છેલ્લા થોડા સમયથી અખબારોમાં ત્યજાયેલા બાળકના મૃત્યુના સમાચાર આપણે સહુ વાંચી રહ્યા છીએ. નવજાત બાળક રડી-રડીને મૃત્યુ પામ્યું, પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલું નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસેથી મૃત્યુ પામેલું બાળક મળ્યું, તો મંદિરના પગથિયાં પાસે ત્યજાયેલું બાળક મળી આવ્યું, આવા સમાચાર અવાર-નવાર મળતા રહે છે. આપણે બધા આપણી વાતચીતમાં ક્યારેક એનો ઉલ્લેખ પણ કરીએ છીએ, “અરે રે ! કેવી મા હશે !” થી શરૂ કરીને “કોનું પાપ હશે !” જેવા કેટલાંય ઉદગારો આપણે આવા પ્રસંગે કાઢતા હોઈએ છીએ. એવી જ રીતે ત્યજી દેવાયેલા વૃદ્ધો વિશે પણ અનેક સમાચાર મળતા રહે છે. વૃદ્ધ માતાને મારતા, ખાવાનું નહીં આપતા કે પૂરી રાખતા સંતાનોના સમાચાર વાંચ્યા પછી પણ આપણી જિંદગીમાં કંઈ ઝાઝો ફેર પડી જતો નથી… ક્યારેક ચર્ચામાં કે વાતચીતમાં આપણે આ બદલાતા સમાજ અને સમય વિશે આપણા પ્રતિભાવ આપી દઈએ છીએ, બસ !
આ જગતમાં સૌથી અસહાય કોણ છે ? નવું જન્મેલું બાળક અને નિરાધાર વૃદ્ધ ! આ બંને ઉપર થતો અત્યાચાર કે એમના તરફની નિષ્કાળજી અને ક્રૂરતા વિશ્વના કોઈપણ સમાજની સૌથી મોટી ક્રૂરતા છે. કદાચ એટલા માટે, કે આ બંને-નવજાત શિશુ અને વૃદ્ધ પ્રતિકાર કે ફરિયાદ કરી શકતા નથી. વેદોમાં કહ્યું છે, કે પ્રતિકાર ન કરી શકે અને આપણા ઉપર આધારિત હોય એવા જીવને ત્યજવો કે એના પર અત્યાચાર કરવો એનાથી ભીષણ બીજું કોઈ પાપ નથી. આપણે આ પાપના સાક્ષી રોજે-રોજ બનવાનું થાય છે, એ આપણા સમયનું કેવું દુર્ભાગ્ય છે.
એક તદ્દન નિરાધાર જીવને જ્યારે ત્યજીએ ત્યારે એક પણ વાર આપણને એવો સવાલ કેમ નથી થતો કે, એ જીવ પોતાની જાતે આ ધરતી પર નથી આવ્યો. તો બીજી તરફ, આપણે જે વૃદ્ધ પર અત્યાચાર થતો જોઈએ છીએ એણે પોતાના સંતાનને જન્મ આપીને ઉછેરવામાં પોતાની આખી જિંદગી વિતાવી દીધી હોય છે. મોટાભાગના આવા ત્યજાયેલા બાળકો કોઈ અવૈધ શારીરિક સંબંધનું પરિણામ હોવાથી અથવા ગરીબ માતા-પિતા એનું પોષણ ન કરી શકે માટે ત્યજી દેવાય છે. ક્યારેક બળાત્કાર કે શોષણનો ભોગ બનેલી કુંવારી છોકરી પણ મજબૂરીથી પોતાના બાળકને ત્યજે છે. આ કદાચ સમજી શકાય એવી દુર્દશા અથવા મજબૂરી છે, પરંતુ એક વૃદ્ધ ઉપર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે એના સંતાન વિશે એક ધૃણા અથવા તિરસ્કાર થયા વગર રહેતો નથી. જે પોતાની જાતે બાથરૂમ પણ ન જઈ શકે એવા અશક્ત કે માનસિક રીતે બિમાર વૃદ્ધને જો ન રાખી શકાય તો સારા વૃદ્ધાશ્રમમાં કે કોઈ સંસ્થામાં મૂકી દેવા હિતાવહ છે. આજના સમયમાં મોંઘવારી એટલી છે કે ક્યારેક એક સંતાનને પોતાની કારમી ગરીબી અથવા બીજી સમસ્યાઓથી પરેશાન થઈને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની પીડાદાયક ફરજ પડે છે. જોકે, આને બહાનું કે કારણ ગણી શકાય નહીં… તેમ છતાં, જો સારી જગ્યાએ મૂક્યા હોય અને સચવાતા હોય તો એ
સંતાનને હજીયે ક્ષમા કરી શકાય, પરંતુ જે સંતાન એના અશક્ત, વૃદ્ધ માતા-પિતા ઉપર અત્યાચાર કરે છે એવા સંતાનને કોઈ કાળે માફ કરી શકાય નહીં.
