હરિલાલ હોત તો કદાચ કહેત, ‘હેપ્પી બર્થ ડે બાપુ’

ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્ય
સેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથે
બાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણ
માતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છે
જે કસ્તુરબાના હૃદયને આપણી સામે ખુલ્લું મૂકે છે.

આ પત્ર બાએ લખ્યો નહોતો, પરંતુ ‘પ્રકાશનો પડછાયો’માં મળતા ઉલ્લેખ મુજબ બાએ
દેવદાસભાઈ સાથે કરેલી વાતચીતને અક્ષરે અક્ષર કાગળ પર ઉતારીને એ પત્ર હરિલાલ સુધી
પહોંચાડવાનું દેવદાસે નક્કી કર્યું. હરિલાલનું કોઈ ઠામઠેકાણું હતું નહીં એટલે આ લખાણને હરિલાલ
ઉપર બાના પત્ર તરીકે દેશભરના અખબારોમાં પ્રગટ કરીને સહુ આ વ્યથા સમજી શકે એવું એમણે નક્કી
કર્યું. એને શીર્ષક આપ્યું, ‘એક માતાનો પોતાના પુત્રને ખુલ્લો પત્ર’.

‘અમારી લાગણીને દુભવવાનું આ પાપ તું શા માટે કરી રહ્યો છે, દીકરા? તારા બાપની નિંદા કરવી
તને શોભતી નથી… એમના હૃદયમાં તો તારા પ્રેમ સિવાય બીજું કંઈ જ નથી… ભગવાને એમને તો
બળવાન ઈચ્છાશક્તિ આપી છે… પણ… પણ… હું તો નિર્બળ વૃદ્ધ સ્ત્રી છું, દીકરા. આ બધું સહન
કરવા માટે અશક્ત છું, બેટા. તારા બાપુ તો બદનામીના આ ઘૂંટડા પી જાય છે પણ હું ક્યાં જાઉં? શરમની
મારી હું ક્યાંય મોં દેખાડી શકતી નથી. અમે તો તને ક્ષમા કરીશું, પણ પરમેશ્વર તારું વર્તન સાંખી લેશે
નહીં. તને મળવાનું બહુ મન થાય છે પણ તું ક્યાં હશે એય ખબર પડતી નથી. તારી પાસે આવતાંય હવે
તો મને ડર લાગે છે, દીકરા.’

દુઃખની વાત એ છે કે, એક જાહેરસભામાં આ પત્રનો ઉલ્લેખ કરીને હરિલાલે કહેલું, ‘હું
અબદુલ્લા છું. હરિલાલ નથી. આ પત્ર હરિલાલને ઉદ્દેશીને લખાયો છે એટલે હું એ સ્વીકારતો નથી. મારા
માતા અભણ છે. તે આવો પત્ર લખી શકે એ હું માની શકતો નથી. મને તો એ કોઈ બીજાએ લખ્યો હોય
એમ લાગે છે. ધર્મપલટો કર્યા પહેલાં હું ખરાબ મિત્રોની સોબતમાં હતો. મારે હવે શીખવાનું કંઈ નથી.
મારી તો એ જ ઈચ્છા છે અને તે ઈસ્લામ ધર્મના એક કાર્ય કરનાર તરીકે મરવાની. મારી માતા
કસ્તુરબાઈએ મને દારૂ છોડવાની વિનંતી કરી છે. મારો તો એમને એ જવાબ છે કે હું દારૂ છોડીશ, પણ
ક્યારે? કે જ્યારે મારા પિતાજી અને એ બંને જણ ઈસ્લામનો અંગીકાર કરે!’

હરિલાલ સાચા હતા કે બાપુ, એની ચર્ચા કરવાનો આપણને કોઈ અધિકાર નહીં, પરંતુ દિનકર
જોશીએ લખેલું એક પુસ્તક, ‘પ્રકાશનો પડછાયો’ હરિલાલ અને બાપુ વચ્ચેના સંબંધોનો એક એવો
દસ્તાવેજ છે જે દરેક પિતા-પુત્રએ એકવાર વાંચવો જોઈએ. લગભગ ચાર કે વધુ ભાષાઓમાં અનુવાદિત
આ પુસ્તક ઉપરથી લગભગ દરેક ભાષામાં નાટક અને ફિલ્મ પણ બની ચૂક્યા છે. નસરુદ્દીન શાહ અને
કે.કે. મેનન અભિનિત એક નાટક ‘મહાત્મા વર્સીસ ગાંધી’માં એક મજાની વાત એ હતી કે, હરિલાલનો
રોલ કરતા કે.કે. મેનનનો જન્મદિવસ બીજી ઓક્ટોબર (બાપુનો જન્મદિવસ) છે!

એક પિતા-પુત્ર વચ્ચે મતભેદ હોવા બહુ સ્વાભાવિક છે-આપણે સૌ એને જનરેશન ગેપ તરીકે
ઓળખીએ છીએ. લગભગ દરેક ઘરમાં ઉછરી રહેલા ટીનએજ પુત્ર અને પિતા વચ્ચે વિચારો ટકરાય છે
અને મોટેભાગે એમાં મા પિસાય છે. ગાંધીજી અને હરિલાલના મતભેદ એટલા માટે સપાટી પર આવ્યા
કારણ કે, ગાંધીજી જાહેરજીવનમાં હતા. ‘રાષ્ટ્રપિતા’ હતા. આખા દેશના યુવાનો જેના એક શબ્દ પર જાન
કુરબાન કરવા તૈયાર હોય, એનો પોતાનો જ દીકરો એનું કહ્યું ન માને, એનો વિરોધ કરે, ઈસ્લામ અંગીકાર
કરે, શરાબ પીએ, સેક્સવર્કરને ત્યાં જાય… આ બધું જાણીને એનાં માતા-પિતાને કેટલું દુઃખ થતું હશે, એ
સમજવાને બદલે મોટાભાગના લોકો આવી પરિસ્થિતિને ગોસિપ બનાવીને ચગાવે છે. એ તો સારું હતું
કે, ગાંધીજીના સમયમાં સોશિયલ મીડિયા નહોતું બાકી હરિલાલના કેટલા અને કેવા વીડિયો રોજેરોજ
વાયરલ થયા હોત એની કલ્પના પણ ડરાવી મૂકે એવી છે.

કોઈ એક વ્યક્તિના વિચાર, વર્તન, વ્યવહાર કે માન્યતાઓ એની પછીની પેઢીઓ સ્વીકારે જ
એવો આગ્રહ ન રાખી શકાય. એ મહાત્મા ગાંધી હોય કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ, અમિતાભ બચ્ચન હોય
કે રવીન્દ્રનાથ ટાગોર, હરિલાલ કે સામ્બ-અભિષેક બચ્ચન કે રવીન્દ્રનાથના પાંચ સંતાનોમાંથી કોઈ
સંતાનો એમનાં જ નક્શે, કદમ પર ચાલે અને એમનાં જેટલા જ સફળ કે સાચા, અદભૂત પૂરવાર થાય
એવું શક્ય છે ખરું? મહાન વ્યક્તિઓ સદીમાં એક જ વાર આવતી હોય છે. અનેક સ્ટારના પુત્ર અને
પુત્રીઓ નિષ્ફળ ગયા છે. મુલાયમસિંહ યાદવનો પોતાનો દીકરો અખિલેશ એમની વિરુધ્ધ છે. બાળ
ઠાકરેનો દીકરો જયદેવ ઠાકરે હોય કે પડોશમાં રહેતા કોઈ રમેશ, સુરેશ, મહેશભાઈનો દીકરો… આપણે
માટે એ એમનો પારિવારિક ઝઘડો છે, પરંતુ એમને માટે જીવનભર સર્ચિત સ્નેહ અને સમયની મૂડીના
ઈન્વેસ્ટમેન્ટમાંથી અપેક્ષિત રિટર્ન નહીં મળવાની પીડા!

હવે સમજવાની જરૂર એ છે કે, બદલાતી પેઢીઓ સાથે વિચારો બદલાય છે. માનસિકતા અને
અભિવ્યક્તિની રીત પણ બદલાય છે. આજે 60ની ઉંમરે પહોંચેલા પિતાને એવું લાગે છે કે, એમણે એના
પિતા સામે ઊંચા અવાજે કોઈ દિવસ વાત કરી નથી અને એમનો દીકરો એમને સામે જવાબ આપે છે…
દીકરાને લાગે છે કે, એણે પોતાની વાત મૂકવી જોઈએ, એ ચર્ચાને ‘સામા જવાબ’ તરીકે જોઈ શકતો જ
નથી! પિતાએ સંઘર્ષ કરીને પૈસા ભેગા કર્યા છે. ટીનએજમાં આવેલો કે યુવાન દીકરો આરામથી પૈસા ખર્ચે
છે ત્યારે પિતાને લાગે છે કે, ‘એને પૈસાની કિંમત નથી.’ બીજી તરફ, યુવાન દીકરો પૂરી સગવડ અને
મોઢામાં ચાંદીના ચમચા સાથે જમ્યો છે. એ પોતે તો પૈસા વાપરે જ છે, પિતાને પણ સલાહ આપે છે કે
બચાવાને બદલે મજા કરો, જીવી લો!

પેઢીઓના આ વિચારભેદને જો મનભેદ ન બનવા દેવો હોય તો દરેક માતા-પિતાએ પોતાના
સંતાન સાથે ‘વાત કરતાં’ શીખવું પડશે. સંવાદનો અર્થ બંને જણાં એકબીજાને સાંભળે… જે ઘરમાં
ખુલ્લા દિલે વાતચીત, ચર્ચા, ક્યારેક દલીલ અને એથીય આગળ વધીને ઝઘડો થઈ શકતો હોય એ ઘરમાં
પિતા-પુત્રના સંબંધો વધુ સ્વસ્થ રહી શકે છે. શર્ત ફક્ત એટલી છે કે, એ બધું મતભેદ પર અટકી જવું
જોઈએ, મનભેદ સુધી ન પહોંચવું જોઈએ.

જો આપણે એમની વાત સાંભળીશું જ નહીં, તો સમજીશું કેવી રીતે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *