જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેક
ફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છે
અને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારે
પ્રશ્ન થાય છે કે, શું બધું જ વ્યર્થ થવા માટે જન્મે છે? “
આ જિંદગી પણ એવી જ રીતે એક દિશામાં વહે છે. જીવનથી મૃત્યુ તરફ… આપણે ભલે સુખ તરફ દોટ
મૂકીએ, પણ પીડા તો આપણી સાથે જ પ્રવાસ કરે છે. સુખ અને દુઃખ એકબીજાનો હાથ પકડીને સાથે જ ચાલે
છે. ગમે તેટલા આનંદનો કલાક 60 મિનિટથી લાંબો નથી… દુઃખનો કલાક પણ એ જ અવધિનો છે, પરંતુ
સુખની પ્રતીક્ષામાં લાંબો લાગે છે. આ જિંદગી ઈશ્વરે નથી બનાવી, માણસે પોતે જ પોતાની જિંદગીને ગૂંચવી
નાખી છે. નદી પોતાના જળને સંચિત નથી કરતી, વહેવા દે છે, એવા વિશ્વાસ સાથે કે આવતે વર્ષે ફરી મીઠું
પાણી ઉમેરાશે.
માણસ કેટલું સંચિત કરે છે! આજે છે તે આવતીકાલે નહીં હોય, એ માણસનો સૌથી મોટો ભય છે.
ઈશ્વર તો વિશ્વાસ આપે જ છે, ખરી ગયેલા પાંદડા ફરી ઉગાવીને, વહી ગયેલું પાણી ફરી ઉમેરીને, આથમેલા
સૂરજ પછી સૂર્યોદય આપીને… માણસનો વિશ્વાસ ખૂટ્યો છે એટલે શ્વાસનો બોજ લાગે છે.
હરિફાઈ સતત ચાલે છે, ભીતર અને બહાર! આપણે સૌ અન્યની સરખામણીએ સુખી કે દુઃખી છીએ.
‘સુખ’ અને ‘સગવડ’ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છીએ. ગમે તેટલી સગવડ, સુખ આપી શકતી નથી, પરંતુ થોડુંક
સુખ હોય તો સગવડનો અભાવ સાલતો નથી. સુખ એટલે, જે ‘છે’ તેને માણી શકવાની આવડત.
સાચું પૂછો તો નવી પેઢી વધુ પ્રેક્ટીકલ અને પ્રામાણિક લાગે છે. એમને બધું આજે જ કરી લેવું છે!
એમની જીવવાની ઝડપ અને જીવનશૈલી એવાં છે જેમાં આવતીકાલ માટે કોઈ જગ્યા જ નથી. ‘ક્ષણમાં જીવો’
નવી પેઢી કહે છે! એમને લગ્ન નથી કરવાં, સંતાન નથી જોઈતાં, પૈસા કમાવવાના ટૂંકા રસ્તા જોઈએ છે અને
સ્વાસ્થ્યની ‘ચિંતા’ નથી… એક આખી પેઢી ‘આજ’માં જીવે છે, અને એક આખી પેઢી હજીયે ગઈકાલના
અફસોસ અને આવતીકાલની ચિંતામાં ‘આજ’ને ગૂમાવી રહી છે.
અથર્વવેદ કહે છે, ओजः कृष्व सं गृभाय। પુરુષાર્થ કરીને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. એમાં
પરમતત્વના સંવાદમાં કહ્યું છે, कृतं में दक्षिणे हस्ते जयो मे सव्य आहितः। પુરુષાર્થ અથવા પ્રયાસ
મારા જમણા હાથમાં છે અને વિજય મારા ડાબા હાથમાં છે, પરંતુ આ વિજય કે પરાજય, આશા કે નિરાશા,
જીત કે હાર અંતે શું છે? જિંદગીની કેટલીક ક્ષણો, માત્ર! આ ક્ષણો અનુભૂતિ છે, જીવન નથી. આપણે જીવન
ભૂલીને એના નાના નાના ટૂકડા ઉપર આપણા અસ્તિત્વને ટેકવીને જીવતા થઈ ગયા છીએ. સમગ્રને ભૂલીને અંશ,
પૂર્ણને ભૂલીને અપૂર્ણને સત્ય માની બેઠા છીએ. પીડા અધૂરપની છે. જે ‘નથી’ એને મેળવવાનો પ્રયાસ જીવન
નથી, બલ્કે જે છે તેને માણવું, એ માટે પરમતત્વનો આભાર માનીને આવતીકાલે જે મળશે એનો સ્વીકાર કરવો
એ જ સાચું જીવન છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) કહે છે કે, 2020માં 1.53 લાખ, 2021માં 1.78
લાખ અને 2021માં 2.1 લાખ કુલ આત્મહત્યા નોંધાઈ છે-2022ના આંકડા હજી આવવાના બાકી છે! હજી
થોડા જ દિવસ પહેલાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે પોતાની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા કરી, એમણે
પોતાના મૃત્યુ પહેલાં મેસેજ મોકલીને પોતાના આત્મહત્યાની જાહેરાત કરી હતી. એ પહેલાં આયેશાએ વીડિયો
બનાવીને પોતાનો મેસેજ વહેતો મૂકી આત્મહત્યા કરી હતી. નવાઈની વાત એ છે કે, આવા લોકો સ્વસ્થતાપૂર્વક
સંદેશો રેકોર્ડ કરી શકે, મેસેજ મોકલી શકે, તો જિંદગીનો સામનો કેમ ન કરી શકે?
મૃત્યુ સૌને આવવાનું છે, પરંતુ જે લોકો હારીને-થાકીને-નિરાશ થઈને મૃત્યુનો રસ્તો અપનાવે છે એ
લોકો પોતાની પાછળ એક એવો સંદેશો મૂકી જાય છે જે બીજા લોકોને પણ એ રસ્તે જવા ઉશ્કેરે છે. આ
દુનિયામાં એવું કોઈ નથી જેને તકલીફ ન હોય, સમસ્યા ન હોય. સ્વયં ઈશ્વર જ્યારે માણસ સ્વરૂપે અવતરે છે
ત્યારે એમણે કૃષ્ણ તરીકે માતાનો, પ્રેમિકાનો અને ગોપ-ગોપીઓનો વિયોગ સહેવો પડે છે. રામને પત્નીનો વિયોગ
સહેવો પડે છે. શિવના ખભે સતીનું શબ છે… તો માણસની હેસિયત શું?
રાલ્ફ ઈમર્સન નામના એક કવિએ લખ્યું છે, ‘માણસ જ્યારે પીસાય છે, ભીંસાય છે, હારે છે ત્યારે એની
પાસે કશું શીખવાની તક ઊભી થાય છે. એના અસ્તિત્વ સામે સવાલ ઊઠે છે ત્યારે એણે એ અસ્તિત્વને પૂરવાર
કરવાની મહેનત કરવી પડે છે. એ પોતાની અજ્ઞાનતા અને ઘેલછાના અભિમાનમાંથી બહાર નીકળીને નમ્રતા અને
સાચી આવડત, જ્ઞાન તરફ જઈ શકે છે.’ મૃત્યુ પછી અંધકાર છે. જીવન તો હમણા છે, અને એને સુધારવાની તક
પણ આપણી પાસે છે જ. જે લોકો આત્મહત્યા કરે છે એ પરિસ્થિતિને બહેતર બનાવવાની તક ખોઈ બેસે છે.
ખાસ કરીને, યુવાન વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે છે, ત્યારે એ પોતાની જવાબદારી અને ફરજોથી
ભાગે છે. જે માતા-પિતાએ પ્રેમ અને સંઘર્ષથી સંતાનને ઉછેર્યું હોય એ માતા-પિતાને વૃધ્ધાવસ્થામાં એકલાં મૂકીને
જે ભાગી છૂટે છે એ કાયર છે, અહેસાન ફરામોશ છે. બેજવાબદાર અને બેઈમાન પણ છે.
ઉપકોસલ કામલાયન નામનો એક વિદ્યાર્થી પોતાના ગુરૂદેવ સત્યકામ જાબાલને પૂછે છે, ‘સર્વજ્ઞાનનો
એક જ મંત્ર કયો છે?’ ત્યારે એને ગુરૂ ઉત્તર આપે છે, ‘સોડહમસ્મિ’. આત્મા અને પરમાત્માની એકતા અહીં
પ્રગટ થાય છે. સ એટલે બ્રહ્મ, અહમ્ એટલે આત્મા અને અસ્મિ એટલે છું… હું જ બ્રહ્મ છું. સ્વયંમાં જે ઈશ્વરને
જુએ છે એ ક્યારેય જીવનનું અવમૂલ્યન કરતા નથી. ઈશ્વરમાં જરા જેટલી આસ્થા હોય તો એવી ખાતરી રાખવી
જોઈએ કે, એક જ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. ઋતુની જેમ પરિસ્થિતિ પણ બદલાય છે.
મૃત્યુ અનિવાર્ય છે, પણ એને આમંત્રણ આપવાનું કોઈ કારણ નથી! જે જીવનનું મૂલ્ય સમજી શકે છે એ
ક્યારેય એને વેડફી કે ફેંકી દેતા નથી. જે જીવન આપણે જાતે મેળવ્યું નથી એને આપણે કેવી રીતે નષ્ટ કરી શકીએ?