ત્યજી દેવાયેલા બાળક માટે કે અશક્ત વૃદ્ધ ઉપર અત્યાચાર કરનાર માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ. જેમ બળાત્કાર અને જાતિય શોષણ માટેના કાયદા વધુ સ્ત્રી તરફી બનાવવામાં આવ્યા છે, એવી જ રીતે ત્યજાયેલા બાળક કે વૃદ્ધને ન્યાય મળે એ માટે સરકારે વધુ સજાગ થવાની જરૂર છે. આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. વધતી જતી મોંઘવારી અને કોરોના પછી ઘટી ગયેલી આવકે ઘણા પરિવારોને આત્મહત્યા જેવી ભયાનક સ્થિતિ તરફ ધકેલ્યા છે. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાખે, એ કદાચ સમજી શકાય, પરંતુ પોતાના આખા પરિવારને, પોતાની સાથે જ મૃત્યુને સોંપે ત્યારે એની મનઃસ્થિતિ કેટલી પીડાદાયક હશે એનો વિચાર કદી કરી જોયો છે ? પોતાના ગયા પછી પરિવાર પણ એ જ સમસ્યાનો ભોગ ન બને, એમ વિચારીને ફૂલ જેવા સંતાનો અને પત્નીને પોતાના જ હાથે મારી નાખતા પતિની મજબૂરીનો ખ્યાલ આપણને એરકન્ડીશન ડ્રોઈંગરૂમમાં ચર્ચા કરતી વખતે આવી શકે એમ નથી.
આ કોઈ પીડા છે કે ક્રૂરતા છે ? નવજાત શિશુને ત્યજી દેતા લોકોને કઠોર હૃદયના કહેવા કે એમની
સ્થિતિ પર દયા ખાવી ? વૃદ્ધની કાળજી ન કરી શકતા સંતાનની કારમી પરિસ્થિતિ સમજવી કે એમને જવાબદારી પૂરી ન કરવા બદલ ધિક્કારવા ? પરિસ્થિતિ સામે નહીં લડી શકતા લોકોને નબળા કહેવા કે પોતાની સાથે જ પરિવારને પૂરો કરી નાખનાર વ્યક્તિની હિંમતને દાદ દેવી ?
આ સવાલોના જવાબ સહેલાઈથી જડે તેમ નથી. મળેલો જવાબ સ્વીકારી શકાય તેમ નથી.
સમય બદલાયો છે. વ્યક્તિગત ભૂખ અને સ્વાર્થ હવે સમાજને ધીમે ધીમે ઉધઈની જેમ ખાઈ રહ્યા છે. ઉપરથી મજબૂત દેખાતા આ સામાજિક સંબંધો અને સંગઠનો અંદરથી ઈગો અને પાવરની લડાઈમાં વિખરાઈ રહ્યા છે. આ સમાજ ધીરે-ધીરે એક ન સમજાય તેવી ક્રૂરતા તરફ આગળ વધી રહ્યો છે. ગાડીના કાચ ઉપર હાથ ઠોકડા, ભીખ માગતા બાળકો કે સાઈકલ ઉપર ઉંઘતા બાળકને લઈને પાછળ બે બાળકોને બેસાડીને આપણી દયા કે સહાનુભૂતિ માટે કરગરતા લોકોનું દ્રશ્ય હવે સામાન્ય થઈ પડ્યું છે. ભીખ માગતા લોકોની સામે પણ આપણે નિરાંતે ખાઈ શકીએ છીએ એવી આપણી માનસિકતા થવા લાગી છે. એક સમય હતો જ્યારે આવું દ્રશ્ય જોઈને માણસોના હૃદય કંપી જતા. એમને ખાવાની કે સગવડ હોય તો મહિનાના રાશનની વ્યવસ્થા કરી આપવામાં ઘણા લોકોને પૂણ્ય લાગતું હતું. સમય જતાં સમજાયું છે કે ભીખ માગતો, કરગરતો દરેક માણસ સાચે જ દયાને પાત્ર નથી હોતો. એક પછી એક થતા કડવા અનુભવોએ દયાળુ લોકોને થોડા કઠોર અને કરુણાને થોડી મજબૂત બનાવી દીધી છે. આપણી નજર સામે આપણે જ આપેલી કોઈ ખાવાની વસ્તુને વેચી દઈને ગુટખા ખરીદતા છોકરાઓને જોઈએ ત્યારે ભવિષ્ય તરફ નજર કરતાં કંપી જવાય છે. એક જમાનામાં ઘરનો નોકર સૌથી વિશ્વાસુ માણસ ગણાતો. આજે, સૌથી વધુ ચોરીઓ ઘરના નોકર કરે છે… આજથી થોડા જ વર્ષો પહેલાં મિત્રતામાં નાની-મોટી રકમ ઉધાર આપવી સાવ સહજ બાબત હતી. હવે, કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિને પૈસા ઉધાર આપતાં અચકાય છે, કારણ કે પાછા આવવાની કોઈ ગેરંટી નથી, એટલું જ નહીં, આપેલા પૈસા પાછા માગવામાં આવે ત્યારે સંબંધ બગડી જવાની સંભાવના રહેલી છે.
લગભગ દરેક વ્યક્તિને જાણે-અજાણે બેઈમાની આકર્ષે છે. બેજવાબદાર થઈને વધુ ફાયદો થાય છે, એવા દાખલા આપણી નજર સામે વધતા જાય છે. જવાબદારી લેતો ભાઈ વધુ ને વધુ ઘસાતો જાય, અને બેજવાબદારીથી માતા-પિતાને ત્યજી દેતો દીકરો મકાન અને ગાડી ખરીદે ત્યારે આપણને આપણા પોતાના જ સંસ્કાર અને સંસ્કૃતિ વિશે સવાલો થવા લાગે એ સ્વાભાવિક છે.
આપણે બધા જે સમયના સાક્ષી બન્યા છીએ એ એક એવો સમય છે, જેમાં શુભમાં શ્રદ્ધા રાખનાર અને સત્યને જ પકડીને આગળ ચાલનાર કદાચ હમણાં ધીમા લાગતા હશે, પરંતુ કાચબા અને સસલાની રેસ જેવી આ સ્થિતિ છે. સમય ભલે બદલાયો હોય, સર્જનહાર બદલાયો નથી. એણે કુદરતના જે નિયમો પ્રસ્થાપિત કર્યા છે એ શાશ્વત છે. શરૂઆતમાં કદાચ આપણને એવું લાગે કે સત્ય હારી રહ્યું છે, શ્રદ્ધાના દીપકને અહંકારનું અંધારું ઘેરી વળ્યું છે… પરંતુ, સમયથી વધુ સાચું બીજું કશું જ નથી.
નિઃસહાય જીવને ત્યજી દેનાર અત્યારે ભલે યુવાન હોય, એને અત્યારે ભલે એમ લાગતું હોય કે એણે
કોઈક જવાબદારી કે સમસ્યાથી છૂટકારો મેળવી લીધો, સામનો નહીં કરી શકનાર નિરાધાર મા બાપ પર અત્યાચાર કરનારને હમણાં કદાચ એવું લાગે કે પોતે બળવાન છે, પરંતુ સમય જતાં એમણે કરેલા કર્મો એમના સુધી જ પાછા ફરશે, એ નક્કી છે.
દીવાલમાં ફેંકેલો બોલ ક્યારેક બે મિનિટમાં પાછો આવે, ક્યારેક એને પાછો આવતા બે કલાક થાય ને ક્યારેક બે દિવસે, બે વર્ષે પણ એ અથડાઈને પાછો ફરે છે. સામે દીવાલ છે… પરિણામની દીવાલ. કર્મનો બોલ ફેંકાયો છે, એટલે અથડાઈને પાછો ફરશે જરૂર… શક્ય છે, આજે આપણે વાંચેલા સમાચાર પછી આપણી પાસે એ પાછા ફરેલા બોલ વિશે કોઈ વિગતો કે સમાચાર ન હોય, પરંતુ જેણે એ કર્યું છે એને પોતાની ખાતાવહીનો હિસાબ સમજાયા વગર નહીં રહે.
આપણે ગમે તેટલો કળિયુગ અનુભવીએ, પરંતુ એક અદ્રશ્ય ન્યાયનું ત્રાજવું દરેક યુગમાં પોતાનો ન્યાય તોળ્યા વગર રહેતું નથી. સમય પ્રત્યેક ઘટનાનો સાક્ષી છે, ક્યારેક એને પૂછીએ તો એ આપણને ચોક્કસ જણાવશે. સમયની શિખામણને ઈતિહાસ કહેવાય છે… આપણે આપણા જ ઈતિહાસમાંથી શીખવાનું છે કારણ કે, જે ઈતિહાસમાંથી નથી શીખતા એને સમય શિક્ષા કરે છે.