હારના મના હૈ…

દેવ આનંદ અને ગુરૂ દત્ત બંને એક જ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એક જ લોકલ ટ્રેનમાં પ્રવાસ
કરતાં કરતાં દોસ્તી થઈ, બંનેને ખબર પડી કે બંનેનો રસ ફિલ્મ લાઈનમાં છે. બંને મિત્રોએ એકબીજાને
વચન આપ્યું કે, બેમાંથી જે વહેલો સફળ થશે એ બીજા મિત્રને આગળ લાવવામાં મદદ કરશે. ગુરૂ દત્ત
કરતાં દેવ આનંદ વહેલા સફળ થયા. એમની પહેલી ફિલ્મ ‘હમ એક હૈં’ (1946)માં દેવ આનંદ અને ગુરૂ
દત્ત સાથે હતા. એ પછી દેવ આનંદે લગભગ 23 ફિલ્મો પછી એમણે પોતાના બેનર (પ્રોડક્શન હાઉસ)
નવકેતન ફિલ્મ્સની શરૂઆત કરી. એમણે પહેલી ફિલ્મનું દિગ્દર્શન એમના મિત્ર ગુરૂ દત્તને આપ્યું. ગુરૂ
દત્તની વાર્તા ઉપરથી બલરાજ સહાની અને ગુરૂ દત્તે લખેલી આ ફિલ્મ ‘બાઝી’ સુપરહીટ પૂરવાર થઈ.
‘આવારા’ પછીનું સૌથી મોટું કલેક્શન અને 50ના દાયકાની ઉત્તમ ફિલ્મોમાં એનો સમાવેશ કરવામાં
આવ્યો…

દેવ આનંદ અને ગુરૂ દત્ત બંનેને ક્યાંક પોતાના પ્રણયમાં ધોખો મળ્યો. ‘હમ એક હૈં’માં દેવ
આનંદની હીરોઈન સુરૈયા સાથે એમને પ્રેમ થયો, પરંતુ સુરૈયાની મા, દાદી અને માસીઓએ એમના લગ્ન
ન થવા દીધા. સુરૈયા આજીવન કુંવારા રહ્યા અને દેવ આનંદે એમની ફિલ્મ ‘ટેક્સી ડ્રાઈવર’ની હીરોઈન
કલ્પના કાર્તિક સાથે લગ્ન તો કરી લીધા, પરંતુ ‘સુખી’ ન થઈ શક્યા. એવી જ રીતે ગુરૂ દત્ત એમની
ફિલ્મની હીરોઈન વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા. આ પ્રેમ એકતરફી હતો કે બંને એકમેકને ચાહતા હતા એ વિશે
આજે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું જ છે… અંતે ગુરૂ દત્તે 10 ઓક્ટોબર, 1964ના દિવસે આત્મહત્યા કરીને
પોતાની જિંદગી ખતમ કરી, બીજી તરફ દેવ આનંદે જીવનભર ફિલ્મો બનાવી. નવકેતન પ્રોડક્શન્સમાં 39 જેટલી
ફિલ્મો બનાવી… જીવનભર કાર્યરત રહ્યા અને પોતાની ફિટનેસ, સ્વસ્થતા માટે એક મિસાલ બન્યા!

એક જ પ્રકારની પરિસ્થિતિ, પરંતુ બે વ્યક્તિના જુદા પ્રતિભાવ. એકે જીવનને આવકાર્યું, બીજાએ
જીવનને નકાર્યું… આપણને બધાને એક યા બીજા સમયે આવી પસંદગી મળતી જ હોય છે. આપણે શું
પસંદ કરીએ છીએ એના ઉપર આપણા જીવનનો, આપણા ભવિષ્યનો અને આપણા વ્યક્તિત્વનો આધાર
રહેલો છે. નિરાશા કોને નથી મળતી? મહત્વનું એ છે કે, કેટલાક લોકો એ નિરાશાને ચેલેન્જ તરીકે
સ્વીકારે છે, પડકાર બનાવે છે અને એની સામે ઝઝૂમીને વિજેતા પૂરવાર થાય છે. કેટલાક લોકો નાની
નાની નિરાશાઓને પહાડ જેવી બનાવે છે-હારી, થાકી જઈને પોતાના જ અસ્તિત્વને, જીવનને નુકસાન
કરે છે.

અહીં સવાલ એ છે કે, મરી જવાથી સમસ્યાનો અંત આવે છે ખરો? છેલ્લા કેટલાય સમયથી
આપણે અખબારમાં આત્મહત્યાના કિસ્સા વાંચી રહ્યા છીએ, સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો
વાયરલ કરીને આત્મહત્યા કરનાર લોકોના કિસ્સા પણ હવે તો ‘ફેશન’ બની ગયા છે ત્યારે આપણે બધાએ
આપણી જાતને એક સવાલ પૂછવાનો સમય થઈ ગયો છે… આવા લોકોની સાથે દયા ખાવી કે એમને
આવા નિરાશ, હતોત્સાહ, ભગ્ન અને હતાશ થવા બદલ વઢી નાખવા?

હજી હમણા જ વ્હોટ્સએપ પર એક જોક આવ્યો હતો, એક વ્યક્તિ બીજાને પૂછે છે,
‘મોટિવેશનલ સ્પીકર એટલે શું?’ બીજી વ્યક્તિ જવાબ આપે છે, ‘ઉંદરડાને હાથીનો શિકાર કરવાની હવા
ભરે એ મોટિવેશનલ સ્પીકર…’ વાત કદાચ હસવું આવે એવી છે પણ સચ્ચાઈ એ છે કે, જો ઉંદરડો
ખરેખર નક્કી કરે તો હાથીનો શિકાર કરી શકે છે. આ વાત સમાજમાં, દુનિયામાં વારંવાર સાબિત થઈ
ચૂકી છે. સુધા ચન્દ્રન હોય કે વિલ્મા રૂડોલ્ફ, ડૉક્ટરે તો કહી જ દીધું હતું કે એ ચાલી નહીં શકે, પરંતુ એકે
નૃત્યના જગતમાં પોતાનું નામ કર્યું અને બીજી સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર અમેરિકન દોડવીર બની.
બ્લૂ સ્ટાર નામની કંપનીએ મેરેલિન મોનરોએ કહ્યું હતું કે, એ જીવનમાં ક્યારેય મોડેલ નહીં બની શકે,
એનામાં ગ્લેમર જ નથી-આજે એ નામ ગ્લેમરનો પર્યાય છે. એલ્વિસ પ્રેસ્લી નામના ગાયકને સન રેકોડ્ઝ
નામની કંપનીએ અપમાનિત કર્યો હતો. જેની પહેલી રેકોર્ડે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો…

બહારથી મળતી મદદ, મોટિવેશનલ સ્પીચ કે સેલ્ફ હેલ્પના પુસ્તકો કદાચ દિશા બતાવી શકે,
પરંતુ એ દિશામાં ચાલવું તો માણસે જાતે જ પડે છે. જિંદગી નારિયેળના ઝાડ જેવી છે, ઉપર ચડનાર
માણસને કદાચ થોડેક સુધી કોઈ સહારો આપી શકે, પરંતુ એ પછીની સફર તો એણે જાતે જ કરવાની છે.
આપણે બધા જાણે-અજાણે આપણી તકલીફ, સમસ્યા કે પ્રોબ્લેમમાં બીજા ઉપર આધારિત થઈ જઈએ
છીએ. કોઈ આવીને આપણને સલાહ આપે, મદદ કરે, આપણી નિરાશામાંથી બહાર કાઢે તો જ આપણે
નીકળી શકીએ? આપણી ભીતર પણ એક પ્રજ્જવલિત જ્યોતિ છે, કોઈ એને આત્મા કહે છે, કોઈ
ચેતના તો કોઈ પ્રજ્ઞા, એ જ્યોતિનું કામ જ આપણને માર્ગ બતાવવાનું છે, પરંતુ આપણો પ્રોબ્લેમ એ છે
કે, આપણે સતત કોઈ બીજી વ્યક્તિ પાસે ભલે ને પછી એ મિત્ર હોય, ગુરૂ હોય કે સાધુ-સંત-આપણને
લાગે છે કે આપણી સમસ્યામાં કોઈ સલાહ, કોઈ યજ્ઞ, કોઈ નંગ, જ્યોતિષ કે ટુચકા, કામણટુમણ,
વશીકરણ કે કોઈ તંત્રવિદ્યા કામ કરી જશે. આપણે બધે આશરો શોધીએ છીએ, બસ, ભીતર નથી જોતા!

વિશ્વની કોઈ પણ અંગત સમસ્યાનો જવાબ આપણી ભીતર આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે. માત્ર
એકવાર જો આપણી જાતને પૂછીએ તો આપણા તમામ સવાલોના જવાબ આપણા મનમાં જ આપણી
રાહ જોઈ રહ્યા છે.

એક ગુજરાતી ગીતની પંક્તિ છે, ‘તું તારા દિલનો દીવો થા ને… ઓરે, ઓ ભાયા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *