દહેજ માગે એ દેવ ને મારે એ મર્દ…

ગાડી, મોટર સાયકલ, ફ્રીઝ કે રોકડા રૂપિયા… છેલ્લા થોડા સમયથી દહેજ માગતા પતિ અને સાસરિયાની
ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગી છે. કોરોનાકાળ પછી આ ફરિયાદોની સંખ્યા વધીને એવું પણ લાગે છે. આ
ફરિયાદો પહેલાં પણ હતી ? હવે નોંધાઈ રહી છે ? કે પછી, કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ગયેલા, મુશ્કેલીમાં
મૂકાયેલા પતિની સાસરિયા પાસેથી અપેક્ષાઓ વધવા લાગી છે ? આર્થિક તકલીફ ઊભી થાય એટલે પત્નીને
મારીપીટીને સાસરિયા પાસેથી મદદ માગવાની આ વૃત્તિ કોઈ પુરૂષત્વનું પ્રમાણ છે ?

આપણા દેશમાં ‘પુરૂષ’ કે ‘મર્દ’નો અર્થ ફક્ત સ્ત્રીને પીડિત, શોષીત અને કચડાયેલી રાખવા પૂરતો છે ?
આપણે બધા વાતો મોટી મોટી કરીએ છીએ, પરંતુ આજે પણ સ્ત્રીનું સ્થાન એક પ્રશ્નાર્થચિહ્ન બની રહ્યું છે.
પોલીસમાં કે લશ્કરમાં સ્ત્રી જ્યારે પોતાની એક જગ્યા ઊભી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે આ બધા વ્યવસાય માત્ર
પુરૂષ માટે હોય એવો એક વિચિત્ર માહોલ ઊભો કરવામાં આવે છે. કોર્પોરેટમાં મહિલા ઉપરી પાસેથી ઓર્ડર લેતા
પુરૂષને અહંકાર નડે છે તો બીજી તરફ, એ જ સ્ત્રી સાથે ‘રિલેશનશિપ’ કે ‘શારીરિક સંબંધ’ બાંધવામાં એમને કોઈ
સમસ્યા નડતી નથી. આગળ વધવા માગતી કે મહત્વાકાંક્ષી દરેક સ્ત્રી ‘પોતાના ઘરબારની ચિંતા નથી કરતી એવું ધારી
લેવાની આ સમાજને ટેવ પડી ગઈ છે.’ લગ્ન ન કરવા માગતી કે લગ્ન પછી પણ બાળક ન ઈચ્છતી સ્ત્રી ”પૈસા કે
કરિયર પાછળ પાગલ થઈ ગઈ છે” એવું આસાનીથી કહી દેતા લોકોને આપણે સાંભળ્યા જ છે.

જો ખરેખર સ્ત્રીના કામના કલાકોની કિંમત ગણવામાં આવે તો માત્ર પુરૂષ જ નહીં, આખા પરિવારે સ્ત્રીને
લાખો રૂપિયા ચૂકવવાના થાય છે. મહારાજનો પગાર, બાળકને સ્કૂલે લેવા-મૂકવા જવાની ફી, ઘર ચોખ્ખું રાખવાનો
પગાર, વૃધ્ધ માતા-પિતાની સેવા કરવાની નર્સિંગ ફી, બાળકને જન્મ આપીને ઊછેરવાનું (સેરોગસી અને નર્સિંગ-નેની
અથવા આયાનો પગાર), બહારથી ગ્રોસરી અને શાકભાજી લાવવાની, હિસાબ રાખવાનો, બાળકોને હોમવર્ક કરાવવાનું
(ટ્યુશન ફી) અને આ બધું ઓછું હોય એમ સૌના મિજાજ સાચવવાના… આ તો બહુ નાનું લિસ્ટ છે. આમાં ઘણું
ઊમેરી શકાય એમ છે ! આ ઉપરાંત જો કમાતી સ્ત્રી હોય તો એ ઘરમાં પોતાનો પગાર અને આર્થિક પ્રદાન કરે એનું
પણ એક મૂલ્ય હોય છે. આ બધા આંકડા ભેગા કરીએ તો સ્ત્રી પોતાના ઘર માટે, પરિવાર માટે જે કંઈ કરે છે એની
કિંમત કેટલી થાય ? વર્ષોના વર્ષો સુધી સ્ત્રી (લગભગ દરેક પરિવારની દરેક સ્ત્રી) આ કામો કર્યાં જ કરે છે. પુરૂષ
પોતાની નોકરીથી રિટાયર્ડ થઈ શકે છે, પણ સાસુ કે દાદી બની ગયેલી સ્ત્રી પાસે રિટાયરમેન્ટની કોઈ ગુંજાઈશ નથી.
એની સામે કોઈ ગ્રેજ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ કે ઈન્શ્યોરન્સ મોટાભાગની સ્ત્રીઓ પાસે હોતું નથી !

દહેજ માગનારા પરિવાર કે પુરૂષને આ હિસાબ સમજાતો હશે ખરો ? સાચું પૂછો તો વાંક સાસરિયાનો નથી.
દીકરીના માતા-પિતાનો છે. ભણાવી-ગણાવીને, સંસ્કાર આપીને ઉછેરેલી દીકરીને જ્યારે તકલીફ પડે છે, એનું
અપમાન થાય છે કે એના પર અત્યાચાર થાય છે ત્યારે હજી આજે પણ, 2021માં પણ માતા-પિતા એને
‘કોમ્પ્રોમાઈઝ’ કરવાની કે ‘સહન કરી લેવાની’ સલાહ આપે છે ! લગ્નજીવનમાં સમજદારી, સહકાર કે સમર્પણ
અનિવાર્ય છે, પરંતુ બંને પક્ષે. માત્ર સ્ત્રી જ સાસરે ટકી જવા માટે મથામણ કર્યા કરે અને પુરૂષ, એનો પરિવાર સ્ત્રી પર
અત્યાચાર કર્યા કરે એ પરિસ્થિતિ કોઈ રીતે સ્વીકારી શકાય નહીં. એક સ્ત્રીને જેટલી જરૂર પતિ કે પુરુષની, સસુર પક્ષ
કે સલામતીની છે, એટલી જ જરૂર એ સૌને પોતાના પરિવારમાં એક પુત્રવધૂને કે પત્નીની છે. બીજી એક મહત્વની
વાત એ છે કે, લગ્ન ન ટકે, છૂટાછેડા થાય એ માટે ફક્ત સ્ત્રીને જવાબદાર ઠેરવતો આ સમાજ હજી આજથી પાંચ-
સાત દાયકા જૂની માનસિકતામાં જીવે છે. દીકરીના માતા-પિતાએ લગ્ન કરાવતી વખતે દીકરીને જે આપવું હોય તે
આપવું, પરંતુ લગ્નમાં ધૂમ ખર્ચા કરવાને બદલે દીકરીના નામે થોડા અંગત પૈસા/ફિક્સ ડિપોઝીટ કે એસઆઈપી કરવી
જોઈએ. કમાતી હોય તો એની પાસે એનું અંગત ખાતુ અકબંધ રહેશે એવી શર્ત લગ્ન પહેલાં જ થઈ જવી જોઈએ…
એક સ્ત્રી પાસે જ્યારે આર્થિક સલામતી હોય છે ત્યારે એનું સ્વમાન અને આત્મગૌરવ થોડુંક વધુ મજબૂત, અન્યાયનો
વિરોધ કરવાની હિંમત થોડીક વધુ હોય છે.

દરેક વખતે પુરૂષનો કે સાસરિયાનો વાંક હોય છે એવું પણ નથી… આજના સમયમાં એક સ્ત્રી પણ તદ્દન
ખોટી ફરિયાદ કરી શકે છે. સાસરિયાને દબડાવવા, ફસાવવા કે એમની બદનામી થાય એ માટે કાયદાનો દુરુપયોગ કરી
શકે છે. એવા કિસ્સા પણ કોરોનાકાળ પછી બહાર આવવા લાગ્યા છે. હમણા જ રજૂ કરવામાં આવેલા એક સર્વેમાં
ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે કેટલાક ઘરોમાં સ્ત્રીઓ, પતિ પર હાથ ઉપાડે છે, એના માતા-પિતાને પણ મારે
છે… નવાઈની વાત એ છે કે, એક તરફ આ અંતિમ છેડો છે ને બીજી તરફનો અંતિમ છેડો આત્મહત્યા કરતી કે ખૂન
કરીને આત્મહત્યાનું સ્વરૂપ આપી દેવાથી અન્યાયની કથાઓ છે !

સમજી-વિચારીને, એકબીજાને મળીને, પૂરી રીતે ચકાસીને, પસંદ કરવામાં આવેલા લગ્ન પછી આવી સમસ્યા
કેમ સર્જાય છે ? જે બે જણાં એકબીજા વગર જીવી શકે એમ નહોતા, એ એકબીજા સાથે જીવવા તૈયાર ન હોય એવા
સંજોગો કેમ ઊભા થાય છે ?

એને માટે આપણે બીજા કોઈને જવાબદાર ઠેરવી શકીએ એમ નથી… આપણે જાતે જ, એક વ્યક્તિ, પરિવાર
કે સમાજ તરીકે એની જવાબદારી લેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *