અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીના રસ્તે હોડીમાં બેસીને પાર કરી રહેલા મહેસાણાના ચાર
જણાં, માતા-પિતા (પ્રવિણ ચૌધરી), દીકરો અને દીકરી મૃત્યુ પામ્યા. એવી જ રીતે જગદીશ પટેલના
પરિવારના સભ્યોનું પણ જાન્યુઆરી, 22માં ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. આ પહેલી વખત નથી બન્યું.
ગેરકાયદેસર અમેરિકા જવાનું ગાંડપણ ભારતીય નાગરિકોમાં કેટલાય વર્ષોથી હતું, હજી સુધી ટકી રહ્યું
છે. ધાર્મિક કે વ્યવસાયિક કાર્યક્રમોમાં અમેરિકા પહોંચીને પાછા નહીં ફરનારાને ‘કબૂતર’ કહેવાય છે(જે
ઊડી જાય અને પાછા ન આવે.) આવી રીતે કબૂતરબાજીનો ધંધો 2000 પહેલાં ઘણો ચાલ્યો, પરંતુ
અમેરિકન સરકાર જાગૃત થઈ એ પછી વિઝાના ધોરણો કડક કરવામાં આવ્યા. એ ગાળામાં
ગેરકાયદેસર અમેરિકામાં દાખલ થનારાઓની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી.
અમેરિકા જવા માટે તુર્કી, ફાન્સના રસ્તે કેનેડા અને બીજો રસ્તો મેક્સિકોથી દાખલ થવાનો
છે. જીવનું જોખમ, કલાકો ઊભા ખોખામાં કે ટ્રકમાં બનાવેલા નાનકડા ખૂણામાં બેસી રહેવું પડે,
ખાધાપીધા વગર, કુદરતી હાજતો વગર દિવસોના પ્રવાસ પછી પણ અમેરિકા પહોંચવાની કોઈ ગેરંટી
ન હોય તેમ છતાં અનેક લોકો આગેરકાયદે ઈમિગ્રેશનની લાલચમાં સપડાય છે. નવાઈની વાત તો એ
છે કે, આ પ્રવાસ દરમિયાન છોકરીઓ પર બળાત્કાર થાય છે, પ્રવાસીઓ લૂંટાય છે, અંદરોદરના
ઝઘડાને કારણે ક્યારેક ખૂન પણ થઈ જાય છે! પહેલાં મેક્સિકોના જંગલોના રસ્તે પ્રવેશવાનો રસ્તો
સલામત માનવામાં આવતો હતો, પરંતુ હવે કેનેડાના રસ્તે વધુ પ્રવાસીઓ જઈ રહ્યા છે. કેનેડા અને
અમેરિકા વચ્ચે 9 હજાર કિલોમીટરની જોડાયેલી સરહદ છે. તો મેક્સિકો અને અમેરિકા વચ્ચે 3,145
કિલોમીટરની સરહદ છે જે જંગલ અને ગામડાંઓથી જોડાયેલી છે. યુનાઈટેડ સ્ટેટ્સ બોર્ડર પેટ્રોલ
વિશે જે કોઈ જાણતા હશે એમને ખબર જ હશે કે, મોટેભાગે બોર્ડર ક્રોસ કરતા લોકો માટે શૂટ એટ
સાઈટનો ઓર્ડર હોય છે.
આ વિષય કેટલો પ્રચલિત હશે કે, આ એક જ વિષય ઉપર હોલિવુડમાં 40થી વધુ ફિલ્મો
બની છે, વિશ્વમાં બનેલી ફિલ્મો અલગ. ગુજરાતી ફિલ્મોને ફરીથી ઊભી કરનાર ફિલ્મ ‘કેવી રીતે
જઈશ’ પણ અમેરિકન વિઝાના વિષય પર બનેલી ફિલ્મ હતી.અમેરિકન સરકાર જાણે છે કે, વિઝિટર
વિઝા પર અમેરિકા આવીને પાછા નહીં જનારા ભારતીયોથી શરૂ કરીને આવી રીતે ગેરકાયદે બોર્ડર
ક્રોસ કરનારામાં ભારતીય, ચાઈનિઝ, ફિલિપિન, મેક્સિકન અને યુરોપના કેટલાક દેશોના નાગરિકોનો
સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે, કેટલાક ગેરકાયદે રોકાઈ જનારા ‘કબૂતર’ તરફ અમેરિકન
સરકાર પણ આંખ આડા કાન કરે છે, એનું કારણ એ છે કે, મેક્સિકન અને ભારતીય અત્યંત મહેનતુ
પ્રજા છે જેની સામે મૂળ અમેરિકન પ્રજા આળસુ અને પ્રમાદી છે. અનએમ્પ્લોયમેન્ટનું ભથ્થું મેળવીને
એ પૈસા મોટેલ અને શરાબમાં ઉડાડી દેતી અમેરિકન પ્રજાને કામ કરવામાં ખાસ રસ નથી. સાથે જ,
અમેરિકન પ્રજા પ્રમાણમાં અશિક્ષિત અને સ્લો છે, જેની સામે ભારતીયો હિસાબમાંચપળ અને
મેક્સિકન મહેનતુ છે. સરકારને આ બંનેની જરૂર છે.
લગભગ દર વર્ષે એક લાખ ગેરકાયદે પ્રવાસી પકડાય છે, એટલું જ નહીં, સત્તાવાર આંકડા
પ્રમાણે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં લગભગ 25 હજાર લોકો દર વર્ષે મૃત્યુ પામે છે.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસનારાનાઆંકડા પ્રમાણે જોઈએ તો હિન્દી ભાષી, 14 ટકા, તેલુગુ 11 ટકા,
તામિલ 10 ટકા અને પંજાબી 7 ટકા છે… રસ્તામાં તો જે અત્યાચાર અને તકલીફ થાય તે, પરંતુ
અમેરિકા પહોંચીને એમના પ્રશ્નો પૂરા નથી થતા. ભણેલા-ગણેલા લોકોએ પણ ડીશ ધોવાનું કે
સેન્ડવિચ બનાવવાનું કામ કરવું પડે છે. મોટાભાગના મેક્સિન લોકો લેબર જોબ કરી શકે છે જ્યારે
ભારતીય લોકો અન્ય પ્રવાસીઓની સરખામણીમાં ઓછા ગરીબ છે. બીજું ભારતીયોમાં એકતા બહુ
છે, એટલે બહારથી આવેલા ગેરકાયદે ભારતીયને-ખાસ કરીને ગુજરાતીને, ત્યાં વસતા અમેરિકન
ગુજરાતીઓ લોકો સાથે મળીને સાચવી લે છે. જોકે,સબવે કે ડંકીનમાં કામ કરતા કર્મચારીઓ પાસે
ઘરનું કામ કરાવવું, ઈલિગલ આવેલી છોકરીઓનો ગેરફાયદો ઉઠાવવો કે નિશ્ચિત પગારના ધોરણ
કરતા અડધા પૈસા આપીને કાળી મજૂરી કરાવવા જેવા શોષણને આ બધા ઈમિગ્રન્ટ્સ સ્વીકારીને જ
જીવે છે. સંતાનો પાસે અમેરિકા આવેલા મમ્મી-પપ્પા, મોટેલમાં કામ કરે છે. રિટાયર થવાની ઉંમરે
ગંદા બાથરૂમ ધોવા કે ગંદી ચાદર બદલવાનું કામ કરીને પણ એમને અમેરિકા છોડવું નથી એ કયો મોહ
હશે!ઈલિગલ ઈમિગ્રન્સ ડરી ડરીને જીવે છે. બે બેડરૂમના એક જ એપાર્ટમેન્ટમાં બે પરિવાર (આઠ
જણાં) ભાડે રહેતા હોય, લાઈસન્સ વગર વાહન ન ચલાવી શકે અથવા હોસ્પિટલમાં ન જઈ શકે
અને વર્ષો સુધી પાછા ન ફરી શકે. માતા-પિતા મૃત્યુ પામે ત્યારે કે વર્ષો સુધી સંતાનોને ન જોઈ શકે
તેમ છતાં ‘અમેરિકા’ એમને બાંધી રાખે છે.
તેમ છતાં, આ બધાને શું આકર્ષે છે?અમેરિકન ડોલર? અમેરિકન જીવનશૈલી?નવાઈની વાત
એ છે કે, આખી દુનિયા જોઈ રહી છે કે અમેરિકાનું બજાર તૂટી રહ્યું છે. ડોલર દિવસે દિવસે નબળો
પડે છે. અનેક લોકોની નોકરીઓ છૂટી છે, દિવસે દિવસે અમેરિકા મોંઘું અને જીવવા માટે અઘરું
બનતું જાય છે… પરંતુ, ભારતમાં વસતા એક આખા વર્ગને લાગે છે કે, અમેરિકા કે કેનેડા જીવવા માટે
શ્રેષ્ઠ દેશ છે! એની સામે ભારતનો વિકાસ ગૌરવ થાય એવો છે. મહત્વની વાત એ છે કે, આપણે ત્યાં
હજી લેબર સસ્તું છે એટલે જો સાચે જ આપણે મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગમાંથી હોઈએ તો
આપણી જીવનશૈલી અમેરિકામાં વસતા કોઈપણ મધ્યમવર્ગીય વ્યક્તિ કરતા ઘણી વધુ બહેતર છે.70
કે 80 લાખ રૂપિયા ખર્ચીને હેરાન-પરેશાન થતા, જીવનું જોખમ લઈને અમેરિકા પહોંચવાના સફળ કે
નિષ્ફળ પ્રયાસ કરતા એટલા જ પૈસા જો આ દેશની ઈકોનોમીમાં ઈન્વેસ્ટ કરવામાં આવે તો પોતાનો
ધંધો કે સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય. કેટલાક લોકો અમેરિકા પહોંચવા માટે ઘર, મકાન, દુકાન ગિરવે મૂકે
છે, વેચી નાખે છે, પરંતુ એમને એટલું કેમ નહીં સમજાતું હોય, કે આપણા દેશમાં હવે જે સવલતો
અને સુવિધાઓ ઊભી થઈ રહી છે એ વિશ્વના કોઈપણ દેશની સરખામણીએ શ્રેષ્ઠ છે.
આપણા પ્રધાનમંત્રી ‘મેક ઈન ઈન્ડિયા’નો સંદેશ આપીને આપણને સૌને આપણા દેશની
ઈકોનોમી બુસ્ટ કરવાનો આગ્રહ કરે છે ત્યારે જીવ જોખમમાં મૂકીને, દેવા કરીને કે ઘર કે મિલકત
વેચીને વિદેશ જઈને ‘મજૂરી’ કરવાને બદલે આ દેશમાં ‘મહેનત’ કરીએ તો કદાચ અહીં જ વધુ ઉત્તમ
જીવનશૈલી મળી શકે.