આભૂષિત એવા એ બળપૂર્વક છતાં રસપૂર્વક, જીવ કે જિંદગીથી ત્રસ્ત થયા વિના
જીવી રહ્યા છે. આ ‘અમૃત’ને આપના સ્મરણનું નિત્ય બંધાણ છે, વ્યસન છે. ગઝલની
સાથેસાથે હવે તો ઘાયલે ગાયત્રાની અઠંગ ઉપાસના શરૂ કરી છે. મેં એક પત્રમાં મૌજથી તેમને
‘ગાયત્રીપ્રસાદ ગઝલેશ’ એવું સંબોધન કર્યું હતું. જવાબમાં તેમણે તે સંબોધનને પ્રશ્નાર્થથી
નવાજીને લખ્યું: …મા ગાયત્રીની અનુગ્રહ-વર્ષાએ મને જીવતો રાખ્યો છે. ડૉક્ટરોએ હાથ
ધોઈ નાખેલા, હું તો શસ્ત્રક્રિયાના મેજ ઉપર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મનોમન જપતો હતો.
જેણે એના ગઝલ સંગ્રહનું નામ ‘આઠોં જામ ખુમારી’ રાખ્યું છે એમણે જીવનભર
ખુમારીથી જીવવાની એમની નેમ પૂરી કરી એવા ‘ઘાયલ’ સાહેબને એમના જન્મદિવસે
સલામ.