ઈસ બુલંદી પે બહુત તન્હા હૂં; કાશ, મૈં સબ કે બરાબર હોતા

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં વસતા તાહિર ફરાઝ એક કોમળ હૃદયના ગઝલકાર છે. પાલતું જીવો,
પ્લાન્ટ્સ અને માણસો સાથે એમની સંવેદનાઓ આસાનીથી જોડાય છે. એમની કવિતાઓ (ગઝલો)
સામાન્ય રીતે સંબંધો અને લાગણીઓને ખૂબ ઋજુતાથી અભિવ્યક્ત કરે છે. હરિહરનના અવાજમાં
ગવાયેલી અને સ્વરબદ્ધ થયેલી એમની ગઝલ, ‘કાશ, ઐસા કોઈ મંઝર હોતા, મેરે કાંધે પે તેરા સર
હોતા…’ ખૂબ લોકપ્રિય થઈ છે.

એમાંનો એક શે’ર, ‘ ઈસ બુલંદી પે બહુત તન્હા હૂં, કાશ, મૈં સબ કે બરાબર હોતા’ કદાચ
એવી વ્યક્તિની મનઃસ્થિતિ પ્રગટ કરે છે જેણે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા પછી કોઈ સફળતા,
પ્રસિધ્ધિ, લોકપ્રિયતા કે સત્તા જોઈ છે. પોતાના જ મિત્રો જેની સાથે રમ્યા હોઈએ, ઝઘડ્યા હોઈએ,
સંઘર્ષ પણ સાથે જ શરૂ કર્યો હોય એ અચાનક જ આપણને ‘સેલિબ્રિટી’ તરીકે જોવા માંડે ત્યારે એક
નહીં સમજાતા અફસોસની લાગણી થાય છે. આપણી સફળતા આપણા વ્યવસાય પૂરતી સીમિત હોય
છે, હોવી પણ જોઈએ. વ્યક્તિ સફળ થાય કે પદ, પ્રતિષ્ઠા, સત્તા સુધી પહોંચે ત્યારે એની
આસપાસના જગતમાં વસતા એના સ્વજન કે પ્રિયજન સાથેના એના સંબંધ બદલાતા નથી, બલ્કે
વધુ ગાઢ થતા હોય છે. જેને દુનિયાભરના લોકો એક સફળ કે પ્રસિધ્ધ વ્યક્તિ, સત્તાધીશ કે પદાધીશ
તરીકે જોતા હોય ત્યારે પોતાને કોઈ ‘સહજ’ અને ‘સામાન્ય’ વ્યક્તિ તરીકે જુએ, ઓળખે, સ્વીકારે
અને ચાહે એ ખૂબ મોટી જરૂરિયાત બની જાય છે. આવી વ્યક્તિની આગળ અને પાછળ અનેક લોકો
હોય છે. એની આસપાસનું વર્તુળ ખૂબ મોટું હોઈ શકે, પણ એની ‘સાથે’ કોણ છે એની તલાશ આવી
વ્યક્તિને હંમેશાં રહેતી હોય છે. ગુલઝાર સાહેબે ક્યાંક લખ્યું છે, ‘જેમ ઉંમર વધતી જાય છે એમ ‘તું’
કહેનારા મિત્રો ઘટતા જાય છે.’ આ વાત કેટલી સાચી છે ! સારું કહેનારાની સંખ્યા વધતી જાય ત્યારે
સાચું કહેનારાની સંખ્યા ઘટતી જાય છે… આવા દાખલા આપણી સામે અનેક છે. જેમ વ્યક્તિ સફળ
થવા માંડે એમ એની આસપાસ એવા લોકોનો મેળાવડો વધતો જાય છે જે આવી વ્યક્તિને પોતાનાથી
જ દૂર લઈ જાય છે. આ સફળ, લોકપ્રિય, પ્રસિધ્ધ કે સત્તાધારી વ્યક્તિ નરેન્દ્ર મોદી હોય કે અમિતાભ
બચ્ચન… એક તરફથી એમને માટે ‘ટોપ’ પર ટકી રહેવું અનિવાર્ય છે, તો બીજી તરફ આ ‘ટોપ’ અથવા
‘શિખર’ પર એક જ વ્યક્તિ માટે જગ્યા હોય છે. અસલામતીની સાથે સાથે એકલતા, આ ઊંચાઈ કે
બુલંદી સાથે વ્યક્તિને મળતો અભિશાપ છે.

અભિષેક બચ્ચને એકવાર ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘મારી ફિલ્મ સફળ થાય તો લોકો કહે છે,
અમિતાભનો દીકરો છે ! અને મારી ફિલ્મ નિષ્ફળ જાય તો લોકો કહે છે, બોલો ! અમિતાભનો દીકરો
છે !’ આ સમસ્યા એકલા અભિષેકની નહીં જ હોય, લગભગ તમામ સફળ માતા-પિતાના સંતાનોને
આ સવાલ નડતો હશે. વ્યક્તિ સફળ થાય એથી માતા-પિતા, મિત્ર, પતિ કે પત્નીનો એનો રોલ
બદલાઈ નથી જતો. એના નિકટના સંબંધો તો યથાવત જ રહે છે. પોતાના ઘરની ચાર દિવાલમાં એ
ગમે તેટલું સહજ કે સામાન્ય રહેવાનો પ્રયાસ કરે તેમ છતાં જ્યારે, એના પોતાના લોકો જ એની
સફળતા અને નિષ્ફળતા સાથે સંબંધોના ત્રાજવા તોલવા લાગે ત્યારે જે સફળતા માટે આટલો સંઘર્ષ
કર્યો, સપનાં જોયા કે જિંદગીનો ઉત્તમ સમય ખર્ચી નાખ્યો એ ‘સફળતા’ અર્થહીન અને વજનદાર
લાગવા માંડે છે !

તાહિર ફરાઝની આ ગઝલમાં જે કહ્યું છે એ જ વસીમ બરેલવીના એક શે’રમાં એમણે પણ
કહ્યું છે, ‘પાઈ હવાઓ મેં ઉડને કી વો સજા યારોં, કી મેં જમીન કે રિશ્તોં સે કટ ગયા યારોં…’

મોટાભાગના લોકો એવું માને છે કે સફળ, પ્રસિદ્ધ, વ્યવસાયમાં મહેનત કરતી
અને સતત કશું નવું કર્યા કરતી સ્ત્રીઓ ઘરમાં ધ્યાન નહીં આપતી હોય… એમાં એમનો
વાંક નથી, એક સ્ત્રી પાસેથી ગૃહિણી સિવાયની કોઈપણ અપેક્ષા રાખતાં આપણો
સમાજ હજી શીખ્યો નથી. મલ્ટિટાસ્કીંગ નવી પેઢી ધીમે ધીમે સમજાવી રહી છે, પરંતુ
મારી પેઢીની સ્ત્રીઓ હજી એમ માને છે કે મારા જેટલું ‘વ્યવસાયિક’ કામ કરતી સ્ત્રીઓ
પ્રમાણમાં બેદરકાર અને રેઢિયાળ હોવી જોઈએ.

વ્યક્તિ તરીકે આપણી ઓળખ ઈન્ડીવિજ્યુઆલિસ્ટીક નથી હોતી, આપણે કોઈ એક સંબંધ
દ્વારા ઓળખાઈએ છીએ. કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની મા કે કોઈની મિત્ર એ આપણી
સાચી ઓળખ છે.

“અમે તને એવું વિચારીને ફોન નથી કરતા કે તું બહુ બિઝિ હોઈશ…” આ વાક્ય હું પણ
વારંવાર સાંભળું છું. મિત્રો પાસેથી, પરિવારના સભ્યો પાસેથી કે સ્વજનો પાસેથી ! હું એમને પૂછું
છું, “એવું ક્યારે બન્યું કે તમે ફોન કર્યો હોય ને મેં ન ઉપાડ્યો હોય ? તમારા મેસેજનો જવાબ ન
આપ્યો હોય ? કે કલાક-દોઢ કલાકમાં કોલ રીટર્ન ન કર્યો હોય ?” કારણ કે, હું મોટેભાગે તો ફોન
રિસિવ કરું જ છું. ન કરું તો અજાણ્યા નંબર પર પણ કોલ રીટર્ન કરવાની મારી ટેવ છે. પરિવારના
કોઈ સભ્યોનો જન્મદિવસ કે ખાસ પ્રસંગો હું ચૂકી નથી. મારા પરિવારના સભ્યો માટે મારી પાસે
હંમેશા સમય હોય છે. મેં કોઈ દિવસ મારા પરિવારમાં કોઈને પણ, ‘ટાઈમ નથી’ એવું કહ્યું નથી, તેમ
છતાં આ માન્યતા એમણે જાતે ઊભી કરી લીધી છે !

મહત્વનો મુદ્દો એ છે કે ફેમ અને ફેમિલી એકબીજાની સાથે હોય છે, એકબીજાની સામે નથી
હોતા. ફેમ, પ્રસિદ્ધિ, પૈસા, સત્તા એ માણસની વ્યવસાયિક ઓળખ છે, પરંતુ ફેમિલી, પરિવાર કે
મિત્રો માણસની અંગત ઓળખ છે. સલીમ ખાને એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જો માણસને
જાણવો હોય તો એ જાણવું જોઈએ કે એના સ્ટાફ કેટલો જૂનો છે અને એના મિત્રો કેટલા જૂના છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *