‘હું + તું = આપણે’… લગ્નજીવનના 25 વર્ષના હિસાબની પાસબુક

પ્રિય નમન,
આજે આપણાં લગ્નને બરાબર એક વર્ષ પૂરું થયું.

આ પત્ર તને લખું છું ત્યારે વીતેલું એક વર્ષ મારી નજર સામે આવીને ઊભું રહી જાય છે. હું
તને પહેલી વાર મળી ત્યારે મનોમન નક્કી કરીને આવી હતી – દાદી અને મમ્મીનો આગ્રહ છે એટલે
તને મળવું, પણ એવું ભયાનક વર્તવું કે તું જ મને લગ્નની ના પાડી દે. હવે હસવું આવે છે, કેટલું
બાલિશ અને મૂર્ખતાપૂર્ણ વર્તન કર્યું હતું મેં ! તું મને એ પહેલાં જ મેં તને કહી દીધું, ‘‘મને રસોઈ
કરતા નથી આવડતું. હું નોકરી નહીં છોડું. મારે એક વરુણ નામના છોકરા સાથે અફેર હતો. એની
સાથે હું દસ દિવસ સિંગાપોર એકલી રહી આવી છું.’’

કોણ જાણે બીજું શું શું કહ્યું હતું મેં… પણ તું ? ચહેરા પર સ્મિત સાથે મારી વાત સાંભળતો
રહ્યો. લગભગ દસેક મિનિટ એકશ્વાસે બોલી લીધા પછી સામે પડેલો પાણીનો ગ્લાસ ઉપાડીને મેં
મોઢે માંડ્યો અને તેં, એ જ સ્મિત સાથે મને કહ્યું, ‘‘મને પણ રસોઈ નથી આવડતી, હું પણ નોકરી
નહીં છોડું, મારે કૉલેજમાં અનેક ગર્લફ્રેન્ડ્‌સ હતી. અમેરિકામાં ભણતો હતો ત્યારે અનેક તક હોવા
છતાં મારે કોઈ અફેર થયો નહીં, પણ થયો હોત તો હું પણ એની સાથે લીવ-ઇન રહ્યો જ હોત…’’

હું પહોળી આંખે તારી સામે જોઈ રહી. તું કઈ જાતનો માણસ છે એ મને ત્યારે સમજાયું જ
નહોતું. બલકે, મને લાગ્યું કે તું મારી વાત કાં તો સમજ્યો નથી અને કાં તો તેં ગંભીરતાથી લીધી નથી.

નમન, આજે ત્રણસો ને પાંસઠ દિવસના લગ્નજીવન પછી મારે તને એક વાત કહેવી છે. તે
દિવસે જો તેં લગ્ન કરવાની ના પાડી હોત તો મેં જિંદગીનું એક મોટામાં મોટું સુખ ગુમાવી દીધું હોત.

આ એક પત્નીનો પત્ર છે, પોતાના પતિને… લગ્નના એક વર્ષ પછી ! ધીરે ધીરે પત્ર લેખન
ઓછું થતું જાય છે. આપણે એકબીજાને જે કહેવું છે એ ઈલેક્ટ્રોનિક માધ્યમથી-વ્હોટ્સએપ અથવા
એસએમએસથી કહી દઈએ છીએ, પરંતુ અખાના છપ્પાની જેમ, ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું
કાજળ ગાલે ઘસ્યું’ જેવું થાય છે.

મારું એક પુસ્તક, ‘હું + તું = આપણે’ લગ્નજીવનના 25 વર્ષનો ઈમોશનલ હિસાબ છે.
પત્રોમાં લખાયેલી આ નવલકથા મારી, તમારી અને આપણા સૌની વાર્તા છે. આમાં બેઈમાની છે,
બેવફાઈ છે, સુખ છે, દુઃખ છે, ફરિયાદ છે, સંતોષ છે, આનંદ છે, છૂટા પડતાં અને ફરી ભેગાં થતાં
પતિ-પત્નીની કથા છે.

પત્નીના પહેલા પત્ર પછી પતિ એને જવાબ લખે છે…

ડિયર મિસીસ આસ્થા નમન પટેલ,
તમારો પત્ર મળ્યો. વાંચતા વાંચતા થાકી ગયો.
તારી લાગણીને એપ્રિસિએટ કરું છું, પણ સમજી નથી શકતો !
આસ્થા, તું બહુ સરસ વ્યક્તિ છે. ચોખ્ખા હૃદયની, પ્રેમાળ… ઇમોશનલ… સેન્સિટિવ.
પણ, મને લાગે છે કે આટલું બધું એક્સપ્રેશન મારાથી કદાચ ક્યારેય નહીં થઈ શકે.
સ્કૂલમાં હતો ત્યારે ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં પાંચ માર્ક માટે પત્રલેખન કરતો.
કોમ્પ્રીહેન્શનમાં પૂછાય તે. પણ એમાં તો રજાચિઠ્ઠી, મિત્રને પત્ર, બહારગામ રહેતા કાકાને
વૅકેશન ઉજવવા માટે આવવાનું આમંત્રણ… વગેરે વગેરે…
પત્નીને પત્ર લખતા સ્કૂલમાં નથી શીખવ્યું !
એની વે, તું મને ઓળખે છે અને સમજે છે એમ માની લઉં છું.

એનિવર્સરીએ મારે તને એક જ વાત કહેવાની છે – હું એક જવાબદાર પતિ બનવાનો
પ્રયાસ કરીશ. તારું ધ્યાન રાખીશ, તને જિંદગીમાં કોઈ તકલીફ ન પડે, સંઘર્ષ ન કરવો પડે એવો
પ્રયાસ કરીશ, પણ મારી પાસેથી ઇન્ટેન્સ ઇમોશન કે અભિવ્યક્તિની અપેક્ષા રાખીશ તો કદાચ તારે
જ દુઃખી થવું પડશે.

મારે માટે ચાહવું એટલે જેને ચાહતા હોઈએ એને સુખી રાખવું. બસ !
હેપ્પી એનિવર્સરી માય વાઇફ.
અને, થેંક યુ ફોર યૉર લેટર.
નમન.

દુનિયાનાં કોઈ પણ બે જણ – એ પાર્ટનર્સ હોય, પડોશી હોય કે પતિ-પત્ની… જ્યારે
એકબીજા સાથે જોડાય ત્યારે એમાં બંને જણાં ક્યાંક ને ક્યાંક ઓછા-વધતા અંશે ભૂલો કરતાં હોય છે.
દુનિયાની કોઈ રિલેસનશિપ ફ્લૉલેસ કે ભૂલ વગરની નથી હોતી. મહત્ત્વનું એ છે કે સંબંધમાં જેને
ટકી રહેવું હોય અથવા સંબંધને વધુ મજબૂત, દૃઢ કે પરમેનન્ટ બનાવવો હોય એવા લોકો સિન્સિયર
પ્રયત્ન કરતાં હોય છે, ભૂલ સ્વીકારવાનો અને પછી સુધારવાનો. ક્યારેક એવું બને કે સંબંધમાં રહેલી
બેમાંથી એક વ્યક્તિને લાગે કે બીજી વ્યક્તિ ભૂલ સ્વીકારતી નથી માટે ભૂલ સુધારતી નથી. પણ સાચું
પૂછો તો એ વ્યક્તિને પોતાની ભૂલ દેખાતી કે સમજાતી ન હોય એવું પણ બને ને ? કદાચ મારી સાથે
પણ એવું જ થયું છે. મને મારી ભૂલ દેખાઈ નથી… સમજાઈ નથી, માટે મેં સ્વીકારી નથી ને સ્વીકારી
નથી માટે સુધારી શક્યો નથી !

પતિ-પત્નીના સંબંધની એક સૌથી મહત્ત્વની બાબત એ છે કે એ સંબંધ જીવનભરનો હોય છે.
પડોશી કે મિત્રો તો કદાચ છોડીય જાય ને છૂટાય પડે, પણ પતિ-પત્ની તો એકબીજાની સાથે મન,
શરીર ને આત્માથી જોડાયેલાં હોય છે. ભૌગોલિક અંતર પડી જાય તો પણ એમના અંતર એટલી
સહેલાઈથી છૂટાં પાડી શકાતાં નથી. આપણે ઘણી વાર એવું સાંભળ્યું છે કે માણસો બહુ
સ્વાભાવિકતાથી કહી નાખતા હોય છે, ‘‘હું એને ભૂલી ગયો છું’’ અથવા ‘‘હું એને ભૂલી ગઈ છું.’’
પરંતુ ખરેખર એટલી સહેલાઈથી સાથે જીવેલા સમયને ભૂલી શકાતો નથી.

જિંદગીના જે તબક્કે આપણે ઊભા છીએ ત્યાં જેટલાં જીવ્યાં એટલાં વર્ષો હવે જીવવાનાં
નથી. જેટલો વિતાવ્યો એટલો સમય વિતાવવા માટે છે જ નહીં આપણી પાસે… જેટલું જુદા
જીવવાના હતા એટલું જીવી ચૂક્યા. ક્યારેક સાથે જીવવાનો સમય ફરી એકવાર શરૂ થઈ શકે છે.
એકબીજાની જરૂરત ઊભી થશે. એકબીજાની હૂંફ ખૂટશે ત્યારે અફસોસ કરવાને બદલે પાછાં ભેગાં
જીવ્યાનો સંતોષ માણીએ તો કેવું ?

આપણે એકબીજાને ઘણી બધી વાતમાં માફ કરી શકીએ એમ નથી હોતા… ઘણી વાતો ભુલાય
એમ નથી હોતી, પણ એની સામે સારી બાબતો, સ્નેહ, વહાલ મૂકીને એકવાર ત્રાજવું હાથમાં લઈ ન
શકાય ? વજન કરી તો જોઈએ. કદાચ એવું બને કે સ્નેહનું, વહાલનું ત્રાજવું નમી જાય ને ભૂલોનું,
બેદરકારીનું ત્રાજવું ઊંચું જતું રહે.

