આખો દેશ અને દુનિયાને જેને મહાનાયક તરીકે ઓળખે છે એમણે પોતાની જિંદગીના 80
વર્ષ પૂરા કર્યા છે, એ હજી પૂરા જોશ અને ધગશથી કામ કરે છે… એટલું જ નહીં, હજી તો એમને
કેન્દ્રમાં રાખીને નવી સ્ક્રીપ્ટ લખાય છે, નવી ફિલ્મો પ્લાન થાય છે, એની સામે એમના જ પુત્ર
અભિષેક બચ્ચન જેમને આજે 46 વર્ષ પૂરા થયા છે, એમણે જાણે કે ફિલ્મી દુનિયા સાથે છેડો ફાડી
નાખ્યો હોય એમ વર્ષે એકાદ ફિલ્મ અને એકાદ ઓટીટી કરીને એ પોતે ‘છે’ એટલો અહેસાસ જાળવી
રાખે છે.
અભિષેક બચ્ચન એક સારા અભિનેતા છે અને એમણે ‘યુવા’, ‘ગુરૂ’, ‘રાવણ’ જેવી ફિલ્મોમાં
પોતાના અભિનયની આવડતને સાબિત કરી છે. એક સારા પુત્ર તરીકે, પતિ-પિતા તરીકે એમની
ઈમેજ બરકરાર છે. બોલિવુડના ફર્સ્ટ ફેમિલી તરીકે જે સન્માન પામે છે એવા પરિવારના દીકરા તરીકે
એમણે 80માં જન્મદિવસે ‘કૌન બનેગા કરોડપતિ’માં પિતાની સીટ પર બેસીને એમનો ઈન્ટરવ્યૂ કર્યો
ત્યારે એમણે પૂછેલું, ‘હું આટલો સારો, ડાહ્યો, કહ્યાગરો દીકરો છું તેમ છતાં તમે શ્વેતાને જ વધુ પ્રેમ કેમ કરો
છો? ‘ બચ્ચન સાહેબે ઈમોશનલ થઈ જતા જવાબ આપેલો, ‘ક્યોંકિ વહ બેટી હૈ’ … બચ્ચન સાહેબના
80મા જન્મદિવસનો એ એપિસોડ સૌની આંખો ભીની કરી ગયો.
અમિતાભ બચ્ચનની બાયોગ્રાફી ” ટુ બી ઓર નોટ ટુ બી’ (ખાલીદ મોહમ્મદે લખી છે.)
જેમાં અભિષેક બચ્ચનનો પિતા સાથેના સંબંધનો લેખ ‘ધ ડોર અજાર’ માં એમણે પિતા સાથેના
સંબંધો અમે સ્મૃતિને વાગોળી છે. આપણને નવાઈ લાગે પરંતુ અભિષેકે લખ્યું છે કે, રવિવારે બચ્ચન
સાહેબ જાતે અભિષેકને સરસવના તેલની માલિશ કરતા, માથામાં કોપરેલના તેલની માલિશ કરીને
ગરમ પાણીથી નવડાવતા. એ જ્યારે બહારગામ હોય (આઉટડોર શૂટ પર) ત્યારે ત્યાંથી નિયમિત પત્રો
લખતા. પુસ્તકમાં કેટલાક એવાં પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં બચ્ચન સાહેબે જાતે દોરેલાં
ચિત્રો પણ છે !
અભિષેક બચ્ચન ‘પ્રતિક્ષા’ ના મકાનની સ્મૃતિઓ વાગેળે છે… અમારા રૂમમાં બે કેન (નેતર) બે
બેડ હતા, જેમાં એકવાર ઘૂસી ગયા પછી અમે અમારી જાતે બહાર નીકળી શકતા નહીં, જો કે અમારો
રૂમ સીધો મા અને પા ના રૂમ સાથે જોડાયેલો હતો. એમનો રૂમ વિશાળ હતો, જેની છત ઢાળવાળી
હતી. કાળા બીમ અને ડાર્ક વૂડનો ફ્લોર હતો, જેમાં ખૂબ મોટો પલંગ હતો. અમારી પાસે અમારો રૂમ
અને પલંગ હોવા છતાં હું પા ના રૂમમાં સુવાનું પસંદ કરતો. મને એમના પલંગ પર ગલોટિયા
ખાવાની મજા આવતી. મારી મા થોડી ડિસિપ્લિન્ડ છે, એટલે રાતના સાડા નવ વાગ્યે એ મને મારા
રૂમમાં જવાનું કહેતી, પરંતુ પા જો શૂટથી મોડા આવ્યા હોય તો એ મા ને કહેતા ‘રહેવા દે થોડી વાર’
અને હું ખુશ થઇ જતો!
મારા દિવસનો ઉત્તમ સમય એ હતો જ્યારે પા શૂટથી પાછા આવે. હું દોડતો જઈને એમની
પીઠ પર ચોંટી જતો અને એમને ટાઈટ પકડી લેતો. એ મને પોતાની પીઠ પર ઉંચકીને ઘરમાં લઈ
આવતા. પછી ધીમે ધીમે વજન વધવા માંડ્યું ત્યારે મા એ ના પડી, પરંતુ પા એ મને કોઈ દિવસ પીઠ
પર ઉપાડવાની ના નથી પાડી.
એ વર્ષમાં ઘણા દિવસ બહાર રહેતા. પણ અમને કોઈ દિવસ એમનો અભાવ સાલ્યો નથી,
કારણ કે એ જ્યાં હોય ત્યાંથી પત્રો લખતા, જેમાં એ શું કરે છે, કઈ ફિલ્મમાં કામ કરે છે, દિવસ કેવો
જાય છે ત્યાંથી શરૂ કરીને ઝીણી ઝીણી વિગતો લખવાનું ચૂકતા નહિ. અમારી પાસે એવી અપેક્ષા
રાખતા કે અમે પણ અમને સમયસર જવાબ લખીએ. એ હંમેશા કહેતા, ‘આ પત્રો તમને ત્યારે મારી યાદ
તાજી કરાવશે જ્યારે હું નહીં હોઉં. ‘
1982માં હું છ વર્ષનો હતો. બેંગ્લોરની વેસ્ટએન્ડ હોટલમાં જ્યારે એમને લઇ આવ્યા ત્યારે
હું એમના પર કુદવા તૈયાર હતો. પણ મેં અચાનક જોયું કે એમનું આખું શર્ટ લોહીથી લાલ થઇ ગયું
હતું. સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું, એમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા. ઘરેથી હૉસ્પિટલ અને ઘરથી
હૉસ્પિટલનો પ્રવાસ શ્વેત’દી અને હું ચૂપચાપ કરતા. જાણે કે એકબીજા સાથે વાત કરવાથી પણ કંઈ એવું
બોલાઈ જાય, જેનાથી એકબીજાને દુઃખ થાય! હૉસ્પિટલમાં પા વાત ન કરી શકતા, પણ જ્યારે અમે
મળવા જઇએ ત્યારે અમારી સામે સ્માઈલ કરતા. એમની આસપાસ લગાવેલી નળીઓ અને હાથ
પરની ડ્રીપ હલાવીને કોઈ ધ્વજની જેમ ફરકાવતા. એ એવું દેખાડવાનો પ્રયાસ કરતા જેનાથી અમે
ડરી ન જઈએ. એવામાં એક દિવસ મને મારી શાળાના પ્લે ગ્રાઉન્ડમાં એક છોકરાએ પૂછ્યું, ‘તારા ડેડી
મરી જશે, હેં ને ? ‘ હું બ્લેન્કઆઉટ થઇ ગયો… એને જવાબ ન આપી શક્યો પણ એ દિવસે મને અસ્થમાનો
પહેલો એટેક આવ્યો. મા ને હૉસ્પિટલ બોલાવવામાં આવી એ રાતે મને પા પાસે રહેવાની છૂટ આપવામાં આવી
અને મા એ મને સમજાવ્યું કે ડરવાથી કંઈ નહિં થાય, આપણે એમના માટે પ્રાર્થના કરવાની છે.
હું મારા ભૂજના આઉટડોર શેડ્યુઅલ માટે નીકળવાનો હતો. એ મદ્રાસમાં સૂર્યવંશમનું શૂટ કરતા હતા
અને મા દિલ્હી હતી. હું સવારે સાડા નવની ફ્લાઈટ પકડવાનો હતો. મેં દાદાજી આશીર્વાદ લીધા અને નીકળતો
હતો ત્યારે મનોમન દુઃખી થતો હતો કે પહેલાં આઉટડોર શેડ્યુઅલ વખતે પણ કોઈ ચાંલ્લો કરીને વિદાય કરવા
માટે નથી… હજી તો હું બ્રેકફાસ્ટ કરીને મારી બેગ લેવા જાઉં એ પહેલાં પા ની ગાડી દાખલ થઈ. એ બે કલાક
માટે મુંબઈ આવ્યા હતા. હું એરપોર્ટ પહોંચ્યો ત્યારે મા ઊભી હતી. હાથમાં કંકુ અને દહીં લઈને…
એમણે કોઈ દિવસ પોતાની ફરજ ચૂકી નથી. અમને જરૂર હોય ત્યારે એ બંને જણા અમારા માટે સતત
હાજર રહ્યા છે, એ વાત મારે સ્વીકારવી જોઈએ. મા ને પા ની સરખામણી કરું, તો પા પ્રમાણમાં થોડા લિબરલ
અને ઈઝી છે. જ્યારે એક કડક શિક્ષક જેવી છે, આજે પણ મારા ઘરે આવે ત્યારે મારા અવ્યવસ્થિત ડ્રોઈંગ રૂમ કે
મારા વીંખાયેલા કબાટ વિશે કમેન્ટ કર્યા વગર રહેતી નથી!
મને ગર્વ છે કે, હું જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનનું સંતાન છું… હું જન્મ્યો ત્યારે મારું
વજન 3.7 કિલો અને લંબાઈ 19.7 ઇંચ હતી. હૉસ્પિટલમાં મારું નામ ‘બાબા બચ્ચન’ લખવામાં
આવ્યું હતું, આજે હું પિતા છું ત્યારે મને સમજાય છે કે મારા પિતાએ અમારા બંને માટે શું કર્યું છે!