રાતના 1.05 am ની મુંબઈથી ઉપડતી ઈન્ડિગોની ફ્લાઈટ ઉપડવા માટે તૈયાર હતી. દિવસ
આખાના થાકેલા લોકો, કે પછી ઈન્ટરનેશનલ પ્રવાસ કરીને મોડી રાત્રે પાછા ફરેલા લોકો માટે આ
1.05ની ફ્લાઈટ એકદમ આદર્શ છે. બે-સવા બે વાગ્યે અમદાવાદ ઉતારી દે એટલે માણસ ઘેર જઈને
સૂઈ શકે. સહુ ઘેર પહોંચવાની પ્રતીક્ષા કરતા હતા, બસ! હવે વિમાન ઉપડશે એવી માનસિક તૈયારી સાથે
લગભગ ઊંઘી જવા માગતા હતા ત્યાં જ, રાડારાડ, બૂમાબૂમ શરૂ થઈ. નવી ટ્રેઈની સ્ટાફે ભૂલમાં એક જ
સીટ બે જણાંને એલોટ કરી દીધી હતી. જોકે, ફ્લાઈટમાં જગ્યા હતી. નાનકડા ફેરફાર સાથે બીજી સીટ
મળી જ શકે એમ હતી તેમ છતાં બે પ્રવાસીઓએ રાત્રે એક વાગ્યે પોતે ચૂકવેલા સીટ અલોટમેન્ટના 700
રૂપિયાની ભાંજગડ શરૂ કરી. એકબીજાને ધક્કા મુક્કી કરવા માંડ્યા એટલું જ નહીં, સીટ પર બેસી ગયેલા
મુસાફરે ઊઠવાની ના પાડી તો અન્ય મુસાફરે નાના બાળકની જેમ એનો હાથ પકડીને ખેંચવા માંડ્યો.
એર હોસ્ટેસ બંનેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. એણે વારંવાર વિનંતી કરી, પરંતુ એ બે જણાં
કોઈ રીતે સમજવા તૈયાર નહોતા. અંતે પ્રથમ હરોળમાં બેઠેલા એક ભાઈ ઊભા થયા, એમણે પોતાની
સીટ એ ઝઘડી રહેલા ભાઈને આપી દીધી…
તો પણ, અસંતોષ અને અકળામણ સાથે જ વધુ સારી સીટ હોવા છતાં અકળામણ અને અસંતોષ
સાથે ત્યાં ગોઠવાયા. બે જણાંએ 180 મુસાફરોનો અડધો કલાક બગાડ્યો. મુદ્દો એટલો જ હતો કે, એક
કલાક માટે કોઈપણ સીટ પર બેસી જવાનું હતું. પહેલી ચાર જ હરોળમાં એમને સીટ આપવા માટે સ્ટાફ
તૈયાર હોવા છતાં, માત્ર ઈગો પ્રોબ્લેમ ઊભો કરીને રાત્રે એક વાગ્યે ઝઘડવાની આવી માનસિકતા શું
પૂરવાર કરે છે? વિમાનમાં એક જ કલાક બેસવાનું હતું, કોઈપણ સીટ હોય… ખરેખર કોઈ ફરક પડ્યો
હોત?
આ માત્ર અહંકાર અથવા ઈગોને કારણે ઊભી કરેલી સમસ્યા હતી. સાચું પૂછો તો મોટાભાગની
આવી સમસ્યાઓ અહંકાર અથવા ઈગોને કારણે જ ઊભી થાય છે. થોડી મિનિટો માટે એડજેસ્ટ નહીં
કરવાની આપણી માનસિકતા, સામેની વ્યક્તિને નીચી દેખાડવાની, હરાવવાની કે એને ઝુકાવવાની
આપણી જીદ સિવાય બીજું કશું જ નથી. આપણે માટે હવે દરેક વસ્તુની ‘કિંમત’ છે. ખાસ કરીને, જ્યારે
‘માણસ’ની પણ કિંમત આંકવા માંડ્યા છીએ ત્યારે આપણી માનસિકતા હવે ગ્રાહકની છે જેમાં પૈસા
ચૂકવવાથી આપણે જ માલિક, રાજા, સાચા કે સર્વોપરિ છીએ એવું માનવા લાગ્યા છીએ. કિંમત ચૂકવી
દીધા પછી, ‘ગ્રાહક’ને એ જે માગે તે બધું જ મળવું જોઈએ, એવો આપણો આગ્રહ પહેલાં જીદ અને હવે
અહંકારમાં પલટાઈ ગયો છે.
એકવાર પૈસા આપ્યા એટલે આપણે એરલાઈન્સ, હોસ્પિટલ, રેસ્ટોરાં, હોટેલ કે બીજી કોઈપણ
સર્વિસ ઈન્ડસ્ટ્રી સહિત ક્યારેક તો સ્કૂલ પણ ખરીદી લીધી હોય એવું આપણું વર્તન થવા લાગ્યું છે.
દુનિયાની કોઈપણ સર્વિસ ઈન્ડસ્ટ્રી માણસો જ ચલાવે છે. એમને એ વ્યવસાયમાં ટકવું છે માટે એ સહુ
પોતાનાથી બની શકતી, ક્યારેક ન બની શકે એવી મહેનત પણ કરતાં જ હોય છે. માણસ છે, તો નાની
મોટી ભૂલ કે ગૂંચવણ થઈ પણ શકે. આપણે પણ માણસ જ છીએ-એવું સમજીને, માનીને સામેની
વ્યક્તિની પરિસ્થિતિને સમજીએ તો કંઈ ગૂમાવવાનું છે નહીં… બલ્કે, આપણી સજ્જનતા-સારાઈ માટે
સામેની વ્યક્તિ આપણને વધુ આદર આપે અથવા આપણી સાથે વધુ સારી રીતે વર્તે અને આપણને વધુ
ફાયદો થાય એવી કોઈ મદદ કરે એમ બને. આપણે આવું સમજતા નથી, બલ્કે હોસ્પિટલ, રેસ્ટોરન્ટ,
એરલાઈન કે હોટેલનો સ્ટાફ પણ નોકરી જ કરે છે અને કાયદા, પોલિસીથી બંધાયેલો છે એ વાત આપણા
‘ગ્રાહક માનસ’માં ઉતરતી નથી!
બીજી એક માનસિકતા છેલ્લા થોડા સમયથી પ્રવેશી છે, કોઈપણ વસ્તુમાં ભાવતાલ કરવાની
માનસિકતા. આપણે ધીરે ધીરે અમેરિકન ‘ડીલ’ના ગ્રાહકવાદનો શિકાર થઈ ગયા છીએ. કદાચ એટલે જ
કેટલીક જગ્યાએ સતત ‘સેલ’ના પાટિયાં વંચાયા જ કરે છે. વળી, ઘટાડેલી કિંમતે મળતી વસ્તુ કે સગવડ
જરૂરિયાત હોય કે નહીં, પણ ખરીદી લેવાનું માનસ હવે લગભગ હવે દરેક જગ્યાએ જોવા મળે છે.
માણસની કિંમત કરતાં કરતાં આપણે એ હદે ભાવતાલની માનસિકતામાં પ્રવેશ્યા છીએ કે, કલાકાર અથવા
જ્ઞાનની પણ ‘કિંમત’ લગાડીએ છીએ, મૂલ્ય કરી શકતા નથી. આશ્ચર્ય થાય પણ, કલાકાર કે જ્ઞાની
વ્યક્તિનો ‘ભાવ ઘટાડીને’ આપણને ઈગો સંતોષવાનો આનંદ થાય છે. કોઈ ઓર્ગેનાઈઝર કે સંસ્થા જ્યારે
કોઈ કલાકારને, વક્તાને કે લેખકને કહે છે, ‘જરા વ્યાજબી કરી આપો’ ત્યારે જ્ઞાન કે કલા શાકભાજીની
કક્ષાએ ઉતરી જતી હોય એટલી અપમાનજનક લાગણી થાય છે. ‘સંસ્થા માટે’ કલાકાર કે જ્ઞાનની ‘કિંમત’
ઘટાડવાનો આગ્રહ કરતી વ્યક્તિ એ જ કાર્યક્રમના ભોજન સમારંભમાં લાખો રૂપિયા ખર્ચી નાખે,
બીનજરૂરી મોટા મોટા મોમેન્ટો બનાવીને ભેટ આપે ત્યારે એમને ‘બજેટ’ નડતું નથી, પરંતુ જેને કારણે
આખો સમારંભ યોજાયો હોય એવા કલાકાર કે જ્ઞાની વ્યક્તિનું ‘માનધન’ (એને માનધન કહેવામાં આવે
છે, કિંમત કે પગાર નહીં) ઘટાડીને આવા લોકોને કલા અથવા જ્ઞાન સસ્તા ભાવે ખરીદ્યાનો સંતોષ થતો
હશે?
એ જ લોકો, બ્રાન્ડેડ વસ્તુઓની દુકાને જઈને લૂઈ વીતોં, કાર્ટિયર, ટેગહર કે પ્રાડા અને ગૂચિની
વસ્તુઓ ખરીદે છે ત્યારે ભાવતાલ કરી શકે છે? જેમ આ બ્રાન્ડેડ વસ્તુઓનું એક સ્થાન છે એવી જ રીતે
કલાકાર અને જ્ઞાની વ્યક્તિની એક પોતાનું સ્થાન છે, પોતાની બ્રાન્ડ છે… એમની સાથે ભાવતાલ કરનાર
વ્યક્તિ કલાકાર કે જ્ઞાની વ્યક્તિનું નહીં, પોતાનું માન ઘટાડે છે. પોતાને કલાપ્રેમી કે જ્ઞાનપિપાસુ નહીં
બલ્કે, ‘ગ્રાહક’ સાબિત કરે છે.
ખેર, પૈસા જરૂરિયાત છે. સારું જીવવા માટે પૈસા હોવા જરૂરી છે. આજના સમયમાં જ્યારે
જીવનશૈલી વધુને વધુ મોંઘી થતી જાય છે ત્યારે પૈસાનું વળતર મેળવવાનો આગ્રહ કે કોઈ વસ્તુની કિંમત
ઘટાડવાનો પ્રયત્ન ખોટો નથી, પરંતુ વ્યક્તિ અને વસ્તુમાં, ઈગો અને આગ્રહમાં, મૂલ્ય અને કિંમતમાં ફરક
સમજવો જરૂરી છે.