આ સીરિઝનો 25મો, છેલ્લો પત્ર પત્ની પોતાના પતિને લખે છે…

પ્રિય નમન,

આ પત્ર લખું છું ત્યારે આંખોમાં આંસુ છે…

તારો પત્ર વાંચ્યો ત્યારે પહેલી વાર સમજાયું કે લાગણીની કબૂલાત કરવામાં કશું ખોટું નથી.
કોઈ એક વ્યક્તિને આપણે ચાહતા હોઈએ તો એ વ્યક્તિની સામે નીચા નમીને પોતાના પ્રેમની
માગણી કરવામાં કે કોઈ આપણી જિંદગીમાં મહત્ત્વનું હોય ત્યારે એના વિના નહીં જીવી શકાય એવું
સ્વીકારવામાં નાના નથી થઈ જવાતું એવું મને તારો પત્ર વાંચીને સમજાયું. આપણે કેવા છીએ, નહીં
? જેને ચાહતા હોઈએ એની સામે પણ કબૂલ કરવામાં આપણને ઇગો પ્રોબ્લેમ થઈ જાય… પ્રેમ હોય,
પણ એ પ્રેમનો સ્વીકાર કરીને સામેની વ્યક્તિને સંપૂર્ણ સમર્પણથી ચાહી શકાય એવું આપણે કદી
શક્યા જ નથી. આપણે માટે પ્રેમ એટલે માલિકી… સામેનો માણસ આપણા કહ્યામાં રહેવો જોઈએ,
તો જ એ આપણને પ્રેમ કરે છે એવું સાબિત થાય !

ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં ‘માગીને મળે એ નથી જોઈતું’ એવું વિચારીને આપણે
કેટલું બધું ખોઈ બેસીએ છીએ ? આપણા જીવનસાથી ભગવાન નથી, ત્રિકાળજ્ઞાની નથી. એને બધું
સમજાવું જ જોઈએ અને તે પણ વગર કહ્યે… એ અપેક્ષા જરા વધારે પડતી છે, આ મને હવે સમજાયું
છે.

ભૂલ મારી છે કે તારી એની ચર્ચા જ નથી. કશું ખોટું થયું છે – આપણી વચ્ચે, ને એમાં આપણે
જિંદગીનાં ઉત્તમ વર્ષો ખોઈ બેઠા છીએ એ વાત હું સમજું પણ છું ને સ્વીકારું પણ છું. કોણ ખોટું
હતું એની ચર્ચા હવે અસ્થાને છે. ભૂલ સ્વીકારવાની, ગિલ્ટી ફીલ કરવાની પ્રવૃત્તિ પણ હવે નકામી છે.
દાખલા તરીકે હું એમ કહું કે મારી ભૂલ હતી – તેથી એ વર્ષો પાછાં નહીં આવે… તું એમ કહે કે – તું
ખોટો હતો – એથી તેં જે ગુમાવ્યું છે એ તને નહીં મળે. આપણે જ્યાં ઊભાં છીએ ત્યાંથી આગળ
જઈ શકાય છે, પાછા ફરી શકાતું નથી. જે સંબંધ ફક્ત સુખી થવા માટે જોડવામાં આવ્યો હતો, એ
સંબંધે આપણને બહુ દુઃખી કર્યા, નહીં ? પણ એ દુઃખ સાથે એક સમજ આવી છે. એ દુઃખ સાથે
આપણને એકબીજાનું મૂલ્ય સમજાયું છે ને એ દુઃખ સાથે આવી છે એક સૌથી મોટી બાબત –
એકબીજાની અનિવાર્યતાનો અહેસાસ !

‘હું + તું = આપણે’ લગ્નજીવનની સારી અને ખરાબ, કડવી અને મીઠી સ્મૃતિનો પત્રોમાં
સચવાયેલો એક એવો હિસાબ છે જેમાં આપણા સૌના જીવનનું નાનું મોટું પ્રતિબિંબ છે. કોઈ લગ્ન
આદર્શ નથી હોતા, કોઈ સંબંધ પરફેક્ટ નથી હોતા. ફિલ્મોમાં, નવલકથાઓમાં અને સીરિયલોમાં
દેખાડવામાં આવતા લગ્નજીવન એક કલ્પના ઉપર આધારિત હોય છે. માણસ તરીકે આપણે બધા
અધૂરા છીએ, એટલે જો સામેની વ્યક્તિની અધૂરપ સ્વીકારીને એની સાથેનો સંબંધ પૂર્ણ બનાવવાનો
પ્રયાસ કરીએ તો કદાચ બે અધૂરા વ્યક્તિત્વો, થોડી ભૂલો, થોડી ફરિયાદો અને થોડીક ક્ષમા, થોડોક
સ્નેહ મળીને એક સંબંધને મજબૂત બનાવી શકાય. લગ્ન સંસ્થા તૂટતી જાય છે ત્યારે, પતિ-પત્ની
એકબીજા સાથે વધુ સ્નેહ, આદર અને પ્રામાણિકતાથી જીવી શકે એવો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ આ પત્રોમાં
છલકાય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *