“શું ખબર ગુજરાતના?” અને હવે, “ખુશ ખબર”ના શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવતી
ગુજરાત સરકારની ડોક્યુમેન્ટરી ફિલ્મો સિનેમા થિયેટરમાં ફિલ્મોની પહેલા બતાવવામાં આવે છે.
જેમાં ડેવલપમેન્ટ અને સરકારી યોજનાઓના અમલીકરણની વાત લોકો સુધી પહોંચે એવો પ્રયાસ
ભાજપની સરકાર કરી રહી છે. આપણે બધા ‘વિકાસ’ શબ્દની મજાક કરીએ છીએ. આપણા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘અચ્છે દિન આયેંગે’ અથવા ‘વિકાસ’ના વચનો સાથે ગુજરાતમાં
ગોઠવેલી ભાજપની સરકારને 7 ઓક્ટોબર, 2021ના દિવસે 20 વર્ષ પૂરાં થયાં.
ભાજપ સરકારના શાસનમાં ગોધરાકાંડ અને અમદાવાદના રમખાણો થયા. સિવિલમાં બોમ્બ
ધડાકા અને સ્વામિનારાયણ મંદિરના ટેરરિસ્ટ અટેક વખતે નરેન્દ્ર મોદીએ લીધેલા કડક નિર્ણયોની
પ્રશંસા થઈ, તો બીજી તરફ, ભાજપમાં સરકારની ઉથલપાથલ અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ વધી.
ભાજપની સરકાર રિવરફ્રન્ટ અને મેટ્રો રેલ, બીઆરટીએસ જેવા મોટા પ્રોજેક્ટ કરી શકી એટલું જ
નહીં, ગુજરાત ટુરિઝમના વિકાસમાં ભાજપ સરકારનો સિંહફાળો છે. ગુજરાતમાં ભાજપનું શાસન
લગભગ 1995થી છે એમ કહી શકાય. 1960થી 1995 સુધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી
ગુજરાતની સરકાર બનાવતી અને ચલાવતી રહી જેમાં જનતા પાર્ટી/જનતા દળના વર્ષોને બાદ કરવા
પડે. આજે ગુજરાતને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યાને 62 વર્ષ પૂરાં થાય છે ત્યારે ગુજરાત સરકારની કેટલીક
માહિતી અને આંકડા જાણવા જેવા છે. (આ આંકડા સત્તાવાર રીતે ગુજરાત સરકારની ડોક્યુમેન્ટરીમાં
પ્રોજેક્ટ કરવામાં આવતા આંકડા છે.)
ગુજરાતીઓની માથાદીઠ આવક, Per Capita Income દસ ગણીથી પણ વધારે થઇ ગઈ છે. વીસ વર્ષમાં
માથાદીઠ આવક રૂ.19,823થી વધીનેરૂ.2,14,809 સુધી પહોંચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
રજૂ થયેલું ગુજરાતનું 2022-23નું 2.43 લાખ કરોડથી પણ વધુનું બજેટ સામાન્ય માણસલક્ષી બજેટ હોવાનો
દાવો કરવામાં આવ્યો જેમાં કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7737 કરોડ, ઘરે ઘરે નળથી
જળ પહોંચાડવા માટેની યોજનામાં પાણી પુરવઠા માટે રૂ.5451 કરોડ, ખેતરે ખતરે પાણી પહોંચાડવાનું
આયોજન કરીને જળ સંપત્તિ માટે રૂ.5339 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.12,240 કરોડ,
મહિલા અને બાળવિકાસ માટે રૂ.4976 કરોડ, અન્ન, નાગિરક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે
રૂ.1526 કરોડ, શિક્ષણ માટે રૂ.34,884 કરોડ, આદિજાતિ વિકાસ માટે રૂ.2909 કરોડ, પંચાયત, ગ્રામ
ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ માટે રૂ.9048 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ.14,297 કરોડ,
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે રૂ.1837 કરોડ, માર્ગ અને મકાન માટે રૂ.12,024 કરોડ, ક્લાઈમેટ
ચેન્જ માટે રૂ.931 કરોડ, કાયદો અને વ્યવસ્થા માટે રૂ.8325 કરોડ, રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક
પ્રવૃત્તિઓ માટે રૂ.517 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. આવા સમયે સામાન્ય નાગરિકને
સવાલ થાય કે, આ હજારો કરોડમાં જતા આંકડા બજેટમાં ફાળવવામાં આવતા હોવા છતાં આપણને એ
દેખાતા કેમ નથી? અથવા વિકાસના કામોનો દાવો કરવામાં આવતો હોવા છતાં એવો કોઈ વિકાસ કે સ્પષ્ટ
પરિણામો આપણી નજર સામે કેમ નથી?
સામાન્ય નાગરિકનો સવાલ ખોટો નથી, પરંતુ આના જવાબ અઘરા છે. એનો સૌથી મોટો અને મહત્વનો જવાબ
એ છે કે, ગુજરાતની રાજકીય સ્થિતિ સતત ગૂંચવણભરી અને સ્ફોટક રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાનની ખુરશી
ક્યારેય શાંત અને મજબૂત પ્રધાનમંડળ આપી શકી નથી. સામ-દામ-દંડ-ભેદ ગુજરાતના રાજકારણમાં સતત
પ્રયોજાતાં રહ્યાં છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનો ઈતિહાસ હોય કે શ્રીકૃષ્ણનું પુરાણ, ગુર્જર પ્રદેશ
કે ગુજરાત તરફ આખા ભારતની નજર રહી છે, અને રહેવાની છે. ભારત આઝાદ થયું કે ગુજરાત સ્વતંત્ર થયું
ત્યારથી શરૂ કરીને આજ સુધી ગુજરાતની રાજકીય ઉથલપાથલો બહુ રસપ્રદ રહી છે. ગુજરાતમાં ત્રણવાર
રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. 17મી મે, 1971, 9મી ફેબ્રુઆરી 1974, 17મી ફેબ્રુઆરી, 1980માં
લદાયેલા રાષ્ટ્રપતિ શાસનનું કારણ ગુજરાતની રાજકીય ઉથલપાથલ હતી. ડૉ. જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ
અને ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ સહિત મુખ્ય પ્રધાનોને દબાણથી રાજીનામું આપવું
પડ્યું. આખા પ્રધાનમંડળ પાસેથી રાજીનામું માગી લેવાની રાજકીય કુનેહ સાથે નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રભાવ અને
સત્તા પૂરવાર કર્યાં, તેમ છતાં ગુજરાતના મંત્રીમંડળમાં સંપૂર્ણ સંતોષ કે એકતા સ્થાપી શક્યા નથી.
ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા રાજ્ય રચનાની જાહેરાત પછી એક ઉત્તમ મુખ્ય પ્રધાન સાબિત
થઈ શક્યા. એમણે ત્રણ મહિનાના ટૂંકાગાળામાં સચિવાલય, ધારાસભા, મંત્રીઓના બંગલા વગેરે ઊભા કર્યાં. ખેતી,
સિંચાઈ, વીજળી અને શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ શોધ્યો. ગોવધ બંધ કરાવ્યો અને દારૂબંધી દાખલ કરી. ગાંધીનગર
સ્થાપવાની યોજના કરી તેમ છતાં, રાજકીય ખટપટના વિરોધી હોવાને કારણે એમણે વિરોધપક્ષના નેતા ભાઈલાલભાઈ
પટેલની અવિશ્વાસની દરખાસ્તથી દુભાઈને પોતાનું રાજીનામું આપી દીધેલું. એ પછીના મુખ્ય પ્રધાન બળવંતરાય
મહેતાનું વિમાન પાકિસ્તાની બોમ્બમારામાં ક્રેશ થયું. એમનું અને એમનાં પત્નીનું આકસ્મિક અવસાન થયું. હિતેન્દ્રભાઈ
દેસાઈ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એ 50 વર્ષના હતા. 65થી 71 સુધી એ સત્તામાં રહ્યા તે દરમિયાન 68 અને 69ના
દુષ્કાળમાં એમણે ખૂબ કામ કર્યું. વિજિલન્સ કમિશનની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની
સ્થાપના કરી, પરંતુ સંસ્થા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ઈન્દિરા (શાસક) કોંગ્રેસમાં જોડાયેલા ચીમનભાઈ પટેલે
એમના જ પ્રધાનમંડળમાં રહીને એમની સરકાર તોડી. એ પછી હિતેન્દ્રભાઈ પોતાનું પ્રધાનમંડળ લઈને પુનઃ આવ્યા,
પરંતુ 35 દિવસમાં જ એમની સરકાર તૂટી ગઈ. હિતેન્દ્રભાઈ પછી ઘનશ્યામભાઈ ઓઝા મુખ્ય પ્રધાન બન્યા. નાના
ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ, માધ્યમિક શિક્ષણ મફત, શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો જેવા ક્રાંતિકારી નિર્ણયો
કરવા છતાં રસિકલાલ પરીખના પ્રમુખ પદે 70 ધારાસભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપી, ઘનશ્યામભાઈએ
રાજીનામું આપ્યું. ઘનશ્યામભાઈના મંત્રીમંડળમાં રહી ચૂકેલા ચીમનભાઈએ મુખ્ય પ્રધાન બનવાનો બીજી વાર પ્રયાસ કર્યો.
હાઈકમાન્ડ ઈન્દિરાજીની ઉપર વટ થઈ તેઓ મુખ્ય પ્રધાન તો થયા, પરંતુ નવનિર્માણના આંદોલને એમની સરકારને
તોડી પાડી. 43 રાજ્યોમાં કરફ્યૂ લદાયો, ગોળીબાર થયા, હડતાળના એલાન અને વિદ્યાર્થી આંદોલને જોર પકડ્યું.
ચીમનભાઈને રાજીનામું આપવું પડ્યું.
સંસ્થા કોંગ્રેસના 16 ધારાસભ્યોએ સ્વૈચ્છિક રાજીનામાં આપ્યા. રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત લંબાવવામાં આવી. ચૂંટણીની
માગણી માટે આંદોલન થયું. અંતે ચૂંટણી થઈ અને જનતા મોરચો, શાસક કોંગ્રેસ અને કિમલોક વચ્ચે ત્રણ પાંખિયા જંગમાં
જનતા મોરચો જીત્યો. બાબુભાઈ જસભાઈ પટેલે પ્રધાનમંડળની રચના કરી. બાબુભાઈ જસભાઈની સરકારમાં ગુજરાતમાં
ભાવવધારો અને ફૂગાવો અંકુશમાં આવ્યો, પરંતુ એજ સમયે કટોકટી જાહેર થઈ. ફરી એકવાર ચીમનભાઈ બજારમાં
આવ્યા અને બાબુભાઈની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. બાબુભાઈએ પોતાના પ્રધાનમંડળનું રાજીનામું
આપી દીધું અને વિધાનસભા ફરી એકવાર સસ્પેન્ડ થઈ.
બાબુભાઈ જસભાઈ પટેલની સરકારના પતન પછી ધારાસભ્યો શાસક કોંગ્રેસમાં જવા લાગ્યા. માધવસિંહ સોલંકીએ
ગુજરાત કોંગ્રેસના અગ્રણી તરીકે 24 ડિસેમ્બર, 1976ના રોજ પોતાનું પ્રધાનમંડળ રચ્યું. જોકે, 77ની 18મી
જાન્યુઆરીએ ફરી એકવાર વડાપ્રધાને લોકસભાનું વિસર્જન કર્યું અને નવી ચૂંટણીની જાહેરાત કરી. માર્ચ મહિનામાં
યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને બાબુભાઈ પટેલ બીજીવાર મુખ્ય પ્રધાન થયા. ગુજરાતમાં જનતા
પક્ષની સરકાર રચાઈ. વળી, 70માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. 1980ના ફેબ્રુઆરી માસમાં
બાબુભાઈના પ્રધાનમંડળને બરતરફ કરી ઈન્દિરાજીએ રાષ્ટ્રપતિ શાસન લાદયું અને 6ઠ્ઠી જૂન, 1980ના દિવસે
માધવસિંહ સોલંકી ફરી મુખ્ય પ્રધાનની સીટ પર બેઠા, પરંતુ અનામત આંદોલનના અગ્રણીના હિંસક આંદોલનને
કારણે માધવસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું. આદિવાસી, હરિજન, સવર્ણ અને મુસ્લિમોની (ખામ થિયરી)નો મુખ્ય
વિચાર અનામત આંદોલનના મૂળમાંથી જન્મ્યો. એમના પછી અમરસિંહ ચૌધરી, એમણે કોંગ્રેસના પરાજયની
નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. એમના મુખ્ય પ્રધાન પદે ગુજરાતે સૌથી ભયાનક દુષ્કાળ જોયો.
એ પછી ચીમનભાઈ ફરી વખત જીત્યા. કોંગ્રેસ પક્ષમાંથી એમને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત
કિસાન મજદૂર લોકપક્ષ નામનો પ્રાદેશિક પક્ષ રચીને એમણે પોતાની રાજકીય કારકિર્દીને જીવતી રાખી. એલ.કે.
અડવાણીની રામજન્મભૂમિની રથયાત્રામાંથી શરૂ થયેલા કોમી રમખાણો પછી ચીમનભાઈ પોતાના તમામ
સાથીદારો સાથે કોંગ્રેસમાં ભળી ગયા. એ મુખ્ય પ્રધાન હતા ત્યારે જ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.
છબીલદાસ મહેતા, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ પછી ફરી એકવાર કેશુભાઈને ચાલુ ટર્મમાં રાજીનામું
આપવું પડ્યું.
એ પછી નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન પદે સત્તા સંભાળી. એ પછી રાજકીય ખટપટ ઘટી ન હોય તો પણ એટલું ચોક્કસ થયું કે,
ગુજરાતને એક સ્થિર સત્તા અને એક નિર્ણય કરી શકે એવા મુખ્ય પ્રધાન મળ્યા.
ગુજરાતના વિકાસના સત્તાવાર આંકડા અને સરકારનો માહિતી અને પ્રચાર વિભાગ કંઈ પણ કહે, પરંતુ અગત્યનું એ છે કે,
કોઈપણ સારી સરકાર પોતાનું કામ શાંતિથી કરી શકે એ માટે એના પ્રધાનમંડળ અને ધારાસભ્યોમાં એકતા અને અનુશાસન
અનિવાર્ય છે. ગુજરાતનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો સમજાય કે, ગુજરાતને ક્યારેય આવી સ્થિર અને અનુશાસિત
સરકાર મળી જ નથી. સાચું પૂછો તો, ભાજપમાં પણ નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં ગયા પછી અસંતુષ્ટોની સંખ્યા વધી જ છે.
કોઈપણ પ્રદેશ કે રાજ્યના વિકાસની પહેલી શર્ત સ્થિર સરકાર છે…