ઈન્દુચાચાનો પ્રવેશઃ પ્રજાએ સ્વયંભૂ ઉપાડેલી લડત

બ્રહ્મકુમાર ભટ્ટના પુસ્તક ‘લે કે રહેંગે મહાગુજરાત’માં ગુજરાતના સ્વાતંત્ર્ય
આંદોલનની રજેરજ વિગતો, તારીખ અને તવારીખના પુરાવા સહિત રજૂ કરવામાં આવી છે. એવી
જ રીતે હરિહર ખંભોળજા જેવું મહાગુજરાત આંદોલનના એક મહત્વના સૈનિક રહ્યા છે. એમણે પણ
‘જનઆંદોલન મહાગુજરાત’ નામનું એક પુસ્તક લખ્યું છે. પ્રબોધ રાવલ અને હરિપ્રસાદ વ્યાસ સાથે
એ સહુ જે રીતે આંદોલનમાં જોડાયા, જેલમાં ગયા અને અંતે ગુજરાત રાજ્યને સ્વતંત્ર અસ્તિત્વ
મળ્યું એની કથા આ પુસ્તકમાં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. જેમ ભારતીય સ્વતંત્રતાનો
પોતાનો આગવો ઈતિહાસ છે એવી જ રીતે આપણને મળેલા આ ગુજરાત રાજ્ય પાસે પણ એના
અલગ અસ્તિત્વનો એક લોહિયાળ અને પીડાદાયક, પરંતુ ગૌરવવંતો ઈતિહાસ છે.

શાહમૃગની જેમ રેતીમાં માથું નાખીને, વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર નહીં કરનારા
કોંગ્રેસી નેતાઓ, એટલું પણ જોઈ શક્યા નહીં કે પરિસ્થિતિ હાથ બહાર જઈ રહી છે અને અમદાવાદ
શહેરમાં તો તાર કે ટપાલ કશું જ વહેંચવામાં આવતું નહીં અને કોઈ ટપાલી ટપાલ લઈને જવા પણ
તૈયાર નહીં.

જાણે કે, સહેજ કળ વળી હોય તેમ કોંગ્રેસ મિશનરી કામે લાગી ગઈ અને લડતની સામે
સીધું કે આડકતરું પગલું ભરવાની વેતરણ શરૂ થઈ ગઈ અને તે માટે કેટલાક મિલ માલિકો, વકીલો,
ડૉક્ટરો અને પત્રકારો પણ હતા. એવા 43 જણાંની સહીથી શહેરમાં શાંતિ રાખવા અપીલ કરવામાં
આવી. જો કે, આ અપીલની કોઈએ નોંધ જ લીધી નહીં. તેમાંના કેટલાકે તો ખરેખર દબાણથી જ
સહીઓ કરી હતી અને તેમને પણ ખબર હતી કે, તેમની અપીલની કોઈ નોંધ લેવાનું નથી, પરંતુ
આવી અપીલની ઉલટી અવળી અસર પડી.

દરમિયાન સુરત, ખેરાલુ, આણંદ, વડોદરા, મહેસાણા, કલોલ, વિરમગામ, અમરેલી,
ઉમરેઠ, ભરૂચ, કડી, ધિણોજ વગેરે અનેક સ્થળોએથી વિદ્યાર્થીઓના દેખાવો અને તોફાનોના
સમાચાર આવ્યા. તા. 10મીએ અમદાવાદમાં પણ ગોળીઓ છૂટેલી, જેમાં વધુ બે મરણ અને 9
ઘાયલ થયા. કલોલમાં વિદ્યાર્થીઓ તોફાને ચડતાં બપોરે ટાવર પાસે ગોળીબારથી ત્રણ મરણ થયાં અને
બે ઘાયલ થયા. મહેસાણામાં પોલીસે લાઠીમાર કરતાં સંખ્યાબંધ ઘાયલ થયા. અમદાવાદમાં ઘીકાંટા,
શાહપુર, રાયપુર, ઝકરિયા મસ્જિદ, દિલ્હી ચકલા, સુથારવાડાની પોળ વગેરે સ્થળઓએ ગોળીબાર
અને ટીયરગેસ ફૂટ્યા અને રાત્રિ કરફ્યુનો ભંગ કરવા માટે 500 ઉપરાંત માણસોની ધરપકડ કરવામાં
આવી અને 24 કલાકનો ચાલુ કરફ્યુ વધુ અને વધુ લંબાવવામાં આવ્યો. શ્યામપ્રસાદ વસાવડાની
અપીલ છતાં અમદાવાદની 37 મિલો બંધ રહી અને બાકીની મિલોમાં સાવ ઓછી હાજરી જણાઈ.
આથી જણાયું કે, મિલકામદારો ઉપર મજૂર મહાજનની કોઈ અસર થઈ નહીં.

કોરોના દરમિયાન નરેન્દ્ર મોદીએ ‘જનતા કરફ્યુ’ની જાહેરાત કરી હતી તે સૌને યાદ
હશે, પરંતુ જનતા કરફ્યુની શરૂઆત તો ગાંધીજીના સમયથી થઈ ગઈ હતી જે સ્વયંભૂ બંધની
જાહેરાત હતી. 19મી ઓગસ્ટે એવી જાહેરાત કરવામાં આવી કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની સામાન્ય
સભા મળશે અને તે પછી દ્વિભાષી રાજ્યના મુખ્યપ્રધાન મોરારજીભાઈ દેસાઈ લાલદરવાજા
મેદાનમાં પ્રવચન કરશે. સહુએ નક્કી કર્યું કે, સમગ્ર શહેરમાં જનતા કરફ્યુ જાહેર કરવો અને કોઈને
ઘરની બહાર નીકળવા દેવા નહીં. મોરારજીભાઈની સભા નિષ્ફળ જવી જોઈએ એ વિશે વિદ્યાર્થીઓ
એકદમ દ્રઢ નિશ્ચયી હતા. જનતા કરફ્યુને સફળ બનાવવા માટે 3 હજાર ભાઈ-બહેનો કામે લાગ્યા
અને પ્રજાએ પણ પૂરા સહકાર સાથે જનતા કરફ્યુને પાળ્યો. 19મી ઓગસ્ટ, ’56ને દિવસે
લાલદરવાજાની સભા ભયંકર નિષ્ફળ નીવડી. મોરારજીભાઈ ખૂબ ગુસ્સે થયેલા. એમણે વિદ્યાર્થી
નેતાઓને બોલાવીને લડત સમેટી લેવા માટે આગ્રહ કર્યો, લાલચ આપી, પરંતુ છોકરાંઓ તૈયાર
નહોતા. મોરારજીભાઈએ જાહેર કર્યું કે, ‘જ્યાં સુધી અમદાવાદના લોકો મને નહીં સાંભળે ત્યાં સુધી હું
ઉપવાસ કરીશ.’

અંતે, વચલો રસ્તો કાઢીને 20મી ઓગસ્ટે સાંજે લૉ કોલેજમાં જાહેર સભા મળી.
જેમાં જંગી મેદનીએ કોઈપણ સંજોગોમાં મહાગુજરાત મેળવવાના સોગંધ લીધા. મોરારજીભાઈ
હજી ઉપવાસ પર હતા. એમને મળવા માટે યશવંતરાવ ચવ્હાણ અમદાવાદ આવ્યા. 26.8ના દિવસે
મોરારજીભાઈએ પારણા કર્યા અને એ જ દિવસે સાંજે લાલદરવાજાના મેદાનમાં એમની સભા થઈ.
પોલીસને કશું જ નહીં કરવાની સૂચના હતી, પરંતુ ઉશ્કેરાયેલા જુવાનીયાઓએ તોડફોડ કરી,
પત્થરમારો થયો, ફરી એક મરણ થયું અને 150થી વધારે છોકરાંઓને ઈજા થઈ. સોથી વધુ લોકોને
જેલમાં મોકલવામાં આવ્યા.

આ આંદોલનને યોગ્ય સ્વરૂપ અપાવું જોઈએ નહીં તો બધું જ નકામું થશે એમ
વિચારીને ઈન્દુલાલ યાજ્ઞિક આગળ આવ્યા. નાગરિક પરિષદની સ્થાપના થઈ અને એમને પ્રમુખ પદ
માટે પસંદ કરવામાં આવ્યા. એ અરસામાં ઈન્દુચાચા તરીકે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિક જયંતી
દલાલના વસંત પ્રિન્ટિંગ પ્રેસમાં બેસતા. એમણે પ્રમુખ પદ સ્વીકાર્યું અને આંદોલનને એક યોગ્ય
ડિઝાઈન કરેલું વ્યવસ્થિત સ્વરૂપ મળ્યું. 9.9.56ના દિવસે ખાડિયામાં આવેલી ઔદિચ્યની વાડીમાં
એક હજાર ડેલિગેટ અને 500 આમંત્રિતો હાજર હતા. ઈન્દુલાલ યાજ્ઞિક ત્યાં પહોંચ્યા ત્યારે ‘લે કે
રહેંગે મહાગુજરાત’ના નારાઓ ગૂંજી ઉઠ્યા. સંસ્થાનું નામ મહાગુજરાત પરિષદ રાખવાનું નક્કી થયું
અને પહેલી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર મહાસત્તા ગુજરાત ઉજવવાનું નક્કી થયું. આઠમી
ઓક્ટોબર શહીદ દીન ઉજવવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો.

મહાગુજરાત તરફી વાતાવરણ જામવા લાગ્યું અને ઓક્ટોબરનું પહેલું અઠવાડિયું
કટોકટી અને કસાકસીમાં ગયું. બીજી ઓક્ટોબરે, નહેરુ અમદાવાદ આવ્યા અને લાલદરવાજાની
સભામાં એમણે પ્રવચન કર્યું. નહેરુએ સમજાવટની ભાષા વાપરીને જે કંઈ થયું તેની માફી માંગી. આ
બધા સમય દરમિયાન આંદોલન પૂરેપૂરો વેગ પકડી ચૂક્યું હતું. પ્રજાના ભયાનક વિરોધ છતાં દ્વિભાષી
માળખાની કાર્યવાહી ચાલુ રહી અને સૌથી મહત્વની વાત મુંબઈ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે
ઠાકોરભાઈ દેસાઈએ મરાઠીમાં પ્રવચન કર્યું. એને કારણે એ વિવાદાસ્પદ તો બન્યા જ, પણ
ગુજરાતની જનતાને એમની સામે સારું એવું મનદુઃખ થયું.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *