મલ્ટીનેશનલમાં કામ કરતી એક સ્ત્રી ફ્લાઈટમાં પ્રવેશ કરતી વખતે એક માણસને મળે
છે. એ માણસ પોતાની ઓળખાણ એનઆઈઆઈ બિઝનેસમેન તરીકે આપે છે. દુબઈ, સિંગાપોર,
મલેશિયા અને હોંગકોંગમાં એના બિઝનેસ છે. એવી માહિતી સાથે કેટલાક પૂરાવા પણ રજૂ કરે છે!
અત્યંત નમ્ર, સાલસ અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા એ માણસની સાથે એની ઓળખાણ થાય છે.
ધીમે ધીમે પ્રેમ પણ થાય છે. બે જણાં લગ્ન કરવાનું નક્કી કરે છે-એક દિવસ, એ માણસ આવીને એને
વિનંતી કરે છે કે, એનું એક કન્સાઈન્મેન્ટ ફસાયું છે. પાંચ લાખ રૂપિયાની જરૂર છે. એ સ્ત્રી પેલા
માણસને પાંચ લાખ રૂપિયા આપે છે અને અહીંથી શરૂ થાય છે એક રમત! સમય સમયાંતરે એ
માણસ લગભગ 35 લાખ રૂપિયા પડાવે છે. એટલું ઓછું હોય એમ એની પાસે લોન લેવડાવે છે અને
એ પૈસા પણ હજમ કરી જાય છે. એક દિવસ અચાનક એ માણસનો ફોન બંધ થઈ જાય છે. પેલી સ્ત્રી
એને શોધી શકતી નથી… એ સ્ત્રી હજી સુધી લોન ભરી રહી છે, માણસ લાપતા છે!
આવો એક નહીં, અનેક કિસ્સાઓ સાથે જાણીતા ઓટીટી ઉપર એક ડોક્યુમેન્ટ્રી છે,
‘વેડિંગ.કોન’ લગ્નના નામે મોટી ઉંમરની, કમાતી, ઈન્ડિપેન્ડન્ટ અને બુધ્ધિશાળી કહી શકાય એવી
સ્ત્રીઓને છેતરનારા અનેક પુરુષોની કથા આ ડોક્યુમેન્ટ્રીમાં રજૂ કરવામાં આવી છે. એક રીતે જોવા
જાઓ તો આ માત્ર ડોક્યુમેન્ટ્રી નથી, ચેતવણી છે. એવી અનેક સ્ત્રીઓ માટે ચેતવણી જેમને લાગે છે
કે, એમના લગ્નની ઉંમર વિતી ચૂકી છે! એ પ્રેમમાં પડવા માગે છે, જીવનમાં કોઈ સાથી શોધે છે
અથવા એવી સ્ત્રીઓ માટે પણ આ ચેતવણી છે, જેમના માતા-પિતા દીકરીના લગ્ન ‘કોઈપણ રીતે’
થઈ જાય એ માટે એમના પર દબાણ કરે છે…
સ્ત્રી સામાન્યતઃ ઈમોશનલ હોય છે. મોટી ઉંમર સુધી કારકિર્દીમાં વ્યસ્ત રહેલી
છોકરીઓ ક્યારેક લગ્નની ઉંમર વટાવી જાય (જોકે હવે લગ્નની ઉંમરની કોઈ વ્યાખ્યા રહી નથી)
અથવા છૂટાછેડા થાય, અથવા એકાદ-બે સંબંધોમાં દિલ તૂટ્યું હોય ત્યારે એક સ્ત્રીને ‘જીવનસાથી’ની
ખોટ સાલે છે. સમાજમાં અથવા મિત્ર વર્તુળમાં એમની ઉંમરની બીજી છોકરીઓ પરણી ગઈ હોય
છે-સંતાનોની મા બની ગઈ હોય છે. એવા સમયે એમના ‘સંસાર’ જોઈને કેટલીક છોકરીઓને ‘રહી
ગયા’ની લાગણી થાય છે. કેટલાક કિસ્સાઓમાં છોકરીને સંતાન હોય ત્યારે સિંગલ મધર તરીકે
બાળકને ઉછેરવાની મુશ્કેલીઓ પણ એને નડે છે. સ્ત્રીની એકલતા ક્યારેક એને એટલી બધી વિવશ
કરી નાખે છે કે એ મગજને બદલે દિલથી વિચારવા લાગે છે! આપણા સમાજનો સૌથી મોટો
પ્રોબ્લેમ એ છે કે, જો પુરુષ મોટી ઉંમર સુધી ન પરણ્યો હોય તો એ ‘એલિજિબલ બેચલર’ કહેવાય
છે-પરણેલા પુરુષો એની ઈર્ષા કરે છે અને એના ફ્રીડમ-ફ્લેમ્બોયન્સ વિશે અહોભાવ અનુભવે છે,
પરંતુ 28-30ની છોકરી જો ન પરણેલી હોય તો એના માતા-પિતાને પ્રશ્નો પૂછીને સતત એવો
અહેસાસ કરાવવામાં આવે છે કે, એ માતા-પિતા તરીકે પોતાની ફરજ ચૂક્યા છે. છોકરીને સતત એવી
અનુભૂતિ કરાવવામાં આવે છે કે, એ ‘એકલી’ રહી જશે.
છોકરી સાવ નાની હોય ત્યારથી એને શીખવવામાં આવે કે એણે ‘આકર્ષક’ બનવાનું છે.
વજન ઉતારવાનું, વાળ લાંબા કરવાના, સ્કીન સારી રાખવાની… અને આ બધું શેને માટે કરવાનું?
એ ‘પુરુષ’ને ગમે એ માટે! આજે પણ અખબારમાં છપાતી મેટ્રીમોનિયલ જાહેરાતોમાં ‘ઊંચી-પાતળી-
ગોરી-સુશીલ સંસ્કારી’ વહુ શોધતા કેટલા માતા-પિતાના પોતાના દીકરાના કેરેક્ટરની જવાબદારી
લેવા તૈયાર થશે? કેટલાક સમાજમાં દીકરીનો બાપ એટલે આજે પણ ‘બિચારો!’ દહેજ વિરોધી
કાયદો ઘડ્યા છતાં દહેજ લેવાતું કે અપાતું નથી, આવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે ખરું? આ એક
બીજું દૂષણ છે… જેને કારણે છોકરીઓ ફસાય છે. ફ્લાઈટમાં, રેસ્ટોરાંમાં, ટ્રેનમાં, કોઈકની ઓફિસમાં
મળેલા આવા ‘કોનમેન’ બરાબર જાણે છે કે 30 વટાવી ગયેલી કુંવારી કે સિંગલ મધર છોકરીઓને
કેટલી આસાનીથી ‘દહેજ નથી જોઈતું’ અથવા ‘તને પ્રેમ કરું છું’ જેવા શબ્દો વાપરીને જાળમાં
ફસાવી શકાય છે. ભણેલી, બુધ્ધિશાળી અને સારું કમાતી છોકરીઓ પણ આવા ‘કોનમેન’ની શિકાર
બને છે, બલ્કે સાચું પૂછો તો બુધ્ધિશાળી અને સારી નોકરી કરતી, કમાતી છોકરીઓને જ આવા લોકો
શિકાર બનાવે છે. એમની શારીરિક જરૂરિયાતો સંતોષાય અને સાથે સાથે લાખો રૂપિયા મળે… થોડો
વખત આ રમત ચાલે ને પછી એક નવા શિકારની શોધમાં નીકળી જતા આવા લોકો બરાબર સમજે
છે કે ભારતમાં એવી અનેક છોકરીઓ છે જે ‘પ્રેમ’ના નામ પર સર્વસ્વ કુરબાન કરી દેતાં જરાય નહીં
અચકાય!
હિન્દી સિનેમા અને આપણી ‘સંસ્કૃતિ’માં કહેવાતી કથાઓએ પણ સ્ત્રીને શીખવ્યું છે
કે, ‘પ્રેમ’માં મારું-તારું ન હોય. સત્ય એ છે કે, આવી પરિકથાઓ આજના સમય માટે જરાય સાચી
નથી. જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતી સારી કે માની ન શકાય એટલી ‘આઈડિયલ’ લાગે ત્યારે તો વધારે
ડરવું જોઈએ, એવું ‘વેડિંગ.કોન’ જોઈને સમજાય છે. કહેવાનું તાત્પર્ય એ નથી કે દરેક વ્યક્તિ પર શક
કરવો કે સારા માણસ દુનિયામાં રહ્યા જ નથી, પરંતુ એટલું ચોક્કસ સમજવું જોઈએ કે કોઈ એક
વ્યક્તિ લગ્ન પહેલાં લાખો રૂપિયાની માગણી કરે ત્યારે એનો ઈરાદો શું છે. લગ્ન પછી પણ પતિ-
પત્નીના જોઈન્ટ અકાઉન્ટમાં પત્ની કમાયને ઠાલવતી જાય અને પતિ એ અકાઉન્ટ ખાલી કરતો જાય,
એવા કિસ્સા આ દેશમાં ઓછા નથી-તેમ છતાં, ત્યાં એક સામાજિક જવાબદારી અથવા
રિસ્પેક્ટિબિલિટી તો સંકળાયેલી છે જ. અહીં તો પૈસા ગૂમાવીને, લાગણીથી છેતરાયા પછી પણ અંતે
માતા-પિતા અને મિત્રો પાસેથી ‘તું મૂરખ છે’ સાંભળીને અપમાનિત થવું પડે છે.
‘વેડિંગ.કોન’ આવી અનેક સ્ત્રીઓની કથા છે, જે એમણે સ્વમુખે કહી છે. આગળ
આવીને પોતાની વાત કહેનારી આ સ્ત્રીઓએ જે છેતરપિંડીનો-દગાનો અનુભવ કર્યો છે એ જાણીને
આપણને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય કે આ બધી સ્ત્રીઓ એક જ માણસ પાસે એક કરતાં વધુ
વખત મૂર્ખ બની છે!