હીરો અને એન્ટિ હીરોઃ રોમેન્સ અને હિંસા હવે હાથ પકડીને ચાલે છે

હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ અને થોડા વખત પહેલાં આવેલી ‘કબીર સિંઘ’ જેવી
ફિલ્મોએ આપણી સામે એક એવા હીરોની છબી ઊભી કરી જે ‘સિનેમાના હીરો’ની ઈમેજ કરતાં
સાવ જુદી હતી. પ્રેક્ષકોએ આ બંને ફિલ્મોને ખૂબ આવકારી… એક રીતે જોઈએ તો નવાઈ લાગે તેમ
છતાં, જય વસાવડાએ પોતાના લેખમાં જેને ‘દેશી’ કહીને વખાણી તેવી છબી આપણને ગમવા લાગી
છે ! એક સમય હતો જ્યારે રાજેન્દ્રકુમાર, ભારત ભૂષણ અને બિશ્વજીત જેવા ગર્લિશ હીરોની ફિલ્મો
‘સિલ્વર જ્યુબિલિ’ કરતી. એ જમાનાની છોકરીઓને પણ નમ્ર, સરળ અને થોડા સ્ત્રૈણ પુરૂષો ગમતા.
એ સમયની છોકરીઓ કદાચ આવા પુરૂષો સાથે વધુ સેફ ફીલ કરતી હશે !

એ પછી રાજ, દેવ અને દિલીપની ત્રિપુટી આવી. એક રીતે જોવા જઈએ તો ત્રણેયની ફ્લેવર
જુદી, પણ સિનેમાની દૃષ્ટિએ જોઈએ તો સમજાય કે ત્રણેય હીરોએ પોતાની આગવી ‘ઈમેજ’ ઊભી
કરી. દિલીપકુમારે ટ્રેજેડી કિંગ, રાજ કપૂરે ચાર્લી ચેપ્લિન બનીને ગરીબ અને અભાવ સાથે જીવતા
એક આખા વર્ગનું પ્રતિનિધિત્વ કર્યું. એક એવા હીરોની ઈમેજ ઊભી કરી જેનામાં માનવસહજ
નબળાઈ હોઈ શકે ને ત્રીજા દેવઆનંદે રોમેન્ટિક હીરોની ઈમેજ ઊભી કરી… આ ત્રણ જણાંની
કારકિર્દી શીખર પર હતી ત્યારે ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂરનું આગમન થયું. ફિલ્મો બદલાઈ, ફિલ્મોની
વાર્તા અને સંગીત બદલાયાં. હેલનજી સાથે કેબ્રે પ્રવેશ્યો (આજે તો હવે નાયિકા જ આઈટમ સોન્ગ
કરે છે) અને પછી સુનિલ દત્ત, ધર્મેન્દ્ર, રાજકુમાર જેવા મર્દાના હીરોનો સમય શરૂ થયો.

જોકે, આ બધા હીરો સોહામણા અને દેખાવડા તો હતા જ. રાજેશ ખન્ના એક સુપરસ્ટાર
બનીને આવ્યા. એમણે નવા વિષયની વાર્તાઓ અને નવી નાયિકાઓને પોતાની સાથે જોડીને ફિલ્મી
દુનિયાને રોમેન્સના રવાડે ચડાવી… એમની પાછળ અમિતાભ બચ્ચન આવ્યા. ફરી એકવાર મર્દાના
અવાજ અને પીડિત, શોષિત, શ્રમિક વર્ગની કથા લઈને એમણે એન્ગ્રી યંગમેનની ઈમેજ બનાવી.

ફિલ્મી દુનિયામાં ઈમેજ અનિવાર્ય હતી. હવે એવું નથી. વિલનનો રોલ કરનાર કેરેક્ટર
આર્ટિસ્ટ કોમેડી પણ કરી શકે છે. સીરિયસ અને સમજદાર ગંભીર રોલ પણ ચરિત્ર અભિનેતાના
ભાગે આવતા થયા છે, પરંતુ પહેલાં ‘સાગર’ (રમેશ સિપ્પી) જેવી ફિલ્મમાં વિલનનો રોલ કરનાર
શફી ઈનામદારે ‘યે જો હૈ જિંદગી’ (સીરિયલ) કરીને પોતાની કારકિર્દી ગૂંચવી નાખી. એ સમયે વિલન
અને ‘ગુડ મેન’ વચ્ચે એક દીવાલ હતી, પરંતુ અમરીશ પૂરીએ એ દીવાલ તોડી… પરેશ રાવલ, બમન
ઈરાની અને પંકજ ત્રિપાઠી જેવા અનેક ચરિત્ર અભિનેતાઓએ આ ‘ઈમેજ’ની વ્યાખ્યાને સાવ ભૂંસી
નાખી.

કોઈપણ વ્યક્તિએ એકવાર એક કામ કર્યું, એ સફળ થયું, તો એને એ જ ‘ઈમેજ’માં બંધાઈ
રહેવું પડે એવી સિનેમાની દુનિયાની માન્યતાને આમીર ખાન કે સૈફ અલી જેવા ગઈ પેઢીના અને
આજના નાયક રણવીરસિંહે સાવ ભૂંસી નાખી. ‘બાજીરાવ’, ‘ગલી બોય’, ‘પદ્માવત’ અને ’83’માં
આપણને ચાર જુદા રણવીરસિંહ જોવા મળ્યા છે. આજના સિનેમા અને ઓટીટી પ્લેટફોર્મે એક મેકર
(દિગ્દર્શક, નિર્માતા, લેખક)ને ઘણી સ્વતંત્રતા આપી છે. એક વ્યક્તિ પોતાની મરજીની કથા કહી શકે,
પોતાને ગમે તેવું સિનેમા કે વેબ પ્રેક્ષક સુધી પહોંચાડી શકે એવી જુદા જ પ્રકારની ક્રિએટિવ લિબર્ટી
જે આજના મેકર પાસે છે તે હમણાં સુધી નહોતી.

એન્ટિ હીરો અથવા એક નાયક ન કરે તે બધું જ કરતાં પાત્રને જ્યારે હીરો બનાવીને રજૂ
કરવામાં આવે ત્યારે નવી પેઢીનું યૂથ, યુવાવર્ગ એને એટલા માટે આવકારે છે કારણ કે, એમની ભીતર
રહેલી આ બધું કરવાની ઝંખનાને આવો હીરો ‘સપોર્ટ’ કરે છે. અમિતાભ બચ્ચનની કારકિર્દીમાં પણ
એમ જ બન્યું. આઝાદ ભારતનો યુવાવર્ગ 26/30 વર્ષનો થયો હતો. આઝાદી સાથે પોતાના સંતાનો
માટે જોયેલા સપનાં પૂરાં થશે એમ માનીને રાહ જોઈ રહેલા માતા-પિતા તો નિરાશ થયા જ હતા,
પરંતુ યુવાવર્ગ પણ બેરોજગારી, ગરીબી અને વર્ગવિગ્રહથી પીડાવા લાગ્યો હતો. એને કારણે
અમિતાભ બચ્ચન જ્યારે અમીરવર્ગ અને અન્યાયનો વિરોધ કરતો ‘હીરો’ બનીને પ્રવેશ્યા ત્યારે
યુવાવર્ગને એ ‘હીરો’માં પોતાનું પ્રતિબિંબ દેખાયું… આજે ‘પુષ્પા’ કે ‘કબીર સિંઘ’ ને મળેલા આવા
અપૂર્વ આવકારનું કારણ પણ કદાચ એ જ છે ! હર્ષદ મહેતાની કથા સફળ થઈ કારણ કે, ત્રણ પેઢીને
એ ‘સ્કેમ’ જાણવામાં રસ હતો. ‘ટેસ્ટ કેસ’ કે ‘ગુંજન સકસેના’ને બદલે ‘એક થી બેગમ’ અને ‘શી’ વધુ
સફળ થાય છે કારણ કે, આપણને હવે આવી ‘ડાર્ક’ કથાઓ ગમવા લાગી છે. અન્યાયનો વિરોધ કરવા
માટે અવાજ નહીં, હથિયાર ઉઠાવવા પડશે એવી માનસિકતા ધીમે ધીમે ડ્રીપ ઈરિગેશનની જેમ યુવા
મગજમાં દાખલ થઈ રહી છે. આ ભયજનક છે.

એની સામે ‘શેરશાહ’ છે… ચોવીસ વર્ષના એક શહીદની કથા. ’83’ છે, અંગ્રેજી નહીં બોલી
શકવાની પોતાની નબળાઈને સ્વીકારીને હસી પડતા, એ જ ઉંમરના કપિલ દેવની કથા જેણે ભારતને
પહેલો વર્લ્ડકપ જીતાડવામાં પોતાનો જીવ રેડી દીધો… આ બંને ફિલ્મો પણ સફળ થઈ કારણ કે,
યુવાવર્ગમાં એક જુદા જ પ્રકારની દેશભક્તિ અથવા સાચું કહીએ તો પ્રામાણિક દેશપ્રેમ છે. આજનો
યુવાવર્ગ બે ભાગમાં વહેંચાઈ ગયો છે, કદાચ ! એમને કાં તો આ દેશ માટે માન છે, અને કાં તો આ
દેશ છોડી જવાનું એમણે નક્કી કરી લીધું છે.

આજનો યુવાવર્ગ કોઈ ઈમેજમાં બંધાવા માગતો નથી. 90 પછી જન્મેલી આખી પેઢીમાં
મોટાભાગના સંતાનો મલ્ટી ટેલેન્ટેડ છે. એમનામાં એક કરતાં વધુ આવડત છે. સંગીતની સાથે
સાયન્સ કે પેઈન્ટિંગની સાથે ફિઝિક્સની એમને નવાઈ નથી. મેડિસિન ભણતો છોકરો સારો
ફોટોગ્રાફર હોઈ શકે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણતી છોકરી કોઈ એનજીઓમાં પોતાનો વધારાનો
સમય પસાર કરતી હોય… આનું કારણ કદાચ એ છે કે, 90 પછી જન્મેલા યુવાવર્ગ પાસે ‘કારકિર્દી’ના
નામે માત્ર ‘કમાવું’ એવી જરૂરિયાત રહી નહીં ! એમના માતા-પિતાએ એમના ભવિષ્ય સુરક્ષિત કર્યા
કારણ કે, (મોટેભાગે) 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા પાસે પોતાના ભવિષ્ય માટે એવી કોઈ
સુરક્ષિતતા નહોતી…

