હેપ્પી ન્યૂ યરઃ હેપ્પીનેસના બ્રાન્ડ ન્યૂ રસ્તા

આજથી નવું વર્ષ શરૂ થાય છે. 2022 પૂરું થયું અને 2023… શરૂ થાય છે ત્યારે માત્ર એક
નવું વર્ષ નહીં, પરંતુ 365 નવા કોરા કાગળ આપણને સૌને મળે છે. એક નવી નક્કોર કોરી ડાયરી
જેના બધા જ દિવસો હજી ભરવાના બાકી છે. આ દિવસોને સૌ પોતાની રીતે ભરશે. કોઈક
એપોઈન્ટમેન્ટથી અને કોઈક ડિસએપોઈન્ટમેન્ટથી… કોઈક વ્યવસાયથી તો કોઈક વ્યવહારથી, કોઈક
માટે આવનારું વર્ષ આશા છે, કોઈક માટે નિરાશા, કોઈક માટે નવું વર્ષ સંબંધોની નવી શરૂઆત બની
રહે તો કોઈક માટે દુઃખદાયક અને ગૂંચવાતા સંબંધોનો અંત બનશે.

કશુંક પૂરું થાય ત્યારે કશુંક શરૂ થાય એ પ્રકૃતિનો નિયમ છે. પાંદડા ખરી જાય ત્યારે વૃક્ષ
અફસોસ નથી કરતું કારણ કે, એને ખબર છે કે બરફ પીગળી જશે ત્યારે નવી કૂંપળો ફૂટશે જ. સૂરજ
ડૂબે છે ત્યારે આપણે નિરાશ નથી થઈ જતા કારણ કે, આપણને ખબર છે કે આવતીકાલે સવારે આ
જ સૂર્ય નવેસરથી પ્રકાશ લઈને પૂર્વાકાશમાં દેખાશે જ. બદલાતી ઋતુ સાથે આપણે આપણી શારીરિક
આદતો અને ભોજન બદલી નાખીએ છીએ કારણ કે, આપણને ખબર છે કે, હવે થોડો સમય માટે
આ જ પરિસ્થિતિ રહેવાની છે, પરંતુ સાથે સાથે એવી પણ ખાતરી છે કે, આ પરિસ્થિતિ કાયમ નથી
રહેવાની-એટલે અત્યારે જે ઋતુ છે એના આહાર-વિહાર અને જીવનશૈલીને આપણે સહજતાથી
સ્વીકારી લઈએ છીએ.

બદલાતા વર્ષ સાથે બદલાતું ભીતર અને બહારને પણ જો સ્વીકારી શકીએ તો જિંદગી સરળ
થઈ જાય. પાછા વળીને જોઈએ તો સમજાય કે હજી હમણાં તો મિલેનિયમની ઉજવણી કરી, અને બે
વર્ષમાં મિલેનિયમની સિલ્વર જ્યુબિલી આવી પહોંચશે! જે બાળકો હજી નજર સામે જન્મ્યા હતા
એ આ વર્ષે વોટ કરી આવ્યા ત્યારે એમની આંગળી પર લાગેલા કાળા ટપકાને જોઈને સમજાયું કે,
આપણી ઉંમરમાં પણ 18 વર્ષ ઉમેરાઈ ગયા! સમય કોઈને માટે અટકતો નથી અને વિતેલા વર્ષો માત્ર
વાળનો રંગ નથી બદલતા બલ્કે, મન, મિજાજ, માનસિકતા અને જીવનશૈલી પણ બદલતાં જાય છે.

ભણેલા ઉચ્ચ મધ્યમવર્ગના લોકોમાં અત્યારે ‘હેલ્ધી ફૂડ’નો એક વિચિત્ર ટ્રેન્ડ ચાલ્યો છે.
અવોકાડો, બ્રોકલી, કિનવા જેવા નવાં નામો સંભળાય છે, ઓર્ગેનિક અને વિગનની વાતો પાર્ટીમાં
‘ફેશન’ માનવામાં આવે છે ત્યારે એક સવાલ એવો થાય કે, માત્ર ફેશનેબલ ચીજો ખાવાથી જ ‘હેલ્થ’
સચવાય? કસરત કે માનસિક આરોગ્ય વિશે આપણે કેટલા સજાગ છીએ? શરીરમાં પડતા ઘસારાને
પહોંચી વળવા વિટામીન કે બાહ્ય ઉપચારો કરીએ છીએ ખરા?

હજી ગઈકાલ સુધી જે શરીર દસ-બાર કલાક કામ કરી શકતું હતું, નિરાંતે ઉજાગરા કરતું કે જે
ખાઈએ તે પચાવી શકતું એ શરીરને અચાનક થાક લાગે, ઉજાગરા સહી ન શકે કે અમુક પ્રકારના
ભોજનથી અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે ત્યારે નવા વર્ષનું સૌથી પહેલું
રિઝોલ્યુશન (નિશ્ચય કે નિર્ધાર) સ્વાસ્થ્ય અથવા સ્વસ્થ શરીર પરત્વે હોવું જોઈએ. આપણે બધા
એવું માનીને ચાલીએ છીએ કે, સ્વાસ્થ્ય આપોઆપ જ સચવાય છે અથવા શરીર પોતાનું કામ કર્યા
કરે છે. આ શરીર એક મશીન છે અને મશીનને સમયસમયાંતરે સફાઈ કે રિપેરિંગ, મેઈન્ટેનન્સની
જરૂર પડે છે. મસાજ કે નાની મોટી બ્યૂટી ટ્રીટમેન્ટ માત્ર સૌંદર્ય વધારવા કે સ્કીનને ગ્લો કરવા માટે
નથી હોતી, રિલેક્શેસન અને મનને શાંત કરવાનું કામ પણ કરે છે. કેટલાક લોકો એને ‘ફાલતુ ખર્ચા’
અથવા ‘બિનજરૂરી’ કહે છે, પરંતુ આખા વર્ષમાં જેટલા પૈસા આપણે બહાર ખાવામાં વાપરીએ છીએ
એનો કુલ હિસાબ કરીએ તો સમજાય કે, ‘બગાડવામાં જેટલા પૈસા વાપર્યા છે એના દસ ટકા તો
મેઈન્ટેન કરવામાં કે સુધારવામાં વાપરવા જ જોઈએ’.

બીજું રિઝોલ્યુશન માનસિક સ્વાસ્થ્યનું છે. જે લોકો 50 વટાવી ગયા છે એ બધાએ હવે એવું
સમજી લેવું પડે કે, એમના સંતાનો 18ના થયા છે અથવા 18ના થશે. આપણા પછી ત્રણ દાયકા
વિતી ગયા, જેમાં ટેકનોલોજી, સમાજ અને આખું જગત ત્રણવાર 180 ડિગ્રી બદલાયું છે. એ પછી
જન્મેલા સંતાનો આપણા જેવું વિચારે કે આપણી જેમ જ વર્તે એવી અપેક્ષા રાખવી થોડીક વધુ
પડતી છે. આપણે આપણા માતા-પિતા માટે જે કર્યું અથવા આપણે એમની સાથે જે રીતે વર્ત્યા
(અનિચ્છાએ એમની વાત માની, અણગમા છતાં એમને અનુકૂળ થયાં, આદર રાખ્યો, માર ખાધો
વગેરે) એ રીતે આપણા સંતાનો આપણી સાથે વર્તે એવું તો નહીં બને. 90થી 2000માં જન્મેલી
આખી પેઢી ટેકનોલોજીને કારણે ‘વ્હાય જનરેશન’ છે. જ્યાં સુધી એમના કુતૂહલના જવાબ નહીં મળે
ત્યાં સુધી એ આપણી વાત સાથે સહમત નહીં થાય. એમની પાસે એમની આગવી વિચારધારા,
માન્યતા અને દલીલો છે. એટલે આપણે જેમ કહીએ તેમ એ નહીં જ કરે. ભલે ને આપણો અનુભવ
એમનાથી વધારો હોય કે આપણને એ જે કરે છે તે ખોટું છે એવું સમજાતું હોય તો પણ, જ્યાં સુધી એ
પોતે નહીં માને ત્યાં સુધી એ આપણું કહ્યું નહીં કરે એવું નક્કી છે ત્યારે ઉશ્કેરાવા, દલીલ કરવા, ગુસ્સે
થવાને બદલે આપણી સ્વસ્થતા જાળવીને એમની સાથે ચર્ચા કરી એમની વાત, પોઈન્ટ ઓફ વ્યૂ
સમજીને વાતનો નીવેડો લાવવાનો પ્રયત્ન એ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ જ વાત પતિ-
પત્ની, મિત્રો, કલિગ કે પડોશી સુધી લંબાય છે. આપણે બધાએ આપણી વાત મનાવવાનો પ્રયત્ન
કરવાને બદલે સમજાવવાનો પ્રયત્ન કરીને આપણા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

અને ત્રીજું, રિઝોલ્યુશન એ છે કે, અત્યાર સુધી જે કંઈ ઈચ્છા-અનિચ્છાએ કર્યું એ વિતી ગયું.
હવે એનો અફસોસ કરવાનું છોડી દેવું જોઈએ. જે વિતી ગયું એ બદલી નહીં શકાય એમ માનીને નવા
વર્ષની શરૂઆત નવેસરથી કરવાનો નિર્ણય આપણને સૌને એક નવી જ શાંતિ અને સ્વાસ્થ્યપ્રદ
શરૂઆત આપશે જ એવા વિશ્વાસ સાથે 2023ની નવી નક્કોર ડાયરીને ચિતરી મારવાને બદલે એમાં
કશું મેમોરેબલ, રસપ્રદ અને આવનારા વર્ષોમાં વાંચીને આનંદ થાય એવું લખીએ. ચાલો, 2023ને
જરા જુદી રીતે આવકારીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *