હવે ઈન્ડિયન નેવીમાં પણ ગર્લ પાવર!

‘યે હાથ નહીં શેર કા પંજા હૈ…’ અજય દેવગન કહે છે. ‘સિંઘમ’ નામની ફિલ્મમાં એક ઈમાનદાર પોલીસ ઓફિસરની છબી ઉભી
કરીને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી કરપ્ટ અને મળતિયા પોલીસ ઓફિસરની છાપને ભૂંસવાનું કામ રોહિત શેટ્ટીએ કર્યું.
એ પહેલાં પણ ‘ઝંઝીર’થી શરૂ કરીને અનેક ફિલ્મો આવી જેમાં એક ઈમાનદાર પોલીસ અધિકારીની કથા કહેવાઈ હોય. હિન્દી
ફિલ્મોમાં પોલીસ અધિકારીઓના બે રંગ બતાવવામાં આવ્યા છે, એક, જેમાં એ ભયાનક ભ્રષ્ટાચારી, જૂઠ્ઠા અને પોતાના જ દેશ
કે સરકારને દગો દેતા હોય એવી પાત્રોનું સર્જન થયું, બીજી તરફ, જાંબાઝ અને પ્રામણિક પોલીસ અધિકારીઓની વાર્તાઓ પણ
હિન્દી સિનેમાએ કહી, જેમાં એમના પરિવારને પણ નેવે મુકીને આ અધિકારીઓએ પોતાની ફરજ પૂરી કરી હોય, વર્દીની લાજ
રાખી હોય એવા પાત્રો આપણી સામે આવ્યાં.

એવી જ રીતે બોલપટ શરૂ થયા ત્યારથી છેક ‘ઉરી’ અને ‘રાઝી’ સુધી અનેક ફિલ્મોમાં સૈન્યની સાથે જોડાયેલી પ્રામાણિકતા અને
દેશપ્રેમની કથાઓ આપણે સાંભળી છે. ‘ધ ગાઝી અટેક’ જેવી ફિલ્મો આપણને નેવીની કથા કહે છે. હજી હમણા જ રજી થયેલી
ફિલ્મ ‘રૂસ્તમ’ ઈન્ડિયન નેવીના ઓફિસર કાવસ માણેકશૉ નાણાવટીના જીવનમાં બનેલી એક ઘટના પર આધારિત હતી. એમાં
પણ ઈન્ડિયન નેવીના કેટલાક ભ્રષ્ટાચારી ઓફિસર્સની વાત કરવામાં આવી હતી.

આપણા દેશમાં ઈન્ડિયન નેવી એક ઊજ્જવળ પરંપરા છે. ભારતના સૈન્યની ત્રણ પાંખોમાં એક આર્મી, બીજું એરફોર્સ અને
ત્રીજું નેવી છે. જૂન 2019 સુધી નેવી પાસે 67,252 એક્ટિવ અને 55,000 રિઝર્વ ફોર્સના ઓફિસર હતા. 150 શીપ્સ અને
સબમરિનની સાથે 300 એરક્રાફ્ટમાં ઓક્ટોબર 2020 સુધીમાં બીજા ઘણા સંસાધનો ઉમેરાયા છે. સાગર ખેડાણનો ઈતિહાસ
6000 વર્ષ જૂનો છે. કચ્છમાં મળી આવેલી એક સાગરખેડૂની એક લોગબુકમાં ઈ.સ. પૂર્વે 2300 અને લોથલ સંસ્કૃતિનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. છેક ત્યાંથી શરૂ કરીને કલિંગ અને વિજયનગરના રાજ્યોમાં મલાયા, જાવા, સુમાત્રાથી આવતા વ્યાપારીઓનો
ઉલ્લેખ છે. 14મી અને 15મી સદીમાં ભારતમાં પોતાના જહાજ બનતા થયા. ‘મેરીટાઈમ’ સાગરખેડાણનો ઈતિહાસ કહે છે કે
ભારતીય ઈજનેરો સક્ષમ અને મજબૂત જહાજો બનાવતા હતા. લગભગ 100 વ્યક્તિને પ્રવાસ કરી શકે એવા વહાણોનો ઈ.સ.
5 અને 10માં ઉલ્લેખ છે. એ વખતે યુરોપિયનોને ભારતીય પ્રવાસીઓ દ્વારા ભારતની જાહોજલાલીની જાણ થઈ. સૌથી પહેલા
પોર્ટુગીઝ લોકો ભારત તરફ આવ્યા. 13મી શતાબ્દીના અંત સુધીમાં ભારતની નૌસેના ધીરે-ધીરે નબળી પડતી ગઈ અને
1529માં મુંબઈના હાર્બર પર થયેલા યુદ્ધમાં થાણે, કરંજા અને બાંદોરા પોર્ટુગીઝના કબજામાં આવી ગયા. 1534 સુધીમાં
પોર્ટુગીઝ લોકોએ મુંબઈ હાર્બરનો સંપૂર્ણ કબજો લઈ લીધો. એ પછી કોચિન અને દીવના દરિયામાં યુદ્ધ થયા. 17મી સદીમાં
ફરી એકવાર નૌસેના બેઠી થઈ. મુઘલો, મરાઠા અને એ પછી આવેલા શાસકોએ ભારતીય નૌસેનાને એક નવો જ ઓપ આપ્યો.
અંગ્રેજોના સમય પછી ભારતીય નૌસેનાના બે ભાગ પડ્યા. જેમાંથી કેટલાક પાકિસ્તાન રોયલ નેવી સાથે જોડાયા, બાકીના
ઈન્ડિયન નેવીનો હિસ્સો બન્યા. મે 1948માં કેપ્ટન અજિતેન્દુ ચક્રવર્તી કોમોડર બન્યા. એ વખતે હિઝ મેજેસ્ટીઝ ઈન્ડિયન
શીપનું નામ ઈન્ડિયન નેવલ શીપ પાડવામાં આવ્યા અને એના પર ફરકતા બ્રિટિશ રાજચિહ્નને ઉતારી અશોકચક્રના સિંહને
આપણી સેનાનું ચિહ્ન બનાવવામાં આવ્યું. ભારતીય વેદોમાંના ઋગ્વેદમાં વરુણ (જળના દેવ)ની આરાધના કરવામાં આવી છે.
ઈન્ડિયન નેવીના યુનિફોર્મ ઉપર પણ ‘શં નો વરુણ’ લખેલું જોવા મળે છે.

એકવીસમી સદીના ઈન્ડિયન નેવીએ ભારતની શાંતિ જાળવી રાખવામાં મોટો ફાળો આપ્યો છે. 2001-2002ના ઓપરેશન
પરાક્રમની કથાઓ હજી પણ ઈન્ડિયન નેવીને યાદ છે. 2004ના ત્સુનામી વખતે ઈન્ડિયન નેવીએ પોતાની જબરદસ્ત કામગીરી
બતાવી હતી…

આવી ઊજ્જવળ અને જબરદસ્ત પરંપરા સાથે ઈન્ડિયન નેવીએ આધુનિકતાના નવા કદમ ઉઠાવ્યા છે. 23 વર્ષ પછી ઈન્ડિયન
નેવીની વૉરશીપ (યુદ્ધજહાજ) પર 4 સ્ત્રી ઓફિસર્સને શામેલ કરવામાં આવી છે. અફનાન શેખ, ક્રિષ્મા આર, સબ લ્યુટેનન્ટ
રિતિ સિંધ અને સબ લ્યુટેનન્ટ કુમુદીની ત્યાગી. 1998 પછી પહેલી વાર યુદ્ધજહાજ (INS શક્તિ અને INS વિક્રમાદિત્ય) પર
આ લેડી ઓફિસર્સને સ્થાન મળ્યું છે. આ ભારતીય સ્ત્રી માટે ગૌરવ અને સન્માનની વાત છે. એવી જ રીતે નેવલ એવિએશનમાં
પણ બે લેડી ઓફિસર્સને શામેલ કરવામાં આવી છે, જે ઓબ્ઝવર્સ તરીકે જોડાઈ છે.

આ પહેલાં આર્મી કે નેવીમાં સ્ત્રીઓ માટે કોઈ ઊજ્જવળ કારકિર્દી નહોતી એમ કહીએ તો ખોટુ નથી. હજી હમણાં જ રજૂ
થયેલી વેબ સિરિઝ ‘ટેસ્ટ કેસ’માં કમાન્ડોની ટ્રેનિંગ માટે એક લેડી ઓફિસરનો સમાવેશ કરીને ટેસ્ટ કેસ તરીકે ઈન્ડિયન આર્મીના
પ્રયત્નની વાત કરવામાં આવી છે. ‘ગુંજન સક્સેના’ નામની એરફોર્સ ઓફિસરના જીવનને આધારે બનેલી ફિલ્મ ‘ગુંજન
સક્સેના’માં જ્હાનવી કપૂરે અભિનય કર્યો છે. એવી જ રીતે ‘કોડ એમ’ નામની વેબ સિરિઝમાં જેનિફર વિન્ડજેટને ઈન્ડિયન
આર્મીની ઓફિસર તરીકે રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય સ્ત્રીઓનું જે ચિત્ર હતું તે ધીમે-ધીમે બદલાઈ રહ્યું છે.
ઘર સંભાળતી, બાળકો ઉછેરતી કે પતિ પર આધારિત રહીને જીવતી ભારતીય નારી હવે સાચા અર્થમાં કાલી કે દુર્ગા બનીને
દુશ્મનોનો સંહાર કરતી થઈ છે. રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની’ કે તાપસી પન્નુની ફિલ્મ ‘નામ શબાના’ આવી જ જાંબાઝ
ઓફિસરની કથા છે.

ભારતની સ્ત્રીઓ પહેલાં પણ યુદ્ધ કરતી હતી. કૃષ્ણની પત્ની સત્યભામા કે દશરથની પત્ની કૈકેયી બહાદુર રાજકુમારીઓ હતી.
ભારતમાં સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખવાની પરંપરા ક્યારેય નહોતી. આ દેશની રાજકુમારીઓને અસ્ત્ર, શસ્ત્ર, રાજકારણ, ગૃહકાર્ય
અને બીજી અનેક તાલીમ આપવામાં આવતી. આપણા દેશની પરંપરા બહાદુર અને મજબૂત સ્ત્રીઓની કથા કહે છે. રાજપૂત
અને મરાઠા રાજકુમારીઓ પોતાના રાજ્યનું રક્ષણ કરી શકે એટલી સક્ષમ હતી. લક્ષ્મીબાઈ કે અહલ્યાબાઈ હોળકર, જોધાબાઈ
કે સંયુક્તાની કથા આપણે સાંભળી છે. અંગ્રેજોના આવ્યા પછી ભારતનું રાજકારણ અને રાજકીય સ્થિતિ બંને કથળ્યા. આપણી
ઊજ્જવળ પરંપરાને નેવે મુકીને આ દેશના અનેક લોકોએ પોતાની દીકરીઓને શિક્ષણ અને તાલીમથી વંચિત રાખવાની ભૂલ
કરી. એ વખતે એક અંધકાર યુગ આવ્યો. બાળવિવાહ, સતીપ્રથા અને કન્યાઓને નહીં ભણાવવાની ખોટી વાતો પર વધુને વધુ
જોર અપાવા લાગ્યું.

આપણે આપણી જ પરંપરા અને ભવ્ય વારસો ભૂલી ગયા. આપણે ભૂલી ગયા કે આપણા દેશમાં એક સીતાજી હતા જેમણે, ભગવાન
શિવના ધનુષ્યથી રમીને પોતાનું બાળપણ વિતાવ્યા પછી પતિ સાથે વનવાસમાં જવાનું શૌર્ય અને સમર્પણ દાખવ્યા હતા!

આજે આઝાદીના 75 વર્ષે આપણે ફરી એકવાર આપણી ઊજ્જવળ પરંપરાઓ તરફ પાછા ફરી રહ્યા છીએ. કન્યા શિક્ષણ મહત્વનું
બન્યું છે. પાયલોટ કે સૈનિક જેવી કારકિર્દી હવે સ્ત્રીઓ માટે પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધી નેવીમાં સ્ત્રીઓનો સમાવેશ કરવામાં
આવતો નહોતો, જે કાયદો બદલાયો પરંતુ, સ્ત્રીઓને ગ્રાઉન્ડ વર્ક અથવા ઓફિસ જોબ આપવામાં આવતી. હવે, પહેલીવાર
આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે 8 માર્ચ 2021ના દિવસે ભારતીય નૌસેનામાં યુદ્ધજહાજ પર લેડી ઓફિસર્સનો સમાવેશ કરાયો છે.
ભારતીય સુરક્ષા બળોમાં હવે ત્રણેય પાંખમાં સ્ત્રીઓને આવકાર મળ્યો છે ત્યારે, આ ચાર ઓફિસર્સની જવાબદારી વધી છે. એમણે
બીજી સ્ત્રીઓ માટે રસ્તા ખોલવાના છે. નૌસેનામાં પ્રવેશ કરનારી એમના પછીની ઓફિસર્સ માટે એમણે દાખલો પૂરો પાડવાનો છે…

આપણે જ્યારે કરીના કપૂરના નવા લુક્સ વિશે કે સૈફ અલી ખાનની SUVના ટેસ્ટ ડ્રાઈવ વિશે ચર્ચા કરીએ, આલિયા અને રણબીર
પરણશે કે નહીં એની માથાઝીંકમાં આપણો સમય બગાડીએ ત્યારે એટલું કહેવાનું મન થાય કે એક ભારતીય નાગરિક તરીકે આ ચાર સેલિબ્રિટી સ્ત્રીઓ વિશે જાણવું એ આપણી ફરજ છે.