હાં રે દોસ્ત ! હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પરભુજીના દેશમાં…
સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું.
મેઘાણીની આ કવિતા, ‘દાદાજીના દેશમાં’ 1922માં લખાયેલી કવિતા છે. ભારતીય પરિવારોમાં ‘દાદાજી
અને દાદીમા’, ‘નાનાજી અને નાનીમા’ નું મહત્વ શબ્દોમાં આંકી શકાય એના કરતાં ઘણું વધારે છે. જે બાળકો
પોતાના દાદા-દાદી કે નાના-નાનીના ખોળામાં ઉછર્યાં છે એમના શબ્દ ભંડોળથી શરૂ કરીને સંસ્કાર સુધીનું
વ્યક્તિત્વ, માતા-પિતા અને ભાઈ-બહેનવાળા નાના પરિવારમાં ઉછરેલા બાળક કરતા જુદું પડે છે. આપણે બધા
જ દાદા-દાદી કે નાના-નાનીનો વિચાર કરીએ તો ભીતર કશુંક અત્યંત સ્નેહાળ અને ઋજુ સંવેદન આળસ મરડે
છે.
આપણા દેશમાં તો વર્ષોથી વૃધ્ધો અને વડીલોને સન્માન આપવાની પરંપરા છે. માતા-પિતા, ભાઈઓ-
ભાભીઓ અને એમના સંતાનો એક જ સંયુક્ત પરિવારમાં સાથે રહે એ આપણી સંસ્કૃતિનું સૌથી મોટું પ્રદાન છે.
સમય સાથે આપણે પશ્ચિમમાંથી ઘણી બાબતોને આપણી જીવનશૈલીમાં જોડતા ગયા. વિભક્ત પરિવાર પશ્ચિમ
તરફથી મળેલો અભિશાપ છે. ખાસ કરીને, જ્યારે વ્યવસાય કરતા માતા-પિતા હોય ત્યારે તો દાદા-દાદીની
હાજરી એક આશીર્વાદ બની રહે છે. એવા કેટલાય પરિવારો છે જેમાં બાળક ‘મા’ બોલતા પહેલાં દાદા બોલતા
શીખ્યું હોય !
લગભગ દરેક માતા-પિતા પોતાના સંતાનને ઉછેરતી વખતે બિનઅનુભવી હોય છે. સાંસારીક અને આર્થિક
જવાબદારીઓની સાથે સાથે બીજી કેટલીય સમસ્યાઓ એમણે સુલઝાવવાની હોય છે. એવા સમયે માતા-પિતા પોતાના
સંતાનને જોઈએ તેવો અને જોઈએ તેટલો સમય ન આપી શકે એ સ્વાભાવિક છે, પરંતુ એ જ માતા-પિતા જ્યારે
‘ગ્રાન્ડપેરેન્ટ્સ’ બને છે ત્યારે એમની પાસે ઘણો સમય હોય છે, વળી પોતાના સંતાનોને ઉછેરીને એમને એક
અનુભવ પણ મળ્યો હોય છે. ગુજરાતી ભાષામાં સંતાનના સંતાન માટે ‘મુદ્દલના વ્યાજ’ જેવી અભિવ્યક્તિની
કહેવતો આપણને સાંભળવા મળે છે.
પોતાના પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીને ભારતીય સંસ્કૃતિના સંસ્કારની સાથે સાથે જીવનની સમજણ
અને ભાષા, ભાવ અને ભક્તિનો વારસો આપવાની ગ્રાન્ડપેરેન્ટ્સની જવાબદારી છે. મોટાભાગના ગ્રાન્ડ પેરેન્ટ્સ
આ જવાબદારી નિભાવવા તૈયાર હોય છે, પરંતુ ક્યારેક એવું બને છે કે, પરિવારમાં આવેલી પુત્રવધૂ (બાળકોની
માતા) કે જમાઈ (બાળકોના પિતા) અને પુત્ર-પુત્રી પણ પોતાના અંગત ગમા-અણગમાને કારણે બાળકોને
ગ્રાન્ડપેરેન્ટ્સથી દૂર રાખે છે. એ તમામ માતા-પિતાએ એવું સમજવું જોઈએ કે, પોતે જે નથી આપી શકતા એ
સમય અને સંસ્કાર, સમજણ અને સ્નેહ ગ્રાન્ડપેરેન્ટ્સ આપી શકશે. બાળકોને એમના અધિકાર અને ઉછેરમાં
સૌથી મહત્વની બાબતથી વંચિત રાખવાનો માતા-પિતાને અધિકાર નથી. અંગત ગમા-અણગમા માતા-પિતા કે
સાસુ-સસરા સાથે હોઈ જ શકે, એને વારસામાં આપવાની ભૂલ કરનાર માતા-પિતા પોતાના બાળકના સૌથી
ઉત્તમ સંબંધ અને એનો સ્નેહ, લાડ પામવાનો અધિકાર છીનવે છે. માતા-પિતાને લાગે છે કે, બાળક કશું સમજતું
નથી, પરંતુ સત્ય એ છે કે, અણસમજુ લાગતું બાળક બધું જ સમજે છે. એના પર માતા-પિતાના વર્તનની છાપ
પડે છે. જેને લીધે એ જાણે-અજાણે પોતાના માતા-પિતા જ્યારે વૃધ્ધ થાય ત્યારે એમની સાથે એમણે પોતાના
માતા-પિતા સાથે કરેલું એવું જ વર્તન કરી બેસે છે. જે માતા-પિતા બાળકના મનમાં પોતાના જ પરિવારના
વડીલો પરત્વે દ્વેષ કે તિરસ્કારની લાગણીના બીજ નાખે છે એ માતા-પિતાએ દ્વેષ અને તિરસ્કારનું પરિણામ
પોતે જ ભોગવવું પડે છે.
બીજી તરફ, દાદા-દાદી કે નાના-નાનીએ પણ એવું સમજવાનું છે કે, પોતાના સંતાનને જેવી રીતે ઉછેરવાં
હતાં એવી રીતે એમણે ઉછેરી લીધાં. હવે એમના ગ્રાન્ડચિલ્ડ્રન એમના સંતાનોના સંતાન છે, એટલે એ માતા-
પિતા જે રીતે ઈચ્છે એ રીતે પોતાના સંતાન ઉછેરવાનો એમનો અધિકાર ગ્રાન્ડપેરેન્ટ્સ છીનવી શકે નહીં.
બદલાતા સમયની જે જરુરિયાત હોય એ પ્રમાણે આજના માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર કરે છે. એકવાર
કદાચ પોતાના સંતાન ખોટાં લાગે તો પણ દાદા-દાદીએ વધુ પડતી દખલ કરવી જોઈએ નહીં. માતા-પિતા જ્યારે
પોતાના સંતાનને અનુશાસન શીખવતાં હોય ત્યારે વકીલ બનીને એમને બચાવનારા દાદા-દાદી કે નાના-નાની
ક્યારેક સંસ્કાર નથી આપતા, પરંતુ બાળકને અસભ્ય, અસંસ્કારી અને જિદ્દી બનાવવાનું કામ કરે છે. સ્નેહને પણ
એક મર્યાદા હોય છે. અનુશાસન વગરનો સ્નેહ નુકસાનકારક પૂરવાર થાય છે.
કેટલાંક દાદા-દાદી કે નાના-નાની પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને એના માતા-પિતાની હાજરીમાં કે
ગેરહાજરીમાં એમની વિરુધ્ધ (ક્યારેક અજાણતાં, સહજપણે) કેટલીક વાતો કહે છે. આ વાતો બાળમાનસમાં
પોતાના જ માતા-પિતા વિશે ખોટી છાપ ઊભી કરે છે. એ બાળકો જ્યારે ટીનએજના થાય છે ત્યારે એ માતા-
પિતાની સામે થઈ જાય છે એટલું જ નહીં, બલ્કે દાદા-દાદી, નાના-નાનીએ કહેલી વાતોને એ માતા-પિતાની
સામે હથિયાર બનાવવાનું કામ કરે છે. ચોકલેટ કે જે માગે તે રમકડાં, વસ્તુઓ અપાવીને ગ્રાન્ડપેરેન્ટ્સને કદાચ
લાગતું હશે કે એ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ સમસ્યા એ છે કે, એમના આ ‘પ્રેમ’ ને કારણે બાળક જિદ્દી બને
છે અને બ્લેકમેઈલ કરતું થઈ જાય છે.
માતા-પિતા અને દાદા-દાદી, નાના-નાનીએ સાથે મળીને પરિવારના નાનકડા સભ્યનો ઉછેર કરવાનો છે.
સામસામેના ગમા-અણગમા, તિરસ્કાર કે વાંધાવચકા ભૂલીને, બાળકને હથિયાર બનાવવાને બદલે કોરી સ્લેટની
જેમ એની ઉપર સંસ્કારના લેખ લખવાના છે. બાળઉછેરની જવાબદારી જેટલી માતા-પિતાની છે એનાથી કદાચ
વધુ જવાબદારી દાદા-દાદીની કે નાના-નાનીની છે.
જેને અંગ્રેજીમાં ‘ગ્રાન્ડ’ એટલે ભવ્ય માતા-પિતા કહીએ છીએ એવાં ભવ્ય માતા-પિતાનો આજે દિવસ
છે. મધર અને ફાધર્સ ડે તો આપણને સૌને ખબર છે, પરંતુ આજે, સપ્ટેમ્બર મહિનાના બીજા રવિવારે
વિશ્વભરમાં ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ ઊજવાય છે. દાદા-દાદી, નાના-નાની સાથે દિવસ વિતાવવા માટે અમેરિકા અને
યુરોપના દેશોમાં સેંકડો માઈલ ટ્રાવેલ કરીને કેટલાંક માતા-પિતા પોતાના સંતાનને લઈને પહોંચી જાય છે…
ભારતીય સંસ્કૃતિની પરંપરામાં સંયુક્ત પરિવારનું આગવું મહત્વ છે.
આજે, જો દાદા-દાદી કે નાના-નાની આસપાસ હોય તો એમને વહાલ કરજો, એની સાથે સમય
વિતાવજો. આસપાસ ન હોય તો વીડિયો કોલ કરીને પણ એમને ગ્રાન્ડપેરેન્ટ્સ ડેનું વહાલ અને શુભેચ્છા
આપજો…