હમણા જ એક પુસ્તક હાથમાં આવ્યું છે. જેની 20 લાખથી વધારે કોપી વેચાઈ ચૂકી છે.
બિલી પી.એસ.લીમ નામના લેખકનું આ પુસ્તક ‘ડેર ટુ ફેઈલ’ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.
મલેશિયાના આ લેખકનું પુસ્તક 22થી વધારે ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ ચૂક્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સે
આ પુસ્તકના વખાણ કર્યા છે. જીવનની કેટલીક સાદી વાતો શીખવતું આ પુસ્તક સાઉથ ઈસ્ટ એશિયામાં
થયેલા માર્કેટ ક્રેશ પછી લખાયું છે. એ સમયે કેટલાય લોકોએ પોતાનું ઈન્વેસ્ટમેન્ટ ગૂમાવ્યું. કેટલાકે
આત્મહત્યાનો તો કેટલાકે ભાગી છૂટવાનો રસ્તો અપનાવ્યો. સીરીવાટ વોરાવેટવૂથિકુન થાઈલેન્ડમાં મલ્ટી
મિલિયનનો સ્ટોક બ્રોકર હતો. માર્કેટ ક્રેશને કારણે લાખો મિલિયનના દેવામાં ધકેલાઈ ગયા પછી
શરમાવવા કે દુઃખી થવાને બદલે એણે બેંગકોકના રસ્તા પર સેન્ડવીચ વેચવાનું શરૂ કર્યું. એ હજારો લોકો
માટે પ્રેરણા બન્યા એટલું જ નહીં, વિશ્વભરમાં 40 ટીવી અને મોટા કહી શકાય તેવા અખબારોમાં
તેમના ઈન્ટરવ્યૂ છપાયા. એવું માનવામાં આવે છે કે એ માર્કેટ ક્રેશ પછી અનેક લોકોએ સીરીવાટ પાસેથી
પ્રેરણા લઈને આપઘાત કરવાને બદલે જીવનને આગળ વધારવાનું નક્કી કર્યું.
સામાન્ય રીતે જ્ઞાતિ કે સોસાયટીમાં ‘તેજસ્વી તારલા’ઓનું સન્માન કરવામાં આવે છે.
ટ્યુશન ક્લાસ કે શાળામાં એવા લોકોના ફોટા મૂકવામાં આવે છે જેમણે ખૂબ માર્ક મેળવ્યા હોય. પુસ્તકો
પણ એવા લોકોના લખાય છે જેમની પાસે સફળતાની કોઈ કથા હોય. જેમનો સંઘર્ષ સફળતામાં જ
પરિણમ્યો હોય એવા લોકોને આપણો દેશ અને દુનિયા પૂજે છે, પ્રેરણા માને છે. ત્યારે સવાલ એ થાય છે
કે, કદાચ સંઘર્ષ કર્યા પછી પણ કોઈ વ્યક્તિ ધારી સફળતા ન પામે તો એના સંઘર્ષનું કોઈ મૂલ્ય ખરું કે
નહીં? એની હિંમત અને ટકી રહેવાની, ઝઝૂમવાની એની જિજિવિશાને આપણે પ્રેરણા તરીકે જોઈ
શકીએ કે નહીં?
બીલીલીમ લખે છે, ”આપણે એવા વિશ્વમાં પ્રવેશતા જઈએ છીએ જે જીતનારાઓને
નંબર વનને પ્રેમ કરે છે. અહીં હારનારા માટે કોઈ જગ્યા નથી. માતા-પિતા પણ એવું માને છે કે, એમના
સંતાનની કોઈ ભૂલ થવી જ ન જોઈએ, જો કદાચ સંતાન નિષ્ફળ જાય કે નાપાસ થાય તો એને માટે
સમાજ માતા-પિતાને જવાબદાર ઠેરવતા અચકાતો નથી. મોટાભાગના માતા-પિતા સંતાનની ભૂલ કે
શૈક્ષણિક અથવા વ્યવસાયિક નિષ્ફળતા માટે પોતાની જાતને જવાબદાર માને છે ત્યારે એક સવાલ એવો
ઊભો થાય છે કે કોઈ નાપાસ થાય, નિષ્ફળ જાય તો એની પાસેથી કશું શીખવાનું નથી? સત્ય તો એ છે
કે નિષ્ફળતા પાસેથી જે શીખવા મળે છે તે સફળતા પાસેથી શીખવા નથી મળતું.”
‘ડેર ટુ ફેઈલ’ એક એવું પુસ્તક છે જે, હિંમતથી હારતા શીખવે છે. આપણે પોતે જ જો
આપણા સંઘર્ષનું મૂલ્ય નહીં કરીએ કે આપણી મહેનતનું મહત્વ નહીં સમજીએ તો બીજું કોઈ એ સમજે
કે સ્વીકારે એવી આશા કેવી રીતે રાખી શકાય? આજના સમયમાં સફળતા અને સંપત્તિથી માણસને
મૂલવવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, સફળતાના દરેકના માપદંડ જુદા છે. કોઈને લાગે છે કે,
વિશ્વમાં સૌથી પૈસાવાળા વ્યક્તિ સફળ છે, તો કોઈને પાવરમાં સફળતા દેખાય છે. કોઈને વળી પોતાની
દાનવીરતા અને સત્વનો અહંકાર પોતાની સફળતા લાગે છે. તો કોઈ પોતાના જ્ઞાનને સફળતા માનીને
ઉજવે છે… જેને પૈસામાં સફળતા દેખાય છે એને જ્ઞાનનું મૂલ્ય નથી અને જેને જ્ઞાનનો, સત્વનો અહંકાર
છે એને પૈસાવાળા તુચ્છ લાગે છે! અર્થ એ થયો કે, સફળતા-નંબર વનની ક્યારેય કોઈ એક વ્યાખ્યા હોઈ
શકે જ નહીં.
આજના સમયમાં જે હરિફાઈ છે એમાં નંબર વન ઉપર કે ‘સફળતા’ ની વ્યાખ્યામાં સતત
ફિટ થઈ શકે એવું કોઈ નામ કે વ્યક્તિ અસ્તિત્વ ધરાવતું જ નથી. જે આજે સફળ છે એ કાલે નિષ્ફળ
હોઈ જ શકે છે તેમ છતાં, કોણે કેવાં કપડાં પહેર્યા છે, કોને કેવી ઓળખાણો છે અથવા કેટલું સન્માન મળે
છે એના પરથી એની સાથે સંબંધ રાખવાનો નિર્ણય મોટાભાગના લોકો કરતા હોય છે. આ પુસ્તક, ‘ડેર ટુ
ફેઈલ’ કહે છે કે, નિષ્ફળ થતી વખતે નિરાશ થવાને બદલે જે નવેસરથી શરૂઆત કરવાની હિંમત ધરાવે છે
એનું મૂલ્ય કરતાં સમાજે શીખવું જોઈએ. હારી જવામાં કોઈ નાનમ કે શરમ નથી, અગત્યનું એ છે કે
એને ‘હાર’ તરીકે સ્વીકારવાને બદલે એક નિષ્ફળ થયેલા પ્રયાસ તરીકે સ્વીકારીને નવો પ્રયાસ કરવાની
તૈયારી જે કરી શકે છે એ ચોક્કસ એક દિવસ સફળ થાય છે.
માતા-પિતા તરીકે પણ આપણા નાનકડા બાળક સાથે રમતી વખતે આપણે જાણી જોઈને
હારીએ છીએ, એને સતત જીતાડીને ‘સફળતા’ અથવા ‘પાવર’નો અહેસાસ આપણે જે ઉંમરથી કરાવીએ
છીએ એ પછી આપણું બાળક ક્યારેય ખેલદિલીથી હારતા શીખી શકતું નથી. જગતમાં એનાથી વધુ
હોશિયાર લોકો છે અને એ ક્યારેક હારી પણ શકે છે એવું જો આપણે એને બાળપણથી શીખવાડ્યું હોય
તો હારીને નાસીપાસ થવાને બદલે નવી પેઢીના સંતાનો વધુ ઊંચું નિશાન રાખી પોતાનાથી વધુ સંઘર્ષ
કર્યો હોય, મહેનત કરી હોય એવા લોકોને પોતાની પ્રેરણા બનાવીને જીવનના રસ્તા પર આગળ વધતાં
શીખી શકે.
દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ‘સફળતા’ને નજરમાં રાખવાને બદલે નિષ્ઠાપૂર્વકના પ્રયાસને
જો નજર સામે રાખ્યો હોય તો એને પોતાની પૂરી મહેનતનો સંતોષ થાય એટલું જ નહીં, જ્યારે
પ્રામાણિકતા અને નિષ્ઠાથી વ્યક્તિ પોતાના સોએ સો ટકા પ્રયાસમાં નાખી દે ત્યારે કુદરત પણ એ પ્રયાસ
કે સંઘર્ષને આવકાર્યા કે સ્વીકાર્યા વગર રહી શકતી નથી.
હારવાની હિંમત રાખીએ તો કદાચ જીતવાનો પ્રયત્ન વધુ આનંદથી કરી શકીશું…