હર એક બાત પે કહેતે હો તુમ, કી… તુ ક્યા હૈ?, તુમ્હી કહો કી યે અંદાઝે ગૂફ્તગુ ક્યા હૈ!

‘એક સેલ્ફી લઈએ?’ એક ભાવક, વાચક કે શ્રોતા અત્યંત સ્નેહથી પૂછે છે. બને ત્યાં સુધી ‘ના’
પાડવાનું મારા સ્વભાવમાં નથી, પરંતુ શ્રીનાથજીના મંદિરની નિશ્રામાં કે એ ભૂમિ પર સેલ્ફી લેવી મને
યોગ્ય નથી લાગતી. ના પાડવાથી, ભાવકને અણગમો થાય છે! ક્યારેક એરપોર્ટ પર, થિયેટરના
વોશરૂમમાં કે (આશ્ચર્ય થાય, પરંતુ) કોઈના બેસણામાં પણ ક્યારેક સેલ્ફી લેવાની વાત આવે ત્યારે
દુઃખ થાય છે. આપણે બધા ધીરે ધીરે સોશિયલ મીડિયાના શિકાર થઈ ગયા છીએ. આપણને ગમતી
હોય એવી પ્રસિધ્ધ વ્યક્તિ સાથે આપણે હતા એની સ્મૃતિ હૃદયમાં અંકિત કરવાને બદલે આપણા
ફોનમાં સાચવવાનું પસંદ કરવા લાગ્યા છીએ. આવા કોઈ પ્રસંગે ‘સેલિબ્રિટી’ (હું તો આ શબ્દમાં જ
નથી માનતી એવી સ્પષ્ટતા સાથે)નો મૂડ કે મિજાજ કદાચ, ઠેકાણે ન હોય-અંગત કે પારિવારિક
સમસ્યા હોય, તબિયત સારી ન હોય, થાક્યા હોય અને જો એ ના પાડે તો એને ‘અભિમાની’ કહીને
‘એટિટ્યૂડ’ બાબતે એને અપમાનિત અથવા ટ્રોલ કરવામાં આવે છે…

“એક વાચક કે શ્રોતાની લાગણી ખૂબ જ સન્માનનીય છે. એને માટે એક લેખક કે સર્જકને
સદ્દભાવ હોવો જ જોઈએ, પરંતુ વાચક કે શ્રોતાની પણ જવાબદારી બને છે કે, એ પોતાના પ્રિય
સર્જક કે કલાકાર વિશે સદ્દભાવ કે સમજણ કેળવે.” આ વાત આજથી 25 વર્ષ પહેલાં એક
ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીય સંગીતનાં આદરણીય ગાયિકા શ્રીમતી કિશોરી અમોનકરે કહી હતી. ત્યારે
સોશિયલ મીડિયાનો આટલો ભરાવો નહોતો. એમણે અંગ્રેજી સામાયિકના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,
“એક તરફથી બધા માને છે કે, કલાકાર મૂડી હોય છે… બીજી તરફ એના મૂડની પરવાહ નહીં કરીને
આયોજકો અને શ્રોતાઓ એની પાસે પોતાની રીતે વર્તવાની સ્વતંત્રતા છીનવી લે છે. હું હંમેશાં
આગ્રહ રાખું છું કે, મારા સંગીતની પ્રતિષ્ઠા અને પદ જળવાઈ રહેવાં જોઈએ. હું જ્યારે ગાઉં છું ત્યારે
એ ઓડિટોરિયમ નથી રહેતું, કલાનું મંદિર બની જાય છે. હું પોતે પણ ‘મંદિર’ની જેમ જ પવિત્રતાથી
મારા સંગીતને ત્યાં અર્પણ કરું છું. એ સમયે કિશોરી નહીં, સ્વયં સરસ્વતી પોતાની કલા આપની
સમક્ષ રજૂ કરે છે. એ સમયે જો આપ કલાની દેવીનું સન્માન ન કરી શકતા હોવ તો આપને
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અધિકાર નથી.”

એમના આવા સ્ટેટમેન્ટ્સને લીધે કિશોરી અમોનકરને લોકો ‘ટેમ્પરામેન્ટલ’ અથવા ‘મૂડી-
મિજાજી’ વગેરે કહેતા, “એક કલાકાર પોતાના માટે સન્માનનો આગ્રહ રાખે એમાં ખોટું શું છે?” એ
હંમેશાં કહેતાં, “કલાકાર જ્યારે પરફોર્મન્સ કરતાં હોય ત્યારે એ તમારા છે. પ્રેક્ષકને સમર્પિત અને એના
અધ્યાત્મિક મનોરંજન માટે પ્રવૃત્ત છે. અર્થોપાર્જન બીજા નંબરે આવે છે, પરંતુ એમની અંગત જિંદગીમાં ડોકિયું
કરવાનો અધિકાર એના પ્રેક્ષકને કે ભાવકને નથી.” આ વાત એમણે આજથી 20-25 વર્ષ પહેલાં કહી
હતી, પરંતુ આજના સંદર્ભે કેટલી સાચી લાગે છે! ઈન્ટરવ્યૂ આપવાની ના પાડે કે કાર્યક્રમ પૂરો થયા
પછી કોઈને મળવા ઊભા ન રહે ત્યારે કિશોરી અમોનકરની તોછડાઈ અથવા એમના ઈગો સામે
આંગણી ચીંધવામાં આવતી, પરંતુ એની સામે, જ્યારે ‘હરિદાસ સંગીત સમારોહ’ના કાર્યક્રમમાં સવારે
કલાકારો પોતાનો કાર્યક્રમ સ્વામી હરિદાસની સમાધિ ઉપર રજૂ કરે ત્યારે કિશોરીજીને પોતાનો
તાનપુરો લઈને જાતે જ પ્રવેશતાં, સમાધિ પર સફાઈ કરતાં પણ જોયાં છે. દસ એપ્રિલ, કિશોરી
અમોનકરનો જન્મદિવસ છે. જયપુર ઘરાનાના આ અદભુત ગાયિકા ખયાલ, ઠુમરી, ભજન જેવાં
અનેક શાસ્ત્રીય સંગીતના પ્રકારોમાં માહિર હતાં. એમના માતા મોગુબાઈ કુરડીકર પણ ગાયિકા હતાં.
કિશોરી અમોનકરનું સંગીતનું શિક્ષણ પોતાના માતા પાસે જ શરૂ થયું. એ પછી એમણે હિન્દુસ્તાની
શાસ્ત્રીય સંગીતની તાલીમ અંજનીબાઈ માલપેકર પાસેથી લીધી. એમના શિક્ષકોમાં આગ્રા ઘરાનાના
અનવર હુસૈન ખાન અને ગ્વાલિયર ઘરાનાના શરદચંદ્ર અરોલકર અને બાલકૃષ્ણ મુવા પરવાટકરનો
સમાવેશ થાય છે. એ જીવનભર પોતાનો પરફોર્મન્સ શરૂ કરતાં પહેલાં હાજર ન હોય તો પણ, ગુરૂની
પરવાનગી માગતા, કાને હાથ અડાડી ‘ઈદમ ન મમઃ’ (આ હું નથી-કોઈ અલૌકિક શક્તિ, ઈશ્વર છે)
કહીને પોતાની કલા રજૂ કરતાં. એમની નમ્રતા સાચે જ આશ્ચર્ય પમાડે એવી હતી અને સાથે જ
એમનો આક્રોશ પણ હચમચાવી મૂકે એવો હતો. સાચું પૂછો તો કલાકારની નમ્રતા અને આક્રોશ
એકમેકની સામે નહીં, એકમેકની સાથે હોય છે. જ્યાં સુધી એમના પ્રેક્ષક કે શ્રોતા કે ભાવક એમની
સાથે સ્નેહથી અને સમજદારીથી વર્તે ત્યાં સુધી એમને નમ્ર રહેવું ગમે જ છે, પરંતુ જ્યારે એમની
ધીરજ કે સ્વમાન પર સવાલ આવે ત્યારે એક કલાકારનો આક્રોશ પ્રગટ થયા વગર રહી શકતો નથી.

છેલ્લા થોડા સમયમાં લોકોને ઝાઝું કામ નથી… અને, એમના હાથમાં એક એવું સાધન છે જે
એમને દુનિયાભરમાં ‘પ્રસિધ્ધ’ કરી શકે છે, એવી એમને ખબર છે. આ સાધન એટલે મોબાઈલ અને
ઈન્ટરનેટ. કેરી ઓકેથી શરૂ કરીને ફેસબુક પર થતાં મુશાયરા, દરેક વ્યક્તિનું સર્જન હવે એક પ્લેટફોર્મ
પામી રહ્યું છે. આના થોડા ફાયદા છે અને થોડા ગેરફાયદા છે. ફાયદા એ છે કે, સાચા કલાકારને
પ્લેટફોર્મ મળે છે. કોઈ નેપોટિઝમ કે વ્યવસાયિક હરિફાઈનો શિકાર થયા વગર સાચો કલાકાર એના
ભાવક સુધી પહોંચવા લાગ્યો છે, તો બીજી તરફ ‘સોશિયલ મીડિયા’ની વધતો જતો ફેલાવો કલા
અને સર્જનની કક્ષાને ધીમે ધીમે નીચે ઉતારી રહ્યો છે. લોકોનું ટેસ્ટ અથવા કલા માટેની એમની વૃત્તિ
અને પ્રવૃત્તિ બંને ઘટવા લાગ્યા છે. કોરોના પછી ઓટીટીના પ્રચાર-પ્રસારને કારણે હવે નાટક, થિયેટર
કે સંગીતના કાર્યક્રમો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. જે વસ્તુ આપણને ઘેર બેઠા મળે એને માટે પૈસા ન
ખર્ચવાની આપણી મનોવૃત્તિ, પ્રેક્ષક તરીકે ધીરે ધીરે ભયજનક વળાંક લઈ રહી છે.

કેટલાક કાર્યક્રમોમાં જ્યાં પ્રેક્ષક કે ભાવક સાચા અને સારા નહીં હોય એવું લાગે ત્યાં ‘ના’ પાડી
દેવાની એક કલાકારની જવાબદારી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે, વક્તા બોલી રહ્યા હોય,
ગાયક ગાઈ રહ્યા હોય અને લોકો વાતો કરતા હોય, નાસ્તા કરતા હોય, હરતાં-ફરતાં હોય… આ
સરસ્વતીનું-કલાનું અપમાન છે, એવી સમજણ પણ આપણે ખોઈ બેઠા છીએ. એક કલાકારને એની
કલા માટે વખાણવાને બદલે આપણે એની સાથે સેલ્ફી પાડીને એની પ્રસિધ્ધિનો હિસ્સો બનવા વધુ
ઉતાવળા અને આગ્રહી હોઈએ છીએ. આપણને એ વ્યક્તિ ઉત્કૃષ્ટ કલાકાર છે, આપણે એના કાર્યક્રમ
કે કલાને માણ્યા એવું કહેવાને બદલે વધારે મજા આપણે એને મળ્યા હતા અને સાથે તસવીર લઈને
એવું સાબિત કરવામાં આવે છે, કારણ કે એમાં ક્યાંક ‘આપણું એચિવમેન્ટ’ ઝળકે છે. આપણે ‘શું
કર્યું’ની કથા છે, શું માણ્યું કે શું પામ્યા એના આનંદ કરતાં પણ વધારે…

મંદિરના પ્રાંગણમાં પણ આપણે ઈશ્વરમય નથી થઈ શકતા! યાત્રાધામમાં પણ આપણને
ઈશ્વર સાથે એકાકાર થવાને બદલે કલાકારની સાથે સેલ્ફી સુઝે તો ક્યાંક આપણી ભીતર જ
એકાત્મતાનો અભાવ છે. કેટલાક કલાકારો આવી જગ્યાએ (ઈશ્વરના ધામમાં કે કોઈ શાંત-એકાંત
જગ્યાએ) થોડીક પ્રાઈવસી અને થોડીક અંગત ક્ષણો માગે, ઈચ્છે તો એ એમનો ગૂનો છે? તસવીર
લેવી કે નહીં, ભાવકને મળવું કે નહીં… ઓર્ગેનાઈઝરના ઘેર જવું કે નહીં, કાર્યક્રમ સુધી પૂરી નિષ્ઠાથી
પોતાનું કામ કર્યા પછી પ્રશંસા માટે ત્યાં હાજર રહેવું કે નહીં… આ બધું નક્કી કરવાનો અધિકાર
વ્યક્તિગત છે. એ માટે એમને અભિમાની કે મૂડી કહી શકાય નહીં…

અને એક મહત્વનો સવાલ, મૂડી કોણ નથી? મિજાજ કોના પલટાતા નથી? જો સામાન્ય
માણસને મૂડ અને મિજાજ પ્રમાણે વર્તવાની છૂટ હોય તો એક કલાકારને કેમ નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *