31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી તો છે જ, પરંતુ એ ઈન્દિરા ગાંધીની હત્યાનો
દિવસ પણ છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાં, 31 ઑકટોબર, 1984ના દિવસે નં. 1,
સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હીના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના બે શિખ
સંરક્ષકોએ સરકારી હથિયારથી ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી. આઈરીશ ટેલિવિઝન માટે
ડૉકયુમેન્ટરીનું ફિલ્માંકન કરતા બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઈન્ટરવ્યૂ આપવા માટે ઈન્દિરા
ચાલીને જઈ રહ્યાં હતાં, તેમણે સતવંત સિંઘ અને બિઅંત સિંઘ ઊભા હતા એ વિકેટ ગેટ પસાર કર્યો. એ
પછી, બિઅંત સિંઘે પોતાની સાઈડ-આર્મ (બાજુ પર લટકાવેલા શસ્ત્ર)નો ઉપયોગ કરીને તેમને ત્રણ
વખત ગોળીઓ મારી અને સતવંત સિંઘે પોતાની સ્ટેન સબમશીન ગન વાપરીને તેમની પર 30
રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમના બીજા અંગરક્ષકોએ દોડી આવીને બિઅંત સિંઘને ત્યાં જ ઠાર કરી
દીધો જયારે સતવંત સિંઘની ધરપકડ કરવામાં આવી.
પોતાની અધિકૃત કારમાં હૉસ્પિટલ જવાના રસ્તામાં જ ઈન્દિરાનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ ઘણા કલાકો
સુધી તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા નહોતાં. તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટટ્યૂટ ઓફ મેડિકલ
સાયન્સિઝ (All India Institute of Medical Sciences) લઈ જવામાં આવ્યા જયાં ડૉકટરો
તેમના પર શસ્ત્રક્રિયા કરી. તે સમયે જાહેર કરવામાં આવેલી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર તેમના
શરીરમાં 29 ગોળીઓ આરપાર થઈ ગયાના જખમ હતા અને કેટલાક બીજા અહેવાલો અનુસાર તેમના
શરીરમાંથી 31 ગોળીઓ કાઢવામાં આવી હતી. ત્રીજી નવેમ્બરના રોજ રાજઘાટ પાસે તેમની
અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમનાં મૃત્યુ પછી તેમને વફાદાર એવા કૉંગ્રેસી નેતાઓએ સાંપ્રદાયિક
અશાંતિ ઊભી કરી, જેના પરિણામે કેટલાય દિવસો સુધી નવી દિલ્હી અને ભારતનાં અન્ય કેટલાંક શહેરો
આ રમખાણોમાં ઘેરાયેલાં રહ્યાં.
સૌથી મોટી વાત એ છે કે, ત્રીજી નવેમ્બરે રાજઘાટ ઉપર એમના પાર્થિવ શરીરને અગ્નિદાહ
આપવામાં આવ્યો એ પહેલાં ત્રણ હજાર શિખો ન્યૂ દિલ્હીમાં અને આઠ હજાર શિખો આખા ભારતમાં
મરાયા હોવાની માહિતી મળે છે. ઈન્દિરા ગાંધી હંમેશાં વિવાદમાં ઘેરાયેલાં રહ્યાં. એમના પુત્ર સંજય
ગાંધીને લીધે, ધીરેન્દ્ર બ્રહ્મચારીને લીધે, નસબંધીને લીધે, મારૂતિને લીધે… અને અંતે, ઈમરજન્સીને
લીધે.
એક મા પોતાના પુત્રના પ્રેમમાં અંધ થઈને શું કરી શકે એની કથા ગાંધારીથી ઈન્દિરા સુધી
લગભગ એકસરખી જ છે. ખોટી ઉંમરે વધુ પડતી, સત્તા, લાયકાત વગર મળે ત્યારે સંતાન છકી જાય છે.
મનસ્વી થઈને ગેરમાર્ગે દોરાય છે. માની સત્તાનો દુરુપયોગ સંજય ગાંધીએ જેટલો કર્યો કદાચ, એટલો જ
રાહુલ ગાંધીએ પણ કર્યો. આજથી હજારો વર્ષ પહેલાં મહાભારતમાં શકુન્તલાના પુત્ર દુષ્યંતને પ્રશ્ન પૂછે
છે, ‘રાજા કોને બનાવવો જોઈએ? જે લાયક હોય એને કે પછી જે રાજાનો પુત્ર હોય એને?’ આજે કોંગ્રેસ
નામઃશેષ થઈ ગઈ છે ત્યારે આ પ્રશ્નનો ઉત્તર લગભગ દરેક માતા-પિતાએ વિચારવો જોઈએ.
આ બાબતમાં પિતા કદાચ થોડા વધુ લોજિકલ અને સમજદાર હોય છે. મહાભારતમાં પણ અંતે
ધૃતરાષ્ટ્ર કહે છે કે, ‘મારા પુત્રને વધુ પડતી છૂટ આપવામાં મારી ભૂલ થઈ છે.’ પરંતુ, ગાંધારી છેક છેવટ
સુધી પોતાના પુત્રને નિર્દોષ માને છે અને શ્રીકૃષ્ણને શાપ આપે છે! માનું હૃદય પોતાના સંતાન માટે
સ્વાભાવિક રીતે જ ઋજુ અને ક્ષમાશીલ હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રનો પ્રશ્ન આવે, પ્રજાના હીત કે નિષ્ઠાનો
પ્રશ્ન આવે ત્યારે એક માએ પોતાના માતૃત્વને બાજુએ મૂકીને વિચારતાં શીખવું જોઈએ એ વાત
આપણને ઈન્દિરા ગાંધીના જીવનમાંથી મળે છે.
બીજી એક મહત્વની બાબત એ છે કે, એક સ્ત્રી સામાન્ય રીતે અત્યંત કોમળ હૃદયની, સમર્પિત,
ત્યાગ કરવા તત્પર અને સહુના સુખ માટે પોતાનું સુખ જતી કરતી કરુણાની મૂર્તિ છે એવું આપણા
શાસ્ત્રો કહે છે, પરંતુ એક સ્ત્રી જ્યારે સત્તાલોલુપ થાય છે, એનો અહંકાર ફૂંફાડો મારે છે અને જ્યારે એ
પુત્રમોહમાં અંધ થઈને રાષ્ટ્રનો દ્રોહ કરવા તૈયાર થાય છે ત્યારે એનો કેવો અંત આવે છે એ પણ આપણને
ઈન્દિરા ગાંધીનાં જીવનમાંથી સમજાય છે.
‘મધર ઈન્ડિયા’ નામની ફિલ્મમાં ડાકુ બની ગયેલા દીકરાને નરગીસ દત્ત અંતે, પોતાના હાથે ગોળી
મારે છે, ‘વાસ્તવ’ નામની ફિલ્મમાં ગુંડા બની ગયેલા સંજય દત્તને રીમા લાગુ પોતાના હાથે મૃત્યુને સોંપે
છે ત્યારે એ માનું હૃદય નહીં કંપ્યું હોય? પરંતુ, એક સંતાન જ્યારે કાબૂ બહાર નીકળી જાય, પરિવાર માટે,
રાષ્ટ્ર માટે જોખમ બની જાય ત્યારે એક માનું કર્તવ્ય શું હોઈ શકે એ સવાલ દરેક માએ પોતાની જાતને
પૂછવો જોઈએ.
બીજી તરફ, ઈન્દિરા ગાંધીએ જે સૌથી મોટી ભૂલ કરી એ હતી આ દેશ પર લાદેલી કટોકટી.
સત્તા ટકાવવા માટે બેબાકળા થઈ ગયેલા ઈન્દિરાજીએ આપણા દેશનું એક કાળું પ્રકરણ લખ્યું જેનું નામ,
‘ઈમરજન્સી’ છે. ઈતિહાસ. ચાર અક્ષરનો આ શબ્દ વીતેલા જમાનાની ઘટનાઓ માટે વપરાય છે, પણ
એની અર્થચ્છાયા ભવિષ્યકાળ સુધી લંબાય છે. ભલભલાની હિંમત તૂટી જાય એવો એ કપરો કાળ હતો.
ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયાને લોકશાહીના ચાર સ્તંભો તરીકે જોવામાં આવે છે.
ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સીએ આ ચારેય સ્તંભોને શબ્દશઃ ધ્વસ્ત કરી નાખેલા. જો
લોકશાહીના ચારેય સ્તંભો કલમના એક ઝાટકે પરાસ્ત કરી દેવાનો ખેલ ઈતિહાસના ચોપડે નોંધાયો હોય
અને એ ઈતિહાસનું સચોટ-સ્વાનુભાવે લખાયેલું આલેખન ઉપલબ્ધ હોય, તો એ વાંચવું જોઈએ કે નહીં,
એ દરેક જણે પોતે નક્કી કરવાનું છે. આખરે ઈતિહાસ જાણવો એ આપણી ફરજ નહીં, પણ ગરજ છે.
જેને ઈતિહાસ નથી એનો ભૂતકાળ નથી, પણ જેને ઈતિહાસબોધ નથી, એનું તો ભવિષ્ય જ નથી.
આપણા દેશમાં આજકાલ જે પ્રકારના માતા-પિતા પોતાના સંતાનોને ઉછેરી રહ્યા છે એ પ્રત્યેક
માતા-પિતાએ ઈન્દિરા ગાંધી અને સંજયના સંબંધોમાંથી, ઈમરજન્સીના ઈતિહાસમાંથી ઘણું સમજવા
જેવું છે. જે મા પોતાના સંતાનના પ્રેમમાં અંધ બનીને, એની સાચી ખોટી વાતને છાવરે છે, એના ગુનાને
ઢાંકે છે અને દરેક વખતે એની ભૂલને સજા કરવાને બદલે એને બચાવે છે એ મા એના સંતાનનું ‘ભલું’
નથી કરતી બલ્કે, સમાજ માટે એક ગુનેગાર તૈયાર કરે છે અને પોતાના ભવિષ્ય માટે એક સમસ્યાને ઉછેરે
છે.