હવેની પેઢી જે સિનેમા કે ઓટીટી જુએ છે એ બધા ‘એન્ટિ હીરો’ને હીરો બનાવવાનો પ્રયાસ
છે. ‘મિરઝાપુર’ કે ‘રંગબાઝ’ જેવી અનેક વેબસીરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર અન્યાય અને ભ્રષ્ટાચાર
સામેના વિરોધમાં હિંસાને સમર્થન આપે છે. બીજી તરફ એલજીબીટીક્યૂને માન્યતા આપવાનું કામ
વિદેશી ઓટીટી પ્લેટફોર્મ જોરશોરથી કરી રહ્યું છે. નવી પેઢી માને છે કે, દરેકને પોતાની રીતે
જીવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જે ગમે તે જ પહેરવું, ખાવું, પ્રેમ કરવો, ભણવું કે કામ કરવું એ
નવી પેઢીનો સિધ્ધાંત છે. એમને આવા ‘એન્ટિ હીરો’ ગમે છે કારણ કે, એ સૌએ પોતાના માતા-
પિતાને સતત ‘સમાધાન’ કરતાં જોયાં છે.

‘ઝુકેગા નહીં’ કહેતા પુષ્પા… પુષ્પરાજને તાળીઓથી વધાવી લેવામાં આવે છે કારણ કે, નવી
પેઢીને હવે ‘નહીં ઝુકવાનું’ પોષાય એમ છે. એમના માતા-પિતાએ પોતાના સંતાનોના ભવિષ્યને
સુરક્ષિત કરવા માટે ખૂબ સમાધાન કર્યાં જેમાં નોકરી, ધંધો, ભ્રષ્ટાચાર, લગ્નજીવન ટકાવવા માટેના
સમાધાનથી શરૂ કરીને સમાજમાં એક ઈમેજ જાળવી રાખવાના વ્યર્થ પ્રયાસ સુધી દરેક બાબતમાં એ
પેઢી ઝૂકતી રહી. જેને ચાહે છે તેને પામી ન શક્યાનો વસવસો (માતા-પિતા, સમાજ, આર્થિક સ્થિતિ
કે જવાબદારીને કારણે) આ નવી પેઢીએ પોતાના માતા-પિતાની આંખોમાં જોયો છે.

95 પછીની આખી પેઢી પ્રમાણમાં વિદ્રોહી અને બેફિકર છે. એમને બ્રાન્ડ્સ ગમે છે, પરંતુ
એના વગર ચલાવી લેવામાં આ પેઢીને ખાસ વાંધો આવતો નથી. એમને સગવડો જોઈએ છે, પરંતુ
એ સગવડ આપતાં (પ્રોવાઈડ કરતાં) માતા-પિતાની સલાહ એ સગવડ સાથે એમને સ્વીકાર્ય નથી. જે
માતા-પિતાએ એમનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કાળી મજૂરી કરી છે એ માતા-પિતાની જીવનશૈલી
કે એમની મહેનત વિશે બે વાક્ય ઘસાતા બોલી નાખવામાં આ પેઢીને ભય કે સહાનુભૂતિ થતી નથી.
જે માતા-પિતાએ ‘સ્વંત્રતા’ અને ‘શિક્ષણ’ના નામે પોતાના સંતાનને જુદું વિચારતાં શીખવ્યું કે
પોતાની સાથે દલીલ કરવાનો અધિકાર આપ્યો એ માતા-પિતા હવે કદાચ પસ્તાય છે, કારણ કે એમણે
આપેલા અધિકાર, સુરક્ષિત ભવિષ્ય અને સ્વતંત્રતાનો દુરુપયોગ એમને અનુભવવો પડે છે. ફાટેલા
જીન્સ, ચોળાયેલા કપડા, વધેલી દાઢી કે નાહ્યા ધોયા વગરના ગંધારા દેખાવામાં કદાચ ‘દેશીપણા’
કરતાં વધુ ‘વિદેશીપણું’ છે !

એક જમાનામાં ‘હિપ્પી કલ્ચર’ ભારતમાં પ્રવેશ્યું હતું… આજે ફરી એકવાર ચોખ્ખા કે સારા
નહીં દેખાવામાં, ફાટેલા કપડા પહેરવામાં કે ‘એટિટ્યૂડ’ના નામે તોછડાઈ કરવામાં આ પેઢીને ‘હીરો’
દેખાઈ રહ્યો છે ! સવાલ જુનવાણી કે, રૂઢિચુસ્ત હોવાનો નથી… સવાલ છે, નવી પેઢીને આપણે શું
બનાવવા માગીએ છીએ એ નક્કી કરીને એમને સાચા ‘હીરો’ની ઈમેજ પ્રોવાઈડ કરવાનો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *