ઈર્ષાથી અસ્તિત્વના અર્થ સુધીનો પ્રવાસ… જીના ઈસી કા નામ હૈ

ઈર્ષા-જેલેસી… શેક્સપિયરના નાટકો હોય કે રામાયણની કથા, કૈકેયી હોય કે
‘ઓથેલો’નો લેગો, એમના ગુનાહનું કારણ ઈર્ષા અથવા જેલેસી છે. મિત્ર હોય કે સ્વજન,
પારિવારિક સંબંધ હોય કે સગાં ભાઈ-બહેન, એક વ્યક્તિની સફળતા, પ્રસિધ્ધિ, સત્તા કે
સંપત્તિ બીજી વ્યક્તિ માટે ‘પોતાની નિષ્ફળતા’ કે ‘પોતાના અભાવ’નું કારણ કેમ હોય?
ઈર્ષાનું સૌથી મોટું કારણ ‘સરખામણી’ છે. સત્ય એ છે કે, કુદરતે સૌને જુદા બનાવ્યા છે,
એનો સૌથી મોટો દાખલો એ છે કે, કોઈ બે વૃક્ષ, વાદળ કે ફૂલ સરખાં નથી. આઠ અબજ
માણસો આ જગતમાં વસે છે તેમ છતાં કોઈપણ બે માણસની ફિંગરપ્રિન્ટ એકસરખી નથી!
તો પછી, એકમેકની સરખામણી શા માટે? સૌની પાસે પોતાની આગવી આવડત, અક્કલ
અને કિસ્મત છે, સૌ પોતપોતાના કર્મ કરે છે… અને એ કર્મનું ફળ પામે છે.

આપણે જે ઈચ્છીએ છીએ તે બધું જ આપણને મળે એવો આગ્રહ કે હઠ જ
આપણને અન્યની ઈર્ષા કરાવે છે. આપણી પાસે જે ‘છે’ તેનું લિસ્ટ તો બનાવતા જ નથી,
પરંતુ જે ‘જોઈએ છે’ અથવા ‘જે નથી’ એનું લિસ્ટ સતત અપડેટ કરતાં રહીએ છીએ. ઈર્ષા,
એક કડવી કે તીખી લાગણી છે. આપણને વધુ ને વધુ અભાવમાં ધકેલે છે. આપણી નિકટની
વ્યક્તિ-સ્વજન કે પ્રિયજન સાથે હરિફાઈ કરવા મજબૂર કરે છે.

એકલવ્યની આવડત જોઈને એનો અંગૂઠો માગી લેવાને બદલે જો દ્રોણાચાર્યએ
અર્જુનને વધુ મહેનત કરીને એનાથી પણ વધુ સારો બાણાવળી બનવાની પ્રેરણા આપી હોત
તો એ સાચા અને સારા શિક્ષક! ઈન્દ્રપ્રસ્થનું નગર જોઈને ઈર્ષા કરવાને બદલે દુર્યોધને પાછા
ફરીને હસ્તિનાપુરને વધુ સારું નગર અને રાજ્ય વ્યવસ્થાને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યો
હોત તો દુર્યોધન વધુ સફળ થયો હોત… માયથોલોજી-મહાકાવ્યો કે પુરાણોની કથાઓને
તોડી-મરોડીને જુદી જુદી રીતે કહેવાની એક ફેશન શરૂ થઈ છે. લેખકો એને પોતાનો પોઈન્ટ
ઓફ વ્યૂ અથવા પર્સપેક્ટિવ કહે છે, પરંતુ આ બદલાવનું કારણ આપણી ભીતર આવી રહેલો
બદલાવ છે. સીતાજી વનમાં પતિ સાથે આનંદથી રહે-અને અચાનક એમને સૃવર્ણ મૃગની
લાલસા થાય! પાંચ પતિઓ સાથે જીવન વહેંચવાના સાસુના આદેશનો વિરોધ ન કરે અને
અચાનક દ્રૌપદી દુર્યોધનને કશુંક એવું સંભળાવે જે મહાભારતમાં યુધ્ધનું કારણ બને? આ
કથાઓના પોતાના આગવા સંદેશ છે-પરાઈ સ્ત્રીને મરજી, એની ઈચ્છા વિરુધ્ધ સ્પર્શ કરે તો
રાવણના મસ્તકના ટુકડા થઈ જાય એવા અભિશાપને કારણે રાવણ સીતાનો સ્પર્શ નથી કરતા,
અથવા આટલા બધા જ્ઞાની-જે શિવતાંડવ રચી શકે એ કોઈની સ્ત્રી ઉપાડી લાવે? આપણે
બધા જે કથા પાસેથી ‘શીખવા’નો દાવો કરીએ છીએ એ કથાઓને જ કેટલાક સવાલો
પૂછાવા જોઈએ… જેનાથી, જીવન વિશેની સમજમાં ઉમેરો થાય.

આત્મવિશ્વાસનો અભાવ દરેક વ્યક્તિને અસુરક્ષા અને ઈર્ષા તરફ દોરી જાય છે. જે
છે એનો આનંદ ન માણી શકતો દરેક માણસ ‘દુઃખી’ જ છે એ સતયુગ, ત્રેતા, દ્વાપર કે
કલયુગ… ઈન્દ્રને ઈન્દ્રાસન ડોલતું લાગે અને વિશ્વામિત્ર મેન્કાના મોહમાં લપેટાય, શિવ
ભસ્માસુરને વરદાન આપે અને અંતે શિવને બચાવવા વિષ્ણુએ મોહિની સ્વરૂપ લેવું પડે…
આ બધી કથાઓ આપણને શીખવે છે કે, જીવનમાં સૌને સમસ્યા છે જ. માણસ હોય કે દેવ,
ક્યાંક ભૂલ થઈ જાય છે, પરંતુ જે ભૂલ સુધારી શકે છે એ વધુ બહેતર જીવન તરફ આગળ વધી
શકે છે અને જે ભૂલ સ્વીકારતા નથી બલ્કે અહંકારમાં એને ‘ભૂલ’ માનવા તૈયાર જ નથી એ
સૌ માટે ‘ભૂલ’ કર્મ બની જાય છે જેનું પરિણામ ભોગવવા વ્યક્તિએ તૈયાર રહેવું પડે છે.

મોટાભાગના લોકોની જિંદગી સારી જ હોય છે, પરંતુ એમને સગવડનો અભાવ ખૂંચે
છે એટલે એમને પોતાની જિંદગી અઘરી, મુશ્કેલ અને અપ્રિય લાગવા માંડે છે. માણસ
સામાન્ય રીતે ફરિયાદો અને અપેક્ષાઓનું એક બંડલ છે. આપણી આસપાસ ધીમે ધીમે એક
જાળું ગૂંથાતું જાય છે, ઝંખનાનું, મોહનું, માયાનું, ઈચ્છાઓનું, જરૂરિયાતોનું… આપણા જ
મનમાંથી અભાવનો તાર નીકળીને આપણી આસપાસ લપેટાતો જાય છે. આપણને ખબર ન
પડે એમ આપણે બંધાતા જઈએ, ફસાતા જઈએ, અટવાતા જઈએ, ને આંખ ખૂલે ત્યારે
સમજાય કે, આપણી ગૂંથેલી જાળમાં આપણે પોતે જ સપડાઈ ગયા છીએ.

એક જાળ, પછી જંજાળ… વધતી જાય. ખરેખર તો આપણને બહુ જ ઓછાની
જરૂરિયાત છે, બાકીની ઈચ્છાઓ, ઝંખનાઓ છે અને સામાન્ય રીતે પોતાની પાસે છે એ બધું
ઓછું જ પડે છે. જિંદગી બે રસ્તા આપે છે એક, શ્રેય અને બીજું, પ્રેય. જે સારું છે તે અને
બીજું પ્રિય છે તે… દરેક વખતે પ્રિય હોય એ સારું જ હોય એવું જરૂરી નથી અને જે સારું
હોય એ દરેક વખતે ગમે જ એવું તો નથી જ.

ક્યારેક મુઠ્ઠીમાં હસ્તરેખાની જેમ તદ્દન સંકોચાઈને જિંદગી પૂરાઈ જાય તો ક્યારેક
વિચારોમાં આકાશની જેમ ફેલાય. ક્યારેક ઝાકળની જેમ ધીમે ધીમે ટપકે તો ક્યારેક વરસાદની
જેમ ધોધમાર. જિંદગી સાથેનો સંબંધ સીઝનલ ફ્લાવર જેવો ન હોઈ શકે એ તો બારે
મહિના લીલીછમ રહે, જો રાખવી હોય તો! જેણે ‘સુખી’ થવું હોય એણે શરૂઆત કરવી પડે-
જે મળ્યું એને સ્વીકારીને, એટલામાં જ સુખી થવાની.

માણસ હોઈએ એટલે ઈચ્છા તો હોય જ, ફરિયાદો પણ હોય, પરંતુ માત્ર ઈચ્છા અને
ફરિયાદ એ જ જિંદગી નથી. જિંદગી એટલે મજા, આનંદ, મળ્યું તે માણવાનો એક જુદો
અભિગમ પણ ખરો ને? જિંદગીનો હાથ હાથમાં લઈને ચાલીએ તો સમજાય કે, આપણે
જેની સાથે ચાલતા હોઈએ એનો જમણો હાથ આપણા જમણા હાથમાં ન લઈ શકાય-એનો
ડાબો જ હાથ પકડવો પડે! અર્થ એ થયો કે, દરેક વખતે જિંદગીના નિર્ણય સાથે આપણે
સહમત હોઈએ કે આપણી તમામ ઈચ્છા જિંદગી પૂરી કરે જ એવું શક્ય નથી.

જિંદગી તો ખુશમિજાજ છે, આનંદ અને ઉત્સવ એનો સ્વભાવ છે, કરુણા
અને વહાલ એની પ્રકૃતિ છે, સમજદારી અને સ્વીકાર એની આવડત છે, પરંતુ
આપણે એની પાસેથી એ શીખતા નથી. આપણે તો સાંધવાને બદલે બાંધીએ,
જોડવાને બદલે તોડીએ… અને પછી ફરિયાદ કરીએ… ખરેખર તાળું નહીં,
કાળું નહીં, જાળું નહીં, બસ, એક તાર જે આપણને જિંદગી સાથે જોડી રાખે એ
જ જીવનનું સત્ય છે. એ તાર મજાનો, આનંદનો, સંતોષનો, શાંતિનો અને
સ્નેહનો તાર છે. આપણે જ એને ગૂંચવી નાખ્યો છે. ગાંઠો ખોલી નાખીએ તો એ
તાર આપોઆપ સીધો જોડાઈ જશે, જિંદગી સાથે અને જીવનમાં ઝંકાર
આપોઆપ પ્રગટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *