છેલ્લા થોડા સમયથી અખબારમાં રોજેરોજ જાતજાતના ડ્રગ્સ પકડાવવાના સમાચાર મળતા રહે
છે. દેશના જુદા જુદા ભાગોમાં ડ્રગ્સની ફેક્ટરી અને હજારો કરોડના ડ્રગ્સના જથ્થા પકડાય છે ત્યારે એક
સવાલ એવો થાય છે કે, જે પકડાય છે એ જો આટલી મોટી રકમના ડ્રગ્સ હોય તો જે આ દેશમાં,
ગુજરાતમાં દાખલ થઈ જતા હશે એની અંદાજિત કિંમત શું હશે? એ પછીના સવાલ એ છે કે, જે ડ્રગ્સ
દાખલ થાય છે એ ક્યાં જાય છે? એને કોણ કન્ઝ્યૂમ કરે છે? એ ક્યાં વેચાય છે?
એક આખી પેઢી, જે 14થી 34ની વચ્ચે છે… એ પેઢી, આ ડ્રગ્સને ફેશન, ફિતુર, ફેડ કે બહાદુરી
સમજે છે. 14 વર્ષનો છોકરો સ્કૂલે જતો હોય ત્યારે એની આસપાસના 2-4 મિત્રો એને ઉકસાવે છે,
‘સિગરેટ પીવામાં કંઈ ખોટું નથી…’ અથવા ‘હવે તો છોકરીઓ પણ સિગરેટ પીએ છે…’ મિત્રો સાથે ટકી
રહેવા માટે, ગ્રૂપમાંથી ફેંકાઈ ન જવું પડે એ માટે આ કુમળી વયના બેવકૂફ કહી શકાય એટલી હદે
ઈન્ફ્લ્યુઅન્સ થઈ જતા છોકરાઓ અને છોકરીઓ પણ સિગરેટ પીવાની શરૂઆત કરે છે, ધીમે ધીમે
સિગરેટ પરથી ગાંજો અને ગાંજા પરથી વધુ સ્ટ્રોંગ સબસ્ટન્સ (ડ્રગ્સ માટેનો નવો શબ્દ) ની શરૂઆત થાય
છે. રેવ પાર્ટીના નામે આવા જાતજાતના ડ્રગ્સ સાથે ચેડા કરવામાં આવે છે. શરૂઆતમાં તો
પોકેટમનીમાંથી પૂરું થઈ જાય છે, પરંતુ સમય જતા એ પૈસા ખૂટવા માંડે છે ત્યારે ‘પેડલર’ બનવાની
સલાહ આપવામાં આવે છે, ‘ડ્રગ્સ વેચી આપ તો તને ફ્રી મળશે’-યોજના આકર્ષક છે, પૈસા કમાવાની
તકની સાથે સાથે પોતાને ફ્રી મળવાની લાલચ પણ છે. કાચી ઉંમરે આમાં રહેલા ભયસ્થાનો સમજાતા
નથી અથવા કદાચ સમજાતા હોય તો પણ હવે નશાની જરૂરિયાત એટલી મોટી છે કે સારા-ખોટાનું ભાન
ભૂલાઈ જાય છે…
માતા-પિતા તો જાણતા પણ નથી હોતા કે એમનું સંતાન ‘પાર્ટી’ના નામે ક્યાં જાય છે અને શું કરે
છે? જે માતા-પિતા સજાગ-સભાન છે, એ સંતાનનો ગુસ્સો વહોરીને પણ પાર્ટીની જગ્યા, સાથે
આવનારા મિત્રોના નામ પૂછવાની હિંમત કરે છે. સંતાનનો ફોન બંધ મળે તો મિત્રોને ફોન કરીને
સંતાનની માહિતી મેળવી શકાય, એટલા નંબર આવા માતા-પિતા પોતાની પાસે રાખવાની અહેમિયતને
સમજે છે, પરંતુ નવાઈની વાત એ છે કે, મોટાભાગના માતા-પિતાને એ પણ ખબર નથી હોતી કે એમના
સંતાનના ખાનામાં, બેગમાં રહેલી ઘાસ જેવી ચીજના ટુકડા-એ વીડ અથવા ગાંજો છે. મેન્ડ્રેક્સ, કોકેઈન
અને ગમીબેર જેવી વસ્તુઓ માટે ખાસ નામ છે. અંદરોઅંદર યુવા પેઢીનો ‘બ્રો કોડ’ છે. એકબીજાની વાત
એકબીજાના ઘરમાં નહીં કહેવાની, કદાચ પકડાઈ જાય તો પોતાને માથે લઈ લેવાનું… બહારની વાત
બહાર પતાવવાની… આ બધી નવી પેઢીની જીવનશૈલીમાં ‘સાચી મિત્રતા’નો અર્થ એ છે કે, મિત્રની
ખોટી-ખરાબ અને નુકસાનકારક આદતોને છુપાવવામાં એની મદદ કરવી. હવેની પેઢી પાસે કડવું, પરંતુ
સાચું કહેનારા મિત્રો ઘટતા જાય છે-બીજી તરફ, ખોટી દિશામાં લઈ જનારા, ઉશ્કેરનારા મિત્રોની સંખ્યા
વધતી જાય છે.
આજની મમ્મી ‘કેરિયર ઓરિએન્ટેડ’ છે. મોટાભાગના ઘરોમાં આખો દિવસ કોઈ હોતું નથી.
ક્યારેક મમ્મી બહારગામ હોય અને ક્યારેક પપ્પા. પતિ-પત્ની બંને પોતાના જીવનસાથીની ગેરહાજરીમાં
‘મી ટાઈમ’ના નામે પોતાની મજા કરે છે, પરંતુ એ સમય દરમિયાન એકલું પડેલું સંતાન શું કરે છે એ
વિશેની સાચી અને પાકી માહિતી આજના મોટાભાગના માતા-પિતા પાસે હોતી નથી. ‘સ્લિપ ઓવર’ના
નામે મિત્રોને ત્યાં રાત વિતાવવા જતા સંતાનો શું કરે છે, એ વિશે ‘રેડ’ પાડવાની વાત તો બહુ જુનવાણી
અને બેકવર્ડ ગણાય છે. હવે માતા-પિતા સંતાનના રૂમમાં જતા નથી, એમની બેગો તપાસતા નથી-
એમના મિત્રોને ઓળખતા નથી, એટલું ઓછું હોય એમ ‘મોર્ડન’ અથવા ‘કૂલ’ માતા-પિતાનું સર્ટિફિકેટ
મેળવવા માટે કેટલાંક માતા-પિતા સંતાનને ગુજરાતમાં-ઘરમાં શરાબ પીવાની છૂટ આપે છે. ગૌરવથી કહે
છે, ‘એ તો ઘેર જ પીએ-પછી બહાર જાય નહીં!’ આ સંતાન-દીકરો અને દીકરી બંને હોઈ શકે છે. ધીરે
ધીરે નશાની આદતના મૂળ એટલા ઊંડા ઉતરે છે કે, એમને સાદા આલ્કોહોલની અસર થવાની બંધ થઈ
જાય છે. એ પછી વધુ નશો કરવા માટે નવા અખતરા, નવી પેઢીને આકર્ષે છે.
આપણે બધા જે દિશામાં નીકળી પડ્યા છીએ એ ન સમજાય તેવી વિચિત્ર આધુનિકતાનો
ભયજનક સમય છે. માતા-પિતા ‘મિત્ર’ બનવાના અભરખા સાથે એમનો કડપ અને સંતાન ઉપર એમનો
કંટ્રોલ ખોઈ રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, કેટલાંક માતા-પિતા પોતાની ઉપર પણ પોતાનો કંટ્રોલ ખોઈ
રહ્યા છે. દારૂબંધીના રાજ્યમાં કાયદો નહીં પાળવો એ ‘ફેશન’ બની ગયું હોય, ત્યારે કોણ કોને રોકે એ
સવાલ આપણી આવનારી નસલને બરબાદ કરવાનું કામ કરે છે.
કોણ વેચે છે આ ડ્રગ્સ? ક્યાં? શાળાઓની બહાર, કોલેજોની આસપાસ, મોર્ડન અને આધુનિક
કેફેની નજીક-આવા ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે. પોલીસ ખૂબ મહેનત કરે છે, પરંતુ મોટાઘરના
નબીરાઓ કોઈની ઓળખાણ લાવીને છૂટી જાય છે. જે પકડાય છે એ મધ્યમવર્ગના, નીચલા
મધ્યમવર્ગના સંતાનો છે. જેમના માતા-પિતાની દયા ખાઈને ક્યારેક છોડી દેવા પડે છે. આ બંને
કિસ્સામાં નવી પેઢીના આ યુવાનોને જે ભય લાગવો જોઈએ તે લાગતો નથી. રાત-દિવસ મહેનત કરતો
નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અને ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર્સ ઈચ્છે છે કે આવનારી પેઢી નશાની આ આદતથી
દૂર રહે, પરંતુ એ લોકો કેટલું કરી શકે? ડ્રગ્સ એ એકમાત્ર અપરાધ નથી જેની પાછળ ઓફિસર્સ પોતાનો
સંપૂર્ણ સમય આપી શકે. ખરી ફરજ તો માતા-પિતાની છે, જેમણે પોતાના સંતાનો પર નજર રાખવી
જોઈએ. એમના વર્તનમાં ફેરફાર દેખાય, ઊંઘવાની આદતોમાં કે દેખાવમાં પણ જો નાનકડો ફેરફાર
નોંધવામાં આવે તો સજાગ અને સભાન માતા-પિતાને તરત જ સમજાય કે કંઈક ‘ફિશી’ છે…
14થી 34ની આ પેઢી એટલે ભારતનું ભવિષ્ય, આ દેશનું મુસ્તકબિલ… આવનારી નસ્લ આ
દેશને ચલાવશે-એમાંથી ડૉક્ટર, એન્જિનિયર, નેતા અને અભિનેતા મળશે. જો એ નસ્લ જ-આખી પેઢી
જ નશાની આદી થઈ જશે તો આપણે માતા-પિતા તરીકે અંગત ભવિષ્ય તો રોળી જ નાખીશું, પરંતુ આ
દેશના ભવિષ્ય વિશે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, એનું શું કરીશું?