ગ્લોબલ ગુજરાતીઃ સંપત્તિ નહીં, સ્પોર્ટ્સ, લાડ નહીં, લશ્કર…

ભારતને હોકીમાં બ્રોન્ઝની ભેટ આપનાર હોકી ટીમને સૌએ અભિનંદન આપ્યા. કેટલાં વર્ષો પછી
ઓલમ્પિકમાં ભારત પાસે પોતાની પીઠ થાબડી શકાય એવું પ્રદર્શન જોવા મળ્યું છે. આખી હોકી ટીમમાં એક પણ
ગુજરાતી છોકરી નથી… એ વાત નવાઈ લાગે એવી નથી ? શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ માં પણ આખા
દેશમાંથી આવેલી હોકી ટીમમાં હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને છેક નોર્થ ઈસ્ટની છોકરીઓ હતી, પણ એમાં
ગુજરાતી છોકરી નહોતી ! એની સામે ‘હેરી મિટ્સ સેજલ’ માં ગુજરાતી છોકરીની મોકરી કરીને એની મજાક
ઉડાડવામાં આવી હતી.

જાણે-અજાણે, આપણે ગુજરાતીઓએ આપણી ભાષા, હિન્દી બોલવાના આપણા એક્સેન્ટ અને એની સાથે
જોડાયેલી મજાકને સહજતાથી સ્વીકારી લીધી છે. એ આપણું ઉદાર હૃદય કે ગુજરાતીપણાની ભલમનસાઈ હોઈ શકે,
પણ હવે જ્યારે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે ગુજરાતી વિશે મજાક ઉડાડનારા દરેકને આપણે ક્યાંક અટકાવવા
પડશે. આપણે ગુજરાતીઓએ જ આપણી મજાક ઉડાડવાની એકથી વધુ તક ટેલિવિઝન, સિનેમા અને નાટકોને આપી
છે. આ એવાં માધ્યમો છે જેની સમાજ ઉપર ઊંડી અસર થાય છે. ઉત્તર ભારત, બિહાર કે મધ્ય પ્રદેશ સહિત લગભગ
તમામ રાજ્યોમાં એમની હ્યુમર છે. દરેક રાજ્ય પાસે પોતાની આગવી બોલી અને ભાષા છે. ભારતીય સંસ્કૃતિની આ
વિવિધતા જ સૌથી રસપ્રદ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જેટલી મજાક ગુજરાતી ભાષાની કે ગુજરાતીઓની થાય
છે એટલી બીજી કોઈ ભાષાના કે બોલીના લોકોની થતી નથી.

ગુજરાતી સાહસિક છે, વ્યાપારી છે, વિશ્વભરમાં ફેલાયો છે, ગુજરાતી દાનવીર છે, ગુજરાતી પાસે પોતાનું
આગવું પ્રદાન છે, પણ એ બધા પછી આપણે, શારીરિક સ્વાસ્થ્ય અને સ્પોર્ટ્સને મહત્વ આપનારી પ્રજા નથી.
લશ્કરમાં જનારા ગુજરાતીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે. ગુજરાતમાં દીકરીને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહિત
કરનાર માતા-પિતા પ્રમાણમાં ઓછા છે. દીકરાને ક્રિકેટ, ફૂટબોલ કે ટેનિસની આગળ બીજા કોઈ સ્પોર્ટ્સમાં રસ લઈ
શકાય એવું પણ સમજાવનારા કે શીખવનારા માતા-પિતાની સંખ્યા ઓછી છે.

આનું કારણ કદાચ એ છે કે, ગુજરાતીને જન્મ સાથે જ ‘પૈસા કમાતાં’ શીખવવામાં આવે છે. ગુજરાતી દીકરો
હોય તો એને બને ત્યાં સુધી પિતાના ધંધાને સંભાળી લેવાનું શિક્ષણ અને તૈયારી આપવામાં આવે છે. દીકરીને
ભણાવવામાં ગુજરાતી માતા-પિતા કંજુસાઈ કે મન નાનું નથી કરતા, પણ ભણ્યા-ગણ્યા પછી દીકરી વ્યવસાય કે
નોકરી કરશે કે નહીં, એનો નિર્ણય એના શ્વસુર પક્ષ પર છોડવામાં આવે છે. કેટલીક જગ્યાએ એવું સાંભળવા મળે છે,
‘અમારે જરૂર નથી’ ત્યારે નવાઈ એ લાગે છે કે, સ્ત્રી માટે વ્યવસાય અથવા નોકરી કરવી એ માત્ર આર્થિક ઉદ્દેશ કેમ છે
? માત્ર નોકરી જ નહીં, એની સ્પોર્ટ્સની, નૃત્યની, કલાની પ્રવૃત્તિ પણ સામાન્ય રીતે લગ્ન પછી ઠંડી પડી જાય છે.
મોટાભાગની પત્નીને ઘર અને બાળકો સંભાળવામાં વ્યસ્ત કરી દેવામાં આવે છે. એમાં કશું ખોટું નથી, પરંતુ
ગુજરાતીઓએ હવે પોતાની ઈમેજ અને બ્રાન્ડિંગ બદલવાની જરૂર છે, જે માત્ર ફોસિલના જીન્સ પહેરવાથી કે
પ્રાડાના ચશ્મા પહેરવાથી નહીં બદલાય.

સ્વતંત્રતાનો ઈતિહાસ હોય કે પાટણની પ્રભુતા, આજે એમાંથી શું બાકી છે એવું દરેક ગુજરાતીએ પોતાની
જાતને પૂછવાની જરૂર છે. પાંચ ખાનાનું ટિફિન અને છાશ, પાપડ સાથે રોજ ઓફિસમાં લંચ કરતા ગુજરાતીને
શેરમાર્કેટના ભાવ કદાચ મોઢે હશે, પણ વર્લ્ડ પોલિટિક્સ, સાયન્સ કે વર્લ્ડ સ્પોર્ટ્સ વિશે આ પચાસ વટાવી ગયેલી પેઢી
શું જાણે છે ? દર વર્ષે બે વાર ટોળામાં ફરવા જતા આ ગુજરાતીને પોતાના જ દેશની અદ્ભુત કલા, સંગીત કે
સ્પોર્ટ્સમાં કેટલો રસ છે ?

એ 50-55ની પેઢી ફેડઆઉટ થઈ રહી છે. એના પછી એક આખી નવી ગુજરાતી પેઢી ઊભી થઈ રહી છે,
જે ગ્લોબલ છે. એમને ગુજરાતી હોવા સાથે ઝાઝી લેવાદેવા નથી, કારણ કે એમને ખબર જ નથી કે એમના
ગુજરાતીપણા સાથે એક આખો ઈતિહાસ, અને આ દેશનો એક સુવર્ણયુગ જોડાયેલો છે. એ પોતે જ્યારે પોતાના
ગુજરાતીપણાની મજાક કરે છે ત્યારે હૃદયમાં ક્યાંક કશુંક ખૂટે છે. પોતાની જ ભાષાના પુસ્તકો આ નવી પેઢી ‘અંગ્રેજી’
માં શોધે છે ત્યારે આપણા ગુજરાતીપણાની અધૂરપ ખૂંચે છે. આપણે નાનકડા ખૂણામાં ભરાઈને ‘ગુજરાતીનો ઝંડો’
ઊંચકીને દોડાદોડી નથી કરવી… આપણી નવી પેઢી ગ્લોબલ હોય એ સ્વાભાવિક પણ છે અને ઈચ્છનીય પણ છે,
પરંતુ એમને જ્યારે પોતાના મૂળ કે પોતાના અસ્તિત્વ વિશે ગૌરવ ન હોય ત્યારે વિતી ગયેલી કે વિતી રહેલી પેઢી
પોતાની જવાબદારી ચૂકી ગઈ છે એટલું તો સ્વીકારવું જ પડે.

આપણા સંતાનોને આપણે જ ઢીલા-પોચા અને ડિપેન્ડન્ટ બનાવી મૂક્યા છે. 18 વર્ષના છોકરાને અમેરિકામાં
કમાવાની ફરજ પાડતા માતા-પિતા કે આફ્રિકાના નાનકડા ગામમાંથી ઓલમ્પિકના વિજેતા આપનાર માતા-પિતા ક્રૂર
નથી. ફોગાટની દીકરીઓને વહેલી સવારે ઊઠીને દોડાવતા પિતા કે એમના વાળ કપાવી નાખતા પિતા એમને જીવનમાં
કશુંક બનાવવા માગે છે. ડ્રાઈવર અને ચોવીસ કલાકના નોકરની સાથે ઉછરતા આપણા ગુજરાતી સંતાનો થોડોક તડકો
કે જીવનનો સંઘર્ષ સહી શકતા નથી… મા-બાપનો જીવ કકળી ઊઠે છે જો દીકરાને ગુજરાતની બહાર સારું ખાવાનું ન
મળે ! અહીંથી નાસ્તાના પેકેટ કુરિયર કરતા માતા-પિતા લાડ નહીં, ભવિષ્ય બરબાદ કરવાની પ્રવૃત્તિ કરે છે, કદાચ !

ઢોકળા, ખમણ કે થેપલામાંથી નીકળીને જે દિવસે ગુજરાતી યુવાન ઓલમ્પિક કે એશિયન ગેમ્સનો મેડલ
ગળામાં લટકાવશે એ દિવસે આપણે સાચા અર્થમાં ગ્લોબલ થઈશું. વીરચક્ર, પરમવીરચક્રના લિસ્ટમાં જે દિવસે
ગુજરાતીઓના નામ ગૌરવપૂર્વક ઉમેરાશે એ દિવસે આપણે સાચા અર્થમાં ગ્લોબલ થઈશું. ગુજરાતને માત્ર ભારતનું
આર્થિક નહીં, પણ સ્પોર્ટ્સ, કલા, સંસ્કૃતિ અને સાહિત્યનું કેપિટલ બનાવી શકીશું એ દિવસે આપણે સાચા અર્થમાં
ગ્લોબલ થઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *