ઈસ ભરોસે પે કર રહા હૂં ગુનાહ, બખ્શ દેના તો તેરી ફિતરત હૈ

ભારતીય સંસ્કૃતિમાં ‘પશ્ચાતાપ’ અને ‘પ્રાયશ્ચિત’ એવા બે શબ્દો આપણને મળે છે…
કોઈપણ અયોગ્ય કામ કે જેને સાદી વ્યવહારું ભાષામાં ખોટું કે અસ્વીકાર્ય કહી શકાય તેવા વર્તન
વિશે અફસોસ થવો માનવસહજ બાબત છે. કોઈને નારાજ કરીએ, તકલીફ આપીએ, અન્યાય
કરીએ, ન કહેવાના શબ્દો કહેવાઈ જાય ત્યારે થતી લાગણીને આપણે પશ્ચાતાપ કહીએ છીએ.
પશ્ચાતાપ કર્યા પછી એ વર્તન નહીં જ થાય, અથવા આપણે એવું જ બીજી વાર નહીં કરીએ
એવું જાતને વચન તો આપીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો એ પાળી શકતા નથી! ફરી ગુસ્સો
આવે કે ફરી લાલચ થાય એ પણ એટલું જ માનવસહજ છે… કેટલાક લોકો પોતે કરેલા વર્તન કે
વ્યવહારનું ‘પ્રાયશ્ચિત’ પણ કરી લેતા હોય છે. ક્યારેક માફી માગીને તો ક્યારેક બીજું સારું કામ,
દાન-પૂજા, યજ્ઞ વગેરે કરીને મન મનાવવાની પણ આપણને ફાવટ આવી ગઈ છે. સવાલ એ છે કે,
આપણે જેને ઈશ્વર કહીએ છીએ, ઈસ્લામ જેને ખુદા કહે છે કે ક્રિશ્ચાનિટી જેને જિસસ કહે
છે, જૈનત્વ જેમને તીર્થંકર તરીકે પૂજે છે એવા પરમતત્વ-પરમઆત્મા કે આ યુનિવર્સને રચનાર
કોઈ અલૌકિક શક્તિ આપણી આ નાની ભૂલચૂક-કે માનવીય અવગુણોને કઈ રીતે જોતી હશે?
પરમતત્વના અંશમાંથી રચાયેલો આ ‘માણસ’ શ્રેષ્ઠ સર્જન હોઈ શકે-પરંતુ, સંપૂર્ણ સર્જન નથી એ
વાતની એનું સર્જન કરનારને તો જાણ હશે જ ને? આ કેટલી મજાની વાત છે! જેણે આપણું
સર્જન કર્યું છે એણે જ આપણામાં આ લાલચ, ઈર્ષા, અહંકાર, ક્રોધ જેવા નાનામોટા માનવીય
ફોલ્ટ-અવગુણ-અશુધ્ધતાઓને મૂકી છે. જો એ ન હોત, તો આપણે પણ પરમતત્વ બની જઈએ
ને? એક શિલ્પકાર જ્યારે શિલ્પનું નિર્માણ કરવાનું ધારે છે ત્યારે એને પત્થરના ટૂકડામાં રહેલું
શિલ્પ દેખાતું જ હોય છે-માત્ર વધારાનો પત્થર કોતરીને એ સર્જક એમાંથી પોતે જોયેલા શિલ્પનું
નિર્માણ કરે છે એવી જ રીતે માણસનું સર્જન થયું હશે, કદાચ! સર્જકના મનમાં જે છબિ હોય
એનું સંપૂર્ણ ટ્રાન્સલેશન-ટ્રાન્સક્રિએશન કદાચ શક્ય નથી હોતું કારણ કે, કલ્પના અને સાકાર
થયેલા સર્જન વચ્ચે નાનકડો ફરક તો રહી જ જાય છે, કદાચ એટલે જ સર્જકે કરેલી ‘માણસ’ની
કલ્પના અને સર્જાયેલા માણસ વચ્ચે થોડો તફાવત છે.

જે લોકો એમ કહે છે કે એ કશું જ ખોટું કરતા નથી-એમણે જીવનમાં કશું ખોટું કર્યું જ
નથી અથવા કોઈને દુઃખ પહોંચાડ્યું નથી, કોઈને અન્યાય કર્યો નથી, કદી એમને ઈર્ષા કે અહંકાર
થયા નથી તો એ લોકો-બધા જ, ક્યાંક જુઠ્ઠું બોલે છે અથવા સત્યનો સ્વીકાર કરતાં અચકાય છે.
માણસ માત્ર ‘ગુનાહ’ અથવા ‘ભૂલ’ કરે છે-કદાચ, એ જ એના ‘માણસ’ હોવાની સાબિતી છે.
સવાલ એ છે કે, આવો કોઈ ગુનાહ, કોઈ ભૂલ, કોઈ અન્યાય કે અસત્ય પછીની લાગણી શું છે?
શું આપણે સહજતાથી ક્ષમા માગી શકીએ છીએ? આ આપણી ભૂલ કે ગુનો સ્વીકારી શકીએ
છીએ? જે તે વ્યક્તિને થયેલા અન્યાય બાબતે કદાચ માફી માંગતા આપણને અહંકાર નડે,
આપણું પદ, પ્રતિષ્ઠા કે પૈસા આડા આવે… તો આપણે ઈશ્વર-ખુદા-ગોડ પાસે માફી માગી
શકીએ છીએ ખરા?

આ વિચારની સાથે જ એક બીજો વિચાર જોડાયેલો છે, કે જેણે આપણું સર્જન કર્યું છે
એ તો આપણી નબળાઈઓને બરાબર ઓળખે જ છે. જે સર્વવ્યાપી છે, ભીતર અને બહાર છે,
પંચતત્વમાં નિરાકાર, નિર્ગુણ, પરમબ્રહ્મ છે એ શું એની જ દુનિયામાં ચાલતી કોઈ બાબતથી
અજાણ છે ખરા? જો એમ નથી તો, એ બધું જ જાણે છે તો એની સામે શું છુપાવવાનું?

જે આપણા સારા કાર્યોના સમયે, સુખના સમયે આપણી સાથે હોય છે એ આપણા
ગુનાહ કે ભૂલોના સમયે નથી હોતા? આના જવાબમાં એક આનંદ નારાયણ મુલ્લાનો શે’ર છે,
સર-એ-મહશર યહી પૂછુંગા ખુદા સે પહેલે
તુને રોકા ભી થા બંદે કો ખતા સે પહેલે?

આ શે’ર કહે છે કે, જો અન્યાય, ભૂલ કે ગુનાહના સમયે પરમતત્વ હાજર હોય, તો એ
આપણને ખોટું કરતાં રોકતા કેમ નથી? આપણે કર્મ અને ફળની કથા કહીએ, તો ખોટું કર્મ બને તે
પહેલાં જ આપણને ભીતરથી કોઈ અટકાવે કેમ નહીં? એનો જવાબ એ છે કે, આપણી ભીતર
જ અસ્તિત્વ ધરાવતું એ તત્વ આપણને નિર્ણય કરવાનો હક્ક આપે છે. આપણે જે નિર્ણય કરીએ,
એ આપણું કર્મ છે. એની અપેક્ષા એ છે કે, આપણને મળતા હક્ક અને તકનો આપણે સાચો
ઉપયોગ કરીએ. એણે આપેલી સમજણને યોગ્ય સમયે કામમાં લઈએ. કદાચ, એમ ન કરી શકીએ
તો ક્ષમા માગીએ! એકની એક ભૂલ બીજી વાર ન કરીએ, એટલું તો કરી જ શકીએ કે નહીં?

માણસ એકની એક ભૂલ કર્યા જ કરે છે ને છતાં, એ તત્વ-ઈશ્વર-ખુદા-ગોડ… ખૂબ
મહેરબાન છે. આપણે વારંવાર ભૂલો કરીએ છીએ અને એ વારંવાર ક્ષમા કરે છે. એનું સૌથી મોટું
ઉદાહરણ એ છે કે, આટલા બધા ખરાબ માણસો હોવા છતાં ઈશ્વરે ‘માણસ’નું સર્જન બંધ નથી
કર્યું.

ઈશ્વરની ક્ષમા આપવાની શક્તિ, ખુદાની રહેમદિલી અને ગોડની ફર્ગિવન્સ વિશે કેટલાક
સુંદર શે’ર જડ્યા છે.

મેરે ગુનાહ જ્યાદા હૈ યા તિરી રહમત
કરીમ તૂ હી બતા દે હિસાબ કર કે મુઝે

3

 ગુનાહ ગિન કે મેં ક્યૂ અપને દિલ કો છોટા કરું
સૂના હૈ તેરે કરમ કા કોઈ હિસાબ નહીં
 ફરિશ્તેં હશ્ર મેં પૂછેંગે પાક બાજોં સે
ગુનાહ ક્યૂં ન કિયે ક્યા ખુદા ગફૂર ન થા?
 પૂછેગા જો ખુદાહ તો કહેં દેગે હશ્ર મેં
હાં હાં, ગુનાહ કિયા તેરી રહેમત કે જોર પર
 રહેમત અગર ન માંગે ખુદા સે, તો માંગે કિસસે
જો દે સકતા હૈ ઉસી સે તો સવાલ હોતા હૈ
 વો હે બડા કરીમ, રહીમ ઉસકી જાત હૈ
નાહક ગુનહગારો કી ફિક્ર-નઝાક હૈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *