હું ખોટા પુરુષને નહીં, ખોટા શહેરને પરણી હતી.

કાશ! મને એવું સમજાયું હોત કે હું એક મહોરું માત્ર હતી. આઈપીએલની શતરંજ ખૂબ મોટી હતી. મારી સમજણ અને પહોંચ
બંને એના માટે ઘણા ટૂંકા પડ્યા. મેં આઈપીએલનું બિડિંગ કરીને એમની પ્રોક્સી (એમને બદલે) કરી. ત્યારે, મને કલ્પના પણ
નહોતી કે આવડી મોટી રકમ માટે શશી થરૂર ફક્ત મારો ઉપયોગ કરી રહ્યા છે. એ વખતે મેં માની લીધેલું કે હું શશી થરૂરને જેટલો
પ્રેમ કરવા લાગી છું, એટલો જ પ્રેમ એ પણ મને કરે છે.

નામ : સુનંદા પુષ્કર
સ્થળ : # 345, લીલા પેલેસ હોટેલ, ચાણક્યપુરી, દિલ્હી.
સમય : 2014
ઉંમર : 49

આ દુનિયામાં જન્મ લેવો તે આપણા હાથમાં નથી હોતું. ક્યાં, ક્યારે જન્મ લેવો એ નક્કી કરવાનો અધિકાર પણ આપણને નથી
જ મળતો, પરંતુ આપણી આસપાસ જે પરિસ્થિતિ હોય એમાં જીવવું કે નહીં એ નક્કી કરવાનો અધિકાર તો આપણો જ હોય છે.
હું એટલું જાણતી હતી કે જે સંજોગોમાં હું મૃત્યુ પામીશ તે પછી દેશના અખબારો, મારા પતિ, શશી થરૂર ઉપર જાતભાતના
આરોપો કરશે. એ વખતે સરકાર બદલાવાના ભણકારા પણ સંભળાઈ રહ્યા હતા. આ પહેલા એક વાર શશી થરૂર રાજીનામું આપી
ચૂક્યા હતા, આઈપીએલનો વિવાદ હજી શમ્યો નહોતો… એવા સંજોગોમાં જો મારું શંકાસ્પદ મૃત્યુ થાય તો શશી થરૂરની
રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જાય, એની મને ખાત્રી હતી.

મેં ઘણું વિચાર્યું હતું, સાચુ પૂછો તો આત્મહત્યા કરવી છે, એવો સ્પષ્ટ નિર્ણય નહોતી કરી શકી. બહું જ અકળાયેલી અને
ચિડાયેલી હતી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે અમારા લગ્નના આવા સ્વપ્ન જેવા સંબંધ પછી શશીના જીવનમાં કોઈ સ્ત્રી પ્રવેશ
કરશે! અમે સાચે જ બહુ ખુશ હતા.

મારા બીજા પતિ, સુજીતના મૃત્યુ પછી 1997 મારા દીકરાને નાનકડો કમ્યુનિકેશન ડિસઓર્ડર થયો. હું મારા દીકરા શિવ મેનનને
લઈને તેની ટ્રીટમેન્ટ માટે કેનેડા શિફ્ટ થઈ. ખાસા સમય સુધી મેં સાન ફ્રાન્સિસ્કો, મયામિ અને એમસ્ટરડેમ અને જીનિવામાં
કામ કર્યું. હું કેનેડિયન પાસપોર્ટ સાથે ફરી પાછી દુબઈ આવી, ત્યારે મારી પાસે દુબઈમાં પામ જુમેરાહ ઉપર ઘર લેવાના પૈસા
જમા થઈ ચૂક્યા હતા…

એ વખતે હું શશીને મળી. આમ, તો અમારી ઓળખાણ એક પાર્ટીમાં થઈ હતી, પરંતુ તે પછી અમારી મિત્રતા વધતી ગઈ.
2010માં આઈપીએલના બિડિંગમાં શશીએ મને કંપનીની ડિરેક્ટર બનાવીને 18 દિવસમાં આઈપીએલના બિડિંગ માટે તૈયાર
કરી. એના ઉપર આક્ષેપ હતો કે, એણે પોતાની મિનિસ્ટરની ખુરશીનો દુરુપયોગ કરીને લગભગ 70 કરોડનું કૌભાંડ કર્યું. લલિત
મોદીએ પહેલાં અમારી મદદ કરી અને પછી એમણે ટ્વિટર ઉપર લખી નાખ્યું, “એમણે મને કહ્યું હતું કે રેન્ડેવુઝ નામની કંપની
કોની માલિકીની છે એની તપાસમાં મારે પડવું નહીં.” (એમણેનો અર્થ અહીં શશી થરૂર થાય છે.) 2009માં સ્થપાયેલી આ
કંપની, “રેન્ડેવુઝ”ની સામે બિડિંગમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, સુબ્રતો રોય અને ગુજરાતના અદાણી ગૃપ જેવા લોકો હતા,
જેની સામે 333 મિલિયન ચૂકવીને રેન્ડેવુઝ જીતી ગઈ.

એ પછી તહેલકા ગૃપ દ્વારા જ્યારે આ ન્યૂઝ બજારમાં આવ્યા એના આગલા દિવસે હું આખો દિવસ તેમની ઓફિસમાં હતી.
તહલકાએ છેડેલા આ વિવાદ માટે મને જવાબદાર ગણાવવામાં આવી. આ આરોપો પછી મેં કોચી ટીમમાં મારો જે શેર હતો એને
છોડવાની જાહેરાત કરી પરંતુ BCCIના નિયમો મુજબ હું એ પોસ્ટ છોડી શકું તેમ નહોતી. એ જ વખતે નરેન્દ્ર મોદીએ ટ્વિટર
ઉપર અમારી કંપની અને બીજી જાણકારી રજૂ કરતા એવી કમેન્ટ કરી કે, ‘70 કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ શશી થરૂરને પોસાય’… એ
પછી શશી થરૂરે જવાબ આપ્યો, “પ્રેમની કોઈ કિંમત નથી હોતી.” આ બધા વિવાદ પછી ઓગસ્ટ 2010માં અમે લગ્ન કર્યા. એ
દિવસે ઓણમ હતી, અમે શશી થરૂરના ગામ થિરુવંતપુરમ જઈને લગ્નની વિધિ કરી. મીડિયાએ એ વખતે અમને ખૂબ પ્રસિદ્ધિ
આપી. ખૂબ જ થોડા ફક્ત 150 લોકોની હાજરીમાં જ્યારે આ લ્ગન થયા ત્યારે મને લાગ્યું કે મારા જીવનના તમામ સવાલો અને
સમસ્યાનો અંત આવી ગયો છે.

એ પછી અમારા મિત્ર પ્રકાશ ભોજવાનીના દુબઈમાં આવેલા વિલામાં અમે કશ્મીરી વિધિથી પરણ્યા. જિંદગી જાણે એક સ્વપ્ન
જેવી થઈ ગઈ. કાશ! મને એવું સમજાયું હોત કે હું એક મહોરું માત્ર હતી. આઈપીએલની શતરંજ ખૂબ મોટી હતી. મારી
સમજણ અને પહોંચ બંને એના માટે ઘણા ટૂંકા પડ્યા. જો કે, એટલું તો હું જાણતી જ હતી કે આઈપીએલ બહુ મોટા પૈસાની
હેરાફેરી માટે વપરાય છે. શશીને મળી તે પહેલાં કલકત્તા નાઈટ રાઈડર્સ માટે આવા જ પ્રકારની ઓફર મને કરીમ મોરાની તરફથી
પણ મળી હતી. શશી મને ગમવા લાગ્યા હતા. હું એમની સાથે થોડી વધુ નજીક આવી ગઈ હતી, અને એના કહેવા પ્રમાણે મેં
આઈપીએલનું બિડિંગ કરીને એમની પ્રોક્સી (એમને બદલે) કરી. ત્યારે, મને કલ્પના પણ નહોતી કે આવડી મોટી રકમ માટે શશી
થરૂર ફક્ત મારો ઉપયોગ કરી રહ્યા છે. એ વખતે મેં માની લીધેલું કે હું શશી થરૂરને જેટલો પ્રેમ કરવા લાગી છું, એટલો જ પ્રેમ એ
પણ મને કરે છે. કદાચ એટલા માટે એ મારી આર્થિક સલામતીની વ્યવસ્થા કરી રહ્યા છે. જો કે, એવું નહોતું એની ખબર પડી
ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

હું જ્યારે શશીને ડેટ કરતી હતી ત્યારે, મીડિયાનું બધું જ ધ્યાન મારા પર હતું. પાપારાઝી અમારા પીછો છોડતા નહીં. મારે શશીને
મળવા માટે ખૂબ સાવચેતી રાખીને કોઈના ઘરમાં કે હોટેલના રૂમમાં પણ સાવધાનીથી મળવું પડતું. મને આજે સમજાય છે, કે
મારી સાથેના લગ્ન એ શશી થરૂરના સ્કેમની એક વ્યવસ્થા ખાતર જ કરવા આવ્યાં હતા. લગ્નના બીજા જ વર્ષે મને આ સત્ય
સમજાઈ ગયું. મીડિયાની નજરમાં એક આદર્શ યુગલનો અભિનય ચાલુ રાખ્યો પણ શશી સાથેના મારા સંબંધો તણાવપૂર્ણ થવા
લાગ્યા હતા. અમારી વચ્ચે ખૂબ ઝગડા થતા, જેનો સાક્ષી અમારા ઘરનો નોકર નારાયણ અને અમારા ડ્રાઈવર બજરંગી હતા.
આજે મારે એવું કબૂલ કરવું જોઈએ કે આઈપીએલ કોન્ટ્રોવર્સી પછી મારા મિત્ર વિજયપત સિંઘાનીયાએ મને સાવચેત કરી હતી
કે મારે કે, શશી થરૂર સાથે લગ્ન ન કરવા જોઈએ… પરંતુ ત્યારે હું પ્રેમમાં પાગલ હતી, કોઈનું પણ સાંભળવા તૈયાર નહોતી.

એ પછીના બે વર્ષ અમે દિલ્હીના પાવર કપલમાં ગણાતા હતા. અમને બોલીવુડ, રાજનીતિ અને બિઝનેસના એકદમ અંગત
વર્તુળોમાં આમંત્રણ મળવા લાગ્યા. “લુટેરા”ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં અમે દિલ્હીથી વિમાન લઈને ગયા હતા. ઈન્ડિયન એફ 1
ગ્રાન્ડ પિક્સ અને દાવત એ વલીમા જેવા પ્રસંગોએ અમને ખાસ આમંત્રણ મળતા. ભારતના મોસ્ટ સ્ટાઈલિશ કપલનો એ વર્ષનો
એવોર્ડ અને સોસાયટી જેવા મેગેઝિન્સના કવર પર અમારી તસવીરો છપાઈ.

એક-બે ઈન્ટરવ્યૂ અમે સાથે આપ્યા, જેમાં મેં એવી કબૂલાત કરી કે, મારી જિંદગીમાં મને મળેલા મોસ્ટ રોમેન્ટિક પુરુષો કરતા
પણ શશી થરૂર વધુ રોમેન્ટિક છે. ફિક્કીની હૈદરાબાદની સમિટમાં શશી થરૂરે સ્પીચ આપતી વખતે પોતાની નજરો સુનંદા પુષ્કર
તરફ જ નોંધી રાખી હતી, જેની મીડિયાએ નોંધ લીધી… જો કે, આ બધુ કોઈ પરિકથાની જેમ થોડા મહિનાઓમાં જ પૂરું થઈ
ગયું. હું ધીરે ધીરે એ સમજી હતી કે શશી થરૂર અને મારી વચ્ચે માનસિક અને નીતિમત્તાના ધોરણોમાં ઘણા તફાવત હતા.

2012માં અખબારોએ મારા ગ્લેમરસ દેખાવ અને વસ્ત્રો વિશે ટિપ્પણી કરવા માંડી. અંગ્રેજી અખબારોએ મને “પાર્ટી હોપિંગ”
અને “શેમ્પેઈન પોપિંગ” જેવા લેબલ ચોંટાડ્યા. એ પહેલાં કોઈ મિનિસ્ટરની પત્નીઓ આવી રીતે જાહેર સમારંભોમાં દેખાઈ
નહોતી. મારા દેખાવ અને બિંદાસ વર્તાવ માટે મને વારંવાર ટ્રોલ કરવાનું શરૂ થયું હતું. એટલું ઓછું હોય તેમ ગ્રાન્ડ હયાતમાં
યોજાયેલા રિતુ બેરીના ફેશન શોમાં મેં રેમ્પ વોક કરી… આ વાતે ચર્ચાનું ચકડોળ ખૂબ ઘુમાવ્યું. નવાઈની વાત એ છે કે, શશી થરૂર
મિનિસ્ટર હતા પરંતુ એથી મને મારા અંગત જીવનમાં કઈ રીતે જીવવું એ વિશે ભારતનું રાજકારણ કેવી રીતે સલાહ આપી શકે?

મારી પાસે મારી અંગત પર્સનાલિટી હતી. હું મારી રીતે જીવવા ટેવાયેલી હતી. મારી પાસે મારા અંગત મિત્રો પણ હતા, જેને
શશી થરૂર સાથે કોઈ લેવાદેવા નહોતા. જેમાં, રેગિના મઝહર, નલિની સિંહ, જીતેન ટ્રેસી, વિજય કાલરા, અને રાજા વહીદ જેવા
ઘણા નામો હતા. મિનિસ્ટરની પત્ની હોવા છતાં હું મારા મિત્રોને મળતી રહેતી. એમની સાથે પાર્ટી કરતી, પ્રવાસ કરતી. જે

ભારતીય મીડિયાને બહુ વિચિત્ર લાગતું કારણ કે, એમણે અત્યાર સુધી આવી ખુલ્લા દિલે જીવતી મિનિસ્ટરની પત્ની જોઈ
નહોતી. જો કે, મને એમની પડી નહોતી.

શશી થરૂર માટે એની રાજકીય કારકિર્દી એના જીવનનો એક માત્ર ગોલ (ધ્યેય) હતી, જ્યારે મારે માટે રાજકારણ કદી એટલું
મહત્વનું નહોતું. જયપુરના આમેર ફોર્ટની ટેરેસ રેસ્ટોરન્ટમાં યોજાયેલી એક પ્રાઈવેટ પાર્ટીમાં જ્યારે હું ડાન્સ કરતી હતી ત્યારે તે
જોઈને શોભા ડે એ પોતાની કોલમમાં લખ્યું હતું કે, “એ ખૂબ સુંદર અને સેક્સી છે. એને કોઈની બીક નથી કે એને પોતાની
ઈમેજ વિશે ચિંતા નથી.”

મારા મૃત્યુ પછી એણે ફરી એકવાર મારા વિશે એની કોલમમાં લખ્યું, “મને એવું લાગે છે કે કેટલીક સ્ત્રીઓ ખોટા પુરુષોને પરણી
જતી હોય છે, સુનંદા પુષ્કર નામની આ પરિકથા ખોટા શહેરને પરણી ગઈ હતી. સુનંદાને જો કોઈ બાબતે સૌથી વધુ નુકસાન કર્યું
હોય તો એ એની ખુલ્લા દિલે જીવવાની આવડત અને ટેવ… એણે દિલ્હીની દુનિયામાં ગોઠવાઈ જવાની કોઈ કોશિશ કરી નહીં.
એ બાકીની બીજી ‘દિલ્હી વાઈફ’ જેવી બેવડી જિંદગી ક્યારેય જીવી શકી જ નહીં.”

શોભા ડે કેટલી સાચી હતી! મારી પ્રામાણિકતા અને પારદર્શકતા દિલ્હી જેવા શહેરમાં મારો ગુણ નહીં પણ મારી સૌથી મોટી
નબળાઈ બની ગયા…
(ક્રમશ:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *